સાયન્સ ફેર : કોલસો અને માનવ : કોણ કોને ખત્મ કરશે?

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

કોલસા દ્વારા મળતી ઉર્જા પ્રમાણમાં સસ્તી છે. પણ વૈજ્ઞાનિકોના મતે આ સસ્તી ઉર્જા હવે આપણને બહુ મોંઘી પડી રહી છે. ઇસ ૨૦૧૪ના આંકડા મુજબ વિશ્વમાં વીજળી ઉત્પન્ન કરવા માટે જેટલા પણ સ્રોત છે એ પૈકી કોલસો સૌથી વધુ – ૪૦% જેટલી વીજળી ઉત્પન્ન કરે છે. બીજી તરફ, વિશ્વમાં કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ કોલસાનો ફાળો સૌથી મોટો – લગભગ ૩૯% જેટલો છે! કોલસાના બંધારણમાં ૭૮% જેટલો કાર્બન છે. પરિણામે ઈંધણ તરીકે કોલસાનો ઉપયોગ થાય ત્યારે મોટા પ્રમાણમાં કાર્બન વાયુ વાતાવરણમાં ભળે! એ સિવાય પણ અનેક ઝેરીલા દ્રવ્યો કોલસાની ખાણો દ્વારા વાતાવરણના વિવિધ તત્વોને મોટા પાયે પ્રદુષિત કરી રહ્યા છે. વિશેષજ્ઞો ચેતવણી આપે છે કે જે ઝડપે આપણે ઉર્જાના પરંપરાગત સ્રોતોને વાપરી રહ્યા છીએ, એ જોતા આવનારા ૫૦-૫૫ વર્ષોમાં ઓઈલ અને નેચરલ ગેસ સમાપ્ત થઇ જશે અને ૧૧૦ વર્ષોમાં કોલસો પૂરો થશે! બટ એટ ધી સેમ ટાઈમ, કેટલાક વિજ્ઞાનીઓ દ્રઢતાપૂર્વક માને છે કે આપણે કોલસો ખતમ કરીશું એ પહેલા કોલસો જ આપણને ખતમ કરી નાખશે! આ વાત જરા ડિટેલમાં સમજીએ.

clip_image001

કોલસાની પ્રાપ્તિથી માંડીને એના વપરાશ પછીની સ્થિતી સુધીમાં કોલસો એક યા બીજી રીતે પર્યાવરણને દૂષિત કરતો રહે છે. વર્ષાઋતુમાં કોલસાની ખાણમાં વરસેલું પાણી, ખાણમાં રહેલા અનેક ઝેરી રસાયણોને લઈને ભૂગર્ભજળ સાથે જઈ મળે છે. પરિણામે જે-તે ક્ષેત્રનું ભૂગર્ભજળ ભારે પ્રદૂષિત થાય છે. કોલસાની ખાણમાં રહેલા ખડકોમાં સલ્ફરનું અસ્તિત્વ પણ હોય છે. હવા અને પાણીના સંસર્ગમાં આવ્યા બાદ આ સલ્ફરનું હાનિકારક સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતર થાય છે. ઉપરાંત, કોલસાની રજકણ જો શ્વાસમાં જાય તો શ્વાસોચ્છવાસમાં અનુભવાતી ગૂંગળામણ અને સામાન્ય બળતરાથી માંડીને અસ્થમા, સ્ટ્રોક અને ફેફસાના કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઇ શકે છે! આને માટે જવાબદાર છે કોલસાની રજકણોમાં રહેલા ઝેરી દ્રવ્યો! વિશેષજ્ઞોના મતે કોલસાની રજકણ (coal dust)માં આર્સેનિક અને મરક્યુરી રહેલા હોય છે. આ ઉપરાંત એમાં સલ્ફરના સંયોજનો પણ ભળેલાં હોઈ શકે છે. મર્ક્યુરી(પારો) જો નિયત કરતાં વધુ માત્ર્રામાં શરીરમાં પ્રવેશે તો ન્યુરોલોજીકલ સમસ્યાઓ ઉભી થાય છે. એવી વ્યક્તિ માથાના કાયમી દુખાવાથી માંડીને નિદ્રાનાશ (insomnia), મેમરીલોસ અને કંપવા જેવી અનેક બીમારીઓનો ભોગ બને છે. આર્સેનિક તો વળી એથીય વધુ ખતરનાક છે. નિયત પ્રમાણ કરતા વધુ આર્સેનિકના સંસર્ગમાં આવનાર વ્યક્તિ સ્કીન કેન્સર, બ્લેડર કેન્સર અને ફેફસાના કેન્સરનો ભોગ બની બેસે છે. જો લાંબા સમય સુધી કોલસાની રાખ શ્વાસમાં જતી હોય, તો એમાં રહેલું જીવલેણ આર્સેનિક રીબાવી રીબાવીને મારે છે!

જો કે આ બધા તો કોલ માઈનીન્ગને લીધે પર્યાવરણને થનારા પરોક્ષ લક્ષણો છે. પરંતુ હમણાં ‘કુઝબાસ બેઝીન’માં જે બન્યું એનાથી દુનિયાભરના પર્યાવરણપ્રેમીઓને પરેશાન કરી મૂક્યા છે. રશિયાના સાઈબીરીયા પ્રાંતની દક્ષિણ-પશ્ચિમે આવેલો ‘કુઝબાસ (Kuzbass અથવા Kuznetsk) બેઝીન’ તરીકે ઓળખાતો પ્રદેશ કોલસાનો મબલખ ભંડાર ધરાવે છે. રશિયામાં જેટલો કોલસો ઉત્પન્ન થાય છે એ પૈકીનો ૬૦% કોલસો એકલા કુઝબાસ બેઝીનમાંથી મેળવવામાં આવે છે. પરંતુ કોલસાની ખાણોએ અહીંના પર્યાવરણની દશા બગાડી નાખી છે. અહીંની હવાઓમાં કોલસાની રજકણો એટલી મોટી માત્રામાં છે કે ગત ફેબ્રુઆરી મહિનામાં પર્યાવરણવિદોની ઊંઘ ઉડી જાય એવો એક બનાવ બની ગયો! ૨૦૧૯ના ફેબ્રુઆરીમાં રશિયાના સાઇબિરિયામાં કાળા રંગનો બરફ પડ્યો! સાઈબીરીયાના આ બ્લેક સ્નો ફોલ માટે વૈજ્ઞાનિકોએ કુઝબાસની કોલ માઈન્સને સીધી રીતે જવાબદાર ઠેરવી છે. અહીના વાતાવરણમાં કોલ ડસ્ટ બહુ મોટા પ્રમાણમાં હતી. જેમ આપણા શહેરોમાં સતત ઘેરો ઘાલીને રહેતા વાયુ પ્રદૂષણને આપણે ઇગ્નોર કરતા રહીએ છીએ, એ જ પ્રમાણે સાઈબીરીયન ઓથોરીટીઝ પણ હવામાં તરતી કોલ ડસ્ટ સામે આંખ આડા કાન કરતી રહી. પરંતુ ફેબ્રુઆરીમાં આકાશમાંથી જે બરફ પડ્યો, એ હવામાં તરતી કોલ ડસ્ટમાં રંગાઈને કોલસા જેવા રંગનો થઇ ગયો! પરિણામે દુનિયાને બ્લેક સ્નો ફોલનો અનુભવ થયો! પહેલી નજરે વિચિત્ર જણાતી આ વાત કોલસાના પ્રદૂષણની ગંભીરતા દર્શાવે છે.

ભારતના ઝારખંડ રાજ્યના ધનબાદમાં આવેલી ઝરીયા કોલ માઈન્સ અંગેની હકીકત પણ ચિંતાજનક છે. કોલસાની ખાણમાં ક્યારેક ધરતીના ઉપલા સ્તરથી નીચે કુદરતી રીતે જ આગ લાગી જતી હોય છે, જે ‘કોલ સીમ ફાયર’ (coal-seam fire) તરીકે ઓળખાય છે. આ આગ પર કાબૂ મેળવવા માટે આપણે ભાગ્યે જ કશું કરી શકતા હોઈએ છીએ. આવી આગ હજારો વર્ષો સુધી પ્રજ્વલિત રહે છે! ઇસ ૨૦૧૦ના આંકડા મુજબ ઝરીયાના કોલ ફિલ્ડ્સમાં માત્ર ૧૫૦ વર્ગ કિલોમીટર જેટલા વિસ્તારમાં આવી ૬૮ આગ પ્રજ્વલિત છે, જે કોલસાના જથ્થાનો તો નાશ કરી જ રહી છે, પરંતુ સાથે સાથે પર્યાવરણનો પણ ખુરદો બોલાવી રહી છે. કોલ સીમ ફાયરને કારણે ધરતી હંમેશા ગરમ રહે છે. વારંવાર ઘાસ બળી જવાની ઘટના બને છે અને કેટલીક વાર તો જંગલો પણ દાવાનળનો ભોગ બને છે! વૈજ્ઞાનિકોના કહેવા મુજબ વિશ્વભરમાં અનેક ઠેકાણે બળી રહેલી કોલ સીમ ફાયરને કારણે દર વર્ષે ૪૦ ટન મરક્યુરી વાતાવરણમાં ઠલવાય છે અને કાર્બન ઉત્સર્જનમાં પણ ૩ ટકાનો વધારો થાય છે!

કોલસાના વપરાશ બાદ ફેલાતા ધુમાડા અને બીજા પ્રદૂષણ ઉપર તો આખો લેખ લખી શકાય. જો આપણે ઉર્જાનો આડેધડ વપરાશ ઓછો નહિ કરીએ અને ઉર્જાના બીજા સ્રોતો ઉભા નહિ કરીએ, તો કોલસો ખત્મ થતાં પહેલા આપણને ખત્મ કરી નાખશે એ નક્કી!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

1 comment for “સાયન્સ ફેર : કોલસો અને માનવ : કોણ કોને ખત્મ કરશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *