ફિર દેખો યારોં : નાથિયાને નાથાલાલ બનવાની અધિકૃત તક

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

સામાન્ય ખાતેદાર તરીકે રાષ્ટ્રીયકૃત બૅન્કની કામગીરીનો સારો અનુભવ થાય ત્યારે આપણને આશ્ચર્ય થાય છે, કેમ કે, આ બાબત અપવાદરૂપ હોય છે. ખાનગી બૅન્‍કોના આગમન પછી પણ રાષ્ટ્રીયકૃત બૅન્કની કામગીરી અને ગ્રાહક પ્રત્યેના અભિગમમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. આટલું ઓછું હોય એમ સરકાર તરફથી બૅન્ક માટે અવારનવાર બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકાઓ સરવાળે ગ્રાહકની હાલાકીઓમાં ઉમેરો કરતી રહે છે. આ હકીકતનું સૌથી વરવું ઉદાહરણ નોટબંધીના સમયગાળામાં જોવા મળ્યું. નોટબંધીની ઘોષણા કરાયા પછી દોઢેક મહિનાના સમયગાળાના દિવસો કરતાં વધુ સંખ્યામાં નિયમો બદલતા રહ્યા. સામાન્ય નાગરિકને હેરાનપરેશાન થવામાં કશું બાકી ન રહ્યું અને બીજી તરફ બૅન્કમાંથી ઉછીના લીધેલા નાણાંની ઉચાપત કરીને અમુક ઉદ્યોગપતિઓ આસાનીથી વિદેશ ભાગી ગયા. આવું થાય ત્યારે વિચાર આવે કે સામાન્ય ખાતેદારને એક નાનામાં નાની લેવડદેવડ કરવાની હોય અને તેને જે અવરોધો આડે આવે છે એ બૅન્કના સત્તાધીશો આવે સમયે શું કરે છે? કોઈ કાર્ટૂનમાં કરવામાં આવેલી સાવ છેવાડાની કલ્પનાઓ વાસ્તવિકતા બનીને સામે આવે, વારંવાર આવતી રહે ત્યારે શું કરવું એ ન સમજાય. આર.કે.લક્ષ્મણનું એક કાર્ટૂન કંઈક આવું હતું. બૅન્ક લૂંટવા આવેલા લૂંટારા બૅન્કના મેનેજરની સામે બંદૂક તાકીને ઊભા છે. મેનેજર બહુ ઠંડકથી તેમને જણાવે છે, ‘તમે અમારી લોન યોજનાનો લાભ કેમ નથી લેતા? હું ખાત્રીપૂર્વક કહું છું કે એ આટલી જ ફાયદાકારક છે.’

બીજા એક કાર્ટૂનમાં એક નેતાજી પ્રવચન કરતાં જણાવે છે, ‘બૅન્કે અમીરોને, સમાજના નબળા વર્ગોને, શિક્ષિત બેકારોને અને ચૂકવી ન શકે એવા તમામ વર્ગને લોન આપવી જોઈએ.’ આ કાર્ટૂનો ત્રણ-સાડા ત્રણ દાયકા અગાઉ ચીતરાયાં ત્યારે તેનો ઉદ્દેશ્ય અતિશયોક્તિ દ્વારા વ્યંગ્ય પેદા કરવાનો હતો, પણ આજે તેમાં દર્શાવેલી સ્થિતિ વાસ્તવિકતા બની ચૂકી છે.

આવા માહોલમાં બૅન્કને લગતા વધુ એક સમાચાર ધ્યાન ખેંચે એવા છે. ‘રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા’ (આર.બી.આઈ.) દ્વારા જણાવાયા અનુસાર, બૅન્કો દ્વારા 1,56,702 કરોડ રૂપિયાની કુલ લોન ગત નાણાંકીય વર્ષના ડિસેમ્બર, 2018 સુધી પૂરા થતા નવ મહિના સુધીમાં માંડવાળ કરી છે. છેલ્લા દસ વરસમાં આ રીતે માંડવાળ કરવામાં આવેલી રકમ છે સાત લાખ કરોડ રૂપિયા. અગ્રણી અખબાર ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’ દ્વારા કરવામાં આવેલી એક અરજીના જવાબમાં આર.બી.આઈ.એ જણાવ્યું હતું કે આ રકમમાંની અડધા કરતાં વધુ રકમ, એટલે કે 5,55,603 કરોડ રૂપિયાની લોન એપ્રિલ, 2014 થી, એટલે કે છેલ્લા પાંચેક વર્ષના ગાળા દરમિયાન માંડવાળ કરવામાં આવી છે.

બૅન્કો દ્વારા લોન માંડવાળ કરવાની પ્રક્રિયાની નવાઈ નથી, એમ ચોપડે માંડવાળ કરાયા પછી તેને પરત મેળવવાની પ્રક્રિયા સાવ અટકી જાય એવું પણ નથી. ક્યારેક બેલેન્‍સશીટની અમુક ગૂંચવણ ટાળવા માટે પણ તેને માંડવાળ કરવામાં આવતી હોય છે. આમ છતાં, એ હકીકત બની રહે છે કે ચોપડે માંડવાળ કરાયેલી રકમમાંથી સાવ ઓછી રકમ વસૂલ કરી શકાય છે. કયા ખાતેદારની કેટલી રકમ માંડવાળ કરવામાં આવી એ હકીકતોનો બૅન્ક દ્વારા ફોડ પાડવામાં આવતો નથી. આ અધધ આંકડો જોઈને ઘડીભર એવો સવાલ પણ થઈ આવે કે બૅન્કો ખરેખર કયા વર્ગને સેવા પૂરી પાડી રહી છે? ચૅકબુક, એ.ટી.એમ.કાર્ડ પૂરાં પાડવાથી લઈને નાનામાં નાની સેવા માટે સુદ્ધાં બારોબાર ખાતેદારના ખાતામાંથી નાણાં કાપી લેતી બૅન્ક આવડી મોટી રકમને બારોબાર માંડવાળ શી રીતે કરી શકે? કોઈ ચોક્કસ વર્ગ યા વ્યક્તિઓના નાણાંને આડકતરી સહાય કરવાનું આ ષડયંત્ર છે? આર્થિક ગુનેગારને પહેલાં આસાનીથી છટકી જવા દેવો, ત્યાર પછી તેને પાછો લાવવાની વાતો કરીને વાહવાહી લૂંટવાની કાર્યપદ્ધતિ શાસકોમાં સામાન્ય ગણાય છે. ભૂતકાળમાં ફોજદારી ગુનેગારો માટે પણ આ પદ્ધતિ અજમાવાઈ ચૂકી છે અને હજી તે અજમાવાય છે. ભોળા નાગરિકો આવી રાજરમતોથી રાજી થાય છે, એમ શાસકો માને છે.

બૅન્કો ડૂબે છે, તેમને ઉગારી લેવાના ખેલ રમાય છે, તેમનું વિલીનીકરણ થાય છે, અને કોણ જાણે કેટલાય લોકોના નાણાં સાથે ચેડાં થાય છે. આ સમસ્યાના મૂળ સુધી પહોંચવાની વૃત્તિ કોઈની હોય એમ જણાતું નથી. બૅન્કો શાસક પક્ષના હાથમાંનું રમકડું હોય એ રીતે તેનો ઉપયોગ થાય છે. નોટબંધી અને તેની પછીના અરસામાં આ હકીકત અનેક વાર દીવા જેવી સ્પષ્ટ બનીને સૌની નજર સમક્ષ આવી ગઈ છે. નાગરિકોએ આ બાબતે કમર કસતા રહેવાની છે. હવે તેણે સામાન્ય ખાતેદાર મટીને જંગી દેવાદાર બનવાની તૈયારી કરવી પડશે. આમ કરવાથી ઘણા ફાયદા થવાની શક્યતા છે. એક તો વ્યક્તિગત જીવનધોરણ ઉંચું આવશે, જેને કારણે અન્યોને પણ પ્રેરણા મળશે. આથી નાગરિકોમાં મહત્ત્વાકાંક્ષાનો સંચાર થશે. અત્યાર સુધી નિર્ધારીત નાણાંકીય વ્યવહાર કરતાં એકાદ લેવડદેવડ પણ વધી જાય તો હસ્તક્ષેપ કરતી બૅન્ક હવે આખેઆખી રકમને જ માંડવાળ કરી દે એ સંભાવના ઊભી થશે. જરૂર પડ્યે દેવાળિયું ફૂંકનાર નાગરિકને વિદેશપ્રવાસની પણ તક મળશે, એટલું જ નહીં, ત્યાં લાંબા સમય સુધી રહી શકાય એવી જોગવાઈ પણ કરી આપવામાં આવશે. લોકશાહીમાં નાગરિકો સર્વોપરી છે, અને નાગરિકોનો વિકાસ એટલે દેશનો વિકાસ. બૅન્કોએ વેઠવું પડતું થોડુંઘણું આર્થિક નુકસાન આની સામે શી વિસાતમાં? સરકારો માટે ખેડૂતોની દેવામાફી ચૂંટણીનો મુદ્દો પણ બને, જ્યારે બૅન્કની લોનમાફી માટે તેમને કોણ પૂછનાર છે? આર.બી.આઈ.ના જે વડાને સરકારની આ વ્યવસ્થા સામે વાંધો હોય કે તેને એ માફક ન આવે તો રાજીનામું આપતાં તેને કોણ રોકવાનું છે? તેનું રાજીનામું તરત સ્વીકારાઈ જશે.

આ સ્થિતિ એવી કરુણ છે કે કાર્ટૂનિસ્ટોના કાર્ટૂનમાં સુદ્ધાં તેનો સમાવેશ નહીં થાય. આથી કોઈ બૅન્કમાં ખાતેદાર સાથે યોગ્ય વ્યવહાર ન થાય તો સમજવું કે એ રીતે તેને સામાન્ય ખાતેદારમાંથી ઊંચા ગજાના દેવાદાર બનવાની તક અપાઈ રહી છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮-૪-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

2 comments for “ફિર દેખો યારોં : નાથિયાને નાથાલાલ બનવાની અધિકૃત તક

  1. MAHESHCHANDRA THAKORLAL NAIK
    April 25, 2019 at 6:30 am

    I Congratulate Shri Birenbhai for giving details criticisms of Banking operations and it’s different loan facilities which will certainly benefits readers in general and eye openers for the bank employees in particular,It is indeed good write up,…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *