ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :: ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ – પ્રકરણ ૩૦ ::: કાનપુરમાં વિદ્રોહીઓનો વિજય અને પરાજય – નાનાસાહેબ, તાંત્યા ટોપે અને અઝીમુલ્લાહ ખાન

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

ત્રીજા મરાઠા યુદ્ધ પછી બાજીરાવ બીજાને અંગ્રેજોએ સાલિયાણા સાથે કાનપુર પાસે બિઠૂરમાં વસાવ્યો હતો. નાનાસાહેબ અને એનો નાનો ભાઈ બન્ને બાજીરાવ બીજાના દત્તક પુત્રો હતા. પરંતુ ડલહૌઝીના ડૉક્ટ્રીન ઑફ લેપ્સને કારણે એમને પેન્શન નહોતું મળ્યું. નાનાસાહેબને આમાં અન્યાય જણાયો અને એણે અઝીમુલ્લાહ ખાનને ઇંગ્લેન્ડની રાણી પાસે અંગત રજુઆત કરવા માટે પણ મોકલ્યો પણ કંઈ વળ્યું નહીં. વિદ્રોહની શરૂઆતમાં નાનાસાહેબે અંગ્રેજ ફોજને હરાવીને થોડા દિવસ સુધી કાનપુર પર કબજો કરી લીધો હતો પરંતુ અંગ્રેજ ફોજે ફરી કાનપુર પોતાના હાથમાં લઈ લીધું. કાનપુર અંગ્રેજો માટે બહુ મહત્ત્વનું હતું કારણ કે એ જ અરસામાં અંગ્રેજોના કબજામાં આવેલા અવધ, અને તે ઉપરાંત પંજાબ અને સિંધ સુધી પહોંચવા માટે એ વ્યૂહાત્મક રીતે ઉપયોગી હતું. ત્યાં શસ્ત્રાગાર હતો તે અંગ્રેજો માટે મહત્ત્વનો હતો. કાનપુરની ટુકડીનો આગેવાન જનરલ વ્હીલર હતો પણ એની પાસે સિપાઈઓ બહુ થોડા હતા. એને એમ પણ હતું કે થોડી લૂંટફાટ સિવાય ખાસ કશું થશે નહીં.

વિદ્રોહની શરૂઆતમાં નાના શસ્ત્રાગાર પહોંચ્યો. અંગ્રેજોને વફાદાર ત્યાંના સિપાઈઓને લાગ્યું કે નાના અંગ્રેજો તરફથી વિદ્રોહીઓનો સામનો કરવા આવ્યો છે, પણ નાનાસાહેબે શસ્ત્રાગાર પર કબજો કરી લીધો અને સરકારી તિજોરી લૂંટી લીધી. અહીંથી એ કલ્યાણપુર તરફ આગળ વધ્યો અને ત્યાં વિદ્રોહીઓને મળ્યો. પહેલાં તો એમણે નાનાનો ભરોસો ન કર્યો પણ એની પાસે સરકારી તિજોરીની લૂંટનો માલ હતો. નાનાએ એમને પણ બમણો પગાર આપવાનું વચન આપીને સાથે લીધા. રસ્તામાં જ્યાં પણ ગોરાઓનાં બંકરો જોયાં ત્યાં એમને મારી નાખ્યા, આ બધાં વચ્ચે નાનાસાહેબે વ્હીલરને પત્ર લખીને બીજા દિવસે સવારે દસ વાગ્યે આવા જ હુમલા માટે તૈયાર રહેવાની ચેતવણી પણ આપી દીધી!

છઠ્ઠી જૂનની સવારે સાડાદસે નાનાસાહેબે હુમલો શરૂ કરી દીધો. તોપમારો એટલો જોરદાર હતો કે અંગ્રેજો પાસે બચવાનો કોઈ ઉપાય નહોતો. આમ છતાં નાનાસાહેબે ચારે બાજુથી હુમલો ન કર્યો કારણ કે એમને એવા ખોટા સમાચાર મળ્યા હતા કે બધાં બંકરોમાં અઢળક દારુગોળો ભરેલો છે. આમ છતાં પહેલા અઠવાડિયામાં વિદ્રોહીઓએ ચારે બાજુથી અંગ્રેજ ફોજને ઘેરી લીધી હતી. આ સ્થિતિ ૨૩મી જૂન સુધી રહી, પણ કૅપ્ટન મૂરે રાતે પણ હુમલા કરતાં નાનાસાહેબને બે માઇલ દૂર ચાલ્યા જવાનું યોગ્ય લાગ્યું.

અંગ્રેજોની હાલત બહુ ખરાબ હતી. એમને મદદ મળવાની હતી તે પણ નહોતી આવતી. નાનાસાહેબનાં દળોના ખૂનખાર હુમલામાં જનરલ વ્હીલરના પુત્રનું કોઈએ માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. જનરલ વ્હીલરની માનસિક સ્થિતિ પણ લડવા લાયક નહોતી. હવે એ શરણે થવાનું વિચારતો હતો પણ તે પહેલાં વિદ્રોહીઓની તાકાતની આંકણી કરવા એણે એક યોનાહ શેફર્ડને મોકલ્યો. એ કંઈ બાતમી લાવે તે પહેલાં જ વિદ્રોહીઓના હાથમાં ઝડપાઈ ગયો. વિદ્રોહીઓને એ ન સમજાયું કે એ અંગ્રેજી ફોજ તરફથી આવ્યો છે, એટલે મારી નાખવાને બદલે માત્ર જેલમાં નાખી દીધો.

આ બાજુ નાનાને પણ યુદ્ધ સમાપ્ત કરવાની જરૂર લાગતી હતી એટલે વિદ્રોહીઓએ એક ગોરી મહિલાને વ્હીલર પાસે મોકલીને કહેવડાવ્યું કે અંગ્રેજી ફોજના સૈનિકોને અલ્હાબાદ જવું હોય તો સહીસલામત જઈ શકશે. પણ એ મૌખિક સંદેશ હતો એટલે વ્હીલરે વિશ્વાસ ન કર્યો. બીજા દિવસે નાનાએ બીજી એક અંગ્રેજ સ્ત્રીને હાથે લેખિત સંદેશ મોકલ્યો. અંગ્રેજી છાવણીમાં બે ભાગ પડી ગયા. વ્હીલર નબળી માનસિક સ્થિતિ છતાં પણ ટકી રહેવા માગતો હતો પણ બીજા અફસરો સ્ત્રી-બાળકોને લઈને કાનપુર છોડી જવા તૈયાર હતા.

૨૭મી જૂને અંગ્રેજોનો કાફલો ગંગા કિનારા તરફ નીકળ્યો. લોકોમાં એટલો બધો ગુસ્સો હતો કે ફોજ કતારબંધ ચાલી ત્યારે આગળ વ્હીલર હતો એટલે બધું શાંતિપૂર્વક ચાલ્યું પણ પાછળના ભાગના લોકો લૂંટફાટનો શિકાર બન્યા. હોડીવાળા ડરીને ભાગ્યા. નાસભાગમાં હોડીઓને આગ લાગી ગઈ.

બીજી બાજુ, વિદ્રોહીઓની બાજુએથી ગોળીબાર શરૂ થઈ ગયો. શરણાગતીની શરત રૂપે અંગ્રેજો પાસે શસ્ત્રો નહોતાં એટલે વળતો ગોળીબાર પણ ન થયો. કેટલાંયે સ્ત્રી-બાળકો માર્યાં ગયાં અને ૧૨૦ જેટલાં કેદ પકડાયાં. બીજી જગ્યાએથી પણ સ્ત્રીઓ અને બાળકોને પકડીને લાવવામાં આવ્યાં.

નાનાસાહેબનો વિચાર હૅવલૉક અને નીલની ફોજોને રોકવા માટે આ બંદીઓનો ઉપયોગ કરવાનો હતો. પણ હૅવલૉક આગળ વધતો જ રહ્યો. નાનાસાહેબે એને આંતરવા માટે નાનું દળ મોકલ્યું. ફતેહપુર પાસે બન્ને દળો સામસામે આવી ગયાં. હેવલૉકનો હાથ ઉપર રહ્યો અને એણે ફતેહપુર કબ્જે કરી લીધું.

હૅવલૉકની ફોજે કેટલાક વિદ્રોહીઓને કેદ પકડ્યા અને એમની પાસેથી માહિતી મળી કે કાનપુરમાં પાંચ હજાર વિદ્રોહીઓ અને આઠ તોપો હતી. હૅવલૉક હુમલો કરવાનો છે તે જાણીને નાનાસાહેબ, તાંત્યા ટોપે વગેરે મળ્યા અને આગળ શું કરવું તેની યોજના તૈયાર કરી. અંગ્રેજ ઇતિહાસકારો કહે છે કે એમણે કાનપુર છોડતાં પહેલાં બધાં સ્ત્રી-બાળકોને મારી નાખ્યાં.

ગ્વાલિયરના સિંધિયા મહારાજા અંગ્રેજો સાથે હતા પણ એની સેનાએ બળવો કર્યો. આના પછી અંગ્રેજોમાં ફફડાટ વધી ગયો. વ્હીલરની મદદે જનરલ ઑટરમ નાની ફોજ લઈને આવ્યો પણ એ પોતે જ રસ્તામાં વિદ્રોહીઓથી ઘેરાઈ ગયો. બીજી બાજુ કૉલિન કૅમ્પબેલ મોટું દળકટક લઈને આવી પહોંચ્યો. એણે જનરલ વિંડહૅમને કાનપુરમાં છોડ્યો.

વિંડહૅમ પોતાને કંઈ સમજતો હતો. એણે સિંધિયાના વિદ્રોહી સૈનિકો સાથે બાથ ભીડવાનું નક્કી કર્યું. એને આદેશ હતો, માત્ર બચાવ કરવાનો પણ એણે આક્રમક કાર્યવાહીઓ શરૂ કરી. વિંડહૅમે એક ટુકડી અજમાયશની રીતે મોકલી પણ આગળ કંઈ કર્યું નહીં. આથી તાંત્યા ટોપે સમજી ગયો કે અંગ્રેજી ફોજ નબળી છે અને કંઈ કરવાની સ્થિતિમાં નથી. તાંત્યાની ૨૫ હજારની ફોજે આઠ તોપો સાથે અંગ્રેજો પર જબ્બરદસ્ત હુમલો કર્યો અને એમના પગ ઊખડી ગયા.

પરંતુ કૅમ્પબેલે અંગ્રેજોને બચાવી લીધા. લડાઈ તો કાનપુરની ગલીએ ગલીએ થઈ પણ કૅમ્પબેલે પૂરતી તૈયારી રાખી હતી.

દોઢ દિવસની ખૂનખાર લડાઈ પછી કાનપુર ૧૮૫૭ની છઠ્ઠી ડિસેમ્બરે ફરી અંગ્રેજોના હાથમાં આવી ગયું. નાનાસાહેબ, તાંત્યા વગેરે એમની ફોજો સાથે નાસી છૂટ્યા. તાંત્યા તો ગુજરાતમાં પણ આવ્યો હતો. આની વિગતો આ શ્રેણીના પ્રકરણ ૨૦માં આપી છે. અહીં વાચકોની સરળતા માટે એનું પુનરાવર્તન કર્યું છેઃ ૧૮૫૮માં ગ્વાલિયર પાસે તાંત્યા ટોપેનો પરાજય થયો. તે પછી એ ભાગીને પંચમહાલ આવ્યો. નાયકડાઓને અંગ્રેજો વિરુદ્ધ ઊભા કરવામાં પણ એની મહત્ત્વની ભૂમિકા રહી. એના ફોજીઓ પણ નાયકડાઓના બળવામાં જોડાયા હતા. તાંત્યાની યોજના તો દખ્ખણમાં જવાની હતી. એત્યાં પહોંચ્યો હોત તો આખી મરાઠા કોમ ફરી અંગ્રેજોની સામે ઊભી થઈ ગઈ હોત એટલે અંગ્રેજ સરકાર એને કોઈ પણ રીતે દખ્ખણમાં આવવા દેવા નહોતી માગતી. ચારે બાજુથી બહુ દબાણ હોવાથી તાંત્યા ફરી નર્મદા પાર કરીને ચીખલડા આવ્યો અને વડોદરા તરફ આગળ વધવા માગતો હતો. પરંતુ સરકારને તાંત્યા ગુજરાતમાં આવ્યો હોવાની ખબર પડી ગઈ હતી. તાંત્યા સાથે બેંગાલ રેજિમેંટના વિદ્રોહી સિપાઈઓનું મોટું દળ પણ હતું. વિલાયતીઓ (આરબો, મકરાણીઓ વગેરે) અને રાજપૂતો પણ મોટી સંખ્યામાં તાંત્યાને આવી મળ્યા હતા. છોટા ઉદેપુરના રાજાએ પણ પોતાનું લશ્કર તાંત્યાને આપ્યું હતું. તાંત્યાએ છોટા ઉદેપુરનો તો સહેલાઈથી કબજો કરી લીધો પરંતુ ૧૮૫૮ના ડિસેંબરની પહેલી તારીખે કૅપ્ટન કૉલિયરે એના પર હુમલો કર્યો. તાંત્યા ત્યાંથી ભાગ્યો. એની ફોજ પણ વેરવીખેર થઈ ગઈ. એમાંથી એક ટુકડીએ કેપ્ટન પાર્કની ફોજ પર પાછળથી હુમલો કરીને એનો બધો સામાન લૂંટી લીધો અને પાર્ક છોટા ઉદેપુરમાં લાચાર બનીને બેસી રહ્યો. પરંતુ અંતે જનરલ સમરસેટના સૈન્યને તાંત્યાના સૈનિકો અને આસપાસના એના સમર્થકોને દબાવી દેવામાં સફળતા મળી.

તાંત્યા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો બાળગોઠિયો હતો અને રાણી યુદ્ધના મેદાનમાં વીરગતિને પામી તે પછી એના અંતિમ સંસ્કાર તાંત્યાએ જ કર્યા. પરંતુ નાનાસાહેબનું શું થયું તે કોઈ જાણી ન શક્યું ૧૮૫૭ પછી, ૩૪-૩૫ વર્ષની વયે એનું અવસાન થઈ ગયું એમ મનાય છે, પરંતુ તાંત્યાટોપે છેલ્લે સુધી ટકી રહ્યો અને આજથી બરાબર ૧૬૦ વર્ષ પહેલાં, ૧૮૫૯ની ૧૮મી ઍપ્રિલે અંગ્રેજોએ આ વીરને ફાંસી આપી દીધી.

૦૦૦

સંદર્ભઃ https://www.britishempire.co.uk/forces/armycampaigns/indiancampaigns/mutiny/cawnpore.htm

https://www.indiatoday.in/education-today/gk-current-affairs/story/tantia-tope-facts-318528-2016-04-18

()()()()()

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

1 comment for “ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :: ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ – પ્રકરણ ૩૦ ::: કાનપુરમાં વિદ્રોહીઓનો વિજય અને પરાજય – નાનાસાહેબ, તાંત્યા ટોપે અને અઝીમુલ્લાહ ખાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *