વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી – નકશામાંથી અદૃશ્ય કરી દેવાયેલું નગર: વિટ્ટનૂન

Facebooktwitterredditpinterestlinkedinmail

ઓસ્ટ્રેલીયાના પીલબરામાં મેસોથેલીઓમાએ મૂળ નિવાસીઓનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો

જગદીશ પટેલ

જેની સરખામણી ભોપાલ અને ચેર્નોબિલ સાથે કરવામાં આવે છે તેની આ વાત છે. ૨૦૦૫માં સદાયને માટે સરકારે ગામ “બંધ” કરી દીધું તેની આ વાત છે. જે ગામમાં ધીમે ધીમે અંદાજે ૨૦૦૦ કામદારો-નાગરિકોના મોત એસ્બેસ્ટોસને કારણે થયાતેની આ વાત છે.

૧૯૬૦નાં દસકાની વાત છે. ઓસ્ટ્રેલીયાના પશ્ચિમમાં આવેલ પીલબરા ગામ આદિવાસીઓનું (ત્યાં તેને એબોરીજીનલ તર્રીકે જાણે છે). નજીકની વિટ્ટનૂનની ખાણમાંથી ભુરા રંગનો એસ્બેસ્ટોસ નીકળતો અને તેની ગુણો ટ્રકમાં ભરી ઉત્તરે બંદર સુધી લઇ જવાતો. સ્થાનિક મજૂરો એસ્બેસ્ટોસની ગુણો ટ્રકમાં ભરતા અને ગુણો ઉપર જ બેસી ટ્રકમાં બેસી જતા અને ઉતારવાનો હોય ત્યાં ગુણો ઉતારી આપતા. એમને ખબર જ ના હતી કે આ કેટલું જોખમી કામ છે. ટ્રક હાંકવાવાળો ડ્રાઈવર પણ સ્થાનિક આદિવાસી જ હોય. બધા મસ્તી કરતા જાય. તે કામ કરનારા બધા મેસોથેલીઓમાનાં કેન્સરને કારણે મૃત્યુ પામ્યા .[1]

આ પ્રદેશનું સૌન્દર્ય અવર્ણનીય. જુદી જુદી ઋતુમાં તેના રંગ પલટા જોવા જેવા. પહાડો અને ખીણો, વ્રુક્ષો અને વનસ્પતિ, ઝરણાં અને પાણી, જાણે જોયા જ કરો. કરિજિની નેશનલ પાર્કની નજીકનો આ વિસ્તાર છે.


૧૯૧૫માં ગાંધીજી ભારત પરત આવ્યા તે વર્ષે અહીં સરકારી ખાણ વિભાગે શોધી કાઢયું કે આ વિસ્તારમાં ભૂરા રંગનો એસ્બેસ્ટોસ છે.[2] પણ છેક ૧૯૩૮ સુધી કશું થયું નહી. ૧૯૩૮માં લેન્ગ હેન્કોક નામના માણસે ઓસ્ટ્રેલીયન બ્લ્યુ એસ્બેસ્ટોસ નામની કંપની સ્થાપી અને સ્થાનિક આદિવાસીઓને કામે રાખી હાથેથી એસ્બેસ્ટોસ ખોદાવવાનું શરુ કર્યું. ૧૯૪૪માં એણે કોલોનીઅલ સુગર રીફાઇનીગ નામની કંપનીને પોતાની કંપની વેચી મારી. થોડા સમયમાં જ લોકો કામ શોધવા આવવા માંડ્યા. કંપનીએ મજુરો શોધવા પોતાના માણસો યુરોપ મોકલ્યા. ઈટાલીથી ઘણા મજુરો અહીં કામ કરવા આવ્યા. સ્થાનિક આદિવાસી કામદારોને માથે બેગો ભરવાનું કામ આવતું. ખાણમાં સલામતી અને આરોગ્યના ધોરણો બહુ નબળા હતા.

૧૯૪૪માં ખાણના નીરિક્ષક એડમ્સે ખાણમાં ધૂળના મોટા પ્રમાણ અંગે ચિંતા જાહેર કરી હતી અને ધૂળ કઈ રીતે ઘટાડી શકાય તેની ચર્ચા કરી હતી. તે પછી અન્ય એક અધિકારીએ આ ધૂળના જોખમો અંગે અહેવાલ તૈયાર કર્યો. ૧૯૪૬માં અહીં એસ્બેસ્ટોસીસનો પહેલો કેસ મળ્યો પણ તેના નીદાન વિષે પાકી ખાતરી ન હતી. ૧૯૪૮માં સરકારી તબીબી અધિકારી ડો.એરિક સેઇન્ટ દ્વારા સરકારી આરોગ્ય વિભાગને પત્ર લખાયો જેમાં તેમણે ખાણ અને મિલમાં ધૂળના પ્રમાણ વિષે ચેતવણી આપતા જણાવ્યું કે અહીં ભવિષ્યમાં વિશ્વમાં એસ્બેસ્ટોસને કારણે થતા રોગોનો ભોગ બનનાર સૌથી વધુ દર્દીઓ મળી આવશે. પણ એની ચેતવણી પર કોઈએ ધ્યાન આપ્યું નહી.

ઉનાળામાં આ ગામનું વાતાવરણ ગરમ અને ભેજવાળું હોય છે તે કારણે આ ધૂળભર્યા અને હવાની અવરજવર સારી ન હોય તેવી ખાણમાં કામ કરવાનું કામદારોને માટે મુશ્કેલ હતું. તેથી ઘણા કામદારો અહીં ટુંકા સમય માટે જ કામ કરવા આવતા. આમ તો ગમે તે સમયે અહીં બસો કામદારો જ કામ કરતા પરંતુ ૨૩ વર્ષના ગાળામાં ૭૦૦૦ કામદારો કામ કરી ગયા હોવાનો અંદાજ છે . અહીં કામ કરવા આવવા કામદારોને આકર્ષિત કરવાનું મુશકેલ હતું. અડધા તો ત્રણ મહિના કરતાં ઓછું રહ્યા હશે. તેથી ૧૯૫૧માં કંપનીએ સરકાર સમક્ષ રજૂઆત કરી મદદ માગી. પછી કંપનીના પ્રતિનિધિઓ યુરોપ ગયા અને યુરોપમાં પ્રચાર કરવામાં આવ્યો અને ત્યાંથી જે કામદારોને પોતાના દેશમાં કામ મળતું ન હોય તેવા કામદારોને બે વર્ષના કરાર પર લાવવામાં આવ્યા. જે કામદારોને બે વર્ષ પુરા થયા ન હોય તેમને જો પોતાના દેશમાં પાછા જવું હોય તો કંપની પાછા જવાની ટીકીટ આપે નહી તેથી તેમને ફરજીયાત બે વર્ષ રહેવું પડતું.

પશ્ચિમ.ઓસ્ટ્રેલીયાના આરોગ્ય વિભાગના ડો.જીમ મેકનટીએ ૧૯૫૯માં કામદારોની તબીબી તપાસ માટે ખાણની મુલાકાત લીધી. જાત અનુભવ આધારિત એમના અહેવાલમાં જણાવ્યું કે બધે ધૂળ ધૂળ હતી, જમીન પર બધે એસ્બેસ્ટોસ પથરાયેલો દેખાતો હતો. કોઈ પણ જગ્યાએ અડો તો કપડા પર તરત ધૂળ લાગી જાય અને કપડાં મેલા થઇ જાય. કામદારો અને ગામમાં રહેતા લોકો પર જોખમ હોવા અંગે તેમણે મેનેજરને વારંવાર ચેતવણી આપી. પણ ખાણ બંધ કરાવવાની સત્તા તેમની પાસે ન હતી.

ઓસ્ટ્રેલીયન બ્લ્યુ એસ્બેસ્ટોસ કંપનીએ ૬૫૦૦ પુરુષો અને ૫૦૦ મહિલાઓને ૧૯૪૩ અને ૧૯૬૬ વચ્ચે કામે રાખ્યા હતા. ૧૯૮૬ સુધીમાં કેન્સરને કારણે ૮૫ મૃત્યુ નોધાયા હતા. ગાણિતિક મોડેલને આધારે અંદાજ મરાય છે કે ૨૦૨૦ સુધીમાં ૭૦૦ લોકોના મોત મેસોથેલીઓમાંને કારણે થયા હશે. એક અહેવાલ મુજબ ૨૦૦૦ કરતાં વધુ લોકોના મોત અહીંની ખાણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું મનાય છે. લાયનીસ બોલીથો નામની મહિલાએ પોતાના દાદા, પિતા, ત્રણ કાકા અને ઘણા મિત્રો એસ્બેસ્ટોસીસ અને મેસોથેલીઓમાંને કારણે ગુમાવ્યા છે.

આદિવાસી મજુરો તો ખાણની આસપાસ બનેલ ગામમાં રહેતા ન હતા પણ આસપાસના પરામાં રહેતા હતા. પણ વિટ્ટનૂન ગામમાં ઘર, દીવાલ અને રોડમાં એસ્બેસ્ટોસનો ભરપુર ઉપયોગ થયો હતો. ખાણનો કચરો નિશાળના મેદાનમાં, ઘોડદોડ પર અને વિમાનપટ્ટી પર અને ઘરના વાડામાં નખાતો જેથી ધૂળ ન ઉડે. આખું ગામ એસ્બેસ્ટોસયુક્ત. બાળકો,મહિલાઓ અને કામદારો બધા જ એના સંપર્કમાં આવતા. કેટલાક બાળકો તો એસ્બેસ્ટોસના ફેકી દીધેલા ટુકડાઓ મોમાં નાખી ચગળતા. ૧૦ વર્ષમાં તો લોકો મરવા માંડ્યા. એસ્બેસ્ટોસનો સુક્ષ્મ તાતણો શ્વાસ દ્વારા શરીરમાં જાય અને પછી ૨૦,૩૦,૪૦ વર્ષ સુધી બેસી રહે ચુપચાપ અને પછી તકલીફ શરુ થાય અને ડોક્ટર નિદાન કરે, તમને મેસોથેલીઓમાં થયો છે એટલે પતી ગયું. એની કોઈ દવા નહી. દોઢ બે વર્ષમાં માણસ ઉપર.

૧૯૭૭ અને ૧૯૮૨ વચ્ચે આરોગ્ય વિભાગ અને બીજા વિભાગોએ હવામાં એસ્બેસ્ટોસના પ્રમાણ અંગે આઠ અભ્યાસ કર્યા પણ તેમાં ઘણી નબળાઈઓ હતી તેથી એ નક્કી થઇ શક્યું નહી કે કામદારો અને નાગરિકોને માથે કેટલું જોખમ છે. જો કે આ અભ્યાસોમાં એટલી તો ખબર પડી કે ગામના દરેક ખૂણામાં એસ્બેસ્ટોસ મળી આવતો હતો.

ઓસ્ટ્રેલિયામાં પર્થ શહેરથી ૧૪૨૪ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં પીલબારા વિસ્તારમાં આવેલા વિટ્ટનૂન ગામને હવે બંધ જાહેર કરાયુ છે. ૧૯૪૩માં અહીં એસ્બેસ્ટોસની ખાણ શરૂ થઈ. ૧૯૪૭ માં કંપનીએ પોતાની કોલોની બાંધી અને ૧૯૫૦ સુધીમાં એ પીલબારાના સૌથીમોટા શહેર તરીકે ઉપસીઆવ્યું. ૧૯૬૬માં નફાકારકતા ઘટવાને કારણે કંપની બંધ પડી.

ડિસેમ્બર ૨૦૦૬ પછી આ ગામને સરકારી સેવાઓ મળતી બંધ થઈ તેમ છતાં હજુ ત્યાં ત્રણ જણા રહે છે. જૂન 2007માં સરકારે જાહેર કર્યું કે આ ગામને હવે ગેજેટ માંથી દૂર કરાયું છે. સરકારી નકશાઓમાથી પણ તે દુર કરાયું અને રોડ પરના માઈલસ્ટોન પણ દૂર કરાયા. એ ગામ તરફ જવાના રસ્તા પણ બંધ કરાયા. વિટ્ટનૂન સમિતિની બેઠક એપ્રિલ ૨૦૧૩ માં મળી જેમાં ગામ તરફ આવવાના તમામ રસ્તાઓ મર્યાદિત કરવાનો અને જોખમ અંગે જાગૃતિ ફેલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.

૧૯૭૮માં રાજ્ય સરકારે આ ગામમાં પ્રવૃત્તિઓ ધીમે ધીમે ઘટાડતા જવાની નીતિ અપનાવી. એ વિસ્તારમાં એસ્બેસ્ટોસ જે રીતે ફેલાયો હતો તે જોતા આ નીતિ યોગ્ય હતી. જે નાગરિકોને ગામ છોડવું હોય તેમને અનુકૂળતા કરી આપવા સરકારે તેમના ઘર-દુકાન-જમીન ખરીદી લઈ તેમને પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું. આ ઉપરાંત નવી જગ્યાએ વસવા માટે થનાર વધારાનો ખર્ચ ચૂકવવાની પણ નીતિ અમલમાં મુકાઈ. સ્થાનિક લોકોએ આ નીતિનો વિરોધ કર્યો અને સફાઈ કરીને આ વિસ્તારને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવાની દરખાસ્ત કરી. પરંતુ સરકાર પોતાની નીતિને વળગી રહી અને ૧૯૮૧માં બીજી એક જગ્યાએ પ્રવાસીઓ માટે પ્રવાસનધામ વિકસિત કરવાનું શરૂ કર્યું. ૧૯૯૧ સુધીમાંઆ ગામમાં પ્રવૃત્તિ ઘટાડવાની નીતિના અમલ પાછળ ૧૪ લાખ ડોલરનો ખર્ચથઈ ગયો.મે ૧૯૮૪માં ગામની વસ્તી ૯૦ ની હતી તે માર્ચ ૧૯૯૨માં ઘટીને ૪૫ થઈ ગઈ. ૧૯૮૬ અને ૧૯૯૨ વચ્ચે ૫૦ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા. વસ્તી ઘટી એટલે શાળા બંધ કરવામાં આવી, આરોગ્ય કેન્દ્ર બંધ કરવામાં આવ્યું અને પોલીસ સ્ટેશન બંધ કરવામાં આવ્યું. ૧૯૯૩માં એરપોર્ટ બંધ કરવામાં આવ્યું અને નાગરિકોને ખાતરી આપવામાં આવી કે તેમને ગામ છોડવા માટે દબાણ કરાશે નહીં પરંતુ તેઓ છોડી દે તે માટે સરકાર ઉત્તેજન આપશે. ૨૦૧૫માં ત્યાં વસતા નાગરિકોની સંખ્યા ૬ થઈ, ૨૦૧૭માં ૪ અને ૨૦૧૮માં ૩ થઈ. [3]

૧૯૯૩માં સરકાર એક સમિતિ નીમી. આ સમિતિએ અભ્યાસ કરીને જણાવ્યું કે ૧૫ વર્ષ સુધી સફાઈ કરવા છતાં હજુ પણ આ વિસ્તારમાં ઘણો એસ્બેસ્ટોસ ફેલાયેલો છે. સફાઈ માટે ૨.૪૩ કરોડ ડોલર ખર્ચ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો. સમિતિના સભ્યોને એમ પણ લાગ્યું કે આટલો ખર્ચ કર્યા પછી પણ સંતોષકારક સફાઈ થશે નહીં અને ખર્ચની સામે થનાર લાભો બહુ મર્યાદિત હશે ઉપરાંત જોખમ પણ ખરું. એવી સફાઈ પછી લોકોને ત્યાં વસવા માટે ઉત્તેજન આપવામાં પણ કાનૂની જોખમો રહેલા છે. ત્યાં રહેવાને કારણે નાગરિકો અથવા પ્રવાસીઓને એસ્બેસ્ટોસને કારણે રોગ થાય તો સરકાર સામે કાનૂની પગલાં લઈ શકે.

૩૦ જુન ૨૦૦૬ને દિવસે સરકારે ગામમાં વીજ વિતરણ બંધ કર્યું. છતાં એક અહેવાલ આવ્યો કે દર વર્ષે હજુ હજારો પ્રવાસીઓ આ ભૂતિયા ગામની મુલાકાત લે છે. તેમને અહીં આવતા રોકવા માટે નકકર પગલા ભરવાની ભલામણ બોલીથો કરે છે. પ્રવાસીઓને ચેતવણી આપતા બોર્ડ અને નિશાનીઓને ભૂસી નાખવી, તેના પર ચેકચાક કરવાનું કામ પણ બદમાશ લોકો કરે છે. ખાણ બંધ કરાયાની જાહેરાત કરાઈ છે પણ બંધ ખાણનાં દરવાજાને સજ્જડ બંધ કરવાને બદલે નાની ઝાપલી મૂકી દેવાઈ છે જે ખોલીને લોકો અંદર જઈ શકે છે. સરકાર પોતાની વેબસાઈટ પર જાહેરાત કરે છે કે હવે બધુ બંધ છે અને કોઈ ત્યાં પગ મૂકી શકાશે નહી પણ વાસ્તવમાં સ્થિતિ આવી છે. ત્યાં ગાઈડેડ ટુર પણ યોજાય છે. ક્યારેક તો એક પછી એક પ્રવાસીઓના ધાડા જતા દેખાય છે તેમ બોલીથો કહે છે.

માનવ વર્તન બહુ સંકુલ છે. વર્તનમાં પરિવર્તન મોટો પડકાર છે. આપણે ત્યાં હેલ્મેટ પહેરવાનો કાયદો કે શાકભાજી લેવા જવામાં પ્લાસ્ટિકની ‘ઝભલાં થેલી’ ન વાપરવી એવાએવા અનેક નાના, પણ કે સલામતી કે પર્યાવરણની લાંબા ગાળાની દૃષ્ટિએ અતિ મહત્ત્વના અનેક કાયદાઓના અમલમાં જે મુશ્કેલીઓ આપણે જોઈએ છીએ તેવી મુશ્કેલી ઓસ્ટ્રેલિયાની સરકાર પણ અનુભવે છે તે આ વાંચતાં સમજાય છે.


[1]

[2]

[3]


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *