ખેતીમાં બહેનોનું બળુકું યોગદાન

Facebooktwitterredditpinterestlinkedinmail

હીરજી ભીંગરાડિયા

જે કુંવારકાએ ગયા ભવમાં પૂરા પૂજ્યા હોય એને જ જાતે ખેતી કરતો હોય તેવા ખેડૂતને ઘેર “ઘણિયાણી” થઈ આવવાનું સદભાગ્ય સાંપડે ! જે માટીડાને ઊગ્યાથી આથમ્યા સુધી જ કામ કરવું તેવો કોઇ મેળ નથી કે નથી નીમ, ટાઢ, તાપ કે ચાલુ વરસાદે કામ નહીં કરવું એવું ! નથી આવતો શનિ-રવિ કે રાષ્ટ્રીય તહેવાર જેવો કોઇ રજાનો વાર, કે નથી આવતી 58 વરહની ઉંમરે નિવૃતિ ઉપર ઊતરી જવાની વાર્તા ! ખેડૂત હોય, એને વળી ઉંમર સાથે શી લેવા દેવા ? અરે, આંખે નેજવાં કરીનેય સામો શેઢો કે સીમ ભળાતાં હોય કે આડા-અવળા પડતાં કે ખચકાઇને ચાલતા પણ પગ, જ્યાં સુધી ઢસરડા કરતાંય અંતર કાપવાનું કામ કરતા હોય ત્યાં સુધી ઘરનાં બે-ચાર ઢોરાં ચરાવવાં કે મોલમાં પંખીડાં હોંકારવાં જેવાં ખાસ કામો તો વૃધ્ધોએ જ સંભાળવાના હોય છે. “હવે અવસ્થા થઈ” તેવું માની લઈ સીમ-શેઢો છોડી ઘેર રોકાઇ રહેવાનું દુ:સાહસ કરી વાળે તો એને ખેડૂત કુટુંબના ગઢિયા કેમ ? “વેપારી પેઢીએ અને ખેડૂત શેઢીએ”, ‘ઘર’ અને ‘સીમ’ એવા ભેદભાવ ખેડૂત કુટુંબને વળી શા ?

રેંજીપેંજીના કામ નથી :

ઢોર સાથે ઢોર અને ધૂળ સાથે ધૂળ થઈ જેણે જિંદગી જીવવાની છે, શારીરિક શ્રમમાં પરસેવે નીતરી જવું એ જેનો સ્વાભાવિક ક્રમ છે; એનાથી વધુ શારીરિક શ્રમ માપક યંત્ર હોય તો તેનો પારો ઊંચો ચડી યંત્ર તોડી નાખે ત્યાં સુધીનો શરીરશ્રમ કરવામાં પાછુવાળી જોતો નથી-તેવા ખેડૂત, ધરતીના ધીંગા છોરુની અર્ધાંગના કોઇ જેવી તેવી સ્ત્રી તો ન જ હોઇ શકે ને ? એ પણ ધરતી સાથેની ધીંગી મહેનતના ધણીની સાથે રહી, કરવી પડતી મલ્લ જેવી મહેનતના હિસાબે કસાઇને, શરીરના બાંધે એવી બળિયાવર બનેલી હોય છે કે એના ધણી કરતાં સહેજે ઉતરતું બળ પોતાને જ મંજૂર નથી તો !

એ તો હવે આ ચાંપ-બટન દબાવ્યા ભેળી મોટર ચાલુ થઈ, કૂવા-બોરમાંથી પાણી બહાર વહેવા માંડે છે. પહેલાં તો હતા પાણી ખેંચવાના કોસ ! “વહેલી સવારે મોં સૂજણું થતાં થતાં રાશ પધોરાઇ જવી જોઇએ, સાંતી-કોસ જુતી જવા જોઇએ” એવો ખેડૂત કુટુંબમાં વણલખ્યો હતો નિયમ ! સાંતી-કોસે હાલવાના હોય એ બળદિયાને પણ ખવરાવી-પીવરાવી, ધરાવી તૈયાર કરવાની ચિંતા પુરુષો કરતાં સ્ત્રીઓ જ વધારે કરતી.

આકાશમાં “છોકરાં ઢીંબણિયું” તારોડિયું ઊગ્યા પહેલાં ઊઠી જવાનું, ઢાંઢાને બે ત્રણ નીરણ ખવરાવી લેવાની, વાસીદું વાળી લઈ ઉકરડે પધરાવી દેવાનું, દૂઝાણાં દોહી લેવાનાં, છાશ ફેરવી વાળવાની, આખા ઘરના કપડાંની ધોણ્યનો ધબાલો – બપોર વચાળે બળદિયા નીરણ ખાઇ, બે ઘડી વાઘોલતા હોય ને ‘માટીડો’ જ્યારે તડકાની ભમર ભાંગવા બે ઘડી ઝોલે ગયો હોય ત્યારે “ધોઇ નાખશું” એવું નક્કી કરી, સાથે બાંધી લઈ, ધાવણા બચુડાને ઝટ ઝટ છાતીએ વળગાડી, પૂરું પેટ ભરાણું ન ભરાણું –“રખડ્યા કરશે એ તો બાજરાના બિસ્કુટ દાબીને” એમ મનોમન વિચારી, ખેડૂત બળદિયાને ધરમાં નાખે નાખે ત્યાં તૈયાર થઈ હાલી નીકળે છે સીમ-વગડાની વાટે, હારોહાર !

અને ભાઇ ! ખેતી એ ધંધો છે ગજબની ભાત્યનો ! જેટલા હોય તેટલા બધા કામ કરવામાં જાય સમાઇ ! છોકરું, જુવાન, સ્ત્રી કે ઘરડું-બુઢિયું, કુટુંબના હોય તેટલાં બધાં કામ કરે તોય તૂટો ને તૂટો જ ! વરસના મહિના બાર, પણ ખેતીમાં કામ હોય સોળ મહિનાનું ! કેટલુંક ઊગ્યા પહેલાં અને બાકીનું આથમ્યા પછી ખેંચી કાઢે તોય ખેડૂતને કામ કયારેય ખૂટતું હોય તેવું કદિ બન્યું નથી. ખેતીનો પર્યાય જ જાણે કામ, કામ ને બસ કામ જ હોય એમ લાગે છે.

વિશિષ્ટ કામોમાં પણ પ્રવીણતા :

ખેતીકામમાં નીંદવું, પારવવું, ગોડવું, વાઢવું, લણવું, વીણવું, ખળું લેવું, કે ભરવા-ઠાલવવા પૂરતાં જ કામો બહેનો કરે એવું નથી. અરે ! સાંતી ચલાવવા, ગાડું હાંકવું, હેંડલ મારી મશીન ચાલું કરવું કે સોળ લિટરિયો પંપ આખો દિવસ ખંભે વળગાડી મોલાતોમાં દવા છાંટવી વગેરે કામો પુરુષોની સાથોસાથ સ્ત્રીઓ પૂરી પ્રવીણતાથી કરે છે. કોઇ કામ એવું નથી કે જેમાં સ્ત્રીઓ ભાગીદાર ન બનતી હોય ! જરૂરિયાત ઊભી થયે કૂવામાં ચડ-ઉતર કરવાનું કે ટ્રેક્ટર કે જીપ ચલાવવાના સંજોગો ઊભા થાય તો તેમાં પણ હોશિયારી બરાબરની દેખાડી દેનારી બહેનો ખેતીમાં છે. હા, એવાં કેટલાંક કામો પણ છે કે જે માત્ર બહેનો જ કરતી હોય, ભાઇઓ તે પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય. જો કે ઘરકામ, વૃધ્ધોની સેવા, મહેમાન સરભરા, બાળ ઉછેર, રસોઇ બનાવવી, કે સાજે-માંદે કુટુંબના સભ્યોની સુશ્રુષાને આપણા સમાજે સુશીલ અને સંસ્કારી ગૃહિણીની ફરજ ગણી આ બધાં કામો બહેનોના માથે થાપેલાં છે. તે બધી ફરજોથી ખેડૂતની સ્ત્રી અળગી થોડી હોઇ શકે ?

થાક બાક માર્યા ફરે ! :

થાકવાની બાબતમાં પુરુષ પહેલો થાકે છે. એને તો બસ, વાડીથી ઘેર આવ્યો એટલે કામ પૂરું ! એ તો બસ વાડીનો રાજા ! ઘર ઘરવાળીનું ! નાવા અને ખાવા બધું તૈયાર જોઇએ, તેમાં પોતે હવે કશુ કરવાનું નહીં ! જ્યારે સ્ત્રીઓએ તો વાડીએ હોય ત્યાં સુધી પુરુષની સાથે ખભેખભો મિલાવી મલ્લ-મહેનત કરવાની અને ઘેર પાછા ફર્યા પછી સંધ્યા વેળાએ દુજણાં દોહવાનાં, વાળુના રોટલા, ખીચડી-કઢી બનાવવાનાં, સૌને જમાડવાના, ઢાંકો-ઢૂંબો, વાસણ-કુસણ કરી છોકરાં ઢબૂરી, ઢોરાને નીરણ-ચારો કર્યા પછી, પગ વાળીને બેસવાનો માંડ દસેક વાગ્યે વારો આવે ! ઊંઘ તો એવી ગાઢી આવે કે એક ઊંઘે જ પડે સવાર ! સ્વપ્નું પણ થોડોકેય પ્રવેશવાનો ગાળો ભાળેતો આવેને ? ફરી પાછું ભરકડું થયું ન થયું, ત્યાં રોજના નિત્યક્રમ મુજબની દિનચર્યા ચાલુ !

એ તો ક્યારેક કોઇના સારાં-મોળાં કામમાં ભળવાનું હોય ત્યારે અગાઉથી સવાઈ ઝડપે કામનો વેગ વધારી ધારેલું કામ આટોપી લેવાય તો જ પ્રસંગમાં થોડુંકેય ભળી શકાય. છતાં દેહ ભલે પ્રસંગમાં સૌને ભળાતો હોય, બાકી એનો જીવડો તો વાડીએ અને ઢોરાંમાં જ ભમતો હોય !

ખેતીની ખરી કરોડરજ્જુ ખેડૂતની સ્ત્રીઓ છે. મોટાભાગનું ખેતીકામ પણ પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ જ વધારે કરે છે, અરે ! વધારે જવાબદારીથી અને વધારે ચીવટથી કરે છે. જે જે ખેડૂતોની સ્ત્રીઓ પોતાના ખેતીના ધંધામાં જીવંત રસ લઈ પુરુષોની સાથે ભળતી હોય છે, તેની ખેતીની ભાત્ય જુદી પડ્યા વિના રહેતી નથી.

ભાંગ્યાનો ભેરુ :

ઘણી વાર એવું બને, કે ખેતીમાં બધી વખતે આપણે ધાર્યું હોય એવું બધું થતું હોતું નથી. ક્યારેક મોલમાં કુદરતી સવા-કવા આવી જાય, વરસાદ ઓછા-વધતા થાય, તળમાં પાણી ખૂટી જાય, પાકમાં જીવાત લાગી જાય, ગાય-બળદ જેવું જાનવર માંદુ થઈને કે ઓચિંતાનું જીવડુ અડી જવાથી ફાટી પડે- ખેતી ઢોર વગરની, છોકરાં છાશ વગરના થઈ પડે, ઓઘા-ગંજીને આગ લાગી જાય, ખળામાંથી કોઇ તૈયાર માલ ચોરી જાય કે ઊભા મોલને હીમ લાગી જવા જેવા આકસ્મિક અને અણધાર્યા કે કુદરતી પ્રકોપોના ઓચિંતાના ઊતરી પડવા ટાણે પુરુષ લમણે હાથ દઈ, ઢીલો ઢફ થઈ બેસી જાય, ત્યારે તેની પાસે આવી એની ઘરવાળી જ કહેતી હોય છે હિંમતના બે વેણ કે “ થયા કરે, આપણી મહેનત હશે તો ભગવાન કાલ સામું જોશે ! મરદ જેવા મરદ થઈને આમ મુંઝાણે થોડો પાર આવશે ? ભડ થઈને ભાંગી ગયા ? ઊઠો ! ઊભા થાવ, અને હાથ-મોં ધોઇ લ્યો ! પાણી કાઢું છું, નાહી લ્યો, રોટલા તૈયાર છે. બે કોળિયા ધાન પેટનેય પોગાડવું પડશે ને ? છોકરાંય હજુ ભૂખ્યા ટળવળે છે, થોડું ખાઇ લઈએ અને સૂઈ જઈએ, વહેલું પડે સવાર ! બધું થઈ રહેશે. એકમાં નુકસાન ગયું તો બીજામાં એનો એ લાભ દઈ રહેશે. તમે શીદ મુંઝાઓ છો ? હું છું ને તમારી પડખે !” આવી હિંમત તો ઇશ્વરમાં જેને ભારોભાર શ્રદ્ધા હોય તે સ્ત્રી જ આપી શકેને ? એટલે ખેડૂતના ભાંગી પડતા હૈયામાં હામ પૂરી ફરી બેઠો કરવાનું કામ [ કહોને પીંછા સંકેલી બેસી ગયેલ મોરલાને ફરી કળાયેલ કરંતી જાણે કે ઢેલ !] પણ ખેડૂતની સ્ત્રીઓ જ કરી દેખાડતી હોય છે.

હિંમતમાં ભાયડા ! :

‘તાકાત’ અને ‘હિંમત’ બન્નેમાં ભાયડા ! આ બાબતે સૌરાષ્ટ્રની ખેડૂત-સ્ત્રીઓની તુલના કરવી બીજા માટે અઘરી છે. અમારા ગામમાં ઉજીબેન એક પટેલની પટલાણી.તે દિ’ એની પૂરી જુવાની. બનેલું એવું કે એની વાડીના શાક-બકાલાના ક્યારામાંથી કોઇ રીંગણાં, મરચાં, ટામેટાં છાનુંમાનું ઉતારી જાય, તેની બરાબરની ગંધ ઉજીબેનને આવી ગયેલી. એક દિ’ બોરડીના ઝાળા આડે લપાઇને બકાલાના ચોરની વાટ જોવા માંડ્યા. દિવસ આથમ્યો ને બસ, રુંજ્યું કુંજ્યુંની વેળા થયા ભેળો બાજુના જ ગામનો એક ટણક જુવાનડો ચારેબાજુ નજર કરતો-લપાતો છૂપાતો આવી પહોંચ્યો અને રોજની જેમ રેઢી વાડીમાં આવી બકાલાના ક્યારામાંથી રીંગણાં ઉતારવા વળગી પડ્યો. તે બધું ઉજીબેન જોઇ રહ્યાં હતાં. થોડાક રીંગણા તોડવા દીધાં, અને પછી ઝબ દઈને ઝાળા ઓથાણેથી ઊભા થઈને પેલાને કાન પકડી એવો કર્યો ઊંચો ને કે આદમીને ભોંઠપનો પાર ન રહ્યો ! “ સાલા ! શાક ખાવું હોય તો પૂછી-માગીને લઈ જતો હો !” પેલો તો કાન મૂકાવવા અમળાવા માંડ્યો, તો કહે “ ઊભો રહે છાનો માનો, અને હું કહું તે પૂરું સાંભળી લે ! મને જવાબ આપ, ગરીશ ક્યારેય રેઢી વાડીમાં ? જોઇ લે આ મારા જમણા હાથની કોણી ! એક કોણી ભેળો મારો ભૂરિયો બળદિયો વાંકો વળી જાય છે. તને જો અડી જાશેને ? તો તું તો પડીકું વળી જઈશ !” પેલો કાન મૂકાવી ગયો તે ગયો ! કોઇ દિ’ પાછુવાળી જોયું નહીં, આ હિંમત ! અરે, રાત્રે ખળા-ખળવટનું કામ હોય તો ભલે હોય, દિવસ એવી રાત ! અંધારામાં બીવા-ફીવાનું ખેડૂતની સ્ત્રીને થોડું પાલવે ? અરે, અમે અમારા જૂના ગામ ચોસલામાં રહેતા ત્યારે ઘેરથી વાડીએ જતો રસ્તો જ મહણિયા સોંસરવો થઈને નીકળતો ! છતાંએ અહુર-સવાર, ટાણે-કટાણે સીમમાં જતાં ક્યારેય અચકાય એ બીજા ! બીક તો મનમાં ભરેલી હોય તો લાગે ! બીક કંઇ બહારથી થોડી આવે છે ?

દાન-પુણ્ય બાબતે:

ચોર ખાય, મોર ખાય, અને ઢોર ખાય પછી વધે તે ખેડૂતને ભાગે આવે. ખેતીના ધંધામાં ખળા-ખળવટ વખતે માંગણની પણ કતાર લાગે. એટલું તો એય સમજેને કે ઘેર માગવા ગયે ખોબો મળે, જ્યારે ખળાની પાળીએ વગર માગ્યું ને વગર તોળ્યું – સુંડલાના માપે મળે !

ક્યારેક એવું બને કે પુરુષનો જીવ દેવામાં થોડો પાછો રહે તો ધણિયાણી કહી ઊઠે “ આપોને થોડું વધારે, આ થોડું “ઘર” છે ? આ તો “ખળું” ગણાય ! અને ખળાની પાળીએ એટલું તો માગે જ ને ! એય વસ્તારી માણહ છે, સાંજ પડ્યે પાલી લોટ ખાઇ જતા હશે, ખરુંને હકુડા ?”

“કીડીને કણ ને હાથીને મણ, પૂરનારો એ છે. આખા મલકની ચંત્યા લઈ એ ફરનારો છે. એના ધ્યાન બારું થોડું કંઇ હોય ? આપણે તો ભાઇ પુરુષાર્થ કર્યે જવાનો ! અને કહો તો દિ’ નો ક્યાં દુકાળ છે ? ખેતીમાં તો ચાર-પાંચ મહિને મોસમ બદલાય. આ માં નહીં મળે તો આવતી મોસમે દઈ રહેશે. આપણી મહેનત હશે તો એણે સામું જોયા વિના છૂટકો છે કાંઇ !” આ ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા ખેડૂત કરતાં ખેડૂત-સ્ત્રીમાં વધુ જોવા મળતી હોય છે, અને એના જ બળે ખેડૂત અને ખેતી બન્નેને કાળ-દુકાળના કે અણધાર્યા અક્સ્માતો – ઝંઝાવાતોમાં બળ મળ્યા કરતું હોય છે.


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

2 comments for “ખેતીમાં બહેનોનું બળુકું યોગદાન

 1. Samir
  April 24, 2019 at 2:16 pm

  અદભુત લેખ !
  આખી જિંદગી શહેર માં કાઢી એટલે ખેડૂત અને ખાસ કરી ને ખેડૂત સ્ત્રી ના જીવન નો ખ્યાલ ઓછો આવે. જોકે શહેર માં પણ કેટલીય બહેનો ખુબ કામ કરે છે. પણ ગામડા ના ખેડૂત બહેનો ની તોલે કોઈ ના આવે.
  ખુબ આભાર !

  • હીરજી ભીંગરાડિયા
   April 28, 2019 at 5:07 pm

   આ.શ્રી સમીરભાઇ ! આપને આ અમારું અનુભવ લખાણ ગમ્યું. ખુશી થઈ. આભાર ! …હીરજી ભીંગરાડિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *