બાળવાર્તાઓ : ૬ : ડોશીને ઘેર આવ્યા ચોર

Facebooktwitterredditpinterestlinkedinmail

પુષ્પા અંતાણી

એક ડોશીમા હતાં. એમનું ઘર ગામના પાદરે આવેલું હતું. ઘર તો શું, એક ડેલીબંધ વંડો હતો. વંડામાં સાવ નાનકડી ઓરડી હતી. અર્ધો વંડો ઉપરથી બંધ હતો અને અર્ધો ખુલ્લો હતો. ખુલ્લો વંડો જાણે ડોશીમાના ઘરનું આંગણું. આંગણામાં લીમડાનું મોટું ઝાડ હતું. ડોશી ચોમાસામાં અને શિયાળામાં વંડાના બંધ ભાગમાં રહેતાં અને ઉનાળામાં લીમડા નીચે ખાટલો ઢાળીને દિવસ પસાર કરતાં.

ડોશીમા એકલાં જ રહેતાં હતાં. એમનું કોઈ સગુંવહાલું નહોતું. તેઓ દરરોજ સવારે વહેલાં ઊઠી, નહાઈ-ધોઈ ભગવાનનાં દર્શન-ધૂપ-દીપ-પૂજા કરીને દિવસની શરૂઆત કરતાં. પૂજા પતાવીને વંડાની ભીંતોની નીચે આવેલા પોલાણમાં લોટ-સાકર કે તલ-ગોળનો ભૂકો કરી કીડિયારું પૂરતાં. તે સાથે જ અસંખ્ય કીડીઓ ખાવા માટે ભેગી થઈ જતી. એવું લાગતું કે જાણે ત્યાં લાલ રંગની જાજમ પાથરી છે. ડોશી કીડિયારું પૂરતાં જાય અને કીડીઓને કહેતાં જાય: “ખાવ મારી બચુકડીઓ, ધરાઈને ખાવ!” ડોશી હજી તો કીડીઓની સાથે જ હોય ત્યાં ઘટરઘૂ…ઘટરઘૂ… કરતુંકને કબૂતરોનું ટોળું આંગણામાં ચારે બાજુ ફરી વળે.

ડોશી કહેતાં: “મારાં ભોળિયાં પારેવડાંઓ, ઘડીક તો ધીરજ ધરો! હમણાં જ આવું છું તમારું ચણ લઈને.” પછી ડોશીમા જુવારની મુઠ્ઠીઓ ભરી ભરીને આંગણામાં વેરતાં જાય. બધાં કબૂતરો ડોશીમાએ નાખેલાં ચણ પર તૂટી પડે. કબૂતરોના ઘટરઘૂ અવાજથી આખું વાતાવરણ સંગીતમય બની જાય. કોઈ કબૂતર ડોશીના હાથ પર, કોઈ ડોશીના ખભા પર તો કોઈ એમના માથા ઉપર ચઢી બેસે.

ડોશી કબૂતરોના સાથનો આનંદ લૂંટતાં હોય ત્યાં જ ડેલીએ ‘અંભા..અંભા…’ સંભળાય. ડોશીમા જુવારની ટોપલી નીચે મૂકી ચારાનો પૂળો લેવા જાય. ગાયનું ‘અંભા..અંભા’ તો ચાલુ જ હોય. ડોશી એની પાસે જતાં બોલતાં હોય: “શાંતિ રાખ, મારી માવડી, તું શાંતિ રાખ! આ જો, તારું જ ખાવાનું લાવી છું. તું પ્રેમથી ખા અને પછી નિરાંતે બેસીને વાગોળ.” ગાય ડોશીના પેટમાં માથું ઘસીને પ્રેમ કરે અને ડોશી પણ એને વહાલથી પંપાળે. હજી તો આવું ચાલતું હોય ત્યાં જ દૂરથી ‘ભાઉ…ભાઉ’ કરતો કાળિયો કૂતરો દોડતો આવી પહોંચે. ડોશીમાં બોલે: “આવ, મારા કાળિયા, એક તું જ બાકી હતો. ઊભો રે’જે… તારા માટે રોટલો લાવું છું.” ડોશીમા કાળિયા માટે ઘડેલો બાજરાનો રોટલો લાવે અને એના ટુકડા કરીને ખોબામાં ધરે. કાળિયો પૂંછડી પટપટાવતો કૂદકા મારતો જાય ને ડોશીના હાથને ચાટતો જાય. ડોશીમા પણ કાળિયાના શરીર પર પ્રેમથી હાથ ફેરવે અને બોલે: “હવે તારાં લટૂડાં-પટૂડાં રે’વા દે… રોટલો ખા ને મજા કર.”

આમ ડોશીમાની સવાર આ રીતે વીતે. એમને ઘેર રોજ આવતાં કીડીઓ, કબૂતરો, ગાય અને કાળિયો કૂતરો એકબીજાનાં ભાઈબંધ થઈ ગયાં હતાં. બધાં થોડો સમય સાથે વિતાવે અને પછી પોતપોતાના કામે લાગી જાય.

એક દિવસ ડોશીમા સવારનો નિત્યક્રમ પતાવી, બીજાં કામ કરી, બપોરનું ભોજન લઈ લીમડા નીચે ખાટલો ઢાળીને આરામ કરવા માટે સૂતાં. સાંજ પડવા આવી ત્યારે કોઈએ ડેલી ખટખટાવી. ડોશી તો વિચારમાં પડી ગયાં:

મારે ત્યાં આટલાં વર્ષોમાં કોઈ આવ્યું નથી, તો આજે કોણ આવ્યું હશે?

એમણે ડેલી ઉઘાડી. સામે ચાર માણસો ઊભા હતા.

ડોશીએ નવાઈ પામીને પૂછ્યું:

“કોણ છો તમે?”

એક જણ બોલ્યો: “અમે ચોર છીએ.”

“ચોર? મારા ઘરમાં તો ચોરી કરવા જેવું કાંય નથી, શું ચોરવા આવ્યા છો?” ડોશીએ ભવાં ચડાવતાં પૂછ્યું.

બીજો ચોર બોલ્યો: “તારું ઘર ચોરવા આવ્યા છીએ.”

“મારું ઘર ચોરવા? ઘર કેમ ચોરી શકાય? સાફ સાફ વાત કરો,” ડોશીમા ગુસ્સે થઈ ગયાં.

હવે ત્રીજો જણ બોલ્યો: “ડોશી, શાંત થા અને અમારી પૂરી વાત સાંભળ. અમે ચોર છીએ. આજે જ આ ગામમાં આવ્યા છીએ. આખા ગામમાં ફરી આવ્યા. અમને રહેવા માટે ગામના પાદરે આવેલું તારું ઘર વધારે સલામત લાગ્યું છે. એથી અમને તારું ઘર જોઈએ છે.”

ડોશી તો ધૂંવાંપૂંવાં થઈ ગયાં. કહેવા લાગ્યાં: “ગાંડા થયા છો? તમને મારું ઘર જોઈએ છે, પણ મારે આપવું ન હોય તો?”

બાકી રહી ગયેલો ચોથો ચોર બોલ્યો: “તો અમે તને મારી નાખશું.”

“મને ધમકાવો છો?”

એટલું બોલી ડોશી ડેલી બંધ કરવા લાગ્યાં, પણ ચોરોએ બારણાને જોરથી ધક્કો મારીને ડેલી ખોલી નાખી.

એક જણ ડોશીમાને કહેવા લાગ્યો: “જો, ડોશી, અમે તને બીજું ઘર ખરીદવા માટે પૈસા આપશું. તું બીજું ઘર શોધી લે. આ ઘર અમને આપી દે… જો તું અમારી વાત નહીં માને તો અમે તને મારીને દૂર દાટી દેશું. કોઈને ખબર પણ પડશે નહીં, સમજી?”

બીજો ચોર નજીક આવ્યો અને બોલ્યો:

“અમે અત્યારે જઈએ છીએ. કાલે આજ સમયે અમારો સામાન લઈને પાછા આવશું. રાત પડશે એટલે અમે ચોરી કરવા જશું. પછી વહેલી સવારે અંધારામાં જ અમે પાછા આવશું. અમે દિવસે સૂઈ જશું અને ફરી રાતે ચોરી કરવા જશું. અમારી રોજની વ્યવસ્થા આ પ્રમાણે હશે. અમે તને ત્રણ દિવસ આ ઘરમાં રહેવા આપશું. તે દરમિયાન તું તારા માટે બીજું ઘર શોધી લેજે. ત્રણ દિવસ પછી તને આ ઘરમાં રહેવા નહીં મળે.”

એટલું બોલી, ડોશીના જવાબની રાહ જોયા વિના, ચારે ચોર ધબ-ધબ કરતા જવા લાગ્યા. ઘડીકમાં એક ચોર પાછો આવ્યો. ડોશીને પિસ્તોલ બતાવીને કરડા અવાજે બોલ્યો: “જો તેં કોઈને આ વાત કરી છે તો તું આ પિસ્તોલથી બચી શકશે નહીં.”

ડોશીમાં તો બિચારાં વિચારમાં પડી ગયાં. થોડી વારમાં રાત પડશે. ક્યાં જાઉં? આમ પણ મારું કોઈ છે નહીં. એમણે આખી રાત ચિંતામાં ને ચિંતામાં પસાર કરી. બીજા દિવસે સવારે ડોશીમાએ ભગવાનની પૂજા કરી. એમનાં બધાં સાથીદારો કીડીઓ, કબૂતરો, ગાય અને કાળિયો કૂતરો આવ્યાં. ડોશીમાએ બધાંને ખવરાવ્યું ખરું, પરંતુ દરરોજની જેમ બધાંની સાથે મજાક-મસ્તી કરી શક્યાં નહીં. બધાંને થયું કે આજે ડોશીમા કોઈ વાતે ચિંતામાં છે. એમણે બધાંએ ભેગાં મળીને પોતપોતાની રીતે એમને પૂછ્યું: “માડી, શી વાત છે? તું આટલી બધી ચિંતામાં કેમ છે?”

ડોશીમાએ પોતાનાં સંતાનો જેવાં સાથીદારોને આખી વાત કરી અને પછી ઉમેર્યું: “આજે બપોર પછી એ લોકો આવવાના છે. મારે ત્રણ દિવસમાં આ ઘર છોડવું પડશે. હું તો મારું ઘર છોડીને ક્યાંય જવાની નથી. એ લોકોએ મને મારી નાખવી હોય તો ભલે મારી નાખે…” એમ કહી ડોશીમા દુ:ખી થતાં ત્યાંથી ચાલ્યાં ગયાં.

ડોશીમાંનું દુ:ખ જોઈને કીડીઓ-કબૂતરો-ગાય-કાળિયો બધાં પણ ખૂબ દુ:ખી થઈ ગયાં. ગુસ્સે પણ ભરાયાં. પછી સાથે મળીને વિચારવા લાગ્યાં કે ડોશીમાનું દુ:ખ દૂર કરવા માટે શું કરી શકાય. ઘણોબધો વિચાર કર્યા પછી એમણે એક યોજના ઘડી કાઢી અને ઉત્સાહ સાથે બોલ્યાં:

“માડી, મરે તારા દુશ્મન! જોજે તો ખરી, અમે એ લોકોને એક દિવસ પણ આ ઘરમાં રહેવા નહીં દઈએ.”

બપોર પછી ચોર આવ્યા. પોતાનો સામાન ગોઠવ્યો. ડોશીમા તો માથે ચાદર ઓઢીને ખાટલા પર સૂઈ ગયાં. એમણે ચોરોની સામે જોયું ય નહીં કે કશી વાત પણ કરી નહીં.

રાત પડી. ચોરો ચોરી કરવા નીકળ્યા. પરોઢે પાછા આવ્યા. નાનકડી ઓરડીમાં માંડ બે જણ સૂઈ શકે તેમ હતા. બે ચોર ઓરડીમાં સૂતા અને બે ચોર લીમડાના ઝાડ નીચે ખુલ્લી હવામાં સૂતા.

સવારે ડોશીમાં જાગ્યાં. ભગવાનની પૂજા કરતાં હતાં તેવામાં લીમડા નીચે સૂતેલો એક ચોર ચીસાચીસ કરતો બેઠો થયો અને ઊભો થઈને ઠેકડા મારવા લાગ્યો. એના આખા શરીરે ચટકા વાગતા હતા. એણે જોયું તો એના આખા શરીર પર લાલ લાલ કીડીઓ હતી. થોડી વારમાં એનું શરીર ઢેફાંથી સૂજી ગયું.

એની ચીસાચીસ ચાલુ જ હતી ત્યાં તો બીજા ચોરે પણ બુમરાણ મચાવી. એના પર અસંખ્ય કબૂતરોએ એકીસાથે હુમલો કર્યો હતો. કબૂતરોએ એને બધી બાજુથી ચાંચ મારી મારીને લોહીલુહાણ કરી નાખ્યો.

બંને ચોરને શું કરવું તેની સમજ પડતી નહોતી. પીડાથી ચીસો પાડતા બંને જણ ડેલી તરફ ભાગવા લાગ્યા. પાછળ કીડીઓ અને કબૂતરો પણ એમને ડેલીની બહાર ધકેલતાં હતાં. બંને અથડાતા-કુટાતા ડેલીનાં પગથિયાં પરથી રસ્તા પર ઊથલી પડ્યા.

આ બધી રાડારાડ સાંભળીને ઓરડીમાં સૂતા હતા એમાંથી એક ચોર બહાર નીકળ્યો. એ પેલા બેની તપાસ કરવા એમની પાસે ગયો અને શું થયું છે તે જોવા માટે નીચે બેઠો. તે જ વખતે ગાય દોડતી આવી, એને શીંગડાંથી ઊંચકી ફૂટબોલની જેમ ઉછાળ્યો. એ ચોર તો શું બન્યું તે સમજી પણ શક્યો નહીં. એ બેઠો થવા ગયો ત્યાં જ ગાયે એને શીંગડાં મારીને ફરી પાછો ઉલાળ્યો. આ વખતે એ ખૂબ જોરથી પટકાયો. એને માથામાં વાગ્યું. લોહી નીકળવા લાગ્યું. ગાય તો એને શીગડાં મારતી જાય અને ઉલાળતી ઉલાળતી નીચે પછાડતી જાય. અંતે એ બેભાન થઈ ગયો.

ચોથો ચોર પણ બહાર નીકળ્યો. એ એના ત્રણ સાથીદારોની આવી હાલત જોઈને ખૂબ ડરી ગયો. એણે તો નક્કી જ કરી લીધું કે આ ઘરમાં રહેવા જેવું નથી. એણે વિચાર્યું: મને કંઈ થાય તે પહેલાં ચોરીનો માલ લઈ અહીંથી ભાગી જાઉં. એ ઓરડીમાં જઈ બધો માલ લઈને બહાર આવ્યો. એ એવો સ્વાર્થી નીકળ્યો કે ત્રણેય સાથીદારોને મરણતોલ હાલતમાં છોડીને નાસવા લાગ્યો. તે જ વખતે કાળિયો આવ્યો. એ ભાગતા ચોરની પાછળ દોડ્યો અને એના પગમાં બચકાં ભરવા લાગ્યો. ચોર મોટેથી ચીસ પાડતો ઊથલી પડ્યો, પણ તરત ઊભો થઈ, ચોરીનો માલ પડતો મૂકીને ભાગવા લાગ્યો.

એ જ વખતે સામેથી પોલીસનું વાહન આવ્યું. રાતે ગામમાં ચોરી થઈ છે તેવા સમાચાર પોલીસ સુધી પહોંચ્યા હતા એથી પોલીસ ચોરને શોધવા નીકળ્યા હતા. પોલીસને જોઈને ચોર ઊંધો વળીને ભાગવા ગયો તો સામે કાળિયો મોઢું ફાડીને ઊભો હતો. ચોરને કશું જ સૂઝ્યું નહીં, હવે શું કરવું. એ માથું પકડી નીચે બેસી ગયો.

ડોશીમાએ પોલીસને બધી વાત કરી. પોલીસે ચોરીનો માલ જપ્ત કરી લીધો. ચારે ચોરને હાથકડી પહેરાવી વાહનમાં ઉપાડી ગયા. ડોશીમાંનાં બધાં સાથીદારો આનંદમાં આવી એમને ઘેરી વળ્યાં. ડોશીમા પણ ખુશ થતાં બોલ્યાં: “મારાં બાલુડાંઓ, આજે તો તમે રંગ રાખ્યો, મને નવું જીવન આપ્યું. કોણ કહેશે કે આ દુનિયામાં મારું કોઈ નથી. તમે બધાં જ મારાં છો.”Leave a Reply

Your email address will not be published. Required fields are marked *