સંસ્કૃતિની શોધમાં : ૮ : ફ્રેન્કફર્ટથી દોહા તરફ

Facebooktwitterredditpinterestlinkedinmail

સંસ્કૃતિની શોધમાં - Title photo

પૂર્વી મોદી મલકાણ

ફ્રેન્કફર્ટથી અમે એમીરેટ્સ એરની ફ્લાઇટ લીધી. આ ફ્લાઇટ સાથે જ અમારો રોમાંચભર્યો પ્રવાસ શરૂ થઈ ગયો હતો, પણ પાકિસ્તાન પહોંચતાં પહેલાં જ આ ફ્લાઇટ પણ અમારા રૂંવાડા ઊભા કરવાની હતી તેની અમને જાણ ન હતી. આ ફ્લાઇટ અમને દોહા લઈ જવાની હતી. દોહામાં બે-ત્રણ કલાકના હોલ્ટ પછી અમારી બીજી ફલાઈટ અમને રાવલપિંડી લઈ જવાની હતી. પણ એ બીજી ફલાઇટની વાત દૂર હતી, અત્યારે તો અમારે આ દોહાની ફ્લાઇટ એન્જોય કરવાની હતી. અગાઉ કરેલ યુનાઈટેડ, બ્રિટિશ એરવેઝ, એર લિંગસ, એર ઈન્ડિયા, જેટ, ડેલ્ટા, લુફથાન્સા, એર કુવૈત, અમેરિકન વગેરે એરકંપનીઓમાં મને આ એમીરેટ્સની અને ઈતિહાદ આ બંને એરલાઇન મને બહુ ગમી. સારું ફૂડ, પહોળી અને આરામદાયક સીટો અને અંતે સારી સર્વિસ એ આ ફ્લાઇટ્સની ખાસિયત છે.

ખેર, એમીરેટ્સ પર પાછા આવીએ. અમારી આ પહેલી ફ્લાઇટમાં રહેલ ક્રૂ મેમ્બરોમાં “સંચય ઘોષ” નામના બંગાળી બાબુ પણ હતા. તેમની સાથે મારી સારી એવી ઓળખાણને અંતે તેમણે જણાવ્યું કે તેઓ પહેલાં કોઈ બીજી કંપની સાથે કામ કરતા હતાં ત્યારે તેમને એકવાર કરાંચી જવાનો મોકો મળ્યો હતો, પણ એ સમયે પાકિસ્તાન એરપોર્ટ ઓથોરીટીએ તેમના પર નજરબંધી કરાવી ૩-૪ દિવસ સુધી ત્યાં જ ફસાવી કાઢ્યા હતા, ત્યારથી તેણે પાકિસ્તાન જવા અંગે કાન પકડ્યા. પણ આ પ્રસંગ પછી તેમણે કંપની યે બદલી કાઢી. આ કંપનીમાં નિયમ છે કે ભારતીય ક્રૂ મેમ્બરને પાકિસ્તાન મોકલવા નહીં, અને જાય તો તે પોતાનાં રિસ્ક ઉપર અથવા વિઝા સાથે જાય અન્યથા નહીં. મી. ઘોષ સાથે વાતચીત ચાલતી જ હતી ત્યાં પ્લેન હાલક ડોલક થવા લાગ્યું તેથી હું મારી સીટ પર પાછી ફરી.

અમારી ફ્લાઇટની અસ્થિરતા પણ વધવા લાગી હતી. પહેલાં વિચાર્યું કે આ થોડીવાર માટે જ છે પણ મારો એ અંદાજ ખોટો પડ્યો. ફ્લાઇટની વધતી જતી ધ્રુજારીને કારણે સીટબેલ્ટ બાંધી લેવાની સૂચના મળી અને જેમની સીટ પાછળ થઈ હોય તેમની સીટ સીધી કરાવી. જે લોકો બાથરૂમ પાસે ઊભા હતાં તેઓને તેમણે પોતાની સીટમાં પરત જવા કહ્યું. જે બાથરૂમની અંદર હતાં તેઓને તેમણે અંદર જ રહેવા કહ્યું સાથે કહ્યું કે સિંકની નીચે આ જગ્યામાં બેલ્ટ છે તેને ખેંચી લેવાની સૂચના આપી. તે સમયને સમજીને ક્રૂ મેમ્બરો બેલ્ટ પહેરી લો, બેલ્ટ પહેરી લો અને માથું નીચે કરી લો ….એમ જોર જોરથી અનાઉન્સ કરતાં ફરવા લાગ્યાં. અનેકો વાર હવાઈ યાત્રા કર્યા પછી પણ મારે માટે આ બધું જ નવું હતું તેથી ડરના માર્યા મારું હૃદય જોર જોરથી ધડકવું શરૂ થઈ ગયાં અને મે એમનો હાથ જોરથી પકડી લીધો ને, ને બે પળ માટે આંખ બંધ કરી દીધી.

યાત્રીઓને સૂચના આપી અમુક ક્રૂ મેમ્બર પોતે પણ બેલ્ટ પહેરી બેસી ગયાં જેમાં મી.ઘોષ પણ હતા. આ દરમ્યાન અમારી ફ્લાઇટની અસ્થિરતા ખૂબ વધી ગયેલી. નાના નાના ઝટકા અને ધડાકા સાથે અચાનક પ્લેનનું નીચે જવું અને પાછું ઉપર આવવું, પળ -બેપળ માટે સ્થિરતા લાગવીને પાછી એ જ અસ્થિરતા. ફ્લાઇટને હવામાં આમતેમ ઝૂલતું અને ફેંકાતું જોઈ અમારા હૃદય, મન, મગજ શૂન્ય થઈ ગયાં હતાં. અમારું મગજ કશુંક વિચારે તે પહેલાં જ ફ્લાઇટની અસ્થિરતાને કારણે મીલ એરિયામાં રહેલ કોફી, ટી વગેરેનાં કેટલ ઊંધી સુલટી પડતી રહી અને જ્યુસ- પાણીનાં જે ગ્લાસ ભરેલી ટ્રે હતી તે પણ આમતેમ પડી અથડાવા લાગી તે સાથે જ ફ્લાઇટ્સની સીટ વચ્ચેથી નાની નદી વહેવી શરૂ થઈ ગઈ. આ દરમ્યાન ઉપર રહેલ સામાનની બે-ત્રણ ટ્રે ખૂલી જતાં તેમાં રહેલ સામાન બહાર ફેંકાવવા લાગ્યો. પણ જે વ્યક્તિનું ધ્યાન ગયું તેણે તરત જ ઊભા થઈ તે સામાન પગ વચ્ચે દબાવી દીધો. ત્યાં જ ક્રૂ મેમ્બરે આવી તે ટ્રે બંધ કરી દીધી. આ તોફાન જોઈ બધાં જ યાત્રીઓ વિચારવા લાગ્યાં કે અચાનક શું થયું પણ એક અજાણ્યો ડર બધાંના મો પર પોતાની છાપ છોડતો જતો હતો. આગળની સીટ પર રહેલ બાળકોના રડવાનો અવાજ પ્લેનમાં છવાયેલ સ્તબ્ધ શાંતિને ચીરી રહ્યાં હતાં.

થોડીવાર પછી એક ક્રૂ મેમ્બર ફોનમાં વાત કરવા લાગી. આ વાતચીત સાથે તેનાં મો પર હાવભાવ બદલાવા લાગ્યા. આ જોઈને અમને પરિસ્થિતી કેટલી ગંભીર થઈ ગઈ છે તેનો ખ્યાલ આવી ગયો હતો, પણ અમે બધાં જ ચૂપ હતાં તેણે જેવો ફોન મૂક્યો કે ફોન પાસે બેસેલ યાત્રી પૂછવા લાગ્યો. તેણે કહ્યું બધું જ બરાબર છે ડરવાનું કોઈ કારણ નથી, આટલું બોલી તેણે ફરી ફોન ઉપાડયો અને સાંકેતિક ભાષામાં પાઇલટ સાથે વાત કરી. આ વાત પૂરી થતાં જ કોકપીટમાંથી કો-પાઇલટ બહાર આવ્યો અને હાથમાં માઇક લઈને કહે શાંતિ રાખજો, થોડીવારમાં બધું બરાબર થઈ જશે. તે બોલતો રહ્યો, પણ ફ્લાઇટની સ્થિતિ જોઈ અમને તો લાગતું હતું કે આ કેવળ ઠાલું સાંત્વન છે, હવે તો બસ ગયાં, ગયાં જ…. પ્રત્યેક પળ મને અમારી અંતિમ પળ લાગી રહી હતી, મને ખબર ન હતી કે આગળની પળે શું થશે, પણ આજુબાજુ રહેલાં યાત્રીઓ હોઠ ફફડાવી રહેલાં હતાં, કદાચ પ્રભુને આ સંકટમાંથી ઉગારવા પ્રાર્થના જ કરી રહ્યાં હતાં.

કેટલીયેવારની મથામણ પછી અમારી ફ્લાઇટ હવે સ્થિર હતી, ફરી વાતાવરણને નોર્મલ કરવાનાં પ્રયાસો ધીરે ધીરે શરૂ થઈ રહ્યા હતા. બધાં જ યાત્રીઓની પ્રાર્થના રંગ લાવી હોય તેમ અચાનક સ્થિરતા આવી ગઈ, જાણે ડરાવણો સમય કોઈ સ્વપ્ન હોય તે રીતે શાંત થઈ ગયો હતો. એક તોફાનની પળ આવીને ચાલી ગઈ, પણ ત્યાં સુધી ફ્લાઇટની અંદર ઘણુબધું વાતાવરણ બદલાઈ ગયું હતું. નેંપ્કિન પેપરથી રેલની જેમ ચાલી જતાં ચા-કોફી-પાણી-જ્યુસની નદીને શોષી લેવાં માટે ૧-૨ ક્રૂ મેમ્બરો પ્રયાસ કરી રહ્યાં હતાં. રડી રહેલાં બાળકોનો અવાજ હવે ડૂસકાંમાં બદલાઈ રહ્યો હતો. મીલ એરિયાની પાસે અમારી સીટ હોવાથી અમે ઊભા થયાં અને આમતેમ ફેલાયેલી વસ્તુઓને ભેગી કરવા મદદ કરવા લાગ્યાં. અમને મદદ કરતાં જોઈ બીજા બે-ત્રણ યાત્રીઓ પણ મદદે આવ્યાં એ દરમ્યાન અન્ય ક્રૂ મેમ્બર પાણીનાં ગ્લાસની ટ્રે ભરી બેસેલા યાત્રીઓને આપવા લાગી જેથી કરીને તેઓનો ડર ઓછો થાય પણ અમારા હૃદયની તે ધડકનો ચાલુ જ રહી કારણ કે હજુ અમારી ફ્લાઇટ લેન્ડ નહોતી થઈ.

જ્યારે અમારી ફ્લાઇટ દુબઈમાં લેન્ડ થવા જઈ રહી છે તેવું અનાઉન્સ કરવામાં આવ્યું ત્યારે તેમાં કોઈ આશ્ચર્ય ન હતું. દોહા તરફ ઊડતી અમારી ફ્લાઇટનો રૂટ બદલાઈ ગયો હતો. અંતે જ્યારે વિમાનનાં પૈડાં દુબઈના રનવે પર દોડવા લાગ્યાં ત્યારે અમારા યે મનને શાંતિ થઈ. રૂટ ભલે બદલાઈ ગયો હોય પણ અમે બધાં સેફ હતાં તેથી સૌ યાત્રીઓએ પાઇલટ અને ક્રૂ મેમ્બરોને તાલીઓથી વધાવી લીધાં અને ક્યાંય સુધી તે વાગતી રહી. જ્યારે ફ્લાઇટમાંથી અમે બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે તે ક્રૂ મેમ્બરોએ શાંતિ અને ધીરજ જાળવવા બદલ અમારો પણ આભાર માન્યો. અંતે જતાં જતાં મલકાણે મી.ઘોષને તે સમયનાં તોફાન માટે પૂછી જ લીધું તે કહે જે જગ્યાએ તોફાન થયેલું તે ભાગમાં થંડરસ્ટોર્મ ચાલતું હતું. ( તેણે જવાબ આપવા ખાતર જ આપેલો. ) કોઈવાર એવું થઈ જાય, પણ પાઇલટ ઓફિસર બહુ અનુભવી છે કહી તે ચૂપ થઈ ગયો, પણ તેની ચુપકીદીએ અમને કંઈક સાનમાં કહી દીધું હતું, પણ અત્યારની સચ્ચાઈ એ હતી કે, અમે એક તોફાનમાંથી બહાર નીકળી ચૂક્યાં હતાં.


ફોટોગ્રાફી : પૂર્વી મોદી મલકાણ


© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com

1 comment for “સંસ્કૃતિની શોધમાં : ૮ : ફ્રેન્કફર્ટથી દોહા તરફ

  1. Mina
    April 23, 2019 at 6:31 pm

    Purvi ben, Tamari sathe safar karva ma to bhare jokham che bhai. Ahin betha betha hoon ye pani pani Thai hai.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *