





સુરેશ જાની
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે
પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે
મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું
સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું
દરેક કૂંપળને કોમ્પ્યૂટર ફરજિયાત શીખવાનું
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું
આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે
અમથું કંઇ આ વાદળીઓને એડમિશન દેવાનું ?
ડોનેશનમાં આખેઆખું ચોમાસું લેવાનું
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો !– કૃષ્ણ દવે
રમતિયાળ અને અવનવા મિજાજની કવિતાઓના સર્જક શ્રી. કૃષ્ણ દવેની આ રચના સહેજે સમજાવવી પડે તેમ નથી. અર્વાચીન શિક્ષણ પદ્ધતિ અને વ્યાપારૂ શિક્ષણ સંસ્થાઓ પર એમાં ભારોભાર કટાક્ષ અને આક્રોશ હળવાશથી અભિવ્યક્ત થયો છે.
સમાજમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેનો આ આક્રોશ નહીં હોય. આ એ જ ગુજરાત છે, જેમાં ગીજુભાઈ બધેકાએ બાળકોના બેલી બનીને નવી તરાહની શિક્ષણ પદ્ધતિ શરૂ કરી હતી. આ એ જ ગુજરાત છે જેમાં નાનાભાઈ ભટ્ટ, મૂળ શંકર ભટ્ટ, જુગતરામ દવે, અને મનુભાઈ પંચોળી ( દર્શક) જેવા સમર્થ શિક્ષકોએ પાયાના શિક્ષણ માટે ધૂણી ધખાવી હતી અને પોતાના સમગ્ર જીવન દરમિયાન ઝઝૂમ્યા હતા.
શાળાઓ ચાર દિવાલો વચ્ચે બંધિયાર નથી જ. આંખ પડે અને ખુલ્લી હોય તો(!) કોઈ પણ ચીજ કાંઈક શીખવી જતી હોય છે. આખું જીવન એક શાળા છે, અને આપણે જીવનના અંત સુધી શીખતા રહી શકીએ છીએ, શીખતા હોઈએ જ છીએ. શિક્ષણ અને કેળવણીની સંસ્થાઓ ખરેખર આમ આંખ ખોલવા માટે જ ઊભી થયેલી નથી? સર્ટિફિકેટો અને ડીગ્રીઓ તો પકડ,હથોડી અને ડિસમિસ માત્ર જ છે – શિક્ષણનું ખરું ધ્યેય તો સમાજને સાચી દિશામાં આગળ ધપાવનાર કારીગરો પેદા કરવાનું છે, જ્ઞાનના સીમાડાઓમાં વહાણને હંકારી શકે તેવા કોલમ્બસને જન્મ આપવાનું છે !
સમૃદ્ધિ માટેની દોડમાં આંધળા બનીને દોડતા વાલીઓ આ કવિતાના પદોને અને આ વિચારને હસીને કાઢી જ નાંખશે. સન્નિષ્ટ શિક્ષકો બળાપો કરીને , હાથ જોડીને બેસી રહેશે. ‘આપણે કરી પણ શું શકીએ?’ – એવો નિર્માલ્ય બચાવ કરીને સૌ શાહમૃગની જેમ ચહેરો સંતાડી દેશે. આપણે પણ આ કવિતાના રમતિયાળપણાથી ખુશ થઈને કૃષ્ણ ભાઈને બિરદાવીને આપણા કામમાં પરોવાઈ જઈશું!
પણ હાલત છેક એટલી ખરાબ નથી. ઈ-શિક્ષણ દ્વારા બાળક નાનપણથી જ જાતે ભણતું થાય, એનામાં કુતૂહલ જાગે અને ખાંખાખોળાં કરી પોતાની શક્તિઓ વિકસાવી શકે – એ શક્યતા આ એકવીસમી સદીમાં જન્મી ચૂકી છે. વિડિયો, ઈ-કસોટી, રમત દ્વારા શિક્ષણ વિ. વિજાણુ સવલતો વિકસી રહી છે. છેક છેવાડાની શાળાઓમાં પણ મલ્ટિમિડિયા માધ્યમો પૂરા પાડવામાં આવી રહ્યાં છે. બાળકો અને વિધાર્થીઓને રિવિઝન અને પ્રેક્ટિસ માટે ઘેર ટેબ્લેટો આપવાની વ્યવસ્થા મોટા પાયા પર આકાર લઈ રહી છે. પતંગિયાંઓની એ જ મોજ અને ભમરા અને કોયલોના ગુંજારવ હવે ઓન -ડિમાન્ડ, આંગળીઓના સ્પર્શે સજીવન થવા લાગ્યા છે. હવે ઘેર ઘેર, ઝૂંપડીઓમાં પણ કૂંપળો ફૂટી શકે છે, અને પાણી વિના માછલીઓ તરી શકે છે! જૂની આંખોને આ અંદાજ કદાચ નહીં ગમે, પણ સમગ્ર વિશ્વ આ દિશામાં આગળ ધપી રહ્યું છે. અલબત્ત રમત ગમત અને હસ્ત કૌશલ્યનો એ વિકલ્પ ન જ બની શકે , પણ વ્યાપારૂ બની ગયેલ શિક્ષણ પદ્ધતિમાં આ જ એક સુભગ ઉકેલ જણાય છે – ધીમે ધીમે સર્વ સ્વિકૃત થતો જાય છે.
‘ઈ-વિદ્યાલય’માં આ નવી તરાહની એક ઝલક અહીં જોઈ શકાશે –
ગુજરાતમાં આ દિશામાં પહેલ કરનાર શ્રીમતિ હીરલ શાહને સો સલામ.
અંતે આવો જ આક્રોશ શ્રીમતિ મિનાક્ષીબહેન પંડિતની આ રચનામાં માણી, સમજી વિરમીએ-
સ્કૂલમાંથી મારાં દીકરા-દીકરી આવીને
જે રીતે પોતાનાં દફ્તરો ફંગોળે છે
એ જોઇને હું દંગ રહી જાઉં છું.દફ્તરોનો બોજ લાદતાં, ઘરે આવી
લુશલુશ નાસ્તો કરી બેસી જાય છે
હોમવર્ક કરવા માટે.હું પરાણે એમને બહાર રમવા જવાનું
કહું છું તો તેઓ મારા પર વરસી પડે છે :
‘અમારું લેસન પૂરું કરી લેવા દો,
નહીં તો અમને અમારી સિરિયલ જોવા નહીં મળે.આજે તો હું રૂરૂશ્ જોવાનો છું.
ના, મારે તો કાટૂર્ન નેટવર્ક જોવું છે.’બંને બાળકો પોતપોતાની મનપસંદ
ટીવી સિરિયલો જોવાની લમણાંઝીકમાં પડી જાય છે:હું એમને બહાર જઇ આંધળોપાટો, પકડદાવ,
કબ્બડી, ગિલ્લીદંડો કે દોરડા કૂદવા કહું છું તો
એમના ચહેરા પર મસમોટું પ્રશ્નાર્થ ચિહ્ન જોવા મળે છેમમ્મી આ બધું શું બકી રહી છે ?
આવી તો કોઇ રમત રમાતી હશે ?ટીવી અને વિડિયો ગેમ્સે બાળકોના
મનનો કબજો કર્યો છે.લાગે છે આપણે આપણી જૂની રમતોનું
એક પુસ્તક છપાવવું પડશે અથવા
એની સીડી તૈયાર કરાવવી પડશે !બાળકો કદાચ કોમ્પ્યૂટર સામે બેસી
રમતો શીખી તો શકે!
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com
કૃષ્ણ દવેની કવિતા મેં પહેલીવાર ૨૦૧૦ માં વાંચી ત્યારથી એ મારી પ્રિય કવિતા છે. મિનાક્ષી બહેનની કવિતા આજે પહેલીવાર વાંચી. બહુ સરસ છે. બાળ ઉછેરમાં આવેલા બદલાવના આ અરિસા છે. કમનશીબે આ બદલાવના પ્રવાહો એટલા જોરદાર છે કે એ રોકવા ખૂબ જ મુસ્કેલ છે.
તમારૂં વિશ્લેષણ ખુબ જ વ્યાજબી છે.