ટાઈટલ મ્યુઝીક : ૮ : ચોરી ચોરી (૧૯૫૬)

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

‘ચોરી ચોરી’ની વાત નીકળે એટલે એક સાથે કેટલું બધું યાદ આવી જાય! રાજ-નરગીસની જોડી, શંકર-જયકિશને સંગીતબદ્ધ કરેલાં હસરત અને શૈલેન્દ્રે લખેલાં એક એકથી ચડે એવાં ગીતો, આ બધાં પરિબળો હાજર હોવા છતાં નાયકના સ્વરમાં મુકેશની ગેરહાજરી, તેની સાથે સંકળાયેલી અનેક અનેક દંતકથાઓ અને બીજું ઘણું….!

શંકર-જયકિશન અને હસરત-શૈલેન્દ્રની પ્રતિભા સોળે કળાએ ખીલેલી હતી એવા ગાળાની આ ફિલ્મ છે, જેની રજૂઆત 1956 માં થઈ. તેનું નિર્માણ ‘એ.વી.એમ.’ દ્વારા કરવામાં આવેલું. મારા પપ્પા ઘણી વાર કહેતા કે ‘એ.વી.એમ.’નું આખું નામ એમણે ‘એંઠાં વાસણ માંજનાર’ બનાવેલું. અતિ પ્રતિષ્ઠિત એ.વી.મુરુગનની ચેન્નાઈસ્થિત આ ફિલ્મનિર્માણ સંસ્થાના સ્થળની મુલાકાત રજનીકુમાર પંડ્યાએ 2018માં લીધી ત્યારે એ વિશાળ જગ્યાનો ઊપયોગ લગ્ન માટે ભાડે આપવા થતો હતો.

‘ચોરીચોરી’નું દિગ્દર્શન અનંત ઠાકુરનું હતું અને આ ફિલ્મની કથા 1934માં રજૂ થયેલી ફ્રાન્ક કાપ્રા નિર્દેશીત ફિલ્મ It happened one-night પરથી પ્રેરિત હતી. આ જ કથા પરથી 1991માં રજૂઆત પામેલી ગુલશનકુમાર નિર્મિત, મહેશ ભટ્ટ દિગ્દર્શીત, આમીર ખાન-પૂજા ભટ્ટની મુખ્ય ભૂમિકાવાળી ‘દિલ હૈ કિ માનતા નહીં’ પણ બની હતી. યોગાનુયોગે એ ફિલ્મ પણ મ્યુઝીકલ હીટ પુરવાર થયેલી.

‘ચોરી ચોરી’નાં ‘આજા સનમ’, ‘યે રાત ભીગી ભીગી’, ‘પંછી બનૂં ઉડતી ફિરું’, ‘રસિક બલમા’ અને ‘જહાં મૈં જાતી હૂં’ જેવાં ગીતો વિવિધભારતી સાંભળ્યું હોય તેનાથી અજાણ્યાં ન હોય. આશરે 1980-81 ની આસપાસ મારા ઘેર કેસેટ પ્લેયર હતું અને કેસેટો ખાસ નહોતી. એ અરસામાં મિત્રો સાથે કેસેટની અદલાબદલી ચાલતી. ત્યારે મારા મિત્ર અજય પરીખને ત્યાંથી એક કેસેટ અમે અવારનવાર લઈ આવતા. એ કેસેટ હકીકતમાં તેના મોટા ભાઈ નિકુંજ (ઉર્ફે ડોન) દ્વારા તૈયાર કરાવાઈ હતી. એ કેસેટમાં ‘ચોરી ચોરી’ અને ‘નાગિન’નાં ગીતો હતાં. નિકુંજે શાથી આ ફિલ્મોની કેસેટ કરાવી હશે એ રહસ્ય જ છે, કેમ કે, તેમનો એ તરફનો ઝુકાવ હશે તો પણ અમારે કદી એ વિશે વાત થઈ નથી. પણ આ કેસેટ થકી મેં ‘ચોરી ચોરી’નાં બાકીનાં ગીતો ‘ઉસ પાર સાજન’, ‘તુમ અરબોં કા હેરફેર કરનેવાલે રામજી’, ‘ઑલ લાઈન ક્લીયર’ તેમજ ‘મનભાવન કે ઘર જાયે ગોરી’ પહેલી વાર સાંભળ્યાં.

એ ગીતોની મઝા એ હતી કે ‘ઑલ લાઈન ક્લીયર’ ગીત આવે એટલે પૂરક માહિતી આપતાં પપ્પા બોલે, ‘આ જોની વૉકર ગાય છે. એમાં એ ‘સાથ હમારે તોપ કા ગોલા’ બોલે છે, એ ટુનટુન.’ (જો કે, પછી ખ્યાલ આવેલો કે ટુનટુન જેવી દેખાતી એ અભિનેત્રી ઈન્‍દીરા બંસલ હતી.) કે પછી ‘સવા લાખ કી લોટરી’ ગીત વખતે તેઓ કહે, ‘આ તો ભગવાન ગાય છે. છેલ્લે ‘નહીં લગી’ એમ આવશે.’ એને કારણે એવું થયેલું કે મારે એ બધું ફિલ્મના પડદે માત્ર જોવાનું જ બાકી રહેલું.

‘ચોરી ચોરી’નું ટાઈટલ મ્યુઝીક આશ્ચર્યજનક છે. એક તો એ રીતે કે એ શંકર-જયકિશનનાં એ ગાળાની ફિલ્મોનાં ટાઈટલ મ્યુઝીકથી ઘણું અલગ છે. અલબત્ત, તેમની મુદ્રા અવશ્ય છે. 0.27 થી ફૂંકવાદ્યસમૂહ અને તંતુવાદ્યસમૂહના વાદનથી તેનો ઊઘાડ થાય છે. તંતુવાદ્યસમૂહના વાદન સાથે તે આગળ વધે છે અને તેમાં શંકર-જયકિશનની મુદ્રા ધરાવતું પર્કશન ઊમેરાય છે. છેક 1.29 થી એકોર્ડિયનનો પ્રવેશ થાય છે. વચ્ચે વચ્ચે કોઈ કોમેડી ફિલ્મના સંગીતમાં હોય એ રીતે પીપુડી જેવું કોઈ વાદ્ય વાગે છે. 2.30 સુધીના ટાઈટલ મ્યુઝીકમાં વાયોલિનની શૈલીનું પુનરાવર્તન થતું રહે છે.

સામાન્યપણે શંકર-જયકિશનના ટાઈટલ મ્યુઝીકમાં ફિલ્મના કોઈ ગીતની ધૂન સાંભળવા મળતી હોય છે. આ ધૂન ટાયશોકોટો, એકોર્ડિયન કે ફ્લૂટ પર વગાડાયેલી હોય છે. ‘ચોરી ચોરી’માં એવાં ઘણાં ગીતો હોવા છતાં એક પણ ગીતની ધૂન અહીં વગાડાઈ નથી. તેને બદલે અલગ જ ટ્રેક પસંદ કરાઈ છે.

અહીં આપેલી લીન્‍કમાં ‘ચોરી ચોરી’નું ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.


(નોંધ: તમામ તસવીરો નેટ પરથી તેમ જ ગીતોની લીન્‍ક યૂ ટ્યૂબ પરથી લીધેલી છે.)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

2 comments for “ટાઈટલ મ્યુઝીક : ૮ : ચોરી ચોરી (૧૯૫૬)

 1. Rajnjkumar Pandya
  April 23, 2019 at 2:01 pm

  બહુ જ રસપ્રદ પણ એના એકેય ગીતનો આમાં દૂર દુરનો ય અણસાર આમાં નથી એથી જરા પ્યાસા રહી જવાયુ. એ પરમ્પરા આર કે ની ફિલ્મોમાં હતી એથી એવી પ્યાસ રહેતી હતી
  ભાવનગરમાં સંગમ ટોકીઝમાં પહેલીવાર આ ફિલમ જોવા ગયો ત્યારે ત્રાસ થઇ ગયેલો. કોઈ શિખાઉ પ્રોજેક્ટર ઓપરેટરે રિલનો ક્રમ આડોઅવળો કરી નાખેલો.એથી વાર્તાનું કચુંબર થઈ ગયેલું. જો કે દયાળુ મેનેજરે અમને ફરિયાદીઓને બીજા શોમાં બેસવા દીધેલા.
  મન્ના ડે એ મેં લીધેલા અને હજુ સુધી સાચવેલા ઓડિયો ઇન્ટરવ્યૂમાં એમાં મુકેશને બદલે પોતે કેમ છે એનો ખુલાસો મારી પાસે એક લીટી ગાઈ બતાવીને કર્યો.’उसका कारण उन गीतों में आवश्यक मेरा ‘थ्रो ऑफ वॉइस’ जो मुकेशजी नही कर सकते’

 2. MAHESHCHANDRA THAKORLAL NAIK
  April 24, 2019 at 9:04 am

  Very informative article on CHORI CHORI and all associates of the film,
  The details are perhaps unaware for many readers,Thank You Shri Birenbhai….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *