






ક્યૂં તુમ્હેં દિલ દિયા /\ તોડ દિયા દિલ મેરા
– ભગવાન થાવરાણી
આ નીચેના જગતથી જ્યારે ત્રાહીમામ થઈ જઈએ
પહાડી આંગળી પકડી અમોને લઈ જતું ઊપર ..
તાજેતરનાં પહાડીના આ નિરંતર સંસર્ગ દરમિયાન એક નવીન ઘટના બની રહી છે. વર્ષોના વર્ષોથી મને કેટલાક ગીતો બહુ ગમતા. એમાના કેટલાક સાચા અર્થમાં મહાન નથી તો પણ ! એ ગીતો પ્રતિ કોઈક એવો છુપો અનુરાગ જેને શબ્દોમાં વ્યાજબી ઠેરવી ન શકાય. સાવ અકારણ, અકારણ ! હવે અત્યારે, જ્યારે પહાડી વ્યવસ્થિત અને વિસ્તૃત રીતે અંદર-બહાર ઘૂંટાઈ રહ્યો છે ત્યારે સહસા એ આત્મ-સાક્ષાત્કાર થાય છે કે અહો ! એ બધા ગીત પહાડીમાં હતા એના કારણે આ પક્ષપાત અને સંમોહન ! આ વાત મિત્રો જોડે વહેંચી ત્યારે એક મિત્રે તો હસતાં-હસતાં એક ગંભીર વાત કહી દીધી કે તમારી ભીતર ‘ પહાડી ‘ તમારી જાણ બહાર લપાઈને બેઠું હતું પણ એને છંછેડ્યો એટલે ખબર હવે પડે છે ! કબૂલ, ભાઈ કબૂલ !
૧૯૬૭માં એક મ્યુઝીક આલબમ આવેલું, LP રેકર્ડના સ્વરૂપમાં. નામ CALL OF THE VALLEY ( ખીણનો સાદ ). કેવળ વાધ્ય-વાદનની એ સંરચનાના કલાકારો હતા સંતુર-શિરોમણિ શિવકુમાર શર્મા, વાંસળી-વિશારદ હરિપ્રસાદ ચૌરસિયા અને ગિટાર-ગુરુવર્ય બ્રિજભૂષણ કાબરા. આ આલ્બમમાં એક પછી એક રાગોના માધ્યમ દ્વારા એક કશ્મીરી ગોવાળની આખા દિવસની દિનચર્યા વ્યક્ત થઈ છે. કહેવાય છે કે કોઇએ ભારતીય શાસ્ત્રીય સંગીતનું કેવળ એક જ આલબમ ખરીદવું હોય તો આંખ મીંચીને આ લેવું ! કોઇકે વળી એની ગણના ‘મરતાં પહેલાં સાંભળવી અનિવાર્ય’ એવી ચુનંદી સાંગિતિક કૃતિઓમાં કરી છે ! દિવસના શાસ્ત્રોક્ત ગાયન-સમય પ્રમાણે એમાં ક્રમવાર રાગ આહિર ભૈરવ/નટ ભૈરવ, પીલુ, ભૂપાલી અને દેશ રાગોમાથી પસાર થયા બાદ છેલ્લે આવે છે પહાડી ! એમાં વાગતા ત્રણેય વાદ્યોની લાક્ષણિકતા એ કે એકનું વાદન ચાલુ હોય ત્યારે બાકીના બે નેપથ્યે હળુ-હળુ, જાણે સુષુપ્ત મન હોય તેમ રણઝણ્યે રાખે ! અફલાતૂન સર્જન ! દરેક રીતે એકલા હોઈએ ત્યારે અવશ્ય સાંભળવું જોઇએ.
આટલી ભૂમિકા બાદ હવે મુખ્ય વાત. આજે આપણે શહેનશાહ-એ-મૌસિકી નૌશાદની બે અમર પહાડી બંદિશો આસ્વાદીશું. (ફરી ઉર્દૂની નજાકત – નૌશાદ એટલે ખુશ, એનું વિરુદ્ધાર્થી નાશાદ જે પણ એક સંગીતકાર હતા !) . બન્ને ફિલ્મો ૧૯૪૦ ના દાયકાના ઉત્તરાર્ધની અને બન્ને ‘મધર ઈંડીયા’ વાળા મહેબૂબ ખાનની. ખૈયામ અને રવિમાંથી પસાર થયા બાદ નૌશાદની રચનાઓમાંથી પસાર થઈએ ત્યારે લાગે કે એમનું સ્તર, એમનું ધરાતલ કોઈક અલગ જ સપાટીએ હતું. એક તરફ ખૈયામ અને રવિ માટે પહાડી લગભગ રોજી-રોટી-સમ, તો બીજી બાજુ આ માણસે પહાડીને બરાબરનો ઘૂંટીને જે દર્દ નીપજાવ્યું છે એની શું વાત કરવી ! એમણે અન્ય પ્રમાણમાં અઘરા અને વીરલ રાગોમાં જે કામ કર્યું છે એને પણ ભૂલી ન શકાય. ભારતીય શાસ્ત્રીય સંગીત અને લોક-સંગીતની સમગ્ર સૃષ્ટિને એમણે સાચા અર્થમાં લોકભોગ્ય બનાવી હતી. રાગ ભૈરવીના એમના ગીતોને તો સંગીત-રસિયાઓ એક અલગ જ નામ આપેલું – નૌશાદિયન ભૈરવી ! સાચા સંગીત-રસિયાઓનું તો વળી એવું છે કે કોઈ પુરાણા ગીતનો અણસાર- નાનકડો એવો ટુકડો સાંભળીને પણ છાતી ઠોકીને કહી દે કે આ શંકર-જયકિશન, આ સી. રામચંદ્ર, આ ચિત્રગુપ્ત, આ હેમંત, આ બર્મન અને આ આપણા નૌશાદ !
ગુજરાતી સર્જક મહેબૂબખાને ફિલ્મોના નિર્માણ અને નિર્દેશનની શરુઆત તો છેક ૧૯૩૫ થી કરી પરંતુ નૌશાદ સાથે જોડાયા ૧૯૪૬ની ફિલ્મ ‘ અનમોલ ઘડી ‘ થી અને છેક એમની અંતિમ ફિલ્મ ‘ સન ઓફ ઇંડીયા ‘ સુધી એમને વફાદાર રહ્યા. મૂળે તો આજના બે પહાડી ગીતોમાંથી એક આ ‘અનમોલ ઘડી’નું નૂરજહાં – સુરેન્દ્રવાળું અમર યુગલ-ગીત ‘આવાઝ દે કહાં હૈ‘ લેવાનું હતું (એ ફિલ્મના અન્ય બે નૂરજહાં – ગીતો ‘ જવાં હૈ મુહબ્બત હંસીં હૈ ઝમાના‘ અને ‘મેરે બચપન કે સાથી મુજે ભૂલ ન જાના‘ પણ પહાડીમાં હતા ! ) પરંતુ એ ઉત્કૃષ્ટ શાહકાર હોવા છતાં એટલું ચવાઈ ગયેલું છે કે એ સિવાયની પ્રમાણમાં ઓછી જાણીતી પણ એટલી જ અદ્ભુત કૃતિનું ચયન મુનાસિબ માન્યું.
આજના બન્ને પહાડી ગીત, માત્ર એક જ વર્ષના અંતરાલે આવેલી ફિલ્મો ‘અનોખી અદા’ ( ૧૯૪૮ ) અને ‘અંદાઝ’ ( ૧૯૪૯ ) ના છે. જૂઓ પહેલી ફિલ્મના, સુરેન્દ્ર- શમશાદ બેગમ દ્વારા ગવાયેલા શકીલ બદાયુની લિખિત ગીતના શબ્દો :
क्यूँ उन्हे दिल दिया
हाए ये क्या कियाशीशे को पत्थर से टकरा दिया
जिनको आता नहीं है वफ़ा का चलन
उनसे लगी है लगन
ठेस लगती है जिस दम तो कहता है मन
उजड़े ना दिल का चमन
पास रहकर सदा
हैं वो हमसे जुदा
क़िस्मत ने ये दिन भी दिखला दिया ..
कौन भूला हुआ
आज याद आ गया
ये किसने फिर दिल को तड़पा दियाफिर मेरे दिल में जागा मुहब्बत का ग़म
घुटने लगा मेरा दम
किसने रक्खा मेरी जिंदगी में क़दम
और ये कहा तेरे हम
तू ही ऐ दिल बता
किसने देकर सदा
आँखों का पैमाना छलका दिया
कौन भूला हुआ
आज याद आ गयाये किसने फिर दिल को तड़पा दिया ….
ગીતની પંક્તિઓનો લય પ્રથમ દ્રષ્ટિએ અસમાન લાગે પરંતુ એનું કારણ એ કે અહીં બે અલગ-અલગ લય વારાફરતી છે ( લા લ લા લા લ લા અને લા લા લ લા લા લ લા લા લ લા )
‘અનોખી અદા ‘ નાયિકા-પ્રધાન ફિલ્મ હતી. નાયિકા હતી એ સમયની સૌંદર્ય સામ્રાજ્ઞી ( અને હાલના સાયરાબાનુની માતા અને દિલીપકુમારના સાસુ ) નસીમ બાનુ. સૌંદર્ય વિષે તો એવું કહેવાય છે કે એ જે-તે પાત્ર કરતાં દ્રષ્ટાની આંખમાં વધુ વસે છે એટલે દરેકના વ્યાખ્યા પોતાની રહેવાની. ગાયક – અભિનેતા સુરેન્દ્ર નાથ અહીં સહનાયક છે અને નાયક છે જૂની ફિલ્મો ‘ ભરત મિલાપ ‘ અને ‘ રામ રાજ્ય ‘ થી દેશભરમાં પંકાયેલા અને ભગવાન રામ તરીકે પૂજાયેલા પ્રેમ અદીબ.
કહાણી ચીલાચાલૂ પ્રણય-ત્રિકોણ છે. ગરીબ નિરાધાર, રૂપ-રૂપના અંબાર નસીમ અને તવંગર પણ મુફલિસના સ્વાંગમાં આવારાગર્દી કરતો નબીરો પ્રેમ અદીબ. એ નસીમને સહાનુભૂતિ અને ખોરાક પૂરો પાડી એની લાગણી અર્જીત કરે છે. બન્ને અનાયાસ ફરી ટ્રેનમાં ભેગા થઈ જતાં પ્રેમની વેલ વધુ અંકુરિત થાય છે પરંતુ એમની ટ્રેનને ભીષણ અકસ્માત થતાં બન્ને વિખૂટા પડી અલગ-અલગ હોસ્પીટલોમાં ફેંકાય છે. પ્રેમ અદીબ તો માબાપ ભેગો થાય છે પણ નસીમ યાદદાશ્ત ગુમાવી પ્રોફેસર સુરેન્દ્ર નાથના આશરે જઈ ચડે છે. પ્રેમ અદીબ પ્રેમિકાને બહાવરો બની શોધતો એ હોસ્પીટલે જઈ ચડે છે જ્યાંથી એ ભાગી છૂટી હતી. પ્રેમિકાનો હુલિયો ડોક્ટર આગળ વર્ણન કરે છે તો માલૂમ પડે છે કે ડોક્ટર પણ એની ખૂબસુરતીથી અભિભૂત હતો ! ડોક્ટર એના અવાજની પ્રશસ્તિમાં કહે છે, ‘ અવાજ એવો જાણે કોઈએ રાતના પાછલા પ્રહરમાં કોઈએ ભૈરવીની તાન છેડી હોય ! ‘ અને આપણે સંગીતાનુરાગીઓ આવા શબ્દોથી રાજીના રેડ થઈ જઈએ છીએ !
ખૈર ! જે ગીત ચર્ચવાના છીએ એની થોડીક મિનિટો પહેલાં પણ એવું જ એક ઉત્તમ પહાડી ગીત મૂકેશ અને શમશાદના કંઠમાં આવે છે :
લૂટને વાલે ચૈન હમારા …
એ પ્રેમ અદીબ અને નસીમ પર ફિલ્માવાયેલું છે. મજાની વાત એ કે આ ગીત પુરુ થયા પછી પણ નેપથ્યમાં હળવા સુરે પહાડી પાર્શ્વ સંગીત ચાલુ રહે છે અને સળંગ પંદર મિનિટ સુધી ચાલે છે જ્યાં સુધી આજનું ગીત પુરુ ન થાય !
નસીમ પોતાના આશ્રયદાતા સુરેન્દ્રને, મોડી રાત્રે બેચેનીથી ટળવળતા પોતાને ક્યાંક બહાર લઈ જવાનું કહે છે. એકપક્ષીય પ્રેમમાં પાગલ સુરેન્દ્ર નસીમને લઈને કારમાં નીકળે છે. કાર ભરરસ્તે ખોટકાતાં બન્ને કોઈ અવાવરુ, ત્યજાયેલી હવેલીમાં રાતવાસો કરે છે અને પો ફાટતાં, ઘાસની ગંજીઓથી લદાયેલા બળદગાડાની પાછળ મોટરને બાંધી શહેર ભણી પ્રસ્થાન કરે છે અને આજના પહાડી ગીતની સફર આરંભાય છે :
પિયાનોની હળવી, ટુંકી તાન. ગાડીવાન વાંસળી છેડે છે. ઘાસની ગંજીઓ પર પથરાયેલી નસીમ અને ગાડાની પાછળ ખેંચાયે આવતી મોટર અને સ્ટીયરીંગ વ્હીલ પર બેઠેલો સુરેન્દ્ર. જાણે એ પણ મોટરની જેમ, નસીમના રૂપ પાછળ ખેંચાઈ રહ્યો હોય ! સુરેન્દ્ર પોતાના અવાજમાં મુખડો શરુ કરે છે. દરેક પંક્તિ વચ્ચેનો અંતરાલ ગિટારથી પૂરાય છે. ઘાસ પર આડી પડેલી નાયિકા સાંભળે છે પણ એના મનમાં કંઇક – કોઈક જુદું જ છે.
પિયાનો પણ સાથ પૂરાવતો રહે છે. પહેલા અંતરાનું પુનરાવર્તન થાય છે. હવે અંતરાલ બાંસુરીથી ભરાય છે. સુરેન્દ્ર પોતાની પંક્તિઓ નૌશાદના આજ્ઞાંકિત શિષ્યની જેમ ગાય છે, એના કંઠની મર્યાદાઓને સુપેરે પારખતો. ખરજદાર, સાયગલની નકલ સમો અવાજ. ગીતનો ખરો જાદુ શમશાદ જોડાતાં શરુ થાય છે. શું રણકો, શી ખનક, કેવું દર્દ ! શમશાદ શરુઆત આલાપથી કરે છે. આલાપના સુરોને વાંસળી પુનરાવર્તિત કરે છે અને સુરેન્દ્ર એ આલાપને સંક્ષેપમાં દોહરાવે છે. સમૂહ વાયલીનનો જાદુ. શમશાદ – નસીમને કોઈક ભુલાયેલું યાદ આવે છે. એક બાજુ સુરેન્દ્ર નસીમને ઉદ્દેશીને ગાય છે તો બીજી બાજુ નસીમ પોતાના ભૂલાયેલા, વિખૂટા પડેલા પ્રેમીની સ્મૃતિમાં પ્રતિસાદ વાળે છે. એ પડી-પડી યાદદાશ્ત ગુમાવ્યા છતાં સ્મરણની ઝીણેરી કરચોમાં આળોટે છે, ‘ કોણ છે એ જેણે કોઈક અગોચર ખૂણેથી સાદ દઈને સ્મૃતિના કૂવાનું જળ ખળભળાવી દીધું ? ‘
પિયાનોના હળવા સુરોથી મંદ્ર પડી ગીત વિરામ પામે છે.
ફિલ્મના બધા જ ગીતો કરતાં આ ગીતનું ફિલ્માંકન કંઇક અનોખું છે. કેમેરાએ બળદગાડા અને એની પાછળ દોરવાતી કારના જે દ્રષ્યો ઝડપ્યા છે એ છેક ૧૯૪૮ના છે એ વિશ્વાસ ન બેસે એ હદે પરિપૂર્ણ છે.
ફિલ્મમાં પૂરા એક ડઝન ગીતો છે. બે ગીતો અંજૂમ પીલીભીતી નામના ગીતકારના અને બાકીના શકીલ બદાયુનીના ( હા, શકીલ એટલે ખૂબસુરત ! ) ચાર ગીતો મુકેશના અને બે સુરેન્દ્રના. આ એ સમય હતો ત્યારે રફીએ નૌશાદના સંગીત-જગતમાં પૂર્ણ કક્ષાએ પ્રવેશ હજી કર્યો નહોતો. મૂકેશની ગાયકીમાં સાયગલની અસર હજી થોડીક બરકરાર હતી. બે ગીતો ઉમાદેવી ( ટુનટુન ) ના પણ છે જેને પરદા ઉપર, પ્રણય-ત્રિકોણના ચોથા કોણ એવી ઝેબ કુરેશી નામની અદાકારાએ ગાયા છે.
‘ અનોખી અદા ‘ ના બરાબર એક વર્ષ બાદ આવી ‘ અંદાઝ ‘. એ જ પ્રણય ત્રિકોણ ( બલ્કે એક નાનકડો ચોથો કોણ પણ ! ) પણ આ વખતે માતબર કલાકારો નરગિસ, દિલીપકુમાર અને રાજકપૂર સાથે. નૌશાદ એ જ પણ હવે ગીતકાર મજરુહ સુલતાનપુરી. હવે લતા નૌશાદ સાથે જોડાઈ ચુકી હતી અને શમશાદ દૂર જઈ રહી હતી. મુકેશ યથાસ્થિતિ કાયમ છે. નવાઈની વાત એ છે કે આપણે જેનાથી ટેવાયેલા છીએ એથી વિરુદ્ધ, અહીં મુકેશ દિલીપકુમારને કંઠ આપે છે અને રાજકપૂરના ફાળે આવેલું એકમાત્ર ગીત રફી ગાય છે. મુકેશના ચારેય ગીતો મશહૂર છે. એક પાંચમું ગીત ‘સુનાઉં ક્યા મૈં ગમ અપના, ઝુબાં પર લા નહીં સકતા‘ પણ પહેલા ચાર ગીતોના ઢાળમાં અને પિયાનો પર જ છે પણ ફિલ્મમાં લેવાયું નથી. ચાર લતા-ગીતો નરગીસના ફાળે છે અને નૌશાદના આગ્રહથી લતાએ એ બધા નૂરજહાંની લઢણમાં ગાયા છે. શમશાદનું એકમાત્ર ગીત લતા સાથેનુ ‘ડર ના મુહબ્બત કર લે ‘ પરદા પર કક્કુ પર ફિલ્માવાયું છે.
ફિલ્મના બધા જ ગીતો સાવ સરળ અને લોકભોગ્ય હતા અને ફિલ્મ એ સમય સુધીની હિંદીની સૌથી સુપરહિટ ફિલ્મ બની હતી. આપણું આજનું પહાડી ગીત ફિલ્મનું અંતિમ ગીત હતું. મજરુહ (અર્થ : ઘાયલ) લિખિત શબ્દો જુઓ :
तोड़ दिया दिल मेरा तूने अरे बेवफ़ा
मुझको मेरे प्यार का ख़ूब ये बदला दिया
मांगुं ख़ुशी ग़म मिले कहते हैं दुनिया इसे
हाए मैं जाउं कहाँ अब मैं पुकारुं किसे
ये तो बता दे ज़रा मैंने तेरा क्या किया ..
ग़म की घटाएँ उठीं सारी उम्मीदें मिटीं
इस भरी दुनिया में आज क्या मेरा कोई नहीं
कैसा ये तूफ़ाँ उठा जग में अंधेरा हुआ ..
आरज़ू नाकाम है जिंदगी बदनाम है
दिल मेरा कहता है अब मौत ही अंजाम है
घोंट ले अपना गला आज वो दिन आ गया ….
દિલીપકુમાર અમીર નરગિસને ચાહે છે તો નરગિસ રાજકપૂરને. બન્ને પરણે છે અને એક પુત્રીના માબાપ પણ બને છે. દિલીપની નરગિસ તરફની લાગણી અનાયાસ રાજના કાને પડતાં ઉલ્કાપાત સર્જાય છે અને પોતાને ‘ સતી સાવિત્રી ‘ ઠેરવવાની નરગીસની લાખ કોશિશો છતાં રાજના મનનો શંકાનો કીડો દૂર થતો નથી. દરેક રીતે નાસીપાસ થયેલી અને હતાશાની ગર્તાના તળિયે પહોંચેલી નાયિકાનો વિલાપ :
મહેલનુમા મકાનના વિશાળ દીવાનખાના મધ્યે પિયાનો અને એના પર ઢળી પડેલી નાયિકાનો લોંગ શોટ. કેમેરા નાયિકાની નજીક સરકે છે અને સીધો જ લતાનો દર્દમંદ હતાશ નૂરજહાની અવાજ. શબ્દો સાવ સરળ છે, કોઈ આંટીઘૂંટી વિનાના સોંસરવા. વાયલીનના નાના અંતરાલ બાદ પહેલો અંતરો. આપણને નિરંતર બડે ગુલામ અલી ખાં સાહેબના લતા-વિષયક પ્રેમાળ શબ્દોનું સ્મરણ થયા કરે, ‘કમબખ્ત કભી ભી બેસૂરી નહીં હોતી !’
બદલાયેલા સમયનું પ્રતીક આ પિયાનો છે જેના સાન્નિધ્યે કેટલીય રંગ-રંગીન મહેફિલો થઈ, નાયિકાએ મદમસ્ત થઈને ‘ડર ના મુહબ્બત કર લે’ ગાયું, નાયિકાને ઉદ્દેશીને પ્રેમ-તરબોળ ગીતો ગવાયા. હવે એ જ પિયાનો એના ઝુરાપાના એકમાત્ર સાથી – શ્રોતા તરીકે અડીખમ ઊભો છે એકલવાયા દીવાનખાનામાં !
બીજો અંતરો વળી સાવ અલગ જ અંદાઝ અને સુરમાં. ‘ ગમ કી ઘટાએં ઊઠીં ‘ ગાયા પછી લતા જે રીતે ‘ હો ઓ ઓ ઓ ‘ આલાપ બહેલાવે છે એ કાબિલે-સલામ છે તો ‘ સારી ઉમીદેં મિટીં ‘ માં જે રીતે ‘ મિટીં ‘ શબ્દને લંબાવીને પસવારે છે એ પડઘાઈને કદાચ કાએનાતની પેલે પાર જતું હશે પણ લતાને તો આપણે પામર મનુષ્યો કેટલીક સલામ કરી શકીએ ! ટૂંકા પડીએ, ભાઈ ટૂંકા પડીએ ! ‘ ઇસ ભરી દુનિયા મેં અબ ક્યા કોઈ મેરા નહીં ‘ આવતાં -આવતાં શ્રોતા સ્વયં દર્દના દરિયામાં તણાવા લાગે છે.
વાયલીન અને પિયાનોના હળવા સુરો પછી ત્રીજો અંતરો સાવ જૂદી જ તરજમાં, પહાડીની આમન્યા જાળવીને અલબત ! અહીં લતા નૂરજહાની સૌથી કરીબ લાગે છે. ‘ દિલ મેરા કહેતા હૈ અબ, મૌત હી અંજામ હૈ ‘ કહેતાં નાયિકાની આંખો, ખંડમાં મૃત્યુના ઓછાયા ભાળતી હોય એમ ચકળ-વકળ ઘૂમે છે. આ અંતરેથી મુખડા પર પાછા ફરતાં કેમેરા લગભગ ક્લોઝ-અપની કક્ષાએ આવી પૂગે છે. સમગ્ર ગીત દરમિયાન ગમગીન અર્ધ-અજવાસનો માહોલ જારી રહે છે. મુખડો પૂરો થતાં પુરુષ સમૂહ-સ્વરોનો હલ્લો એ રીતે થાય છે જાણે અમંગળ ઓછાયા એકસામટા તૂટી પડ્યા હોય ! તુર્ત જ સ્ત્રી સમૂહ-સ્વરો એ જ લહેજામાં અને પછી સહિયારા સ્વરોમાં છેલ્લા અંતરાની પંક્તિઓ પુનરાવર્તિત થાય છે. નાયિકા ભયાવહ આંખે ચોમેર નિહાળે છે. બંગલાની દીવાલો આગળ ધસીને એને ભીંસમાં લેતી હોય એવી અનૂભુતિનો આભાસ. અંતે સંગીત-વિહીન ચિત્કારો ‘ ઘોંટ લે અપના ગલા, આજ વો દિન આ ગયા ‘ સાથે ગીત પૂર્ણાહુતિ પામે છે.
એવું લાગે છે કે આ ગીતના બે સંસ્કરણ રેકર્ડ થયા હતા. એકમાં નેપથ્યે તાલમાં ગિટાર હળવેથી વાગે છે તો બીજામાં કોઈ તાલ નથી. જોકે ચિત્રીકરણ સમાન છે.
ફિલ્મનો અંત પણ અત્યંત કરુણ છે. ગેરસમજણનું વિષ અને સંવાદવિહીનતા કઈ રીતે એક હર્યા-ભર્યા પરિવારને ઉજાડી નાંખે છે એના ચિતાર સમ.
આ જ વાર્તામાં થોડાક ફેરફાર કરી રાજકપૂરે દોઢ દાયકા પછી ‘ સંગમ ‘ સર્જ્યું. પોતે પોતાનું અસલ પાત્ર ભજવ્યું. દિલીપને પણ એનું મૂળ પાત્ર ભજવવા પેશકશ કરી. એણે ઇનકાર કરતાં એ પાત્ર ‘ ગરીબોના દિલીપકુમાર ‘ રાજેન્દ્ર કુમારના ફાળે ગયું. બાકીની વાતો સર્વવિદિત છે.
અહીં અટકીએ.
આવતા હપ્તે મદનમોહન અને પહાડી સાથે ફરી મળીએ.
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
અદભુત ! અને ખુબ સુંદર .
મને ખબર જ ના હતી કે મારું એક પ્રિય ગીત “કયું તુમે દિલ દિયા ” પહાડી ની ભેટ છે.અહી સુરેન્દ્ર ,તે વખત ના ફક્ત ગાયક એવા મુકેશ કરતા પણ વધારે (નિરાશા)ભાવ થી ગાય છે.ગીત ની બધી લાગણીઓ સુરેન્દ્ર એ સુપેરે ગાઈ બતાવી છે. લતા ના અંદાઝ ના ગીત માં લતા હજી નુરજહાં અસર થી મુક્ત ના હતી તે દેખાઈ આવે છે. બંને ગીત ના સંગીત ની બારીક અને ઝીણવટ પૂર્વક ની છણાવટ થી થાવરાની ભાઈ એ ગીતો ને તથા પહાડી ને એક વધુ ઉંચાઈ આપી છે. ફરી થી ખુબ ખુબ આભાર !
હાર્દિક આભાર સમીરભાઈ !
અત્યંત રસપ્રદ. દરેક હપ્તો વાંચ્યા પછી આગામી હપ્તાની પ્રતીક્ષા રહે એ આ લેખમાળા ની સફળતાનો પુરાવો છે.
સુરેન્દ્ર ની રેન્જ ઓછી હશે તેમ છતાં એ મર્યાદામાં રહીને એમણે સુંદર ગીતો આપ્યાં છે; સંગીતકારની સૂઝ પણ એ કારણે સિદ્ધ થાય છે.
હાર્દિક આભાર નરેશભાઈ !
‘ક્યું તુમ્હેં દિલ દિયા’નો મુખડો ગણગણાવતાં મોટ અભાગે મારાથી ‘આવાઝ દે કહાં હૈ’માં સરી પડાય છે.
‘આવાઝ દે કહાં હૈ’ પણ પહાડી પર હશે?
કે બન્ને ની ધુનમાં મને કોઈક એવી સમાનતા નુભવાય છે જેને કારણે આમ થતું હશે?
મજાની વાત એ છે કે ‘આવાઝ દે કહાં હૈ’ ગુણગુણાવતી વકહ્તે ‘ક્યું તુમ્હેં દિલ દિયા’ નથી યાદ આવતું !
અશોકભાઈ,
આભાર !
આ લેખની શરૂઆતમાં જ લખ્યું છે કે ‘ આવાઝ દે કહાં હૈ ‘ પહાડી જ છે અને અહીં જે બે ગીતો લીધા એમાં પહેલી પસંદગી એ ગીતની જ હતી પરંતુ એ ગીતની પ્રચંડ લોકપ્રિયતા જોતા પ્રમાણમાં ઓછું પ્રચલિત પણ એટલું જ ગુણવત્તાસભર ‘ અનોખી અદા ‘ નું ડ્યુએટ લેવું મુનાસીબ લેખ્યું.
પ્રતિભાવ બદલ ફરી આભાર !
મેહબુબખાન સાહેબ ની બંને ફિલ્મો ની પસંદગી અને તે ફિલ્મો આટલા બધા ગીતો માંથી એક શ્રેષ્ઠ ઝવેરી ની જેમ બે ઉત્તમ હીરા ની પરખ , ત્યાર આટલી સુંદર બંને ગીતો ની છણાવટ, ખરેખર કાબિલે દાદ !!! ખૂબ અભિનંદન સહ આભાર, સાહેબ જી…
ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ !
CALL OF THE VALLEY. કહેવાય છે કે કોઇએ ભારતીય શાસ્ત્રીય સંગીતનું કેવળ એક જ આલબમ ખરીદવું હોય તો આંખ મીંચીને આ લેવું. Yes, One who has no knowledge of classical music, Ragas also enjoys and its mass popularity backs this.
સુરેન્દ્ર પોતાની પંક્તિઓ નૌશાદના આજ્ઞાંકિત શિષ્યની જેમ ગાય છે, એના કંઠની મર્યાદાઓને સુપેરે પારખતો. ખરજદાર, સાયગલની નકલ સમો અવાજ. One of the nicely sung song of Surendra.
This series of Pahadi based songs also goes up on Pahad by leaps and bounds. Thanks.
ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ !