ડૉ. વિહારીભાઇ. જી. પટેલ – ઉદ્યોગસાહસિકતા વિકાસ – અભિગમના જનક

Facebooktwitterredditpinterestlinkedinmail

– હિરણ્ય વ્યાસ

આજે સ્ટાર્ટ અપ દ્વારા નવિનીકરણ કરતાં યુવા ઉદ્યોગસાહસિકો ઉભરી આવતાં હોય છે પરંતુ ચાર દાયકા અગાઉ નવ ઉદ્યોગસાહસિકતાની કલ્પના અશક્ય હતી અને એ દુ:સાહસની વાત લેખાતી, પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકતા વિકાસની વાત આવે એટલે ડો. વી.જી. પટેલ નું નામ અચુક સાંભરી આવે. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્વતંત્ર રચના બાદ જીઆઇડીસી, જીએસએફસી તથા અન્ય કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા. પરંતુ સરકારશ્રીને જરુરી યા યોગ્ય ઉદ્યોગસાહસિકો મળતા ન હતા. ત્યારે તત્કાલીન ગુજરાત રાજ્યનાં ઉદ્યોગ મંત્રી શ્રી મનુભાઇ શાહે “નવા ઉદ્યોગ સાહસિકની ખોજ તેમજ તેમનાં વિકાસ” અંગે જરુરી વાત ડો. વી. જી. પટેલને કહી અને આ નવા વિચાર પર નવતર ઉદ્યોગસાહસિક વિકાસ કાર્યક્રમનો આરંભ થયો.

ઉદ્યોગ સાહસિકતા, નાના ઉદ્યોગોની નીતિઓ, ઉદ્યોગ વિકાસ તથા વૃદ્ધિ અને વ્યવસ્થાપન ક્ષેત્રે જાણીતા અર્થશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય ફલક પર ડૉ. પટેલએ તેમની કારકીર્દિ મહત્ત્વની પદવીઓ અને વિવિધ ખ્યાતિ સાથે ચિહ્નિત કરેલ છે. તેઓ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના મુખ્ય આર્થિક સલાહકાર હતા; ગુજરાત ઉદ્યોગ અને ટેક્નોલૉજી કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન લિમિટેડ-જીટકોના ડિરેક્ટર, ઉદ્યોગ સાહસિકતા વિકાસ કેન્દ્ર-સીઇડી, ગુજરાતના સ્થાપક તથા મેનેજિંગ ડિરેક્ટર અને સંભવિત અને પ્રવર્તમાન ઉદ્યોગસાહસિકો માટે સીમા ચિન્હ રુપ રાષ્ટ્રિય સંસ્થા ‘ઉદ્યોગ સાહસિક વિકાસ સંસ્થા’ (ઈડીઆઈઆઈ)ની વર્ષ ૧૯૮૩ માં તેમણે નિર્માણ કરી અને તેઓ મેનેજીંગ ડાયરેક્ટર બન્યા.

ડૉ. વિહારીભાઇ. જી. પટેલનો જન્મ ૬ સપ્ટેમ્બર, ૧૯૩૯ ના રોજ ઉમદા માતાપિતા ગોપાલદાસ અને કમલાબાના ત્યાં, ચરોતરના કરમસદ મુકામે થયેલ. તેમના પિતા ગોપાલદાસ, ગાંધીવાદી અને સ્વતંત્રતા સંગ્રામના લડવૈયા હતા અને તેઓએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલને આદર્શ રાખીને પોતાનું જીવન સમાજ માટે સમર્પીત કરેલ. શ્રી વી.જી. પટેલે ગુજરાત વિદ્યાપીઠમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને ગુજરાત કોલેજ, અમદાવાદથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. તેમણે ૧૯૬૮ માં ઇકોનોમિક ડેવલપમેન્ટમાં વિસ્કોન્સિન યુનિવર્સિટી, મેડિસન યુનિવર્સિટી, યુ.એસ.એ.માંથી માસ્ટર અને ડોક્ટરરેટ ડિગ્રી મેળવી. આણંદ-ખેડા જિલ્લાના મોટા ભાગના યુવાઓ યુએસએ, કેનેડા, યુકે કે ઓસ્ટ્રેલિયા જઇને કારકિર્દી બનાવવાનું સ્વપ્ન સેવતા હોય છે, ત્યારે વર્ષ ૧૯૬૮ માં અમેરીકાની વિસ્કોન્સીન યુનિવર્સીટીમાં ઇકોનોમીક વિષયમાં પીએચ.ડીની ડિગ્રી મેળવી એ દિવસે જ ગ્રીનકાર્ડ અવગણી, દેશદાઝના આગવા સંસ્કારનાં ભાગરૂપે તેમણે સ્વદેશ સેવા સારું ભારત પાછા ફરવાનું પસંદ કર્યું. તેઓ કન્સલ્ટન્ટ ઇકોનોમિસ્ટ તરીકે આયોજન પંચમાં જોડાયા અને ચોથી પાંચ વર્ષની યોજના માટે નિકાસ નીતિઓની રચના કરવાની જવાબદારી સોંપવામાં આવી. ગુજરાત સરકારનાં આમંત્રણ પર તે ૧૯૬૯ માં પોતાના ઘરેલુ રાજ્ય ગુજરાત પાછા ફર્યા અને ત્રીસ વર્ષની ઉંમરે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી) ના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે જવાબદારી ઉપાડી. અત્રે ગાંધી વિચારધારા સાથે સર્વાંગી કલ્યાણ અનુસંધાને અનેક તકલીફો વેઠીને સંઘર્ષમાં પણ એક નવી દિશા તરફ આગળ વધીને ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમને જન્મ આપ્યો.

જીઆઈડીસી સાથેના કાર્યકાળ દરમિયાન વર્ષ ૧૯૭૦માં તેમને ઉદ્યોગસાહસિકો વિકસાવવાનું ભગીરથ કાર્ય સોંપવામાં આવ્યું હતું. આ એ સમયની વાત છે કે ત્યારે સમાજમાં મનાતું કે વેપારીનો દિકરો જ વેપાર કરે યા ઉદ્યોગકારનો દિકરો જ ઉદ્યોગપતિ બની શકે. વળી તે જ સમયે ઉદ્યોગસાહસિકોને કારકિર્દી વિકલ્પ તરીકે માનવામાં આવતા ન હતો. ‘પ્રથમ પેઢીનાં ઉદ્યોગકાર’ તૈયાર થઇ શકે એવી માન્યતા જ ન હતી. તત્કાલીન શૈક્ષણિક સંસ્થાઓ પણ આ દિશામાં કશું જ કામ કરતી ન હતી. ગુજરાત રાજ્યનાં ઔદ્યોગિક નિગમોને વેગ મળે અને રાજ્યનો વિકાસ સધાય તે હેતુ સર તેમણે ધંધા-ઉદ્યોગથી બિલકુલ અપરિચીત-અજાણ્યા તેમજ સામાન્ય લોકો માટે ઉદ્યોગસાહસિક નિર્માણનું એક અનન્ય મોડેલ રજુ કર્યુ. કાર્યક્રમના ફલસ્વરુપ એ સિધ્ધ થયું કે “ઉદ્યોગસાહસિક જન્મજાત હોતા નથી, પરંતુ નવઉદ્યોગ સાહસિકો વિકસાવી શકાય છે.’ આ કાર્યક્ર્મથી રાજ્યમાં લઘુ ઉદ્યોગ વિકાસની પ્રવૃત્ત્તિને બળ મળ્યું.

એંશીનાં દાયકાનાં આરંભનાં વર્ષોમાં પુરા ગુજરાત રાજ્યમાં “ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ-ઇડીપી” નો વિસ્તૃત પણે જાણે ચળવળ તરીકે પ્રસાર કર્યો જે પછી સમગ્ર રાષ્ટ્રમાં ફેલાયો. ઇડીપી કાર્યક્રમનાં અસરકારક અમલમાં સ્વ. શ્રી અનિલ ત્રિવેદીની ટીમનો અનન્ય લાભ મળ્યો.

આ દરમિયાન તે સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકતાને સંસ્થાગત બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને મહત્વની ઘણી સંસ્થાઓ અને કેન્દ્રોની સ્થાપના તરફ દોરી ગયું. આમાં સૌથી મહત્ત્વનું “એન્ટરપ્રિન્યરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા-ઇડીઆઇ” – સમગ્ર એશિયામાં આ પ્રકારની સૌ પ્રથમ સંસ્થા છે જે આજે દેશભરમાં અન્ય ઘણી સંસ્થાઓ, સંગઠનો અને પહેલનું કેન્દ્ર બનેલ છે.

ડો. પટેલે ઇડીપી સંસ્થાના સ્થાપક ડિરેક્ટર તરીકે જ માત્ર તેમની સેવાઓ પ્રદાન કરી નથી, પરંતુ વાઇસ પ્રેસિડન્ટ તરીકેની ક્ષમતામાં પણ સેવા આપેલ છે.. ઈડીઆઈના નિયામક તરીકે તેમણે રાષ્ટ્રીય ઉદ્યમશીલતા વિકાસ બોર્ડ અને રાષ્ટ્રીય વિજ્ઞાન અને તકનીકી ઉદ્યોગ સાહસિક વિકાસ બોર્ડ જેવા બોર્ડ સાથે સરકારની નીતિઓનું માર્ગદર્શન આપ્યું. યુનાઈટેડ નેશન્સ દ્વારા યુએનઆઈડીઓ, વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અને અન્ય ઘણા કોમનવેલ્થ દેશોના રૂપમાં માન્યતાને પગલે તેમણે ૨૦ થી વધુ દેશો અને ખાસ કરીને વિકસિત દેશોમાં ક્રાંતિનાં બીજ વાવ્યાં.

ડો. પટેલનું સમગ્ર જીવન ગૌરવપુર્ણ રહેલ છે, તેમણે પોતાના જીવનને અવિશ્વસનીય ભાવના, પ્રમાણનિર્ધારણ સાથે એક સંસ્થા સમાન બનાવી, ઉદ્યોગસાહસિકતા ચળવળના નિર્માણ અને વિસ્તરણમાં તેમના અંગત અને કૌટુંબિક જીવનનું બલિદાન આપ્યું. સમાજમાં તેઓ યોગ્યત: ઉદ્યોગસાહસિકતા ગુરુ તરીકે સ્વીકૃત થયા હતા. પોતાની સફળતા માટે તેમના જીવનસાથી યોગીનીબેનને શ્રેય આપે છે, જેઓ તેમના બધા પ્રયત્નોમાં હંમેશાં સહયોગ આપેલ છે.

ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમની અસરકારકતા પ્રેરાઇને તેમણે સરકારો, વિવિધ સંસ્થાઓ અને સમિતિઓને માર્ગદર્શન આપવા માટે પોતાની સેવાઓનો વિસ્તાર કર્યો જેમ કે કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર (સીઇઆરસી), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ટ્રપ્રિન્યરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ (NIESBD) ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા અન્ય.

તેમના વિવિધ પ્રકાશનો પૈકી પુસ્તક “ધ સેવન બિઝનેસ ક્રાઇસીસ એન્ડ હાવ ટુ બીટ ધેમ” (વ્હેન ધ ગોઇંગ ગેટ ટફ તરીકે ફરીથી પ્રકાશિત) બેસ્ટ સેલર બનેલ છે. અન્ય પુસ્તકોમાં “ભારતના નાના ઔદ્યોગિક અર્થતંત્રનું સંચાલન” અને “ભારતમાં ઉદ્યોગ સાહસિક વિકાસ કાર્યક્રમ અને વિકાસશીલ દેશોને તેની સુસંગતતા” સમાન રીતે વખણાયેલ છે.

ઔપચારિક શિક્ષણ પ્રણાલીમાં ઉદ્યોગસાહસિકતાને સમાવવા તરફ, સપોર્ટ સિસ્ટમની સંવેદીકરણ, ઉદ્યોગ સાહસિકતાના માર્ગ પર કેટલાક અન્ય વિકાસશીલ દેશોના રાઉટિંગ ઉપરાંત ઉદ્યોગ સાહસિક સંશોધન માટે ડૉ. પટેલનું કામ વ્યાપક રૂપે ઓળખાય છે. તેમના આર્થિકક્ષેત્રે વિશિષ્ટ યોગદાનની માન્યતામાં, તેમને આગાખાન પુરસ્કાર, સ્વ. શ્રી એ. આર. ભટ્ટ ઉદ્યોગસાહસિક વિકાસ એવોર્ડ તથા અન્ય ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવેલ છે. ભારતમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ ક્ષેત્રે પહેલ અને સીમાચિહ્ન યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને ૨૦૧૭ માં પદ્મશ્રીના પ્રતિષ્ઠિત નાગરિક એવોર્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઔપચારિક શિક્ષણ પ્રણાલીમાં ઉદ્યોગસાહસિકતાની તરફેણમાં ડો. વી.જી. પટેલનાં યોગદાન અને અદ્વિતીય કાર્યને સર્વદા યાદ કરવામાં આવશે.


આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર:

મો.: 98254 33104 Email: hiranyavyas@gmail.com

Web. www.hiranyavyas.yolasite.com Face Book Community: https://www.facebook.com/groups/735774343154133/

1 comment for “ડૉ. વિહારીભાઇ. જી. પટેલ – ઉદ્યોગસાહસિકતા વિકાસ – અભિગમના જનક

  1. Shirish Shah
    April 24, 2019 at 10:57 pm

    Congratulation to Hiranya Vyas for a complete article on Dr. Viharibhai Patel.It’s a good tribute to Dr. Patel. On behalf of all trained entrepreneurs, trainers and I convey my sincere thanks to him.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *