ફિર દેખો યારોં : દિલ કો દેખો, ચેહરા ન દેખો

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

ચૂંટણીના વર્તમાન માહોલમાં ‘રોડ શો’, ‘સ્ટાર કેમ્પેઈનર’, ‘ક્રાઉડ પુલર’ જેવા શબ્દો છૂટથી વપરાવા લાગ્યા છે. ભલે એ અંગ્રેજી શબ્દો રહ્યા, પણ તેનો અર્થ સમજાવવાની જરૂર ભાગ્યે જ પડે છે. ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરવા જાય ત્યારે ‘રોડ શો’ યોજતા થઈ ગયા છે, શાસક પક્ષ કે વિપક્ષના નેતાઓ પણ ‘રોડ શો’નું આયોજન કરે છે. પ્રચારયુદ્ધ શરૂ થાય એટલે અમુક ચહેરા ‘સ્ટાર કેમ્પેઈનર’ કે ‘ક્રાઉડ પુલર’ ગણાવા લાગે છે. આ ચહેરા ટી.વી. પર પ્રસારિત થતી ધારાવાહિકના અભિનેતા-અભિનેત્રીઓથી લઈને ફિલ્મોના કલાકારો કે ક્રિકેટરો હોઈ શકે. હવે પ્રચાર ભવ્ય બની રહ્યો છે, સાદગી અને કરકસર જેવા મુદ્દાઓ જાહેરજીવનમાંથી ક્યારના ગાયબ થઈ ગયા છે. નાણાંના બિભત્સ દેખાડાનો આખો ખેલ યોજાતો જોવા મળે છે. આનું કારણ શું હોઈ શકે?

શું રાજકારણીઓ એમ માની બેઠા છે કે પ્રજાને કોઈ પણ રીતે આંજી દઈશું એટલે મત મળી જશે? ફિલ્મ કલાકાર યા કોઈ પણ અભિનેતા-અભિનેત્રી કે ક્રિકેટરના રાજકીય વિચારો અવશ્ય હોઈ શકે, અને તેઓ તેને વ્યક્ત પણ કરી શકે. તેમના રાજકારણમાં જોડાવા સામે પણ કોઈ વાંધો ન હોઈ શકે, કેમ કે, કોઈ પણ નાગરિક એમ કરવા માટે સ્વતંત્ર છે. આમ છતાં, સામાન્ય રીતે જોવા મળે છે એમ, માત્ર ફિલ્મ યા ટી.વી. કલાકાર કે ક્રિકેટર હોવાની લાયકાતથી, કેવળ ટોળાને આકર્ષવા માટે તેમને આગળ ધરવામાં આવે છે. પ્રચાર કરતા કલાકારો બાકીનો સમય કશું ન બોલે અને એ રીતે વર્તે કે જાણે તેમને કશી ખબર જ નથી એ સ્થિતિ વિચિત્ર ગણાય. પ્રચારથી આગળ વધીને તેમને ઉમેદવાર બનાવવા સુધી મામલો ક્યારનો આગળ વધી ગયો છે. અપવાદરૂપ કિસ્સા સિવાય, આ રીતે ચૂંટાયેલા કલાકારોએ પોતાના મતવિસ્તારમાં કશું કામ કર્યું હોય એવું જવલ્લે જ જોવા મળ્યું છે.

નેતાઓ કે કલાકારો દ્વારા થતા પ્રચારની એક સામાન્ય તરાહ જોવા મળે છે. તેઓ મતદાતાઓને આંજી નાખવાનો પ્રયત્ન કરે છે, સાથેસાથે એવો અભિનય પણ જોવા મળે છે કે તેઓ મતદાતાઓમાંના જ એક છે. કોઈ દલિત યા આદિવાસી પરિવારને ત્યાં ભોંય પર બેસીને ભોજન લેવું, ખેતરમાં દાતરડું પકડીને ઘાસ કાપવું કે હાથમાં ઝાડુ પકડીને જમીન પર ઘસવું વગેરે. રૂપેરી પડદે અલગ અલગ ભૂમિકાઓ ભજવવી એક વાત છે, જ્યારે વાસ્તવિક જીવનમાં ચૂંટણીપ્રચાર પૂરતી આવી ભૂમિકા ભજવવી જુદી બાબત છે. ઘણી વાર આપણને એમ થાય કે શું તેઓ મતદાતાઓને આટલા મૂર્ખ સમજતા હશે? મતદાતાઓની સજ્જતાને તેઓ આ હદે ઓછી આંકતા હશે? મતદાતાઓનું આ અપમાન ન ગણાય?

અભિનય હવે આપણા સૌના રોજબરોજના જીવનનો હિસ્સો બનતો રહ્યો છે. સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોને લઈને આ બાબત એટલી ઝડપથી સહજસ્વીકૃત બની ગઈ છે કે નવાઈ લાગે. પોતે કંઈ પણ કરે તો પણ તેને સતસવીર આ માધ્યમ પર પ્રકાશિત કરવાનું વલણ સરેરાશ નાગરિકોમાં વધી રહ્યું છે. આને કારણે પોતે જેવા નથી એ દર્શાવવાનો પ્રયાસ એવા લોકોની પ્રકૃતિનો અંશ બનવા લાગ્યો છે. આથી દંભ કેવળ રાજકારણીઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી. સૂક્ષ્મપણે હવે તે ઘણાખરા લોકોના અસ્તિત્ત્વનો અંશ બનવા લાગ્યો છે. પરિણામે દંભ પ્રત્યેની જેટલી સૂગ પહેલાં જોવા મળતી એ રહી નથી, બલ્કે તે કંઈક અંશે સ્વિકૃતિ પામી રહ્યો છે. અલબત્ત, આ કોઈ સમાજશાસ્ત્રીય અધ્યયન નથી કે નથી કોઈ પદ્ધતિસરના અભ્યાસ પછીનું તારણ. કેવળ નીરિક્ષણને આધારે બંધાયેલી આ માન્યતા છે. સામૂહિક સ્તરે કદાચ આ લક્ષણ વ્યાપ્ત હશે, પણ વ્યક્તિગત સ્તરે હવે જે રીતે તે પ્રદર્શિત થઈ રહ્યું છે એ વિચારવાલાયક છે.

આવા માહોલમાં રાજકારણીઓનો દંભ ઝાઝો ટીકાપાત્ર મનાય એ બાબત હવે અપ્રસ્તુત બનતી જાય, એટલું જ નહીં, ઘણે અંશે તે સ્વીકૃત બનવા લાગે એ સ્થિતિ ક્યારની સર્જાઈ ચૂકી છે. પોતાના મુદ્દાઓ, પોતાના કામ, સૂચિત આયોજન વિશે વાત કરવાની રાજકારણીઓને ભાગ્યે જ જરૂર જણાય છે. પ્રચારનો મોટો સમય તેઓ વિરોધી ઉમેદવાર વિશે વાત કરવામાં જ વેડફે છે, જેના થકી મનોરંજનથી વિશેષ કશી ઉપલબ્ધિ થતી નથી. હા, અખબારોને હેડલાઈન મળી રહે છે.

ઈન્દીરા ગાંધીના શાસનકાળ દરમિયાન ચાલેલા જયપ્રકાશ નારાયણના આંદોલન કે કટોકટી પછીના કાળમાં લોકઉમેદવારનો પ્રયોગ હાથ ધરાયેલો. ચૂંટણી લડવા માટે નાણાં અનિવાર્ય છે એ હકીકતને સમજીને વિવિધ વિસ્તારમાં મૂલ્યનિષ્ઠ ઉમેદવારની પસંદગી કરવામાં આવતી, જેમનો ચૂંટણીખર્ચ લોકફાળો ઉઘરાવીને સમાજના અગ્રણીઓ વહેંચી લેતા. કોઈ એકલદોકલ દાતા પાસેથી દાન લેવાને બદલે વધુ ને વધુ લોકો સામેલ થાય એ રીતે નાણાં એકઠા કરવામાં આવતા. આને કારણે સૌની સામેલગીરી રહેતી, અને ઉમેદવારનું ઉત્તરદાયિત્ત્વ પણ બનતું. ૧૯૭પમાં બાબુભાઈ જશભાઈ પટેલના મુખ્યમંત્રીપદવાળી જનતા મોરચાની સરકાર વખતની ચૂંટણીઓમાં આ રીતે લોકઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. ભોગીભાઈ ગાંધી, પ્રકાશ ન. શાહ, ઈશ્વર પેટલીકર, યશવન્ત શુકલ, બી. કે. મજમુદાર, પુરુષોત્તમ ગણેશ માવળંકર જેવા અગ્રણીઓના નેતૃત્વ હેઠળ ‘લોકસંઘર્ષ સમિતિ’ રચવામાં આવેલી. તેમાં ૧૪ જેટલા બિનપક્ષીય ઉમેદવારોનો સમાવેશ થયેલો. ચૌદમાંથી આઠેક ઉમેદવારો વિજયી બનેલા. તેમાંના બે ઉમેદવારોનો પ્રધાનમંડળમાં પણ સમાવેશ કરવામાં આવેલો.

આ પ્રયોગ ત્યાર પછીનાં વરસોમાં પણ આગળ વધ્યો હતો. હવે વર્તમાન રાજકારણમાં માત્ર બે જ પક્ષ હોય એવું વાતાવરણ ઊભું જોવા મળે છે. ‘બીજો કોઈ વિકલ્પ જ નથી’, ‘આપવો તો કોને મત આપવો?’ જેવી સમજણ મતદારોના માનસમાં રીતસર આરોપવામાં આવે છે. મતદારો ભૂલી જાય છે કે વિકલ્પ ઊભા થતા હોય છે. ઉભા થવા જોઈએ. લોકશાહીમાં કોઈ પણ પક્ષ કે વ્યક્તિ ગમે તેટલી નિષ્ઠાવાન હોય તો પણ એકધારું શાસન કરે ત્યારે તે જોખમરૂપ બની રહે છે. કોઈ પણ પક્ષ કે શાસકને એમ થાય કે પોતાનું શાસન અનંતકાળ સુધી ટકી રહેશે, તો એ ખામી મતદારોના માનસની ગણાય. મતદારોએ જ શાસકને આ માન્યતા પોષવા દેવી ન જોઈએ.

અભિનેતા-અભિનેત્રીઓના કેવળ ચહેરા જોઈને મતદાર મત આપતો રહેશે ત્યાં સુધી તો આ સ્થિતિમાં ફેરફાર થાય એવી શક્યતા જણાતી નથી. અભિનેતા-અભિનેત્રીઓ પણ પડદાની બહાર નીકળીને અભિનય કરવાનો આનંદ ઘડીક મેળવીને રાજી થતા રહેશે. તેમને માટે પોતાના ચહેરાનું મૂલ્ય વટાવવાનું આ વધુ એક ક્ષેત્ર બની રહે છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧-૪-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *