કચ્છનું રણ અને આખ્યાયિકાઓ – ૭ – દિવસ એ જ, અને સંધ્યાનું પૂર્વ સૂચન…..

Facebooktwitterredditpinterestlinkedinmail

image

કૅપ્ટન નરેન્દ્ર ફણસે

દુશ્મનના ગોળીબારમાંથી બચીને મેજર તેજાના બંકર પાસે પહોંચ્યો. તેણે સ્મિત સાથે કહ્યું, “બડા તકદીરવાલા હૈ,બચ્ચા! બાલ-બાલ બચ ગયા!” મારા આનંદનું કારણ હતું  અમારા ‘ખોવાયેલા’ જવાનોને શોધી કાઢવાનું, અને  તેમના પર મૂકાયેલા desertionના આક્ષેપને જુઠો સાબિત કરવાનું!

તેજા પાસેથી નીકળી અમારા ભિંડી અૌલખ કંપની હેડક્વાર્ટરમાં જઈ અમારા જવાનો માટે ચ્હા તથા બે વખતનું ભોજન બનાવડાવ્યું. ભોજનની ગાડી રવાના કરી હું અમારા બટાલિયન હેડક્વાર્ટર તરફ જવા નીકળ્યો.

ધુસ્સી બંધની બાજુના  ધુળીયા માર્ગ પર અમારી ગાડી જઈ રહી હતી. દક્ષીણ દિશામાં વળીએ તો અમારા હેડક્વાર્ટર જવાનો રસ્તો આવે. પૂર્વ દિશામાં અમારી બટાલિયનની સીમા જ્યાં શરુ થતી હતી ત્યાં ડેરા બાબા નાનકમાં આવેલી બટાલિયનની હદ પૂરી થતી હતી. જે બિંદુ પર બે બટાલિયનોની હદ મળે છે તેને જંક્શન પૉઈન્ટ કહેવાય છે. હેડક્વાર્ટરના રસ્તા તરફ વળતાં પહેલાં મને વિચાર આવ્યો:  સીધા હેડક્વાર્ટર જવાને બદલે જંક્શન પૉઈન્ટ સુધી જઈ ત્યાંથી હેડક્વાર્ટર જઈએ તો કેવું? જોઈએ તો ખરા ત્યાં આપણા કોઈ સૈનિકો છે કે કેમ? ડેરા બાબા નાનકની બટાલિયનમાં મારા જુના મિત્રો હતા. કદાચ તેમનામાંથી કોઈ મળી જાય તો તેમના હાલ હવાલ જાણી શકાશે એવું માની મેં જર્નેલસિંઘને ત્યાં જવાની સૂચના આપી.

જેમ જેમ અમે જંક્શન પૉઈન્ટ તરફ આગળ વધતા ગયા મને જણાયું કે ધુસ્સી બંધનો આ આખો વિસ્તાર ખાલી પડ્યો હતો. પાંચ કિલોમીટરના સમગ્ર ક્ષેત્રમાં આપણી સેનાનો કે બીએસએફનો એક પણ સૈનિક નહોતો. અહીંથી નદી  બસો-અઢીસો ગજ દૂર હતી, અને તેને પાર હતી પાકિસ્તાનની ચોકીઓ. નદી પાર બેસેલા દુશ્મન માટે આ ‘માખી વગરનું આકડે મધ’ હતું. આવી જગ્યા શોધવા માટે દુશ્મનના વિસ્તારમાં ઘુસી તેના સૈન્યની વ્યૂહ રચનાની માહિતી મેળવવા નીકળતી ટુકડીઓ (Reconnoissance patrol) હંમેશા ફરતી હોય છે. અમારા અમૃતસર સેક્ટરમાં હુમલો કરીને આગળ વધેલી પાકિસ્તાનની સેનાનો ઉદ્દેશ અમૃતસરનું રાજા સાંસી એરપોર્ટ તથા અમૃતસર-ગુરદાસપુર -જાલંધરનો નેશનલ હાઈવે કબજે કરવાનો હતો. ભુલે ચૂકે તેમની ટુકડી અહીં આવી હોત તો તેમની સેના માટે ગુરદાસપુર અને અમૃતસર જવાનો ધોરી માર્ગ તેમના હાથમાં નિર્વિઘ્ને પડી જાય તેવું હતું. તેમ કરવાથી દેશના સંરક્ષણની ધોરી નસ જેવો  મુખ્ય માર્ગ દુશ્મનના હાથમાં પડે તેવું હતું અને તેવું થાત તો તેના પરિણામ અકલ્પ્ય હતા. મિલીટરીની સંરક્ષણ યોજનામાં આ ગંભીર ક્ષતિ હતી.

આ જોઈ હું આશ્ચર્યચકિત થઈ ગયો. હું ‘મારતે ઘોડે’ બટાલિયન હેડક્વાર્ટર પહોંચ્યો અને મારા સી.ઓ.ને આનો રિપોર્ટ આપ્યો. તેઓ ચોંકી ગયા અને મને સીધા બ્રિગેડ કમાંડર પાસે લઈ ગયા. બ્રિગેડિયર તો મારી વાત સાંભળી હેબતાઈ ગયા. તેમણે યુદ્ધભુમિના નકશામાં નોંધેલ આપણી સેનાની deployment જોઈ. આ ‘ખાલી’ જગ્યા અમારી ઈશાન દિશા (North-East) માં આવેલ બ્રિગેડની જવાબદારી બનતી હતી. બ્રિગેડ કમાંડરે  મેં વર્ણવેલા વિસ્તારનું નિરીક્ષણ કરવા એક સિનિયર અફસરને મોકલ્યા. તપાસમાં જણાયું કે મેં જણાવેલ સ્થળે જે ‘રીઝર્વ’ યુનિટ જવું જોઈતું હતું તેને બીજે ક્યાંક મૂકવામાં આવ્યું હતું. તેથી આ વિસ્તાર ખાલી જ પડી રહ્યો હતો આપણી સંરક્ષક હરોળમાં થયેલી આ ક્ષતિનો દુશ્મનને અંદેશો પણ ન આવે તે માટે રાત્રીના સમયે આખા વિસ્તારમાં માઈન્સ બીછાવવાનો હુકમ અપાયો. મદ્રાસ એન્જીિનયર રેજીમેન્ટ તથા ૧/૯ ગોરખા રાઈફલ્સની કંપનીઓએ ડેરા બાબા નાનક અને અમારી બ્રિગેડના વિસ્તારમાં રાતોરાત માઈન બીછાવવાનું શરુ કર્યું. દુશ્મનને આની જાણ થતાં તેણે માઈન બીછાવનાર જવાનો પર તોપખાનાના ભારે બૉમ્બ અને અૉટોમેટીક હથિયારોની ગોળીઓ વરસાવી. આપણા અનેક જવાનો તેમાં શહીદ અને ઘાયલ થયા. પરંતુ તેમણે બીછાવેલ માઈન-ફીલ્ડ તથા ટૅંક્સની એક રેજીમેન્ટની સુરક્ષા હરોળને કારણે દુશ્મન આ જગ્યામાં પ્રવેશ ન કરી શક્યો. અમૃતસર સેક્ટર બચી ગયું.

મારી વાત કહું તો દેશને આપત્તિમાંથી બચાવવા માટે મને નિમિત્ત બનાવી પૂર્વ સંકેત આપનાર શક્તિ કોણ હતી?

*********

કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

2 comments for “કચ્છનું રણ અને આખ્યાયિકાઓ – ૭ – દિવસ એ જ, અને સંધ્યાનું પૂર્વ સૂચન…..

  1. Neetin Vyas
    April 17, 2019 at 2:45 am

    What’a incident and courageous job you hAve carried out! Sir, hats off to you. You have very nicely penned that incident.

  2. Captain Narendra
    April 25, 2019 at 8:29 pm

    Thank you, Mr. Vyas. I respect your appreciation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *