વ્યંગ્ય ચિત્રોનાં વિશ્વમાં (૧૫) ચૂંટણી એટલે વ્યંગ્યચિત્રોની વસંત

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન: અશોક વૈષ્ણવ

ચૂંટણીની મોસમ વ્યંગ્યચિત્રકળાને મહોરી ઉઠવા માટે બહુ માફક આવે છે. ચુંટણીની મોસમ પુરબહારમાં ખીલી હોય ત્યારે ભલભલા નેતાઓ જાણેઅજાણ્યે, કાર્ટૂનિસ્ટોને જરૂરી મસાલો પૂરો પાડે છે.

આ લેખ પ્રકાશિત થશે ત્યાં સુધીમાં લોકસભાની ચુંટણીપ્રચારનો શોરબકોર ઉન્માદક હુંસાતુંસીનાં સ્તરે પહોંચી ચૂકયો હશે.

અમુક તબક્કાઓનું મતદાન પણ થઈ ચૂક્યું હશે. ચુંટણી દરમ્યાન રાજકીય પક્ષોએ કેટલીક આચારસંહિતા પાળવાની હોય છે તેવી જ અમુક આચારસંહિતા આ લેખ માટેની સામગ્રી પસંદ કરવામાં પાળી છે .

– કોઈ ચોક્કસ પક્ષ કે નેતાને ઉદ્દેશીને બનાવાયેલાં વ્યંગ્યચિત્રો આપણે અહીં નથી લીધાં.

– મોટાભાગની સામગ્રી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જાહેરથઈ ત્યારના સમયની છે. પણ એટલો ખ્યાલ રાખવા કોશીશ કરેલી છે કે અહિં રજૂ થયેલાં વ્યગ્યચિત્રોનો સંદેશ આ ચૂંટણી પૂરતો નહીં, પણ વધારે વ્યાપક હોય.

– વિદેશની ચુંટણીઓને પણ લગતાં જે અમુક વ્યંગ્યચિત્રોને અહીં સમાવ્યાં છે તેનો સંદેશ આપણે ત્યાં પ્રવર્તતી સ્થિતિને પણ લાગુ પડે તેવો પ્રયાસ કરેલો છે.

હવે માણીએ કેટલાંક ચૂંટણીલક્ષી કાર્ટૂન.

**** **** ****

ચૂંટણી સમયે આમ માણસ મતદાર બને છે, તેના ભાવ ઉંચકાય છે અને તેનો મત ‘અમૂલ્ય’ બની જાય છે. મિકા અઝીઝના આ વ્યંગ્યચિત્રમાં દરિદ્રનારાયણને બાવડાં ફુલાવતો દેખાડ્યો છે. તે કહે છે, ‘અપના ટાઈમ આ ગયા!’

****

આર કે લક્ષ્મણનું વ્યંગ્યચિત્ર વાસ્તવિકતાને આયનો ધરે છે. ચૂંટણી પહેલાં મતદાતા વિરાટ સ્વરૂપ અને ચૂંટણી પત્યા પછી તે વામનસ્વરૂપ બની જાય છે.

****

ચૂંટણીઓમાં (તથાકથિત) દાગી ઉમેદવારોની હાજરી નોંધપાત્ર સંખ્યામાં રહેતી જોવા મળતી હોય છે. નાલા પોન્નપ્પા આ વાતને વેધક સ્વરૂપે રજૂ કરે છે.

****

હાલ ચુંટણીમાં દેશની સલામતી અને લશ્કરીદળોની ભૂમિકા પણ એક ગરમાગરમ વિષય રહ્યો છે. ચૂંટણી પ્રચાર માટે તૈયાર થતા ઉમેદવારશ્રીએ કઈ રુખ મુજબ પ્રતિક પહેરવેશ પહેરવો તે નક્કી કરવા માટે આ વખતે લશ્કરી ગણવેશને મળતો પહેરવેશ પહેરી લેવાની પણ તૈયારી રાખી છે. આ કાર્ટૂન મિર સુહૈલનું છે.

****

એક બીજો મુદ્દો પણ હવે ચુંટણીઓમાં બહુ ગંભીરતાથી ચર્ચાવા લાગ્યો છે, અને તે છે ચુંટણીપ્રચારમાં સામાજિક માધ્યમોની ભૂમિકાનો. ફેસબુક જેવી સેવાઓ તેમની પાસેના ડેટાના વાણિજ્યિક ફાયદાઓ ઉઠાવીનેચુંટણીનાંપરિણામો પર અસર કરી રહ્યાની ફરિયાદ પણ જોર પકડવા લાગી છે. સતીષ આચાર્યનું આ વ્યંગ્યચિત્ર એ વિષય પર નિશાન તાકે છે.

****

ચુંટણીમાં ન ચગાવવા લાયક મુદ્દાઓ પાછળ મહેનત કરવાનું એક કારણ કદાચ એ પણ કહેવાય છે કે લોકોનું ધ્યાન મૂળ મુદ્દાઓ પરથી હટાવી શકાય. વ્યંગ્યચિત્રકારો આવા મુદ્દાઓને ધ્યાન પર લાવવાનો ધર્મ પણ ચુકતા નથી. જેમ કે, ઉમેદવારીમાં સ્ત્રીઓનું તેમની જનસંખ્યાને અનુરૂપ પ્રતિનિધિત્વ કે પછી ગ્રામીણ વિસ્તારોની સમસ્યાઓ વિષે ઠાલાં વચનો સાંભળી સાંભળીને હવે અકળાઈ ચૂકેલો ગ્રામ્યજન.

પહેલા ચિત્રમાં દેખાતા આંકડાની દિશા બીજા ચિત્રમાં બદલાઈ જાય છે. આ કાર્ટૂન ગોકુલ ગોપાલકૃષ્ણનું છે.

ઈન્ડીયન એક્સપ્રેસમાં ઈ પી ઉન્નીએ ટી.વી.ની ચર્ચાઓના ‘એન્કર’ની સાથે સમાનોચ્ચાર ‘એન્ગર’ શબ્દના શ્લેષ વડે કટાક્ષ કર્યો છે.

****

ચુંટણીમાં ઉમેદવારો અને પક્ષો દ્વારા કરવામાં આવતાં ખર્ચ અને તે નાણાંના સ્રોત એ પણ હંમેશા ગરમાગરમ વિષય રહ્યા છે.

મત આપવા જનારની ઓળખ ભલે સો ગળણે ગાળવામાં આવે, ઉમેદવારોને નાણાં પુરાં પાડનારનાં નામ સામે નહીં પણ તેનાં નાણાં સામે જોવાની નીતિ અહીં પણ છે અને અન્ય દેશો પણ છે તેમ એમ વ્યુએરકરનું વ્યંગ્યચિત્ર જોયા પછી સમજાઈ જાય છે. ચૂંટણીમાં મત આપનારનું ઓળખપત્ર માગવામાં આવે છે, જ્યારે ચૂંટણી ‘ખરીદનાર’નું ઓળખપત્ર જોવાની સુદ્ધાં જરૂર નથી.

****

ચુંટણીના ખર્ચની કાયદાકીય સીમા અને ખરેખર થતાં ખર્ચના તફાવતની બધાંને જ ખબર છે. સવાલ છે માત્ર કાછડીમાં કોણ કેટલું બેવસ્ત્ર છે તે જોવાનો. યતી સિધ્ધકુટ્ટ આ કાર્ટૂન દ્વારા છુપાયેલા ખજાનાને બેનકાબ કરે છે.

*****

‘જેનો અમલ વાસ્તવિક જગતમાં અમલ નથી થઈ શકતો તે સિધ્ધાંતની દુનિયામાં પણ ન ચાલે એવું થોડું છે?’ એવા સીધા સાદા દેખાતા સવાલની આડમાં ખર્ચમર્યાદાના કાયદાઓ કેટલી હદે કાગળનો વાઘ બનાવી દેવામાં આવતા રહ્યા છે. આ કાર્ટૂન ટોમ સ્કૉટનું છે.

****

શાસનની પ્રાથમિકતાઓ વિષે જે તે પક્ષના અધિકૃત વિચારો રજૂ કરતા ઘોષણાપત્રની નોંધ એક સમયે બહુ ગંભીરતાથી લેવાતી. અહીં રજૂ કરાયેલાં નમુનાનાં વ્યંગ્યચિત્રો દ્વારા એ ઘોષણાપત્રોની કિંમત આજે કેટલીક રહી છે તે સ્પષ્ટ થાય છે.

યતિ સિદ્ધકુટ કહે છે કે એ બધાં માથાને બંધબેસે એવી પાઘડી સમાં છે.

પહેલાં મત લેવા સાડીઓ કે બાટલીઓ વપરાતી, પછી ભેટનું સ્વરૂપ વધારે મોટું થઈને લેપટોપ કે કુટૂંબની પહેલી દીકરીને અમુક ગ્રામનું સોનાનું ચેન વગેરે સુધી વાત પહોંચી. અહીં તો હવે નેનો કાર સુધી વાત પહોંચી છે.

દેવાવાળા તો દલા તરવાડીની જેમ ‘લઈ લેને દસબાર’ જેવી વૃત્તિ ધરાવે તે સમજાય, કેમ કે તેમણે ક્યાં પોતાના ખીસ્સામાં હાથ નાખવાનો છે. આ કાર્ટૂન સુભાનીનું છે.

****

જો કે, ભારતના મતદાતાની કોઠાસૂઝ આ બધાથી ઉપર જ રહી છે. તેમને ખબર છે કે રાંધણે ચડેલાં આ ઠાલાં વચનોમાંના એક પણ હાંડલાની ખીચડી ભાણાં સુધી પહોંચવાની નથી. દીપકનાં આ બન્ને કાર્ટૂનો તેને લગતાં છે.

*****

કેટલાક પક્ષો તેમાં માત્ર હવાઈ કિલ્લાઓને હથેળીમાં ચાંદની જેમ બતાવતા. સર્વોચ્ચ અદાલતે આ બાબતે થોડું કડક વલણ અપનાવ્યું, એટલે ‘નિયમો અને શરતો લાગૂ’વાળી કાનુની છટકબારીનો લાભ લેવાની વાત કિર્તીશના આ કાર્ટૂનમાં કરવામાં આવી છે.

****

કહેવાય છે કે સફળ રાજકારણી થવું હોય તો ગેંડાની ચામડી હોવી જોઈએ, પણ અસરકારક મતદાતા થવા માટે પહેલાં દેશનું અને પછી પોતાનું સામૂહિક ભલું શેમાં છે તે જોવાની બાજનજરની જરૂર છે.

આશા રાખીએ કે, વો સુબહ હમીં સે આયેગી……


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.

– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું: bakothari@gmail.com


Disclaimer:

The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

6 comments for “વ્યંગ્ય ચિત્રોનાં વિશ્વમાં (૧૫) ચૂંટણી એટલે વ્યંગ્યચિત્રોની વસંત

 1. Samir
  April 16, 2019 at 1:29 pm

  વ્યંગચિત્રો એક બહુ જ મોટી અને મુશ્કિલ કળા છે.એક ચિત્ર માં કેટલું બધું કહી નાખે છે !
  અશોક વૈષ્ણવ અને બીરેન કોઠારી ને ખુબ અભિનંદન .

 2. Bhagwan thavrani
  April 16, 2019 at 5:14 pm

  કોઈ પણ પરિસ્થિતિને વ્યંગકાર જેટલો બીરીકી અને સમગ્રતાથી સમજી શકે એટલું અન્ય કોઈ પણ નહીં !
  અભિનંદન !

  • April 17, 2019 at 9:53 am

   આપ બન્નેનો આ લાગણીસભર પ્રોત્સાહક પ્રતિભાવ માત્ર મને જ નહીં, શ્રેણીના સંપાદક બીરેનભાઈને પણ નહીં, પણ સમગ્ર વ્યંગ્ય સર્જન અને વ્યગ્ય ભાવક સમુદાય માટે પ્રોત્સાહક બની રહેશે.

   આભાર.

 3. April 17, 2019 at 12:21 pm

  પ્રોત્સાહક પ્રતિભાવ બદલ આપ બન્નેનો આભાર.

 4. Niranjan Mehta
  April 17, 2019 at 12:38 pm

  સમયોચિત લેખ અને પ્રસ્તુતિ. અશોકભાઈને અભિનંદન.

  • April 17, 2019 at 3:17 pm

   એટલા જ સમયોચિત પ્રતિભાવ બદલ હાર્દિક આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *