વ્યંગ્ય કવન : (૩૫) એક દિન આંસુ ભીનાં રે

કરસનદાસ માણેક

             (રાગ સારંગ)

એક દિન આંસુ ભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં

પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકૂટની વેળા
ચાંદીની ચાખડીએ ચડીને ભક્ત થયા’તા ભેળા
શંખ ઘોરતા ઘંટ ગુંજતા ઝાલરું ઝણઝણતી
શતશગ કંચન આરતી હરિવર સન્મુખ નર્તન્તી
દરિદ્ર દુર્બળ દીન અછૂતો અન્ન વિના અડવડતા
દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટળવળતા

તે દિન આંસુ ભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં

લગ્નવેદીએ પાવક પ્રજળ્યો’તો વિપ્ર વેદ ઉચ્ચરતા
સાજન મા’જન મૂછ મરડતા પોરસફૂલ્યા ફરતા
જીર્ણ અજીઠું પામર ફિક્કું માનવપ્રેત સમાણું
કૃપણ કલેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું
બ્રાહ્મણ વચને સૂરજ સાખે કોમળ કળી ત્યાં આણી
ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી
તે દિન આંસુ ભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં

ભય થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા
વરુનાં ધાડાં મૃત ઘેટાની માંસ લાલચે ધાયાં
થેલી ખડિયા ઝોળી તિજોરી સૌ ભરચક ભરાણાં
કાળી મજૂરીના કરતલને બે ટંક પુગ્યા ન દાણાં
ધીંગા ઢગલા ધાન્ય તણા સો સુસ્તો માંહી તણાણા
રંક ખેડુનાં રુધિરે ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં
તે દિન આંસુ ભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં

હૂંફાળા રાજવી ભવનોથી મમત-અઘોર નશામાં
ખુદમતલબિયા મુત્સદીઓએ દીધાં જુદ્ધ-દદામા
જલથલનભ સૌ ઘોર અગનની ઝાળમહીં ઝડપાયા
માનવી માનવીનાં ખૂન પીવા ધાયા થઈ હડકાયા
નવસર્જનના સ્વપ્નસંગી ઉર ઉછરંગે ઊભરાણાં
લખલખ નિર્મલ નવલકિશોરો ખાઈઓમાં ખોવાણાં
તે દિન આંસુ ભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં

ખીલું ખીલું કરતાં માસૂમ ગુલ શિક્ષકને સોંપાણાં
કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં
વસંત વર્ષા ગ્રીષ્મ શરદના ભેદ બધાય ભુલાણાં
જીવનમોદ તણાં લઘુતમમાં પ્રગતિપદ છેદાણાં
હર્ષઝરણ લાખો હૈયામાં ઝબક્યાં ત્યાં જ ઝલાણાં
લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યાં જ સુકાણાં
તે દિન આંસુ ભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં

                                * * *

સૌજન્ય : www.mavjibhai.com

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “વ્યંગ્ય કવન : (૩૫) એક દિન આંસુ ભીનાં રે

  1. April 19, 2019 at 8:45 pm

    સંસારની કરુણતા…
    સરયૂ

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.