લ્યો, આ ચીંધી આંગળી : મસ્કતનું એક અનોખું યુગલ-ભાવના અને દિનેશ દાવડા !

Facebooktwitterredditpinterestlinkedinmail

–રજનીકુમાર પંડ્યા

‘મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાતને’ એ અમર પંક્તિઓ હવે વધુ વિસ્તાર પામી છે. એ હવે મસ્કત સુધી પહોંચી છે અને તે પણ એક ગુજરાતણ દ્વારા કે જે હવે ‘મલિકા-એ-મહેંદી’ તરીકે ઓળખાય છે. એ બીરુદ મેળવનારાં સન્નારી છે ભાવના દિનેશભાઇ દાવડા અને એમની મહેંદીકળા ઉપર આફ્રીન થઇને એ બીરુદ આપનારી છે સમગ્ર મસ્કત(ઓમાન)ની મહેંદીપ્રિય બાનુઓ.

આ સિધ્ધિ મેળવવા માટેનો ભાવના દાવડાનો પંથ સરળ નહોતો. ભારતીય સ્ત્રીઓ કરતાં પણ ઓમાન જેવા આરબ- ઇસ્લામી રાષ્ટ્રની આરબ સુંદરીઓ તો પેઢીઓની પેઢીઓથી મહેંદીની શોખીન, બલકે એ એમના સૌંદર્યની એક પહેચાન છે. એટલે એ પોતાની અસલી ઓમાની મહેંદી કલાકાર બાનુઓને છોડીનેએમ કાંઇ બહુ સરળતાથી ભારતીય મહિલા પાસે મહેંદી મુકાવવા તૈયાર ના જ થાય. કારણ કે, એમની પરંપરા ભારતથી સાવ જુદી છે. એની ઢબ અને ડિઝાઇનો પણ સાવ અનોખા પ્રકારની અને અતિ ઝીણવટ ભરેલી, પણ એ આખી જુદી જ ભાતની કળાને ભાવનાબહેને બહુ ખંત અને સૂઝથી આત્મસાત કરી અને એમાં એટલાં બધાં સિધ્ધહસ્ત બન્યાં કે હવે આ કામ કરતી અસલી ઓમાની મહિલાઓ પણ તેમની પાસે મહેંદીકળા શિખવા જાય છે. અને ઓમાની પરિવારોનાં શાદી-મંગની-મહેંદી રસમ જેવા પ્રસંગોએ કે કોઇ સામાજિક મેળાવડા જેવા પ્રસંગોએ ભાવના દાવડાની મહેંદી સેશનનું બૂકિંગ અઠવાડીયાઓ અગાઉ થઇ જાય છે. ત્યાંના સુલ્તાનના શાહી પરિવાર અને વિદેશી રાજદૂતોના પરિવાર સુધ્ધાંને મહેંદી માટે ભાવના દાવડા વગર ચાલતું નથી. એક એવો અંદાજ છે કે માત્ર દુલ્હનોની જ સંખ્યા લક્ષમાં લઇએ તો અત્યાર સુધીમાં કમ સે કમ ત્રીસ હજારથી વધુ દુલ્હનોને મહેંદી મુકવાનો રેકોર્ડ ભાવનાબહેને સર્જ્યો છે.

ભાવના દાવડા મૂળ તો સૌરાષ્ટ્રના વેરાવળ પાસેના સુત્રાપાડા ગામનાં એક વણિક પરિવારનાં પુત્રી છે. પણ એમનો જન્મ છત્તીસગઢના રાયપુર જિલ્લાના ધામત્રી નામના નાના એવા ગામમાં 1963માં થયો હતો. બેંક કર્મચારી પિતાની પુત્રી એવાં ભાવનાબહેન રાયપુરમાં જ આર્ટસનાં ગ્રેજ્યુએટ થયાં. રાયપુરમાં વસવાટ દરમ્યાન એક લગ્નપ્રસંગમા પાડોશમાં રહેતા લોહાણા પરિવારના મોભીના નાના ભાઇ દિનેશ વનરાવનદાસ દાવડાના પરિચયમા આવ્યાં, અને પ્રેમમાં પડ્યા. એ વખતે ભાવનાબહેનની વય એકવીસ વર્ષની હતી એટલે હજુ કાચી વય કહેવાય તેમ સમજીને અને કંઇક જ્ઞાતિભેદને કારણે બન્ને પરિવારોના વિરોધ છતાં તેમણે નાસીને નહિ, પણ બેઉ પક્ષને મનાવીને 1985માં લગ્ન કર્યા. એ વખતે દિનેશભાઇ બી.કોમનો અભ્યાસ પૂરો કરીને મોટાભાઇ સાથે મસ્કતમાં એક ફર્મ સંભાળતા હતા, પણ લગ્ન પછી એક જ વર્ષમાં એમણે એ ફર્મ સુવાંગપણે સંભાળી લીધી. આ બધા ફેરફારોને કારણે થોડું કરજ પણ થયું. પણ આ તરફ પતિ ધંધામાં વ્યસ્ત રહેતા હોવાથી સમય બહુ રહેતો હતો. એટલે ભાવનાબહેને મહેંદી મૂકવાની આપણી ભારતીય કળાનો ઉપયોગ એ ખાલીપો પૂરવા માટે કરવા માંડ્યો. તેમનાં એક નણંદ રચનાબહેન શારજાહમાં એક કરતાં વધારે બ્યુટિ પાર્લરો ધરાવતાં હતાં. તેમની પાસેથી એમણે મહેંદીકળાની થોડી તાલીમ પણ લીધી. અને પછી એ કળાને મસ્કતમાં એક વ્યવસાય તરીકે વિકસાવવાનો નિર્ધાર કર્યો. દિનેશભાઇનું એ માટે પૂરતું પ્રોત્સાહન હતું. એક શાંત વિસ્તારમાં ભાવનાબહેને પોતાનું એક પાર્લર શરુ કર્યું. જે મહિલાઓ ભાવનાબહેન પાસે મહેંદી મુકાવી જતી હતી તેમણે જ સંતુષ્ટ થઇને એમનો મુખોપમુખ પ્રચાર કરવા માંડ્યો. કસ્ટમરો વધતાં ગયાં અને ભાવનાબહેનની આંગળીઓ જાદુઇ અસર બતાવવા લાગી. એમણે મહેંદી મુકવાની અવનવી ખૂબીઓ હાંસલ કરી. મહેંદીમાં ભારતીય પરંપરાગત અને આધુનિક આવિષ્કારો, કેલીગ્રાફી(કળાત્મક અક્ષરાંકન), ઓમાનીયન, પ્રાચીન અરેબિક અને એવા અનેક પ્રકારોમાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું. કામ જ્યારે અતિશય વધવા માંડ્યું ત્યારે ભાવનાબહેને ભારતથી પોતાની બહેનને પણ બોલાવી લીધી. અને બીજા સ્ટાફની પણ નિમણુંક કરી. આગળ જતાં એમણે મસ્કતના અતિ ધનાઢ્ય વિસ્તાર કુરુમમાં એક જગ્યા લીધી અને તે પાર્લરમાં આધુનિક ઉપકરણો વસાવ્યાં. પણ અહિં થોડી કસોટીનો ગાળો શરુ થયો. આ નવી જગ્યાએ શરૂઆતમાં તો જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નહિં. ઉદઘાટનના દિવસે અનેક આમંત્રિતોમાંથી માત્ર એક જ દંપતિ આવ્યું હતું, જે મિત્રભાવે માત્ર ફોટોગ્રાફી કરવા જ આવ્યું હતું. અતિ આધુનિક ઉપકરણોમાં વધુ પડતું રોકાણ થઇ ગયું હતું અને જગ્યાનું ભાડું પણ સામાન્ય કરતા પાંચ ગણું હતું. આ બધા સંજોગો હતાશ કરી નાખનારા હતા. પણ પતિનો સાથ હોવાથી ભાવના દાવડાએ પોતાની હિંમત અને નિર્ધારને ટકાવી નાખ્યા. નિરાશ થયા વગર પોતાની કળામાં વધુ નિપૂણતા મેળવવાનો પ્રયત્ન કરવા માંડ્યો. મહેંદી રચેલી સ્ત્રીની હથેળીવાળું નિયોન લાઇટવાળું બોર્ડ મુકવામાં આવ્યું અને ખરેખર સમય જતાં ધીરજ અને સાધનાનો પરચો મળવા માંડ્યો. ગ્રાહકોની અને તેમની ગાડીઓની કતારો એમના પાર્લરના દરવાજે લાગવા માંડી અને ટેલિફોનની રીંગો સતત રણકવા માંડી. કામ ઝડપભેર વધવા માંડ્યું પણ એમણે ગુણવત્તા સાથે બાંધછોડ ના કરી. અને ઉચ્ચ કક્ષાની મહેંદીના કૉન પણ બનાવવાના શરુ કર્યા, જેની જબરી ડિમાન્ડ નીકળી. અને હવે તેમના કૉનની બીજા અખાતી દેશો ઉપરાંત ઇંગ્લેંડ અને અમેરિકામાં જબરી માંગ છે. એ કૉન ‘ભાવનાના કૉન’ તરીકે ઓળખાય છે. આમ, ભાવના દાવડા ઓમાનના બીઝનેસ વુમન તરીકે ખ્યાતિ પામ્યાં.

મસ્કતના પોશ વિસ્તાર કુરુમમાં ‘અલ-સારાહ’ પાર્લર ધરાવનારાં ભાવના અને તેમના સાથીઓના પ્રયત્નોથી ઓમાની સરકારે સ્ત્રીસશક્તિકરણનો પ્લાન હાથ ધર્યો છે, પરિણામે અનેક મહિલાઓ વ્યવસાય ક્ષેત્રે ઝંપલાવવા આગળ આવી. એવી કેટલીક ઓમાની મહિલાઓને ભાવનાએ પોતાનાં પાર્લર ખોલવામાં બહુ માર્ગદર્શન પણ આપ્યું અને મદદ પણ કરી.

આટલા વર્ષોથી મસ્કતમાં વસનારાં ભાવનાબહેન સમાજિક સેવાના ક્ષેત્રે પણ પતિ દિનેશભાઇને બરાબરનો સાથ આપ્યો છે. દિનેશભાઇની સાથે ખભે ખભા મિલાવીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર, શ્રીલંકા, બાંગ્લાદેશ, અને છેલ્લે મસ્કત પર ત્રાટકેલી ‘ગોનુ’ નામના વાવાઝોડાની ખોફનાક આફતના ટાંકણે હોનારતગ્રસ્તોને જાનના જોખમે મદદ પહોંચાડી. ખુદ તેમના ઘરને પણ એમાં સારું એવું નુકસાન થયું હતું, પણ મસ્કતની ભારતીય એલચી કચેરીએ આ કપરા સંજોગોમાં તેડું મોકલ્યું કે તરત જ ભાવનાબહેન દિનેશભાઇની સાથોસાથ હોનારતગ્રસ્તોની વહારે દોડી ગયાં. પોતાના ઘરમાં પીવાના પાણીની માંડ બે-ત્રણ બોટલો જ બચી હતી છતાં એ બન્ને હોનારતનો ભોગ બનેલા કુટુંબો માટે પાણીની ટેન્કર લઇને પહોંચી ગયા. દિનેશભાઇ દાવડાને આવી અમુલ્ય માનવસેવા બદલ ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઑફ એન.આર.આઇ તરફથી દિલ્હીમાં થોડા જ સમય પહેલા ‘હિંદરત્ન’ એવૉર્ડ એનાયત થયેલો..એ યશમાં એમને જાહેરમાં પત્ની ભાવનાબહેનની હિસ્સેદારી સ્વિકારી..

થોડા સમય પહેલા સમગ્ર ભારતમાં અને વિશેષ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પીવાના પાણીની કારમી તંગી વરતાઇ રહી હતી (અને હજુ પણ ફરી એવા દિવસો નજીક હોવાની એંધાણીઓ આકાશમાંથી વરસવાની શરુ થઇ ગઇ છે, કારણ કે આ એપ્રિલની મધ્યમાં જ ગરમીનો પારો ઉંચોને ઉંચો જઇ રહ્યો છે.). કોઇ પણ પક્ષની સરકાર આવે પણ દર વખતે એને નિવારવાના સરકારના પ્રયત્નો પાંગળા તો નહિં, પણ અપર્યાપ્ત જ પુરવાર થઇ રહેવાના છે. બે એક વર્ષ અગાઉ મિત્ર બીરેન કોઠારીએ ‘ગુજરાતમિત્ર’માં પોતાની કટારમાં લખ્યું હતું તેમ સુરતના લોકો તો એને માટેનો ઉકેલ જાતે જ શોધવાની મથામણ કરી રહ્યા હતા. જ્યારે એ વખતે મરાઠાવાડના ઉસ્માનાબાદ જિલ્લામાં આવેલા એકુર્કે ગામમાં સરકારે 350 જેટલા શૌચાલયો બાંધી આપ્યા જેથી ખુલ્લામાં થતી ગંદકી અટકે. પણ એમાં એક વારના ફ્લશમાં થતા પાંચ પાંચ લીટર પાણીનો વ્યય થતો જોઇને ગ્રામવાસીઓ ચોંકી ગયા હતા ! એમણે વયસ્કો અને બિમારોને બાદ કરતાં બાકીના તમામ માટે એ શૌચાલયોના ઉપયોગની બંધી ફરમાવી અને ખુલ્લામાં શૌચક્રિયા કરવાનો અનુરોધ કર્યો જેથી પાણીની પણ આ ‘અવળી મતિ’ના પગલાંની સામે સવળું અને સક્રિય વલણ દાખવનારા લોકો પણ મેદાનમાં આવ્યા હતા. આ લેખમાં જેમના વિષે વાત કરી છે તે ભાવનાબહેન દાવડાના પતિ દિનેશ દાવડા એ દિવસોમાં ગુજરાતમાં ચોમાસા સુધી પીવાના પાણીની વ્યક્તિગત કપરી તંગીને પહોંચી વળવા આગળ આવ્યા હતા. પોતે તો વર્ષોથી આરબ અમિરાતના મસ્કતમાં વસે છે પરંતુ એમણે પોતાના મિત્રો અને સ્વજનોની મદદ લઇને ગુજરાતમાં જે જે જાહેર સ્થળોએ લોકો માટે પીવાના ઠંડા પાણીની જોગવાઇ ઉપલબ્ધ ના હોય ત્યાં કોઇ પાસેથી ફંડફાળો ઉઘરાવ્યા વગર પોતાના ખર્ચે મિનરલ વૉટરના કેરબા મુકાવવાનું શરુ કરી દીધું હતું. સાવરકુંડલા કે એથીય નાના ટાઉન અને ગામડાથી માંડીને મોટા શહેરના જ્યાં સમૂહમાં લોકો એકત્રિત થતા હોય ત્યાં પીવાના શુધ્ધ ઠંડા મિનરલ વૉટરની વ્યવસ્થા હજારો લોકો માટે એમણે કરી હતી. એવા સ્થળોએ કોઇ સેવાભાવી વ્યક્તિ મળે તો ઠીક નહિંતર કોઇ પગારદાર માણસ દ્વારા સવારથી સાંજ સુધી આવી જલસેવા ચાલુ રાખી હતી. પોતે તો ભલે મસ્કત રહેતા, પરંતુ અહિં તેમના સ્વજનો આ કામમાં એમને સહયોગ આપી રહ્યા હતા. એ લોકો એવી જરૂરતવાળી જગ્યાઓ શોધી કાઢતા કે જે જગ્યા કોઇ ખાનગી કે ચેરિટેબલ સંસ્થા, હોસ્ટેલ, ગેસ્ટ હાઉસ કે અંગત નિવાસ નહિં, પણ જાહેર સ્થળ હોય કે જ્યાં શુધ્ધ ઠંડા પાણીની તાતી જરૂર હોય પણ એની કોઇ વ્યવસ્થા ઊપલબ્ધ ના હોય. એવાં સ્થળો શોધી કાઢીને ત્યાં મિનરલ વોટરના કેરબા મેળવવાથી માંડીને એને યોગ્ય જગ્યાએ ગોઠવવાથી માંડીને ડિસ્પોઝેબલ પ્યાલા અને આ બધી સેવા કરવાનું સેવાભાવે અથવા થોડા વળતરે સ્વીકારનારા લોકો પણ શોધી કાઢતા હતા. હવે દિનેશ ઉર્ફે દિલીપ દાવડા વિષે વધુ બે વાત: એ તો આખો રોમાંચક પ્રસંગ જ વાર્તા જેવો છે. અને એ રીતે જ માણવા જેવો છે. એક જગ્યાએ મેં લખેલો તે યથાતથ અહિં ઉતારું છું

**** **** ****

“ શું લાગે છે? આ આફતમાંથી ઉગરી જવાશે?”

આ સવાલ જમીન પર હોઇએ અને પૂછાય એ કરતાં જમીનથી ઉંચે અમુક હજાર ફીટની ઊંચાઇએ પૂછાય ત્યારે એની ગંભીરતા હજાર ગણી વધી જાય. ભાવનાબેને પોતાના પતિ દિનેશભાઇ ઉર્ફે દિલીપભાઇ દાવડાને આ સવાલ પૂછ્યો ત્યારે પરિસ્થિતિ ખરેખર ગંભીર જણાતી હતી. તેઓ વિમાનમાં બેઠા હતા અને દિલ્હીથી મુંબઇ જઇ રહ્યા હતા. શાંતિથી ઉડ્ડયન થઇ રહ્યું હતું. એર હોસ્ટેસીસ સ્મીતભર્યા ચહેરે વચ્ચે વચ્ચે આવ-જા કર્યા કરતી હતી. વિમાનનો શાંત ગુંજારવ મુસાફરોના કાનને સદી ગયો હતો. પણ એ દરમ્યાન એક ક્ષણે અચાનક શું થયું કે આંચકા આવવા શરુ થયા. હવામાને પલટો લીધો અને એકાએક સૌના જીવ પડીકે બંધાઇ ગયા. મોટી હોનારત સરજાવાનો ઓથાર સૌના ચિત્ત પર ફરી વળ્યો. દિનેશભાઇ પણ એ સૌમાં આવી જાય. એ પણ કેમ વ્યગ્ર ના બની જાય? પણ ના. એ તો સ્વસ્થ હતા. ચહેરા પર ચિંતાની એક રેખા સરખી નહોતી પડી. એનું રહસ્ય શું? તેઓ કંઇ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ નહોતા કે નહોતા વિરક્તવીર. પણ કોઇ આંતરિક વિશ્વાસને વશ થઇને તેમણે ભાવનાબેનને કહ્યું, “ ચિંતા કરવાની જરૂર નથી. નીચે એવા હજારો લોકો છે, જેઓ આપણે જીવતા રહીએ એમ ઇચ્છે છે.”

આવી કટોકટીની ક્ષણે કોઇ સ્વસ્થતાપૂર્વક આમ બોલે તો આશ્ચર્ય થાય જ. પણ ભાવનાબેનને ન થયું. કેમ કે પતિની વાત જરાય ખોટી નહોતી, બલકે સો ટકા સાચી હતી. અને સાચી પડી. થોડી વારે બધું આપોઆપ થાળે પડ્યું. વિમાન ફરી યથાવત ઉડવા માંડ્યું.

એ સંભવિત હોનારતમાંથી તો સૌ ઉગરી ગયા. પણ એ કંઇ દિનેશભાઇની આવી શ્રદ્ધાને કારણે નહીં, એ તો બન્નેય જાણે. છતાંય દિનેશભાઇનું આમ બોલવું-માનવું એમના ખુદના અને એમનાં પત્નીના માટે ચમત્કારિક રીતે પરમ આશ્વાસક નીવડ્યું હતું. આપત્તિ સામે ટકી રહેવાનું કૌવત આ માનસિકતાને કારણે જ મળતું હોય છે.

પણ આ માનસિકતા જન્મી ક્યાંથી? પોતાનું જીવન પોતાના કરતાંય બીજા માટે છે, એ સત્ય અને સત્ત્વ તેમનું પોતાનું કમાયેલું હતું. એ શી રીતે ?

**** ***** ****

દિનેશ વનરાવનદાસ દાવડાને ભારત સરકાર તરફથી દિલ્હીમાં ‘હિંદરત્ન’નો અત્યંત સન્માનજનક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો એ ઘટનાની નોંધ અખબારોમાં લેવાયેલી ખરી, પણ દિનેશ દાવડાને ઓળખતા ન હોય એવા લોકોને કદાચ તેના મહત્વનો અંદાજ ન હોય એમ બને. જો કે, પારખુ લોકોની નજરે એ વાત ધ્યાન પર આવ્યા વિના ન રહી કે તેમના કયા પ્રદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એના આલેખમાં લખવામાં આવ્યું હતું :‘કુદરતી આપત્તિ સમયે અનેક લોકોને ખરેખરી વ્યક્તિગત મદદ પહોંચાડવાના માનવતાવાદી કાર્યને તન-મન-ધનથી પાર પાડવા બદલ.’

બે દાયકા કરતાંય વધુ સમયથી મસ્કતમાં સ્થાયી થયેલા આ ગુજરાતી નાગરિકને ખરા અર્થમાં વિશ્વનાગરિક કહી શકાય. માનવતા માટે તેમણે કોઇ પ્રાંત કે દેશની સીમા આંકી નથી. પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર , પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા દેશોમાં કુદરતી હોનારતો ટાણે દિનેશભાઇએ વ્યક્તિગત ધોરણે તો મદદ કરી જ, પણ બીજાઓ પાસેથી મેળવીને પણ મદદ પહોંચાડી. આ દેશોની મસ્કતમાં આવેલી એલચી કચેરીઓએ આ પ્રદાનની નોંધ લીધી હોય અને ભારતના વિદેશ મંત્રાલયને તેની જાણ કરી હોય એ શક્ય છે. બનાવોની એ કડી જે હોય તે, પણ હકીકત એ છે કે એક યોગ્ય વ્યક્તિના કાર્યની ઉચિત રીતે નોંધ લેવાઇ. જો કે, દિનેશભાઇ પોતે ક્યાં એવી સ્પૃહા રાખીને કામો કરે છે?

દિનેશભાઇના કાકા દેવચંદ દાવડા ૧૯૪૮માં વેપાર માટે મસ્કત ગયેલા અને જેમ વેપારધંધાની જમાવટ થતી ગઇ એમ સ્વજનોને ત્યાં બોલાવતા ગયા. તે પોતે તો ૧૯૮૩માં નિવૃત્ત થયા અને વતનમાં આવી ગયા, પણ ભત્રીજા દિનેશ ઉર્ફે દિલીપને મસ્કતમાં સેટલ કર્યા. દિનેશભાઇ એ અગાઉ પણ મસ્કત આવતા-જતા થયેલા પણ ત્યાં સ્થાયી થવાનો વિચાર બંધાયો નહોતો. અહીં હતા ત્યારે એવી ટેવ પણ વારસામાં મળેલી કે આપણને જે મળે તેમાંથી પાંચ- દસ ટકા હિસ્સો બીજાને આપી દેવો. એક જાતનો સ્વૈચ્છિક ઇન્કમ ટેક્સ ગણો ને! આ ટેવનું નાનકડું બીજ આગળ જતાં વધીને વડ થયું.

ખરેખર તો ભાવનાબેન સાથેના લગ્ન પછી જ દિનેશભાઇનો ભાગ્યોદય શરૂ થયો હતો, એમ કહી શકાય. મસ્કતમાં કંઇ એમના માટે લાલ જાજમ બિછાવેલી નહોતી. સિત્તેર રિયાલ (આશરે પંદરસો રૂપિયા)ના પગાર સાથે શરૂ કરેલી નોકરી એવી આકરી હતી કે વાત ન પૂછો! માલ ડિલીવર કરવાવાળી ટ્રકમાં એક ગાદલુંય મૂકી રાખવાનું, જેથી ગમે ત્યાં રાતવાસો કરી શકાય. ભોજનમાં ‘ખૂબ્સ’ નામની વિચિત્ર લેબેનોની રોટલી અને તેની સાથે ધૂળની પરત જામી ગઇ હોય એવું દહીં. પરત હટાવીને દહીં ખાવું પડતું. પણ આ સંઘર્ષકાળને દિનેશભાઇએ પોતાના ઘડતરકાળમાં ફેરવી નાંખ્યો.

થોડા જ સમયમાં સંજોગો એવા પેદા થયા કે જે ફર્મમાં પોતે નોકરીએ રહ્યા હતા તેના પાર્ટનરો પોતપોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરી રહ્યા હતા. એટલે દિનેશભાઇના ભાઇએ સૂચન કર્યું કે આ બિઝનેસ તું જ સંભાળી લે. અને ત્યાર પછી જે થયું એ જોયા વિના માન્યામાં ન આવે એવું છે.

અલ ઇત્તેફાક ટ્રેડિંગ એલએલસી નામની દિનેશભાઇની જંગી ફર્મનો કારોબાર ઓમાન ઉપરાંત, દુબાઇ, અબુધાબી, ચીન અને ભારત સુધી વિસ્તર્યો છે. તો તેમના સેવાકાર્યનો વ્યાપ તો ક્યાંનો ક્યાં વિસ્તર્યો છે..

એક-બે નમૂના જોઇએ.

તેમણે જોયું કે દુબઇ- મસ્કતમાં એવા હજારો ભારતીયો છે, જેઓ વિદેશની ધરતી પર બિમાર પડે ત્યારે ભારત દોડી આવવું પડે છે. અને ભારતમાં પણ તેમની સારવાર મફત ઓછી થાય છે? ખર્ચ તો કમરતોડ આવે. બીજો સવાલ છે માહિતીના અભાવનો. તબીબી ક્ષેત્રની જાણકાર વ્યક્તિઓ પાસેથી તે માર્ગદર્શન શી રીતે મેળવે?

આ અને આવી અનેક સમસ્યાઓ હલ કરવા માટે એ બન્ને મેદાને પડ્યાં ‘હેલ્પલાઇન’અને ‘મેડિલાઇન’ નામની બે સેવાઓ તો તેમણે શરુ કરી દીધી. ડીપ્રેશન, આત્મઘાતની વૃત્તિ, અનિર્ણાયકતા, તણાવ, મૂંઝવણ જેવી સમસ્યાઓનો ઉકેલ મસ્કતનો કોઇ પણ નાગરિક ફોન ૯૫૬૨ ૧૧૨૧ ને ૯૫૬૨ ૧૧૨૨-૨૩- ૨૪ પરથી મેળવી શકે, જ્યારે ભારતથી ૦૦૯૬૮-૯૯૩૩ ૫૩૪૩ પર ફોન કરીને તેનો લાભ મેળવી શકાય. જો કે, આ થોડા વર્ષ પહેલાની વાત છે. એ વખતે એનું પૂરેપૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ રહ્યું હતું. આજના સ્ટેટ્સ વિષે તો એ દંપતિ જ કહી શકે.

પરિવારના મામલે પણ આ દાવડા દંપતિના નામે કંઇક અનોખો કહી શકાય તેવો વિક્રમ બોલે છે. 1989માં જન્મેલી પુત્રી ઇશિતા પછી 1992માં ભાવનાબહેને એક સાથે ત્રણ પુત્રોને જન્મ આપ્યો.એ ત્રેલડાને બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ રૂપે સમજીને એમણે એમના નામ રાખ્યાં છે- હર્ષ, હેમ અને હેત ! આ હકીકતને કુદરતનો શુભ સંકેત ગણાવીને આ યુગલ કહે છે, “ વિધાતાએ અમારા પર એક સાથે ત્રણ દીકરા અને એક દીકરી આપીને મહેર કરી છે. ધન તો આપ્યું જ છે, સાથે સાથે તેને વાપરવાની વૃત્તિ પણ આપી છે. તેથી એને આંધળી રીતે, કુપાત્રે, ગમે એમ ઉડાડી ના દેવા માટે અમે પૂરા સભાન છીએ. આની સાથે સાથે એ પણ હકીકત છે કે એ સભાનતા અમને સુપાત્રે, સુયોગ્ય સ્થળે ધન દેવાની વૃત્તિની આડે નહીં આવે.” પુત્રો પણ હવે યુવાન થઇ ગયા છે.

આથી જ તો દાવડા દંપતિના દીર્ઘાયુષની અને સ્વસ્થ જીવનની કામના કરનારા લોકો અનેક છે.

આટલા બધા લોકોની દુઆઓ અને પોતાનું આવું મન, આવું વલણ- આનો સંગમ થાય તો દિનેશભાઇ દાવડા ઇચ્છે તેવી ‘મેડિલાઇન’ દેશભરમાં સ્થાપવામાં કોઇ અવરોધ ન હોવો જોઇએ. યોગ્ય વ્યક્તિઓ સુધી આ વાત પહોંચે એનો જ સવાલ છે. સેવાની જરુરવાળા આ દેશમાં કરોડો છે એની ના નથી, પણ સેવા આપવાની વૃતિવાળાઓનો પણ તોટો નથી. જરૂર છે માત્ર એ બન્નેને પરસ્પર જોડી આપનારની. દરેક જણ નવાં તળાવ ખોદાવવાનો ખર્ચ ના કરી શકે પણ તરસ્યાને તળાવ સુધી લઇ જવાનું કે એનો પત્તો આપવાનું પુણ્યકાર્ય કરે તો એ પણ નવું તળાવ ખોદાવી આપ્યા બરોબર જ છે.

કોઇ પણ રીતે મદદરૂપ થવા કે માર્ગદર્શંક બનવા ઇચ્છતા લોકો દિનેશ ઉર્ફે દિલીપ દાવડાનો સંપર્ક P.O Box No. 1003, PC- 112, RUWI, MUSCAT, SULTNATE Of OMAN, ના સરનામે, ફોન અને વ્હૉટ્સેપ્પ : ૦૦૯૬૮-૯૯૩૩ ૫૩૪૩ અથવા ૨૪૭૯ ૩૨૭૨ પર અથવા ઇ-મેઇલ: dilipdvd@Hotmail.com અથવા dilipdvd@omantel.net.in દ્વારા કરી શકે.( ભારતીય સમય પ્રમાણે એમને ફોન કરવાનો યોગ્ય સમય સાંજના 7 પછીનો છે.)


લેખકસંપર્ક: રજનીકુમાર પંડ્યા

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

3 comments for “લ્યો, આ ચીંધી આંગળી : મસ્કતનું એક અનોખું યુગલ-ભાવના અને દિનેશ દાવડા !

 1. બુચ નિરંજન
  April 15, 2019 at 5:38 am

  વાહ રે વાહ , ખરી સુવાસ ફેલાવી છે એક ગુજરાતી એ

 2. Urmila Jungi
  April 16, 2019 at 11:37 pm

  વાહ … ભાવના બેન ને અભિનંદન અને રજનીભાઇ નો આભાર …પરિચય કરાવવા બદલ .

 3. Niranjan Mehta
  April 17, 2019 at 12:21 pm

  અત્યંત રસપરદ. ઘણું જાણવા માળ્યું. આભાર રજનીકુમાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *