પરિસરનો પડકાર : ૨૧ : ભારતના બિલાડી કુળના વન્યપ્રાણીઓ (૨)

ચંદ્રશેખર પંડ્યા

દોસ્તો, આપણે ગત હપ્તામાં જોયું કે ભારતના જંગલોમાં બિલાડી કુળના જે વિવિધ પ્રાણીઓ નિવાસ કરે છે એ પૈકી સિંહ વાઘ અને દીપડાને તેમની વસ્તીને આધારે પ્રાધાન્ય આપી શકાય. આ ત્રણ પ્રજાતિઓ સિવાય પણ સ્થાનિક પર્યાવરણને ધ્યાનમાં લેતા આ જ કુળમાં વર્ગીકૃત થયેલાં કેટલાક અન્ય પ્રાણીઓ પણ જોવા મળે છે જેની આ લેખમાં ચર્ચા કરી માહિતગાર થાશું.

ભારતીય દીપડા (પેન્થેરા પારડસ: Panthera pardus) જુદા જુદા પ્રકારના વિસ્તારોમાં પોતાની અનુકુલન સાધવાની અદ્ભુત ક્ષમતાને કારણે ગમે તે પ્રકારની પર્યાવરણ પ્રણાલીમાં પોતાનું નિવાસસ્થાન બનાવી શકે છે. ભારતીય દીપડાની બે અન્ય પ્રકારની પ્રજાતિઓ પણ આપણા દેશમાં થાય છે.

૧. ક્લાઉડેડ લેપર્ડ: (The Clouded Leopard) અને ૨. સ્નો લેપર્ડ: (The Snow Leopard).

લાંબુ કદ અને પૂંછડી ધરાવતું આ પ્રાણી જો કે સપાટ પ્રદેશમાં નિવાસ કરતા ભારતીય દીપડાની સરખામણીએ કદમાં નાનું હોવા છતાં વધારે આકર્ષક દેખાય છે. તેની ચામડીનો રંગ ચળકતો અને પીળાશ પડતો ભૂખરો હોય છે. નીચે પેટની તરફ આછો બદામી રંગ ધરાવે છે. અન્ય બિલાડીઓની માફક તેના મો પર પટ્ટા જોવામાં આવે છે જે બે જથ્થામાં કાનથી શરુ થઇ પાછળની બાજુ જતા દેખાય છે. શરીર પર કોઈ ખાસ પ્રકારનો આકાર ન હોય તેવા ધબ્બાઓ આવેલા હોય છે અને પૂંછડી પર આકર્ષક ‘રીંગો’ ધરાવે છે.

ક્લાઉડેડ લેપર્ડ આસામના જંગલોમાં ખાસ કરીને ભૂતાન અને નેપાળની સરહદ પર આવેલા જંગલ વિસ્તારમાં જોવા મળે છે. આ પ્રાણી અત્યંત ગાઢ જંગલમાં રહેવાનું પસંદ કરતા હોવાથી તેમ જ શિકાર કરવા માટે રાત્રે જ નીકળતા હોવાથી તેમને જોવા બહુ સહેલું નથી હોતું. તેમના જડબાં ખુબ જ મજબુત હોય છે અને ઉપરની તરફના રાક્ષી દાંત (કેનાઈન ટીથ) ઘણા મોટા હોય છે જેનાથી તે હરણ અને અન્ય મોટાં પ્રાણીઓનો સહેલાઈથી શિકાર કરી શકે છે. સંજોગોવશાત અન્ય દીપડાની માફક ગામડાઓના ઢોર ઢાંખરને ઉપાડી જતા હોય છે.

·સ્નો લેપર્ડ: The Snow Leopard (Panthera uncial)

સપાટ પ્રદેશમાં વસતા તેમના ‘ભાઈઓ’ કરતા કદમાં નાના એવા સ્નો લેપર્ડ ઘટ્ટ રૂંવાદાર ચામડીવાળા હોય છે જે આછા રાખોડીથી બરફ જેવા સફેદ રંગના હોય છે અને લાંબી રૂંવાડાંવાળી પૂંછડી ધરાવે છે. સ્નો લેપર્ડના શરીર પર ટપકાં (રોઝેટ્સ) ખાસ દેખાય તેવાં હોતાં નથી. ખાસ ઓળખમાં ઊંચું કપાળ અને અને ટૂંકું ‘મઝલ’ (મોં અને નાક સાથેનો મોઢાનો અગ્રભાગ) કહી શકાય. સ્નો લેપર્ડ હિમાલય વિસ્તારમાં કાશ્મીરથી છેક ભૂટાન સુધી જોવા મળે છે.

સ્નો લેપર્ડ લગભગ વિલોપનના આરે હોય તેવું પ્રાણી છે કારણ કે તેની ચામડી માટે તેનો મોટા પાયે શિકાર થતો આવ્યો છે. સ્નો લેપર્ડનું કુદરતી નિવાસસ્થાન હિમાલયની પર્વતમાળા છે જ્યાં આ પ્રાણી ઘણી જ ઉંચાઈએ (બારથી તેર હજાર ફિટ) વાસ કરે છે. માણસ માટે અત્યંત પ્રતિકુળ વિસ્તારમાં નિવાસ કરતું હોવાથી આ પ્રાણીના વર્તન અને જીવન શૈલી જાણવાના બહુ પ્રયાસ થઇ શક્ય નથી તેથી ઉચિત માહિતીનો અભાવ રહ્યો છે. સ્નો લેપર્ડ રાતના સમયે શિકાર કરે છે અને તેના શિકારમાં મુખ્યત્વે હિમાલય પર્વતમાળામાં રહેતા પર્વતીય બકરાં અને ઘેટાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સસલાં, ઉંદર અને પક્ષીઓનો પણ શિકાર કરે છે. ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા ચરિયાણના મેદાનોમાં આવેલા પાળતુ ઘેટાં અને બકરાંનો પણ શિકાર કરે છે. શિયાળાની શરૂઆત થાય ત્યારે સ્નો લેપર્ડ ખોરાક મેળવવા માટે નીચે ઉતરી આવતા હોય છે. ત્રણ માસના ગર્ભકાળ બાદ બે થી ત્રણ બચ્ચાંને જન્મ આપે છે.

·લેપર્ડ કેટ: The Leopard Cat (Felis bengalensis)

રંગ અને શરીર પર આવેલાં ટપકાંઓને કારણે લેપર્ડ કેટ દીપડાનું વામન સ્વરૂપ હોય તેવું લાગે છે જે એક સામાન્ય બિલાડીનું કદ અને સરખામણીમાં લાંબા પગ ધરાવે છે. લેપર્ડ કેટની ચામડીનો રંગ વિસ્તાર પ્રમાણે અલગ પડતો હોય છે જે સામાન્યતઃ ઉપરના ભાગમાં પીળો અને નીચેના ભાગમાં સફેદ જોવામાં આવે છે. માથેથી ગળા ઉપર થઈને ખભા સુધી બે સમાંતર પટ્ટા ધરાવે છે

લેપર્ડ કેટ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આવેલા જંગલ વિસ્તારમાં જોવા મળે છે. સ્વભાવે સંપૂર્ણ નિશાચર આ પ્રાણી મુખ્યત્વે પક્ષીઓ અને અન્ય નાના પ્રાણીઓનો શિકાર કરે છે. કેટલાક વિસ્તારોમાં જ્યાં આ બિલાડી ગામડાઓની સીમની આજુબાજુ આવી ચઢતી હોય છે ત્યાં મરઘાં ઉપાડી જાય છે. લેપર્ડ કેટ અને સામાન્ય બિલાડી વચ્ચે સંવનન અને સંવર્ધન થતું જોવામાં આવ્યું છે. આ પ્રાણીની એક વધુ ઉપ-પ્રજાતિ પણ અસ્તિત્વ ધરાવે છે જે ‘રસ્ટી સ્પોટેડ કેટ’ (Rusty spotted Cat) અથવા તો ‘કાટવર્ણી ટપકાંવાળી બિલાડી’ તરીકે ઓળખાય છે જે પશ્ચિમ ઘાટ, ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આવેલાં જંગલ અને કાશ્મીરના જંગલોમાં જોવા મળે છે. આ બિલાડીને ટપકાંઓ અને લીટીઓ જે માથા તરફ ભૂખરા રંગના અને આજુબાજુમાં કાટવર્ણા હોય છે. આ બિલાડી ખુલ્લા સપાટ ઘાસિયા મેદાનો અને જંગલો અને સામાન્ય ઝાડી-ઝાંખરાઓમાં નિવાસ કરે છે.

·મારબલ્ડ કેટ: The Marbled Cat (Felis marmorata

ભારતમાં મળી આવતી માર્બલ્ડ કેટ સામાન્ય બિલાડી કરતા કદમાં થોડી મોટી હોય છે અને ભૂખરા રંગનું ભભકાદાર આવરણ ધરાવે છે. ‘ફેલીસ’ પ્રજાતિની અન્ય બિલાડી જેવી કે લેપર્ડ કેટ કરતા તેનું સ્વરૂપ સાવ અલગ પડે છે; તેને પહોળું અને વધારે ગોળાકાર માથું હોય છે અને પહોળા કમાનઆકારનો ગાલનો ભાગ હોય છે.

<

આ બિલાડીની ધ્યાનાકર્ષક ઓળખમાં તેના શરીર પરના આવરણનો સમાવેશ કરી શકાય. તેના માથા, પીઠ અને ગળા પર આરસપહાણની ભાત ઉપજાવતા ધબ્બા આવેલા દેખાય છે. આ પ્રકારની ભાત અને રંગને કારણે ઘણી વખત ક્લાઉડેડ લેપર્ડનું બચ્ચું હોવાનો ભાસ થઇ શકે છે.

માર્બલ્ડ કેટ ભારતમાં મુખ્યત્વે આસામ અને તેની પાડોશના વિસ્તાર ભૂતાન અને નેપાળના જંગલોમાં નિવાસ કરે છે. તેને ગાઢ જંગલ વિસ્તાર વધારે માફક આવે છે અને વૃક્ષો ઉપર પક્ષીઓ તેમ જ અન્ય ઉંદર અને ખિસકોલી પ્રકારના પ્રાણીઓનો શિકાર કરવા માટે આસાનીથી ચઢી શકે છે. આ બિલાડી તેના નિશાચર હોવાની લાક્ષણિકતાઓને કારણે ભાગ્યે જ નજરમાં આવતી હોય છે.

ગોલ્ડન કેટ: The Golden Cat (Felis temmincki

નાના કદની તમામ બિલાડીઓ પૈકી સૌથી મોટું કદ ધરાવતી ગોલ્ડન કેટના શરીર પર કોઇપણ જાતના સ્પષ્ટ ભાત ઉપસાવતા ટપકાં કે અન્ય પેટર્ન જોવા મળતા નથી. તેને સોનેરી ભૂખરા રંગનું આવરણ મળ્યું છે. તેના મોઢા પર અત્યંત ધ્યાનાકર્ષક રૂપે સફેદ અથવા આછા પીળા રંગના આડા પટ્ટા જોવા મળે છે જે આંખથી શરુ થઈને મોં-ફાડની પાછળ સુધી જતા જોવા મળે છે. કોઈ વખત આંખની ઉપરથી બંને કાનની વચ્ચેના ભાગ સુધી વાંકી રેખાઓ પણ જોવામાં આવે છે. ભારતમાં ગોલ્ડન કેટ આસામ, સિક્કિમ અને તેની સરહદે આવેલા નેપાળમાં ઉપરાંત બર્મા અને દક્ષિણ પૂર્વ એશિયા સુધી જોવામાં આવે છે.

ગોલ્ડન કેટ વાછરડા અને પાડાનો પણ શિકાર કરી શકે છે.


નોંધ: પ્રસ્તુત લેખમાં માહિતી તેમ જ ચિત્રો ઈન્ટરનેટ પરથી લેવામાં આવ્યા છે જે માત્ર અભ્યાસ અને જાગૃતિ ફેલાવવા માટે જ છે. કોઈ વ્યવસાયિક ઉદ્દેશ્ય રાખવામાં આવેલ નથી.


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:
ઈ-મેઇલ : chp4491@gmail.com
મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.