સાયન્સ ફેર : સાચવજો, તમે ‘કમ્પલ્ઝીવ હોર્ડિંગ’નો ભોગ તો નથી બન્યા ને!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

એક યુવાનને એવી ટેવ કે જે મળે એ સંઘરે. રસ્તે જતા કોઈકે ફેંકી દીધેલી લોખંડની કટાયેલી પીન દેખાય તો તરત ઉપાડી લે. જુનું વોલેટ, બગડી ગયેલો નાઈટ લેમ્પ, ક્યારેય કશા ખપમાં નથી આવવાનું એવું તૂટેલું ટેબલ વગેરે અનેક નાની-મોટી ચીજવસ્તુઓથી એ યુવાને પોતાના ઘરનો એક આખો ઓરડો ભરી નાખ્યો. આ બધી ચીજો કંઈ ‘એન્ટીક’ નહોતી, મોટા ભાગની તો ઉકરડે ફેંકવા લાયક જ હતી. આમાં ધીમે ધીમે પેલા યુવાનનો સ્વભાવ ચીડિયો થવા માંડ્યો. આખરે કોઈ ડાહ્યા માણસે સાઈકિયાટ્રિસ્ટને કન્સલ્ટ કરવાની સલાહ આપી. યુવાનને તપાસીને ડોક્ટરે કહ્યું કે એને ‘કમ્પલ્ઝીવ હોર્ડિંગ’ (Compulsive hoarding) અથવા ‘હોર્ડિંગ ડીસઓર્ડર’ તરીકે ઓળખાતી બિમારી છે. હોર્ડિંગનો એક અર્થ થાય સંગ્રહખોરી. કમ્પલ્ઝીવ હોર્ડિંગની બિમારી ઓબ્સેસીવ કમ્પલ્ઝન ડીસઓર્ડર (OCD)નો જ એક પ્રકાર ગણાય છે. છેવટે સાઈકિયાટ્રિસ્ટના કાઉન્સેલિંગ અને દવાઓ લીધા બાદ પેલા યુવાનની સંગ્રહખોરીની ટેવ માંડ માંડ કાબૂમાં આવી.

આપણામાં કહેવત છે કે ‘સંઘરેલો સાપ કામનો’. પણ ‘સાપનો ભારો’ માથે ઊંચકીને ફરો તો દુઃખી જ થવાય. જૂની ચીજોની સાચવણીની મુસ્જ્કેલી અને જગ્યાની ખેંચને કારણે તમે વણજોઈતું સ્ટ્રેસ અનુભવવા માંડો, તમે સાચવી રાખેલો ભંગાર તમારા મગજ પર હાવી થઇ જાય! ધીરે ધીરે પરિસ્થિતિ એવી ઉભી થાય કે તમે ડિપ્રેશન તરફ ધકેલાતા જાવ. સામાજિક સંબંધો અને માનસિક તંદુરસ્તીને અસર કરવા માંડે એવી સંગ્રહખોરીને માનસશાસ્ત્રીઓ મનોરોગ ગણે છે. અને સંગ્રહખોરીનો આ રોગ પણ પાછો વિવિધ ક્ષેત્રમાં ફેલાયેલો છે. જેમકે, અમુક મનોરોગીઓને ચીજવસ્તુઓને બદલે જીવિત પ્રાણીઓનો સંગ્રહ કરવાની ટેવ હોય છે! આવા લોકો ઘરમાં એકથી વધુ કૂતરા-સસલા-પક્ષીઓ કે સરીસૃપોને પાળે છે પરંતુ એમની સારસંભાળ રાખી શકતા નથી. પરિણામે બિચારા મૂંગા પશુઓ અકારણ ગંદકી અને માંદગીનો ભોગ બને છે. કેટલાકને વળી પુસ્તકો સંઘરવાનું કમ્પલ્ઝન હોય છે, જે ‘બીબ્લીઓમેનીયા’ તરીકે ઓળખાય છે. (પુસ્તકપ્રેમ જુદી વસ્તુ છે, જે ‘બીબ્લીઓફિલિયા’ તરીકે ઓળખાય છે.) બીબ્લીઓમેનીયાનો પ્રખ્યાત કેસ ઇસ ૧૯૯૦માં સામે આવ્યો. ‘બુક બેન્ડીટ’ તરીકે પ્રખ્યાત થયેલા સ્ટીફન બ્લુમબર્ગ નામક અમેરિકન બુક-ચોરે આશરે સાડા પાંચ મીલીયન ડોલર કિંમત ધરાવતા ૨૩,૬૦૦ પુસ્તકો ભેગા કરેલા, અલબત્ત ચોરી કરીને! સ્ટીફન કંઈ બહુ મોટો રસિયો વાચક-બુક્વોર્મ નહોતો, પણ “લાઈબ્રેરીઓએ જેને સડવા માટે છોડી દીધા છે એવા પુસ્તકોની જાળવણી” કરવાના ‘ઉમદા’ વિચારથી પ્રેરાઈને એ સજ્જનને પુસ્તકો ચોરવાની ટેવ પડેલી, જે આખરે મનોરોગમાં ફેરવાઈ ગઈ.

સંગ્રહખોરી પણ એક જાતનો માનસિક રોગ છે એ વિષે બહુ ઓછી જાગૃતિ છે. પ્રાણીઓ પાછળ પાગલ હોય કે પુસ્તકોનું વળગણ હોય અથવા ભંગાર સાચવી રાખતા હોય એવા લોકો સમાજમાં બહુ ઓછા છે. એટલે આપણું એ તરફ બહુ ધ્યાન નથી જતું. પરંતુ મેલબોર્ન, ઓસ્ટ્રેલિયાની વિખ્યાત મોનાશ યુનિવર્સીટીમાં ઇસ ૨૦૧૮માં રજૂ થયેલ સંશોધનપત્ર મુજબ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ વાપરનાર દરેક વ્યક્તિ ‘ડિજીટલ હોર્ડર’ બની રહ્યો છે, અને સરેરાશ માનવી જ્યારે મોબાઈલ-ઈન્ટરનેટનો બંધાણી થઇ રહ્યો હોય, ત્યારે ‘ડિજીટલ હોર્ડિંગ’ કેટલાં વ્યાપક પ્રમાણમાં ફેલાઈ શકે એ વિચારો!

ખાતરી કરવા તમારો મોબાઈલ ચેક કરો. એની લાઈબ્રેરીમાં એવી હજારો ફાઈલ્સ ઇમેજીસ, ઓડિયો કે વિડીયો સ્વરૂપે સંગ્રહાયેલી મળી આવશે, જેનો તમે ક્યારેય ઉપયોગ નથી કરતા! આવી સંગ્રહ ખોરીને ‘ડિજીટલ હોર્ડિંગ’ કહેવાય, જેને માનસશાસ્ત્રીઓ ગંભીર પ્રકારના ઓબ્સેશન તરીકે સ્વીકારતા થયા છે. મોનાશના સંશોધકો જણાવે છે કે કોમ્પ્યુટર-મોબાઈલ-ઈન્ટરનેટ વાપરનાર સરેરાશ વ્યક્તિ પોતાના ગેજેટ્સમાં અથવા ક્લાઉડ સ્ટોરેજમાં જાણ્યે-અજાણ્યે લગભગ ૩.૭ ટેરાબાઈટ જેટલો ડેટા કાયમી ધોરણે સંઘરી રાખે છે, જેમાંથી ભાગ્યે જ કશું ખપનું હોય છે! ફેસબુક ઉપર દુનિયાભરમાંથી રોજના કેટલાં ફોટોસ અપલોડ થાય છે જાણો છો? લગભગ ૩.૫ અબજ!! નોંધી લેજો, કે સોશિયલ મીડિયા નહોતું ત્યારે આ ફોટોગ્રાફ્સ જોયા વિના પણ આપણે સુખી જ હતા! માનસશાસ્ત્રીઓના માનવા મુજબ ‘ડિજીટલ હોર્ડિંગ’ પણ ‘કમ્પલ્ઝીવ હોર્ડિંગ’ જેટલું જ ખતરનાક છે. કમ્પલ્ઝીવ હોર્ડિંગમાં પેદા થતા તણાવ અને હતાશા તો ખરા જ, ઉપરાંત ડિજીટલ હોર્ડરને એ સિવાયના કેટલાક સોશિયલ-ઈમોશનલ પ્રશ્નો પણ પજવી મારે છે. ૩ વર્ષ પહેલા જેની સાથે બ્રેકઅપ થયું હોય એવી વ્યક્તિના ફોટોગ્રાફ્સ તમે સંઘરી રાખો તો એ લાંબા ગાળે હતાશા જ પ્રેરે! યુકેની યુનિવર્સીટીના પ્રોફેસર લિઝ દ્વારા ૪૫ વ્યક્તિઓના એક સમૂહનો સર્વે કરવામાં આવ્યો. આ પૈકી જેઓ ફોટોગ્રાફ્સ, ઓફિસ ઈમેલ્સ, વર્ક ફાઈલ્સ, વિડીયો ફાઈલ્સ વગેરે સાથે પનારો પાડતા હતા. એ તમામ વ્યક્તિઓમાં સ્ટ્રેસ અને એન્કઝાઈટીનું પ્રમાણ ઘણું ઊંચું નોંધાયું!

પ્રોફેસર લિઝના મતે લોકો બિનજરૂરી ફોટોગ્રાફ્સ, ઈમેલ્સ, વિડિયોઝ એવી રીતે સંઘરી રાખે જાણે કોઈ મનોરોગીએ ભંગાર સંઘરી રાખ્યો હોય! પોતાના આ ‘ઈલેક્ટ્રોનિક ભંગાર’ સાથે એમને અજાણપણે જ એવું એટેચમેન્ટ થઇ જાય કે આ કચરો સાફ કરતાં જીવ ન ચાલે. પ્રોફેસર લિઝ ઉમેરે છે કે ‘ક્યારેક કામ લાગશે’ એમ વિચારીને ભેગો કરેલો ઈલેક્ટ્રોનિક ભંગાર ભાગ્યે જ કામ લાગે છે, ઉલટાનો તમારો સમય ખાઈ જાય છે, તમને ભૂતકાળમાં જીવતા કરી મૂકે છે અને વણજોઈતો સ્ટ્રેસ પેદા કરે છે. ઘણી વાર આવા ડિજીટલ હોર્ડરને પણ સાઈકિયાટ્રિસ્ટ પાસે ઈલાજ કરાવવાની નોબત આવે છે! ચિંતાજનક બાબત એ છે કે ઇન્ટરનેટનો વ્યાપ વધતા વધુને વધુ લોકો ‘ડિજીટલ હોર્ડિંગ’ અને એને પરિણામે ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે.

અને તંત્રીવિભાગના મતે એક જ લેખમાં નિયત મર્યાદા કરતાં વધુ શબ્દોનો ‘સંગ્રહ’ કરવાની લાલચ રાખનાર લેખક પણ ‘વર્ડ હોર્ડર’ જ ગણાતો હોવાથી અહીં અટકીએ.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

3 comments for “સાયન્સ ફેર : સાચવજો, તમે ‘કમ્પલ્ઝીવ હોર્ડિંગ’નો ભોગ તો નથી બન્યા ને!

 1. Samir
  April 12, 2019 at 1:23 pm

  દિમાગ માં વિચારો ભર ભર કાર્ય કરીએ તેને પણ આજ રીત ની સંગ્રહખોરી કહી શકાય !
  ખુબ સરસ વાત કરી જ્વલંતભાઈ !

 2. Samir
  April 12, 2019 at 1:24 pm

  ભર ભર કર્યા કરીએ એમ વાંચવું !

 3. MAHESHCHANDRA THAKORLAL NAIK
  April 19, 2019 at 4:38 am

  It is very rightly presented for not deleting messages from what’s app and mobile gets hang, Very nicely guided by article of Shri Jwalantbhai Naik, Congratulations and Regards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *