ફિર દેખો યારોં : ગરમીથી રક્ષણ કે જીવલેણ રોગોને નિમંત્રણ?

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

સ્વાસ્થ્ય, પર્યાવરણ, શિક્ષણ, જાહેર પરિવહન સહિત અનેક મુદ્દાઓ વિશેની ચર્ચાને બદલે હવે કયા પક્ષની સરકાર ચૂંટાયા પછી કેટલા રૂપિયા લૂંટાવવાના વચનોની ખેરાત કરશે એના સમાચારોથી અખબારોનાં પાનાં ભરાયેલાં જોવા મળે છે. પક્ષપ્રમુખ ઉમેદવારીપત્રક ભરવા જાય તો પણ વિજયસરઘસનો માહોલ ઊભો કરીને જાય છે. ‘રોડ શો’ શબ્દ ભારતીય મતદારોમાં સ્વીકૃત બનતો જાય છે. દરેક પક્ષના નેતાઓ નક્કર કામ કે આયોજનની ચર્ચાને બદલે તમાશાબાજી પર ઊતરી આવ્યા છે. અખબારોમાં પણ તમાશાબાજી, નિવેદનબાજીના અહેવાલ જ વધુ જગ્યા રોકે છે. આવા સંજોગોમાં જીવનમરણ સાથે જોડાયેલી કેટલીક ગંભીર બાબતોની નોંધ લેવાનું ચૂકાઈ જાય એમ બનતું હોય છે.

ગયા મહિને એવા એક સમાચાર હતા કે પાઉડરના નમૂનાઓમાં એસ્બેસ્ટોસનું પ્રમાણ પુરવાર ન થતાં ‘જહોનસન એન્‍ડ જહોનસન’ કંપનીએ ભારતના પ્લાન્‍ટમાં બેબી પાઉડરનું ઉત્પાદન ફરીથી શરૂ કર્યું. એક સમયે ‘જાદુઈ ખનીજ’ તરીકે ઓળખાતું એસ્બેસ્ટોસ તેના વિવિધ ગુણધર્મોને કારણે ખૂબ ઉપયોગી ગણાતું. પણ હવે તે અત્યંત જોખમી ગણાય છે. આ કારણે તેના ઉપયોગને નિયંત્રિત કરાઈ રહ્યા છે, અને તેના ઉદ્યોગો સાથે સંકળાયેલા માનવોના સ્વાસ્થ્ય પર થયેલી વિપરીત અસરનો તાગ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. તેની લઘુત્તમ માત્રા પણ કેન્‍સર માટે કારણભૂત હોય છે. કમનસીબે આપણા દેશમાં આ બાબતે સાવ ઓછી જાગૃતિ છે. આ સંજોગોમાં નવજાત શિશુઓ માટેના ઉત્પાદન એવા બેબી પાઉડરમાં એસ્બેસ્ટોસ હોવાનું જાણીને કેવું છળી મરાય!

ગયા ડિસેમ્બરમાં સમાચારસંસ્થા રોઈટર્સના એક અહેવાલને પગલે આ કંપનીનાં વિવિધ એકમો પરથી પાઉડરના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. ભારત પૂરતી ‘જહોનસન એન્‍ડ જહોનસન’ ભલે નિર્દોષ પુરવાર થઈ, પણ તાજેતરમાં ‘ઓક્યુપેશનલ એન્ડ એન્‍વાયર્નમેન્‍ટલ હેલ્થ નેટવર્ક ઑફ ઈન્ડિયા’ (ઓ.ઈ.એચ.એન.આઈ.) દ્વારા એક અખબારી યાદીમાં અપાયેલી માહિતી ચિંતાજનક છે. ‘અમેરિકન જર્નલ ઑફ ઈન્ડસ્ટ્રીઅલ મેડીસીન’ના માર્ચના અંકમાં પ્રકાશિત થયેલા એક સંશોધનપત્રમાં રજૂ થયેલી વિગતો અનુસાર ભારતભરના બજારમાંથી એકત્રિત કરાયેલા ટાલ્કના 13 નમૂનાઓ પૈકી 7 નમૂનાઓમાં એસ્બેસ્ટોસના અંશ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સંશોધન કરનારી ટીમના ચાર સભ્યો પૈકીના એક ડૉ. તુષારકાંત જોશી પણ છે, જેઓ ભારત સરકારના પર્યાવરણ, વન તેમ જ ક્લાઈમેટ ચેન્‍જ મંત્રાલય સાથે સંકળાયેલા છે. આ સંશોધન માટેનો પ્રસ્તાવ તેમનો હતો, જેની પર તેમણે અન્ય ત્રણ વિજ્ઞાનીઓ સાથે મળીને કામ કર્યું.

ભારતીય બજારોમાં વેચાતા ટેલ્કમ પાઉડરના નમૂના ખરીદવામાં આવ્યા, જે ‘બીટ ધ હીટ’ (ગરમીને ભગાવો)ના હેતુસર વેચવામાં આવે છે. ગ્રાહકો તેને ખરીદ્યા પછી સીધો જ તેનો ઉપયોગ પોતાની ત્વચા પર કરતા હોય છે. નમૂના બે તબક્કાઓમાં એકત્ર કરવામાં આવેલા, જેમાંના પહેલા તબક્કાના કેટલાક નમૂના બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ઉત્પાદિત હતા. એ જાણવું જરૂરી છે કે ટાલ્ક એવું ખનીજ છે, જેમાં ઘણે સ્થાને એસ્બેસ્ટોસ ભળેલો હોય છે. ટ્રેમોલાઈટ પ્રકારના એસ્બેસ્ટોસને કારણે ફેફસાંના જીવલેણ રોગો-એસ્બેસ્ટોસીસ, ફેફસાનું કેન્‍સર, મેસોથેલીઓમા થઈ શકે છે.

આ નમૂનાઓનું પૃથક્કરણ પોલરાઈઝ્ડ લાઈટ માઈક્રોસ્કોપી અને ટ્રાન્‍સમિશન ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપી દ્વારા કરવામાં આવ્યું. આ પદ્ધતિઓ ‘યુ.એસ.એન્‍વાયર્નમેન્‍ટલ પ્રોટેક્શન એજન્‍સી’ અનુસારની છે. અલબત્ત, આ સંશોધનમાં કેવળ આ નમૂનાની તપાસ કરવામાં જ આવી છે, અને તેને કારણે રોગ થયા હોય એવી કોઈ વ્યક્તિઓ અંગે સંશોધન નથી. એ પ્રકારનું સંશોધન અલાયદું થઈ શકે. પણ ખુલ્લા બજારમાં વેચાતાં, સાવ સીધાસાદાં જણાતાં ઉત્પાદનો કેવાં જીવલેણ નીવડી શકે તેનો અંદાજ આવી શકે છે. ટેલ્કમ પાઉડરનો ઉપયોગ તમામ વર્ગ અને લિંગના લોકો બહોળા પ્રમાણમાં કરતા હોય છે. તેના માટેનાં ધારાધોરણો અને સ્વાસ્થ્યજોખમો અંગેની સાવચેતી ઉત્પાદકો રાખતા હશે કે કેમ, એ હંમેશાં શંકાની નજરે જોવાવું જોઈએ. આવાં અનેક સૌંદર્ય પ્રસાધનોની ગેરમાર્ગે દોરનારી જાહેરખબરો પર શું અને કેટલું નિયંત્રણ છે એ સમજવું કઠિન છે. આ અંગેના જરૂરી કાયદા, તેના ભંગ બદલ સજાની જોગવાઈ અને તેના અમલ બાબતે સામાન્યત: શિથિલ વલણ જોવા મળે છે. રોજબરોજના જીવનમાં સહજપણે વપરાતાં આવા અનેક ઉત્પાદનો હશે, જે ગંભીર બિમારી કે જીવલેણ રોગનાં જન્મસ્થાન હોય. બીજી વાત જવા દઈએ તો એસ્બેસ્ટોસનાં જોખમો નજર સામે આવ્યા પછી તેના ઉપયોગ પર અનેક દેશોએ સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે. આપણા દેશમાં તેનું ખનન પ્રતિબંધિત છે, પણ તેની આયાત બેરોકટોક થઈ રહી છે. ભારતીય સર્વોચ્ચ અદાલત દ્વારા એસ્બેસ્ટોસના ઉપયોગ પર 2011થી પ્રતિબંધ મૂકાયો છે, પણ અનેક ક્ષેત્રે તેનો વ્યાપક ઉપયોગ હજી ચલણમાં છે. તેનાં જોખમો અંગેની યોગ્ય જાણકારી અને એ અંગેની જાગૃતિના અભાવને લઈને આ પરિસ્થિતિ છે.

‘ઓ.ઈ.એચ.એન.આઈ.’ના રાષ્ટ્રીય સંયોજક જગદીશ પટેલના જણાવ્યા મુજબ ટેલ્કમ પાઉડરના નમૂનાઓમાં મળેલાં આ પરિણામો પછી ભારત સરકાર તેમ જ જાહેર સ્વાસ્થ્યના ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓએ આ જ બાબતે આગળનાં સંશોધનો કરવાં જોઈએ. એ સંશોધન અનેક વિગતોને બહાર લાવી શકે એમ છે. તેને આધારે અસરકારક કાનૂની પગલાં લઈને જાહેર સ્વાસ્થ્યના રક્ષણ તરફની પહેલ કરવી જરૂરી છે.

એસ્બેસ્ટોસ જેવા મહાજોખમી પદાર્થના ખનન પર પ્રતિબંધ મૂકવો યોગ્ય છે, પણ તેની આયાત, સંગ્રહ, તેના પર આધારિત ઉત્પાદન, વેચાણ, ઉપયોગ જેવાં એકે એક પાસાં પ્રતિબંધિત ન થાય ત્યાં સુધી ખનન પરનો પ્રતિબંધ અધૂરો ગણાય.

સ્વાભાવિકપણે જ આવા મુદ્દામાં રાજકીય પક્ષોને રસ ન પડે. તેઓ ઘેરબેઠે રૂપિયા આપતાં ઠાલાં અને હાસ્યાસ્પદ વચનોથી, પાકિસ્તાનને ધૂળ ચટાડવાના દાવા કરી કરીને કે અન્ય નેતાઓ પર વ્યક્તિગત પ્રહાર દ્વારા લોકોના દિલને જીતવા પ્રયાસ કરી રહ્યા છે. આ દાવાઓથી આપણું દિલ જીતાઈ જતું હોય તો રાજકીય પક્ષોનો વાંક ન કાઢી શકાય.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૪-૪-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : ગરમીથી રક્ષણ કે જીવલેણ રોગોને નિમંત્રણ?

  1. MAHESHCHANDRA THAKORLAL NAIK
    April 19, 2019 at 4:33 am

    ??????
    Your article is very informative and creating awareness for readers,
    Thanks and Regards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *