





કિરણ જોશી
યુનિવર્સિટી ઓફ વોટ્સેપ ભલે કહેતી,’માનવ સમાજની બે કરૂણતાઓ છે:મા-બાપ વિનાનું ઘર અને ઘર વિનાનાં મા-બાપ.’પણ માનવ સમાજની એથીય મોટી કરૂણતા છે બૉલ વિનાનાં શેરી ક્રિકેટરો અને શેરી ક્રિકેટરો વિનાનો બૉલ. ઘર વિનાનાં મા-બાપને ઘર શોધવા માટે દરદર ભટકતાં આપણે ક્યારેય જોયા નથી. તેઓ પોતપોતાના સ્વભાવ મુજબ લાચારી યા ખુમારીથી વૃધ્ધાશ્રમમાં રહેતા હોય છે. એની સામે ખોવાઇ ગયેલા બૉલને શોધવા માટે આકાશ, પાતાળ, નદીઓ,પહાડો અને મહાસાગરોની ઉથલપાથલ કરી નાખતાં શેરી ક્રિકેટરો આપણે અનેકવાર જોયા છે.

દરેક બાબતની હોય છે એવી શેરી ક્રિકેટની પણ એક મજા હોય છે. કાળી ચા/કૉફીનો સ્વાદ દુનિયાના કોઇપણ માણસને અનુકૂળ ન આવે તેવો હોય છે. પણ એનો સ્વાદ કેળવીને આજે દુનિયાના લાખો લોકો ઉલટભેર તે પીવે છે. શેરી ક્રિકેટના મેદાનનું પણ આવું જ છે. તેનો આકાર,તેનો પ્રકાર કોઇ રીતે ક્રિકેટ શું કોઈ પણ રમત રમવાને લાયક હોતો નથી. તેમ છતાંય શેરી ક્રિકેટરો જેતે ઉબડખાબડ, ઝાડી-ઝાન્ખરાવાળી અને જેનાં અઢારેય અંગ વાન્કા છે તેવી જગ્યાને ક્રિકેટનું મેદાન કલ્પીને તેની પર ક્રિકેટ રમે છે.
અત્યંત મર્યાદિત ક્ષેત્રફળ ધરાવતા આવા ‘મેદાન’માં રમવાવાળા ક્રિકેટરો અમર્યાદિત પ્રતિભા ધરાવતા હોય છે. આગલા દિવસે તેઓ ટેસ્ટમેચ જોઈને આવ્યા હોય તો તો સવાલ પેદા નથી થતો;પણ જો તેઓ ટી-20 મેચ જોઇને આવ્યા હોય તો તબાહી મચી જાય છે.’ઊંચા ફટકા નહીં મારવાના’,’જેના ફટકાને કારણે બૉલ ખોવાઇ જાય તેણે નવો બૉલ ખરીદી લાવવાનો રહેશે’ પ્રકારના અત્યંત કડક નિયમો ઘડવામાં આવ્યા હોવા છતાં ગઇકાલની ટી-20 જોયા બાદ તેમની અંદર પ્રવેશેલો ક્રિસ ગેલનો આત્મા આ ક્રિકેટરોને આ નિયમોનું બંધન તોડવા મજબૂર કરે છે. કોઇ નબળી ક્ષણે ગોલંદાજ દ્વારા ફેન્કવામાં આવેલા કોઇ નબળા બૉલને બલ્લેબાજ પોતાના બેટ વડે ફટકારીને મેદાનની બહાર મોકલી દે છે.
કોઈ વ્યક્તિને ક્યારેક માથાનો દુઃખાવો થાય કે તરત જ એને એવી શંકા નથી પડી જતી કે તેને બ્રેઇન ટ્યુમર થયું હશે.શરૂઆતમાં તો એ માથાના દુ:ખાવાને હળવાશથી જ લે છે. વખત જતાં એને ખબર પડે છે કે તે બ્રેઈન ટ્યુમરની ગંભીર બીમારીનો શિકાર બની ચૂક્યો છે. મેદાનની બહાર પહોંચી ગયેલો બૉલ ખોવાઈ જ ગયો હશે તેવો પ્રાથમિક તબક્કે એકેય શેરી ક્રિકેટરને વિચાર નથી આવતો. જે દિશામાં બૉલ ગયો હોય તે દિશાનો ફિલ્ડર દૂર દેશ ગયેલા તે બૉલને પરત લાવવા માટે દોડે છે. એક જન્મારા જેટલો સમય વીતવા છતાં તે પરત ન ફરતા બેટ્સમેન સહિતના સમગ્ર શેરી ક્રિકેટરો તે ફિલ્ડરને શોધવા માટે રવાના થાય છે. તેઓ જુએ છે કે પેલો ફિલ્ડર હજુય બૉલ જ શોધી રહ્યો છે.
‘શું યાર તું પણ! જીવનમાં તું શું કરી શકવાનો છે!’-નો ફિટકાર તે ફિલ્ડર પર વરસાવી આ ટીમ પણ બૉલશોધક સમિતિ રચી આ અભિયાનમાં જોડાય છે.
ખાડી દેશોમાં તેલના કે પનામા દેશમાં સોનાના સંભવિત ભંડારો આન્તરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો જે કટિબદ્ધતા અને ગંભીરતા સાથે શોધતા હોય છે તેથી અનેક ગણી કટિબધ્ધતા સાથે શેરી ક્રિકેટરોની ટીમ ખોવાઈ ગયેલો બૉલ શોધતી હોય છે. સાપ-વીન્છી કરડવાનું જોખમ વહોરી લઇને પણ ઝાડી-ઝાંખરામાં છેક અંદર સુધી જઇને આ ટીમ દ્વારા બૉલની તપાસ કરવામાં આવે છે. બંધ મકાનના ધાબે બૉલ પડ્યો હોવાની આશંકા હોય તેવા સંજોગમાં જેતે ક્રિકેટર સ્પાઇડર બનીને આમતેમ હાથપગ ભરાવીને ધાબે ચડી જાય છે.
એક બાજુ ક્રિકેટ રમવા માટે માંડ કાઢેલો સમય પસાર થઈ રહ્યો હોય છે ને બીજી બાજુ બૉલની ભાળ મેળવવાના સઘળા પ્રયાસો નિષ્ફળ જતા લાગે છે. કાયદાની દ્રષ્ટિએ તો ફટકો મારનારે નવો બૉલ ખરીદી લાવવાનો હોય છે. પણ શેરી ક્રિકેટરોની એ ટીમને ખબર હોય છે કે ફટકો મારનાર પાસે નવો તો શું;સેકન્ડ હેન્ડ બૉલ ખરીદવાના પણ ફદિયા નહીં હોય. જે સ્થળે બૉલ ખોવાયો હોય તે સ્થળના જુદાજુદા પેટાઝોન પાડી દઇ દરેક ઝોનમાં સરખા ભાગે વહેન્ચાઇ જઈને ક્રિકેટરોને બૉલ શોધવા મોકલવાનો વ્યૂહ રચવામાં આવે છે.
વિજ્ઞાન પ્રતિક્ષણ વિકાસ પામવાનો ગુણધર્મ ધરાવે છે. તેની ફરજમાં આવે છે કે સમાજના દરેક વર્ગની તે સેવા કરે છે. શેરી ક્રિકેટરો માટે ખાસ પ્રકારની રીન્ગીન્ગ ચીપ ધરાવતા બૉલની શોધ થવી જોઈએ કે જેથી બૉલ ખોવાઇ જવાની સ્થિતિમાં ખાસ ડીવાઇસનું બટન દબાવતાં જ બૉલમાંથી રીન્ગ વાગવા લાગે.
આવી શોધ ન થાય ત્યાં સુધી તો શેરી ક્રિકેટરોએ બૉલ ખોવાઈ જવાની ભીતિ સાથે જ ક્રિકેટ રમવું પડવાનું છે. શેરીમાં ઉલ્લાસભેર ક્રિકેટ રમતાં શેરી ક્રિકેટરો બૉલ ખોવાઈ ગયા બાદ જે રીતે નિરાશ થઇને બેઠા હોય છે તે દ્રશ્ય ભલભલા પથ્થરદિલ ઇન્સાનનું હ્રદય પીગળાવી દેવા માટે પૂરતું હોય છે.એ ઈન્સાનને મનમાં એમ પણ થાય છે કે તે છોકરાંવને નવો બૉલ લાવી આપે. પણ તરત જ બીજી ક્ષણે આ જ ક્રિકેટરો દ્વારા વર્ષમાં ત્રણ-ચાર વાર તોડવામાં આવતા પોતાની બારીના કાચ યાદ આવી જતાં તે પોતાનો આ વિચાર તાત્કાલિક અસરથી મોળો પાડી દે છે.
આજે મોબાઈલ ફોનની સ્ક્રીન પર ક્રિકેટ રમતાં ઈ-ક્રિકેટરોને એક વાતની નિરાન્ત હોય છે કે તેમનો બૉલ ક્યારેય ખોવાઇ જતો નથી. જોકે મોબાઈલ ગેમિંગમાં તેનું આખેઆખું બાળપણ ખોવાઈ જતું હોય છે તે જુદી વાત છે.
શ્રી કિરણ જોશીનો kirranjoshi@gmail.com વીજાણુ સરનામે સંપર્ક થઈ શકે છે.
ખુબ સરસ વાત. ગહન વાત ને બહુજ સરળતા થી કહી છે.ખોવાઈ જતા બાળપણ ની કિમત સમજાવી ખુબ અઘરી છે.
ખુબ આભાર,કિરણભાઈ !
આ લેખકને ફેઈસબુક ઉપર અમે ખોવાઈ ગયેલા બોલને ગોતતા છોકરાની વ્યાકુળતાથી ગોતીએ છીએ. અહીં જડ્યા એનો ય આનંદ છે.
અમે તો છોકરા ઓ ને ધમકાવતા કારણ દર બીજે દિવસે બારી ના કાચ તોડીનાખતા ને પાછો મારો દીકરો તો વટ થી કહેતો કે હા અમે અહીં જ રમશુ ને કાચ તો તુટશે જ