





પૂર્વી મોદી મલકાણ
કાર્નિવલ સ્ટ્રીટ પરથી હું પાછી રૂમ પર આવી અને ભેગી કરેલી તમામ સ્વીટ્સને આગળના પ્રવાસમાં કોઈ બાળકો મળશે તો આપીશ એમ વિચારી ઝિપલોક બેગમાં એકઠી કરી. એ દિવસે મલકાણના આવ્યા બાદ તેમણે સમાચાર આપ્યા કે આપણા પ્રોગ્રામમાં થોડો ફેરફાર થયો છે. એ જાણીને હું આશ્ચર્યમાં પડી ગઈ, તેથી શંકિત સ્વરે પૂછ્યું કે પાકિસ્તાનનું કેન્સલ થયું? તો તેઓ કહે :
ના …એ તો જવાનું જ છે, પણ પાછા યુ.એસ ફરતાં એક હોલ્ટ બર્લિનમાં પણ લેવાનો છે.
‘બર્લિન ..? કેમ?’ – મે પૂછ્યું.
તો કહે, હા બર્લિન… થોડું કામ છે.
તેમની વાત મને આનંદ અપાવી ગઈ. કારણ કે મારી દીકરી નિમ્મી બર્લિનમાં જ સ્ટડી કરી રહી હતી તેથી તેને મળવાની લાલચ મને આનંદ અપાવી ગઈ. તે દિવસે સાંજે અમે હોટેલ પર જ રહ્યાં અને અમારી પાસે હવે કેવળ એક દિવસ રહ્યો હતો, પણ અમારા સ્ટોપમાં એક સ્ટેશન વધુ થઈ ગયું તેનો આનંદ અપાર હોઈ તે દિવસે ગરમ ગરમ કોફીને સંગે ગેલેરીમાંથી પ્રત્યેક પળે રાઈનના બદલાતાં રૂપ જોતાં જોતાં અમારી સાંજ ક્યારે નીકળી ગઈ તેનો ખ્યાલ જ ન રહ્યો.
ત્રીજે દિવસે બપોરે ૨ વાગ્યા સુધી મલકાણ ઓફિસે ગયા. એ દિવસે સવારે મે મારું પેકિંગ પૂરું કર્યું. હવે આગળનો સ્ટોપ એ હતો, જ્યાં જવા હું ઘણા સમયથી રાહ જોઈ રહી હતી. બપોરે મલકાણના આવ્યા બાદ અમે ફરી થોડાં કલાકો માટે બૉન ફરવા નીકળ્યાં. આ સમયે અમે જ્યાં સૌથી વધુ કોલેજો આવેલી છે તે વિસ્તારને પસંદ કર્યો.

આ વિસ્તાર બહુ સુંદર હતો, સ્ટુડન્ટ વિસ્તાર હોઈ અહીં ઘણી શાંતિ હતી, પબ્લિક બસ સિવાયનાં વાહનો ઓછા હતાં.


આ કોલેજ વિસ્તારની આજુબાજુ કેટલાક રેસિડન્સિયલ બિલ્ડીંગો પણ હતાં. કેટલાક સ્ટુડન્સ શોપિંગ કરીને જઈ રહ્યાં હતાં.

અહીંથી આગળ વધતાં જોયું કે એક સમયનાં ટેલિફોન બૂથને લાઈબ્રેરીમાં ફેરવી નાખવામાં આવેલો હતો, લોકો આવે, પોતાનું નામ ત્યાં રહેલ બોક્સમાં નાખે અને બૂક લઈ જાય. આ ટેલિફોન બૂથમાં રડીખડી એકાદ બૂક અંગ્રેજી હતી, બાકીની બધી જ જર્મન બુક્સ હતી.

ધીરે ધીરે ચાલતાં ચાલતાં અમારો ઘણો સમય જતો રહેલો હતો, હવે ફરી હોટેલ પર જઈ સામાન લઈ બૉનને છોડવાનો સમય નજીક આવી રહ્યો હતો. પણ બૉનનો આ માર્ગ એટલો સુંદર હતો કે હું આજુબાજુના વધુ ફોટાઓ ખેંચવાની લાલચ રોકી શકી નહીં.

એક સમયનો જર્મન પેલેસ પણ હાલમાં અહીં કોર્ટ છે. કોર્ટની નીચેથી રસ્તો પસાર થાય છે.



બીજી તરફનાં ટાઉનમાંથી પસાર થતી વખતે અમારી આગળ એક લેડી જતી હતી, અચાનક તે ઊભી રહી. સાઈડમાં રહેલી વોલ પાસે ઊંધી ઊભી રહી ગઈ, તે જોઈ અમે વિચારવા લાગ્યાં કે આ કેમ આમ ઊંધી ઊભી રહી ગઈ? પણ અમારું વિચારવાનું પૂરું થાય તે પહેલાં તેણે વોલમાં રહેલ સાઈડ પર હાથ ફેરવ્યો અને એક બોક્સ કાઢ્યું, અને તેમાં રહેલ કોડ પ્રેસ કર્યા. પળ -બે પળમાં વોલમાં બારણું ખૂલ્યું અને તે અંદર જતી રહી. આ જોઈ અમને અલીબાબાની “સિમ સિમ ખૂલ જા”ની અરેબિક વાર્તા યાદ આવી ગઈ.

૧) ફૂટપાથ પરથી જોતાં લાગે કે કોઈ સ્ટોર હશે.

૨) લાકડાની વોલ.

૩) ડોર જ્યારે ખૂલ્યું ત્યારે અંદરની વિશાળતા જોઈ આશ્ચર્ય થયેલું. અંદર આખો મોહલ્લો હતો પણ તે અંદરની સાઈડનો ફોટો લેવો યોગ્ય ન લાગ્યો તેથી કેવળ ડોરનો લીધો છે.

આખરે અમે બૉનની પ્રત્યેક ગલી ગલી જોતાં જોતાં હોટેલ પર પહોંચ્યાં ત્યારે બૉનની ગલીઓએ મને ખરેખરી પ્રવાસી બનાવી દીધી હતી. હવે અહીં ઊભા રહેવાનો કોઈ અર્થ ન હતો, મારે પણ રાઈનની જેમ આગળ વધવાનું હતું, ફરી એક નવો કિનારો, નવી મંઝિલ અને નવી સંસ્કૃતિ શોધવાની હતી. પણ એ નવી સંસ્કૃતિને મળતાં પહેલાં ફાધર રાઈનનો આભાર માનવાનો હતો, જેણે મને ખૂબ સુંદર યાદો આપી હતી. ફરી એકવાર બૉનમાં જવાનું થાય કે ન થાય પણ આજે આ પળે મારી પાસે બૉન, લાડેનબર્ગ અને રાઈનની ઘણી જ યાદો હતી જે મારે સમેટીને મંજૂષામાં મૂકવાની હતી. તેથી રૂમમાં પહોંચીને ફરી એકવાર રાઈનને પ્રેમભરી આંખે જોઈ તેની વિદાય માગી અમે ત્યાંથી નીકળી ગયાં.

ફોટોગ્રાફી : પૂર્વી મોદી મલકાણ
© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com
વાહ સુંદર વર્ણન , આભાર
ચાલો. હવે જર્મની જવા નહીં મળે તો ચાલશે !
Photos nova ni Bahu maja pade che.