વિમાસણ : આનંદ : લક્ષ્યપ્રાપ્તિમાં કે લક્ષ્યપ્રાપ્તિની સફરમાં?

Facebooktwitterredditpinterestlinkedinmail

–  સમીર ધોળકિયા

clip_image002આપણે નાના હતા ત્યારથી આ વાર્તા કેટલીય વાર સાંભળી હશે અને તેના તાદૃશ્ય દાખલાઓ પણ આજુબાજુની જિંદગીમાં જોયા હશે. જિંદગીમાં ઘણાને સફળતા કે જિંદગીનું લક્ષ્ય બહુ જલદી મળી જતું હોય છે. કેટલાકને મોડું મળતું હોય છે અને કેટલાક આખી જિંદગી સફળતા કે લક્ષ્ય પાછળ ફરતા હોય છે, પણ માનતા હોય છે કે તેમને કશું મળ્યું નથી!

આ વાર્તામાં તો ફક્ત એક નાનકડી દોડની વાત છે જે સમજાવે છે કે ઝડપ કાયમ જીતતી નથી. ધીમી પણ દૃઢ ગતિથી પણ વિજય પ્રાપ્ત થઈ શકે છે. આપણી ઘણી બોધકથાઓની જેમ ઈસપની આ વાર્તામાં પણ ગૂઢાર્થ સમાયેલો છે. પણ આજકાલની જિંદગીમાં આ સાચું અને સ્વીકાર્ય છે? અત્યારે તો લોકોને અને ખાસ કરીને યુવા પેઢીને બધું બહુ ઝડપથી જોઈએ છે. એટલે એ લોકો કાચબો બનવા તો તૈયાર જ નહિ હોય! બધાને સસલો જ બનવું છે અને લક્ષ્ય પર જલદીથી જલદી પહોચવું છે. તો શું કરવું?

આના માટે મોટે ભાગે કંઈ કરવું પડતું નથી. થોડો અનુભવ થાય (તળપદી ભાષામાં કહીએ તો થોડાં ઠેબાં ખાય) એટલે સમજ આવવા માંડે કે જીવનમાં ગમે કે ન ગમે, ગતિ-અવરોધકો ઘણા હોય છે! બધું આપણી યોજના પ્રમાણે થાય પણ ખરું અને ન પણ થાય. બીજાની પણ અલગ યોજનાઓ હોઈ શકે છે. હાલ તો ખૂબ બધી કારકિર્દીઓ તથા વિકલ્પો નવી પેઢી સમક્ષ છે. નહિતર પહેલાં તો નોકરી એટલે સરકારી કે અર્ધ-સરકારી સંસ્થાની. પછી બેંક-નોકરીનો વિકલ્પ આવ્યો. એ બધી કાચબા વિભાગમાં આવતી હતી. પણ હવે તો વિકલ્પો ઘણા છે તેથી હાલ તો સસલો બનવાની પૂરી તકો છે.

આ વાર્તામાં ખરેખર તો કોઈનો પક્ષ લેવાયો નથી કે કોઈ પર ચુકાદો જાહેર નથી કર્યો. ફક્ત સસલાના વધુ પડતા આત્મવિશ્વાસ સામે લાલબત્તી ધરી છે.

બીજું કે ઝડપથી સફળતા કોને ન ગમે? લોકો કાચબા ક-મને જ બનતા હોય છે! પણ તે સાથે ઝડપથી મળતી સફળતા ટૂંકા ગાળાની હોઈ શકે અને કોઈ વાર નુકસાનકારક પણ હોઈ શકે. પૂરતા અનુભવ પછી મળતી (કાચબાવાળી) સફળતા લાંબું ટકતી હોય છે. વળી પૈસા કમાવાનું લક્ષ્ય ટૂંકા ગાળામાં સિદ્ધ થઈ શકે છે પણ નોકરીમાં ઉચ્ચ હોદ્દા માટે, ગમે કે ન ગમે, રાહ જોવી જ પડે છે.

આ બે માર્ગોમાંથી વધારે લોકપ્રિય રસ્તો કયો ?

અલબત્ત, સસલાવાળો! અત્યારે કોને રાહ જોવી ગમે છે? જલદીથી લક્ષ્ય હાંસલ કરવું કોને ન ગમે? હા, ઝડપથી લક્ષ્ય પ્રાપ્તિ માટે લીધેલ રસ્તો અને તે માટેનાં સાધનો માન્ય હોવાં જોઈએ. ગાંધીજીએ સાધન શુદ્ધિને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. ગેરકાયદેસર માર્ગ ઝડપી, રોચક અને આકર્ષક હોઈ શકે પણ તેની ઝડપ પોતાની કિંમત વસૂલ કરીને જ રહે છે, અત્યારે જ, કે પછી ભવિષ્યમાં ગમે ત્યારે! ફાસ્ટ ફૂડ અને રોજિંદા ખોરાકમાં એવું જ છે ને? ફાસ્ટ ફૂડ સ્વાદિષ્ટ જરૂર લાગે પણ અવળો ઊતરવાની પૂરી શક્યતા છે. વિચારો કે કોઈ વ્યક્તિને વજન ઉતારવું છે. તો કયો રસ્તો સારો? ધીમો કે ઝડપી? અલબત્ત ધીમો! અહીં ઝડપી રસ્તામાં ભારે શારીરિક નુકસાન પણ થઈ શકે છે. શરીર સુધારવા માટે પણ ધીમે ધીમે જ વિકાસ થઈ શકે છે. ઝડપી વિકાસમાં કાયમી નુકસાન અને કાયમ માટે સ્પર્ધામાંથી નીકળી જવાનો ભય રહેલો છે.

હાલમાં મેં એવું પણ વાંચ્યું કે સસલા અને કાચબાની વાત હવે જૂની થઈ ગઈ. હવે તો સસલા અને ચિત્તાની વાર્તા હોવી જોઈએ! ખૂબ ઝડપવાળી જિંદગીમાં કાચબાનું તો સ્થાન જ નથી. પણ ખરેખર તો એ સાચું નથી. કાચબાનું સ્થાન પણ યથાવત્ છે. ફક્ત વધારાના વિકલ્પમાં ચિત્તો ઉમેરાઈ શકે છે.

જિંદગીના દરેક મકામમાં અલગ અલગ ગતિ હોય છે. મોટે ભાગે ત્રીસી પછી ગતિમાં મોટો ફેરફાર આવતો નથી, ભલે પહેલાં ગતિ થોડી વધારે હોય અને વધતી ઉંમરે ઓછી. મોટા ભાગના રમતવીરોની કારકિર્દી ૩૦/૩૫ પછી સમેટાઈને ધીમી થઈ જતી હોય છે. પછી તેમણે પોતાનો કિરદાર બદલવો પડે છે. ખેલાડીમાંથી કોચ કે વિવેચક કે કોમેન્ટેટર! પર્વતારોહણમાં ઉતાવળ ન ચાલે. તેમાં ધીરજથી પર્વત ઉપર ચડવું પડે. નહીંતર જીવનથી હાથ ધોવા પડે!

દરેક કારકિર્દી પણ થોડા વર્ષ ગતિમાં રહ્યા પછી એક સ્થિર ગતિ પકડી લે છે. જુદી જુદી કારકિર્દીમાં સ્થિર ગતિ અલગ અલગ હોય છે. પણ એક વાત નક્કી. કાચબાનો કિરદાર ભલે આકર્ષક ન લાગે પણ છેલ્લે તો એ જ કામ લાગે છે. આજે બધાને શહેરની જિંદગી ગમે છે કારણ કે ત્યાં વધુ તકો અને જિંદગીની ગતિ પણ વધારે હોય છે. ગ્રામીણ વિસ્તારમાં તેનાથી ઊંધું હોય છે. પણ તેનો અર્થ એમ નહિ કે શહેરની જિંદગી વધુ અર્થપૂર્ણ હોય છે. ઘણી વાર શહેરમાં લોકો એવા વિષચક્ર માં ફસાઈ જતા હોય છે કે તેઓ જિંદગીનો મોટો સમય ગોળગોળ ફર્યા કરતા હોય છે અને આગળ વધતા જ નથી!

કાચબા અને સસલાની વાતને ફક્ત કારકિર્દી સાથે નહિ પણ જિંદગીના દરેક ક્ષેત્ર સાથે જોડી શકાય છે. દરેકને ઝડપથી પરિણામ જોઈએ છે પણ ધીમે ધીમે સમજાય કે ઉતાવળે આંબા ન પાકે. જરૂરી એ છે કે લક્ષ્ય તરફ ચાલતા રહો, આગળ વધતા રહો. અબ્રાહમ લિંકને કહ્યું હતું કે “ હું ધીમે પણ ચાલતો રહું છું ….પાછાં પગલાં નથી ભરતો!“ આ વાત જીવનમાં ખૂબ અગત્યની છે.

લક્ષ્ય પર પહોચવું જરૂરથી અગત્યનું છે પણ વધારે અગત્યનું છે લક્ષ્ય સુધીની મુસાફરીનો આનંદ. અને તે આનંદ કાચબા, સસલા કે ચિત્તાને –બધાને થવો જોઈએ. જિંદગીની ખરી મઝા આવી નાનીમોટી મુસાફરીમાં અને તેમાં થતા અનુભવોની હોય છે. ઘણી વાર તો લક્ષ્ય પર પહોંચ્યા પછી સમજાય છે કે લક્ષ્યપ્રાપ્તિના આનંદ કરતાં તો મુસાફરીનો આનંદ વધારે હતો! મુસાફરીનો આ આનંદ કોણ વધારે લે છે તે દરેક કાચબાને કે સસલાને પૂછવું પડે…!

જે મુસાફરીનો સાચો આનંદ લે તે સાચો અને સારો મુસાફર. ભલે તે વધારે ગતિવાળો સસલો હોય કે ધીમી ગતિવાળો કાચબો, ખરું ને ?


શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.

6 comments for “વિમાસણ : આનંદ : લક્ષ્યપ્રાપ્તિમાં કે લક્ષ્યપ્રાપ્તિની સફરમાં?

 1. Bhagwan thavrani
  April 9, 2019 at 10:39 am

  સુખ વિષે કોઈક દાર્શનિકે કહ્યું છે, ‘ સુખ પહોંચવાનું સ્ટેશન નથી, મુસાફરી કરવાની રીત છે ‘.
  સરસ છણાવટ !

  • Samir
   April 11, 2019 at 1:29 pm

   આભાર,ભગવાનભાઈ !

 2. Gautam Khandwala
  April 9, 2019 at 1:37 pm

  સાચી વાત. લક્ષ્યને ગૌણ રાખી સફરનો આનંદ માણવો જોઇએ. જિંદગીની સફરમા પણ એ અપનાવીએ તો જિંદગીનો ભાર હળવો થઇ જાય.

  • Samir
   April 11, 2019 at 1:30 pm

   સફર નો આનંદ લેવો તે જ મુખ્ય છે.
   આભાર ગૌતમભાઈ !

 3. April 11, 2019 at 2:51 am

  જે મુસાફરીનો સાચો આનંદ લે તે સાચો અને સારો મુસાફર. ભલે તે વધારે ગતિવાળો સસલો હોય કે ધીમી ગતિવાળો કાચબો, ખરું ને ?

  હા.

 4. Samir
  April 11, 2019 at 1:31 pm

  આભાર,સુરેશભાઈ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *