





– વીનેશ અંતાણી
ધારો કે પંચાવનેક વરસની મહિલાનું નામ રેણુકા છે. એ એક સવારે સાડા પાંચનું એલાર્મ વાગે છે તે સાથે જ રોજની જેમ બહુ મોડું થઈ ગયું હોય તેવા ફડકા સાથે બેઠી થાય છે. એને યાદ આવે છે કે એનાં બે સંતાનો કૉલેજની ટ્રિપમાં ફરવા ગયાં છે અને પતિ ગઈ રાતે ઑફિસના કામસર મુંબઈ ગયો છે. ઘરમાં કોઈ ન હોય એવી પરિસ્થિતિ રેણુકા માટે નવી હતી. એ ફરી સૂઈ ગઈ. એણે આજે ઘરના બીજા લોકો માટે કશું કરવાનું નહોતું, એ પોતાની રીતે દિવસ પસાર કરી શકે તેમ હતી.
એ આરામથી ઊઠી, ચા બનાવી, પતિની જેમ બાલ્કનીમાં બેસી એણે નિરાંતે ચા પીતાં પીતાં છાપું વાંચ્યું. રસોઈ બનાવવાનો કંટાળો આવતો હતો. એણે બહાર ખાઈ લેવાનું નક્કી કર્યું. એણે બે-ત્રણ જૂની બહેનપણીઓને ફોન કર્યા. બધીને નવાઈ લાગી કે રેણુકાને ફોન કરવાનો ટાઈમ મળ્યો? કોઈ બહેનપણી ફ્રી નહોતી, બધી એમની રોજિંદી દોડધામમાં વ્યસ્ત હતી. કામવાળી કામ કરીને ગઈ પછી રેણુકા આરામથી તૈયાર થઈ બહાર નીકળી, શોપિન્ગ મોલમાં અમસ્તી અમસ્તી મોજ પડે તેમ ફરી, બુક સ્ટોરમાં પુસ્તકો ઉથલાવ્યાં, એ તો નવાં પુસ્તકોના લેખકોનાં નામથી પણ અજાણ હતી. રેસ્ટોરન્ટમાં પોતાની જ પસંદગીની વાનગી ખાધી. સિનેમાગૃહમાં ફિલ્મ જોઈ, ઘરની બાજુમાં આવેલા ગાર્ડનમાં નિજાનંદે થોડા ચક્કર માર્યા. મોડી સાંજે ઘેર પહોંચી. જમવાની ઇચ્છા નહોતી. દૂધ પીને થોડી વાર વાંચ્યું. બહુ થાકી ગઈ હતી, પરંતુ આજનો થાક રોજના થાકથી જુદો હતો. એને સવારે લાગ્યું હતું કે એ ઘરમાં એકલી છે, પરંતુ વાસ્તવમાં એ એકલી નહોતી, એ આખો દિવસ પોતાની સાથે રહી હતી. એણે પોતાની રીતે, પોતાની મરજી મુજબ, એને રસ પડ્યો તે કરતી રહી હતી. એ આજે બીજા લોકો માટે જીવી નહોતી, પોતાના માટે જીવી હતી.
ઍલિનોર હૉલ નામની અમેરિકન મહિલાને બત્રીસ વરસના લગ્નજીવન પછી પ્રશ્ર્ન થયો કે પોતે કોણ છે? એ પોતાની પસંદગી પ્રમાણે જીવે છે કે બીજાની પસંદગીને જ અનુકૂળ થવાની કોશિશ કરતી રહી છે? એક રજાના દિવસે એ દરિયાકિનારે ગઈ. ત્યાં બેસીને પોતાના જીવન વિશે ધ્યાનથી વિચાર્યું. એ યોગ્ય વ્યવસાયમાં હતી, સહકાર્યકર્તાઓ પણ સારા હતા. તેમ છતાં એને કશુંક ખૂંચતું હતું. એણે એની નોકરીમાં બીજા લોકોના જ આદેશ પ્રમાણે કામ કર્યું હતું, પોતાના નિર્ણયોને એણે દાબી દીધા હતા. એવું જ ઘરમાં બનતું હતું. એ ઘરમાં પણ પોતાની ઇચ્છા મુજબ રહેતી નહોતી. પતિને અને સંતાનોને શું ગમશે એનો જ વિચાર કરતી રહી હતી. ઘરમાં કોઈએ કોઈ પણ બાબતમાં એનો અભિપ્રાય જાણવાની પરવા કરી નહોતી. એ સતત બીજાના જ વિચાર કરતી રહી હતી. એ દિવસે લાંબું મનોમંથન કર્યા પછી એણે પોતાની રીતે પણ જીવવાનો નિર્ણય કર્યો.
રેણુકા અને ઍલિનોરની જેમ આપણે બધાં એક યા બીજા કારણોસર પોતાના માટે જીવવાનો અનુભવ ચૂકી જઈએ છીએ. નોકરી કરતા લોકો પોતાનું બધું જ ઢબૂરીને જીવન ઘસડતા રહે છે. યાંત્રિક બની ગયેલા જીવનમાં સાચા આનંદની ક્ષણો ભુલાઈ જાય છે. બીજા માટે કશુંક કરવું એ પણ જિંદગીનો મહત્ત્વનો હિસ્સો છે, પરંતુ એ જ પૂરતું નથી. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લેવાથી અથવા સંજોગો પ્રતિકૂળ ન હોવાથી ઘણા લોકો જાણે બીજી વ્યક્તિનું અથવા બીજા કોઈ વતી જીવી જાય છે. દરેક સમજુ અને સંવેદનશીલ વ્યક્તિને કોઈક તબક્કે તો વિચાર આવતો જ હશે કે એણે જાતને વિસારે પાડી દીધી છે. કવયિત્રી સાનોબર ખાન કહે છે: “બીજાના બગીચાની સંભાળ રાખવામાં તમારાં ફૂલોની સંભાળ રાખવાનું ભૂલતા નહીં.”
અંગતતાનું પણ મહત્ત્વ છે. થોડું અંગત રીતે જીવી લેવામાં સ્વાર્થવૃત્તિ નથી, આપણે જાત ઉપર કરેલો ઉપકાર છે. રોજિંદી ઘટમાળમાંથી બહાર નીકળીને જોવાથી આપણી ભીતર રહેલી વ્યક્તિના સંપર્કમાં આવીએ છીએ. આપણે જીવેલા સામૂહિક સમય દરમિયાન આપણી ભીતરની વ્યક્તિને સાવ ભૂલી જઈએ છીએ. આપણી ચિંતાઓ, આપણે માની લીધેલી પ્રાયોરિટીઝ, આપણે એકલાએ ઉપાડી લીધેલી કેટલીય જવાબદારીઓને કારણે આપણી ભીતર રહેતા જણથી સાવ અજાણ્યા બની જવાય છે. જીવનમાં ક્યારેક સમય કાઢીને ભીતરના જણ સાથે પણ દોસ્તી કરવા જેવી હોય છે.
રોહિણીને અચાનક પોતાની સાથે રહેવાની તક મળી. એણે નક્કી કર્યું: “હવે પછી મહિનામાં એક દિવસ મારા માટે જ અલગ કાઢીશ. તે દિવસે મને ગમશે તે કરીશ, સવારે સાડા પાંચનું એલાર્મ વાગશે તો હું બંધ કરી દઈશ, નિરાંતે ચા પીશ, સંગીત સાંભળીશ, ગમતું વાંચીશ, ફરવું હશે ત્યાં ફરીશ, પછી થાકીને ઘેર આવી નિરાંતે ઊંઘી જઈશ – જેથી બીજા દિવસે સવારે સાડા પાંચનું એલાર્મ વાગતાં જ હું મારા ઘર માટે જીવવાનું શરૂ કરી શકું. મારો થાક હું જ ઉતારી શકીશ.”
***
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com
કદાચ….
જીવનના બન્ને પાસાં એક સાથે જીવી શકાય. રોજ ૧૦ મિનિટ – માત્ર દસ જ મિનિટ – પોતાના માટે ચોરી લેવા જેવી ચૌર્ય કળા દરેકે શીખવી જ રહી ! મારા અંગત મતે ‘હોબી’ એ ધ્યાન માટેની સર્વોત્તમ ક્રિયા છે.