ટાઈટલ મ્યુઝીક : ૭ : પ્યાસે નૈન (૧૯૮૯)

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

એક જ સંગીતકાર પોતાના માટે કેટકેટલાં અલગ નામ વાપરી શકે? અને એમાંના કયા નામથી તે જાણીતા બની શકે? વી.જી.ભાટકર તેમનું આદ્યાક્ષરી નામ. આ નામે તેમણે શરૂઆતમાં સંગીત આપ્યું. તેમના નામમાં ‘વી’ એટલે વાસુદેવ. એ મુજબ અમુક ફિલ્મોમાં તેમણે વાસુદેવ ભાટકરના નામે સંગીત આપ્યું. એ સમયે શાંતારામ વનકુદ્રેએ પોતાની અટકના આદ્યાક્ષરને નામની આગળ મૂકીને ‘વી. શાંતારામ’ લખવાનું શરૂ કરેલું. સંગીતકાર રામચંદ્ર ચીતલકરે આ પ્રથા અપનાવીને પોતાનું નામ ‘સી.રામચંદ્ર’ લખવાનું શરૂ કર્યું. એ જ તરાહ પર વાસુદેવ ભાટકર બન્યા ‘બી.વાસુદેવ’. કેટલીક ફિલ્મોમાં તેમણે આ નામે સંગીત પીરસ્યું. અલબત્ત, ઘરેડ સંગીતપ્રેમીઓ તેમના નામના આ ફેરફારોથી વાકેફ છે. મઝાની વાત એ છે કે આ સંગીતકાર પોતાના એક પણ નામથી એટલા જાણીતા ન બન્યા. તેઓ જાણીતા બન્યા સ્નેહલ ભાટકરના નામે, જે હકીકતમાં તેમની દીકરીનું નામ હતું. વાસુદેવ ભાટકર એચ.એમ.વી. કંપનીમાં માસીક પગારદાર તરીકે નોકરી કરતા હતા. એ સમયે તેમને ફિલ્મોમાં સંગીતકાર તરીકે કામ મળવા લાગ્યું. કરાર મુજબ પોતાના મૂળ નામે તેઓ આ કામ સ્વીકારી ન કરી શકે, તેથી તેમણે નામ ધારણ કર્યું દિકરી સ્નેહલનું. અંતરગ વર્તુળમાં તેઓ ‘ભજની બુઆ’ તરીકે ઓળખાતા હતા. પણ કોઈ સમારંભમાં જાય તો તેમનો ઉલ્લેખ મોટે ભાગે ‘સ્નેહલજી’ તરીકે થતો.

2004-05 ના અરસામાં તેઓ વડોદરામાં (હવે સ્વ.) પ્રો. યોગેશ યાદવ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમના દીકરા રમેશ ભાટકર સાથે આવેલા. (રમેશની મુખ્ય ભૂમિકાવાળી ટી.વી.ધારાવાહિક ‘કમાન્‍ડર’ એ વખતે જાણીતી હતી.) એ વખતે પણ તેમનો ઉલ્લેખ ‘સ્નેહલજી’ તરીકે જ કરાયેલો. વિવિધભારતીનો શ્રોતા હોય અને ફિલ્મસંગીતમાં સામાન્ય જાણકારી જ હોય તો પણ તેણે ‘હમારી યાદ આયેગી’ ફિલ્મનું મુબારક બેગમના સ્વરે ગવાયેલું ‘કભી તન્‍હાઈયોં મેં યૂં હમારી યાદ આયેગી’ ન સાંભળ્યું હોય એ બને નહીં. કેદાર શર્માએ લખેલા આ ગીતને સંગીતબદ્ધ કરનાર હતા સ્નેહલ ભાટકર. એક રીતે કહીએ તો આ એક જ ગીત તેમની સમગ્ર કારકિર્દીની ઓળખ સમાન બની રહ્યું.

1946 માં રજૂઆત પામેલી ‘રુકિમણીસ્વયંવર’થી પોતાની કારકિર્દીનો આરંભ કરનાર સ્નેહલ ભાટકરે કુલ 27 હિન્‍દી ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમના સંગીતવાળી અંતિમ હિન્‍દી ફિલ્મ હતી 1994માં રજૂ થયેલી ‘સહમે હુએ સિતારે’. બારેક મરાઠી ફિલ્મોમાં તેમણે સંગીત પીરસ્યું હતું.
કેટલીક ફિલ્મોમાં તેમણે ગીતો પણ ગાયાં હતાં.

કેદાર શર્મા સાથે તેમનું ટ્યુનિંગ ખૂબ હતું એમ જણાય છે. તેમના દ્વારા દિગ્દર્શીત તેર ફિલ્મોમાં સ્નેહલ ભાટકરનું સંગીત છે. સ્નેહલ ભાટકરના સંગીતની વિશિષ્ટતા મારી દૃષ્ટિએ તેમની ધૂનોમાં રહેલી સાદગી તેમજ ભારતીયપણું છે. સ્નેહલ ભાટકરનું વ્યક્તિત્વ પણ એવું જ સાદગીભર્યું જણાતું. વડોદરામાં તેઓ મંચ પર ઊપસ્થિત થયા ત્યારે સફેદ પેન્‍ટ-શર્ટ અને સફેદ ટોપીમાં અસલ મરાઠી સદ્‍ગૃહસ્થ જેવા લાગતા હતા. સ્વાસ્થ્યની મુશ્કેલી હોવા છતાં તેમણે ‘કભી તન્‍હાઈયોં મેં..’ ગીતનું મુખડું ગાઈ સંભળાવ્યું હતું.

1990-91ની આસપાસ હું અને ઉર્વીશ મુંબઈ જઈને જૂના કલાકારોને મળવાનો પ્રયાસ કરતા હતા. એ વખતે કેદાર શર્માની મુલાકાત માત્ર આઠ-દસ મિનીટ પૂરતી તેમના નિવાસસ્થાને લેવાનું બનેલું. જો કે, એટલી ટૂંકી મુલાકાતમાં અમે તસવીરો લીધા સિવાય કશું કરી શક્યા નહોતા.

‘પ્યાસે નૈન’ ફિલ્મ પણ કેદાર શર્મા નિર્મિત-દિગ્દર્શીત હતી, જેની રજૂઆત ૧૯૮૯ માં થઈ હતી. કાનન કૌશલ, યુવરાજ, મધુપ શર્મા, નાઝ વગેરેની તેમાં મુખ્ય ભૂમિકા હતી.

આ સમયગાળો એવો હતો કે સીત્તેરના દાયકાના ઊત્તરાર્ધમાં બપ્પી લાહિરી નામના વાવાઝોડાએ ત્રાટકીને ફિલ્મસંગીતમાંથી માધુર્યનો ખાત્મો બોલાવી દીધો હતો. વાવાઝોડાની અસર શમે અને બધું યથાવત થવાની શરૂઆત થાય એમ ફરી એક વાર માધુર્યના પ્રવેશનો આરંભ થયો હતો.

આવા વાતાવરણમાં પણ ‘પ્યાસે નૈન’નું સંગીત કેવળ સિતાર અને તબલાં પર જ છે અને ધારી અસર નીપજાવે છે.

‘પ્યાસે નૈન’નાં ગીતો કેદાર શર્માએ લખેલાં હતાં. ‘ઓ નિર્મોહી, આ રે આ રે’ (બેલા સાગર), ‘આઓ આવાઝ સે આવાઝ મિલાકર ગાયેં’ (સુમન કલ્યાણપુર, મ.રફી), ‘માર ડાલા સાંવરિયા ને’ (સુમન કલ્યાણપુર), ‘મેરી બાંહોં મેં જો આઓગે’ (સુમન કલ્યાણપુર), ‘ઝિંદગી કે સફર મેં અન્‍જાને’ (મહેશ ચંદર, સુલક્ષણા પંડિત), અને ‘જિનકા સજન ને હાથ’ (મહેશ ચંદર, સુલક્ષણા પંડિત) – એમ કુલ છ ગીતો હતાં.

આ ફિલ્મનાં ટાઈટલ પણ બહુ વિશિષ્ટ રીતે બનાવાયેલાં છે. ફોટોગ્રાફી કર્યા પછી જેમણે ડેવલપિંગ રૂમમાં કામ કર્યું હશે તેમને ‘હાઈપો’, ‘એક્સપોઝર ટાઈમ’, ‘વૉશ’ જેવા શબ્દો યાદ આવી જશે.
અહીં આપેલી ટ્રેકમાં આ ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.


(નોંધ: તમામ તસવીરો નેટ પરથી તેમ જ ગીતોની લીન્‍ક યૂ ટ્યૂબ પરથી લીધેલી છે.)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ટાઈટલ મ્યુઝીક : ૭ : પ્યાસે નૈન (૧૯૮૯)

  1. MAHESHCHANDRA THAKORLAL NAIK
    April 18, 2019 at 7:23 am

    Very interesting, informative and innovative article on Indian music,Thanks for sharing with readers of ” webgurjari “Regards ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *