જયા-જયંત : અંક ૨: પ્રવેશ છઠ્ઠો

Facebooktwitterredditpinterestlinkedinmail

ન્હાનાલાલ દલપતરામ કવિ

પાત્રપરિચય

સ્થલ : ગિરિદેશ, વન, ને વારાણસી.

કાલ : દ્વાપર ને કલિની સન્ધ્યા.

મુખ્ય પાત્રો :

દેવર્ષિ : દેવોના ઋષિરાજ.

ગિરિરાજ : ગિરિદેશના રાજવી.

જયન્ત : ગિરિરાજનો મન્ત્રીપુત્ર.

કાશિરાજ : વારાણસીના રાજવી.

વામાચાર્ય : યોગભ્રષ્ટ યોગી.

તીર્થગોર : પાપમન્દિરનો પૂજારી.

પારધી : પશુત નો શિકારી.

રાજરાણી : ગિરિદેશનાં રાણીજી.

જયાકુમારી : ગિરિદેશની રાજકુમારિકા.

તેજબા : તીર્થગોરની બહેન.

શેવતી : તીર્થગોરની બ્રહ્મકન્યા.

નૃત્યદાસી : એક દાસી.

-૦-

                                  અંક ૨
                            પ્રવેશ છઠ્ઠો

             સ્થલકાલ: અક્ષયતૃતિયાને મેળે જવાનો માર્ગ

જોગીઓ : પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
રૂપું ધન, ધન સોનું,
હો અબધૂત ! હીરા મોતી ઝવેર,
હો અબધૂત ! હીરા મોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન: ચળ સહુ;
અચળ બ્રહ્મની લહેર;
પરમ ધન પ્રભુનાં લેજો લોક !
નહીં સૂરજ, નહીં ચન્દ્ર,
હો અબધૂત ! નહીં વીજળીચમકાર,
હો અબધૂત ! નહીં વીજળીચમકાર;
અગમનિગમની યે પાર; અપાર એ
બ્રહ્મ તણા ભંડાર;
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
દૂર થકી પણ દૂર,
હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ,
હો અબધૂત ! પ્રાણ થકી પણ પાસ;
ઉગે તપે કે આથમતાં યે
એ ધન છે અવિનાશ;
પરમ ધન પ્રભુનાં લેજો, લોક !

એક જોગી :દેવર્ષિજીએ આદેશ દીધો કે
‘હિમાલયમાંથી ઉતરો,
જાવ કાશીની હરિકુંજમાં દર્શને.
સ્‍હમજાવ્યું સ્થૂલસૂક્ષ્મનું મહાસત્ય કે
‘નથી મપાતા રજસ્ કે સત્ત્વ કદી
દેહના ચ્‍હડવા-ઉતરવાથી
મપાય છે મનુષ્યની મોક્ષયાત્રાના ગાઉ. ‘
કાલે ઉગશે અક્ષયતૃતિયા.
ગંગાસ્નાન કરી યાત્રા આદરશું
બ્રહ્મવનમાં બ્રહ્મર્ષિનાં દર્શન કાજે.
ગાવ, સાધો ! ગાવ,
જગાવો બ્રહ્મજ્યોતિનો જય !

જોગીઓ: પરમ ધન પ્રભુનાં લેજો, લોક !

-૦-

( ક્રમશ: )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *