બીઝનેસ સૂત્ર | ૧૦.૩ | રાસ -લીલા: એક પરિપૂર્ણ સંસ્થા

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ

બીઝનેસ સૂત્ર

બીઝનેસ સૂત્ર | ૧૦ | સમાપનવ્યાપાર કરવાની ભારતીય રીતરસમ

– સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી.

નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે.

– બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે.

– ચોથા અંકમાં ‘સંઘર્ષ’ની ચર્ચા નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને ‘સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે’?ના સંદર્ભમાં કરેલ છે.

– પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ.

– છઠ્ઠા અંકમાં ‘માપ’ની ચર્ચા માટે તેઓએ પહેલા ભાગમાં . ‘શું માપી શકાય?’, બીજા ભાગમાં ‘હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા’ અને ત્રીજા ભાગમાં આ પ્રકારની માપણીના આધારે ‘તમે કેટલા મહાન છો?‘ની ચર્ચા કરી હતી.

– ૭મા અંકના પહેલા ભાગમાં ‘પર્યાવરણ’ વિષયને અનુલક્ષીને કરાયેલ ચર્ચા દરમ્યાન ફલિત થતું જણાય છે કે માનવ સભ્યતાનો વિકાસ કુદરતી સંસાધનોના ભોગે થાય છે. બીજા ભાગમાં બતાવાયું છે કે જ્યારે માનવી પોતાનાં સાધનોનો સંપોષિત રીતે ઉપયોગ કરવાની સીમા ઉલ્લંઘે છે ત્યારે કુદરત વળતો પ્રહાર કરે છે.

– ૮મા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કૌટુંબીક ઝઘડા’ને પ્રસ્તુત શ્રેણીમાં ચર્ચાના વિષય તરીકે પસંદ કરેલ છે. જેની ચર્ચાની શરૂઆતમાં પહેલા ભાગમાં તેમણે ‘ભાઈઓની ત્રણ જોડી‘માં નૈતિક સ્તરે માલિકીની ભાવનાને, બીજા ભાગમાં ‘સ્વ અને સ્વ-છબી‘ને અને ત્રીજા ભાગમાં નિષ્ઠા અને ધર્મ ને સાંકળી લીધેલ છે.

– ૯મા અંકના વિષય, ભેદભાવ,બાબતે પુરાણોનો દૃષ્ટિકોણ સમજવા માટે પહેલા ભાગમાં ‘જાતિ : કોણ ચડીયાતું – પુરુષ કે સ્ત્રી?’, બીજા ભાગમાં પદાનુક્ર્મનું નિર્માણ કેમ થયું? અને ત્રીજા ભાગમાં નાતજાત – બ્રાહ્મણનું મૃત્યુ ની ચર્ચા કરવામાં આવી છે.

૧૦મા, છેલ્લા અંકમાં, દેવદત્ત પટ્ટનાઈક ભારતીયતા વિષે ચર્ચા કરે છે.. દેવદત્ત પટ્ટનાઇકનું કહેવું છે કે ભારતીય વિચારોને અનુ-અનુ-આધુનિક નવી નજરે જોવાનો સમય પાકી ગયો છે. અનુ-અનુ-આધુનિક દૃષ્ટિકોણ બધાંનો સંદર્ભ જૂએ છે, અને તેને કારણે ભારતીય માન્યતાઓની સાપેક્ષ વાસ્તવિકતાઓને સમજે છે અને બીજી વિચારસરણીઓથી તે અલગ છે તેમ સ્વીકારે છે ભલે દરેક પરિસ્થિતિઓમાં નહીં, પણ અમુક પરિસ્થિતિઓમાં તે ઉપયોગી પણ છે. ‘વ્યાપાર કરવાની ભારતીય પદ્ધતિ’ વિષે વાત કરતાં પહેલા ભાગમાં દેવદત્ત પટ્ટનાઈકે નિયતિ વિ. અભિલાષા નો અને બીજા ભાગમાં જુગાડ – સારૂં કે ખરાબ? એવા બે દૃષ્ટિકોણ આપણી સમક્ષ મૂક્યા હતા.

બીઝનેસ સૂત્ર | ૧૦.૩ | રાસ -લીલા: એક પરિપૂર્ણ સંસ્થા

પહેલં તો જોઈએ કે પાશ્ચાત્ય મૅનેજેમૅન્ટ સાહિત્યમાં ‘પરિપૂર્ણ સંસ્થા’ વિષે શું કહેવામાં આવ્યું છે.

હાવર્ડ બીઝનેઝ રિવ્યૂના લેખ, Creating the best workplace on earth’,માં રૉબ ગૉફી અને ગેરેથ જોન્સ ‘આપણાં સ્વપ્નની સંસ્થા’માં વ્યક્તિગત તફાવતોને સમજવામાં આવે; માહિતી દાબી દેવામાં ન આવે કે તોડમોડ કરીને રજૂ ન કરવામાં આવે; કર્મચારીમાંથી કસ ચુસી લેવાને બદલે તેની કારકીર્દીમાં મૂલ્ય વૃદ્ધિ કરવામાં આવે; સંસ્થાનું વજૂદ કંઈક અર્થપૂર્ણ ઉદ્દેશ્ય માટે હોય; કામ સહજ રીતે જ સંતોષપ્રેરક હોય અને નિયમો મૂરખ ન હોય એવું વાતાવરણ અપેક્ષા કરે છે. આદર્શ સંસ્થા પોતાની સંસ્કૃતિના પ્રભાવકારી પ્રવાહોની ઉપર ઊઠી શકતું હોવું જોઈએ.

આ વિષય પર જૂદ જૂદા દૃષ્ટિકોણથી ઘણું બધું લખાયું છે, જેનો મુખ્ય સુર તો લગભગ આ હાર્દની આસપાસ જ ગૂંજતો જોવા મળે છે.

ખાસ્સા જૂદા સંદર્ભમાં ભલે પણ, રવિન્દ્રનાથ ઠાકુરે તેમનાં કાવ્યમાં આ જ ભાવને વણી લીધો છે.

દેવદત્ત પટ્ટનાઈકની ટીવી શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ની આપણી આ સફરના ૧૦મા અંકના, ત્રીજા અને છેલ્લા ભાગની ‘પરિપૂર્ણ, આદર્શ, સંસ્થા‘ વિષયક ચર્ચાને તેમણે ‘રાસ-લીલા‘નાં રૂપક સાથે સાંકળેલ છે. આવો જોઈએ, તેઓ આ વિષે શું કહે છે –

ભારતીય સર્જનાત્મકતા, જુગાડ ને પશ્ચિમની અનુમાનીયતા વચ્ચેના તફાવતના સંદર્ભમાં ફ્યુચર ગ્રૂપના સ્થાપક કિશોર બિયાની આ બન્ને પ્રકારની માન્યતાઓ અને વર્તણૂક વચ્ચેના ફરક વિષે બહુ સુંદર વાત કહે છે –

આ બે પૈકી કયું મોડેલ અપનાવવું જોઈએ ? મારું માનવું છે કે આપણે એક એવું સંયોજન બનાવવું જોઇએ જેમાં પ્રક્રિયાઓ અને તંત્ર વ્યવસ્થા પાશ્ચાત્ય પધ્ધતિ મુજબ ઘડવામાં આવે અને ગ્રાહકો અને કર્મચારીઓ સાથેના માનવીય સંબંધો કે સંસ્થાની સંસ્કૃતિ જેવાં વ્યાપારનાં સૉફ્ટ પાસાંઓ માટે ક્રિયામૂલક શિક્ષણ, અને નેતૃત્ત્વનાં (પણ) ભારતીય મોડેલને અનુસરતાં હોય.

આ તબક્કે આપણે ફરીથી આપણી આ શ્રેણીની શરૂઆત ના સૌથી પહેલા સવાલ પર આવીને ઊભાં રહી જઈએ છીએ – વ્યાપાર કરવાની આગવી ભારતીય શૈલી જેવું કંઈ હોઈ શકે, જેમાં ભારતીય શૈલીની લોકો સાથે કામ લેવાની વિચારસરણી અને પશ્ચિમની પ્રક્રિયાઓ વિષેની તંત્રવ્યવસ્થાનું સંયોજન હોય ?

આ વાત સમજવા માટે આપણે પાછળના ઈતિહાસમાં જવું જોઈશે. લગભગ ૩૦૦ વર્ષ પહેલાં યુરોપમાં એક બહુ મહત્ત્વની ક્રાંતિ ફેલાઈ વળી. ત્યાં સુધી યુરોપમાં રાજાશાહી અને ચર્ચનો શબ્દ આખરી ગણાતો.એક સમયે કેટલાંક લોકોએ આ સામે અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે આવું થોડું ચાલે. ચર્ચ અને રાજા જે કહે તે જ સાચું એવું નક્કી કરનાર એ લોકો કોણ? શું સાચું કે શું ખોટું તે તો તર્કના આધારે નક્કી થવું જોઈએ. વૉલ્ટેર જેવા સુધારાવાદી વિચારકોએ સમાજમાં નવજાગૃતિનાં બીજ વાવ્યાં. એ પછી હેજેલ, ન્યુટન અને અન્ય વૈજ્ઞાનિકો અને વિચારકો નવજાગૃતિના કેન્દ્રમાં આવ્યા. નવી નવી શોધોએ ઔદ્યોગિક ક્રાંતિનો પવન ફેલાવી દીધો. આ બધાંઓનો આધાર હતો વિચારશક્તિ જે ઔદ્યોગિક ક્રાંતિનું મુખ્ય ચાલક બળ હતી. દરેક બાબત તર્કબધ્ધ, બુદ્ધિગમ્ય અને વાસ્તવિક હોવી જોઈએ. મૅનેજમૅન્ટ વિ્જ્ઞાન આ વિચારમંથનની નિપજ છે. જોકે તે સાથે એ અનુમાન પણ સ્થાયી થતું ગયું કે જે કંઇ તર્કબદ્ધ છે તે સર્વવ્યાપક છે.

સમસ્યા હવે આવે છે. આ વિચારો જ્યારે પૂર્વમાં – ચીન અને ભારતમાં- આવ્યા ત્યારે તેને સીધા જ આયાત કરીને ઠોકી બેસાડવામાં આવ્યા. જોકે ‘૭૦ના દાયકામાં ફરી કે બહુ રસપ્રદ ઘટના બની, જેમાંથી એક નવા જ પ્રકારના વિચારકોનો ફાલ બહાર પડ્યો, જેમને અનુ-આધુનિક વિચારકો તરીકે ઓળખવામાં આવે છે. આ વિચારકોનું કહેવું હતું કે આપણે જેને તર્કબધ્ધ કહીએ છીએ તે તો સંસ્કૃતિમાંથી નીપજેલ છે. આ મુદ્દે પૌરાણીક કથાઓ મૅનેજમૅન્ટ વિચારસરણીમાં યોગદાન આપી શકે છે. મૅનેજમૅન્ટ કાર્યપધ્ધતિનો ઉદભવ એવી નિરપેક્ષ વાસ્તવિકતાનાં ઘડતરની ઈચ્છામાંથી થયો, જે અબાધિત, પરિપૂર્ણ હોય અને માનવ અસરર્થી મુક્ત હોય. પરંતુ એ તો માનવ મસ્તિષ્કનો માત્ર અર્ધો ભાગ જ થયો, જ ડાબાં મગજ દ્વારા નિયંત્રિત થાય છે. તે સાથે માનવ મગજના જમણા ભાગને પણ કેમ નજરઅંદાજ કરી શકાય. પણ હકીકત એ છે કે છેલાં ત્રણસો વર્ષની વિચારધારાએ તેને અવગણ્યુ છે. જમણું મસ્તિષ્ક કહે છે કે દરેક માણસ એક અલગ વ્યક્તિત્ત્વ છે જેને પોતાની આગવી સાપેક્ષ વાસ્તવિકતા છે. એ સાપેક્ષ વાસ્તવિકતાને સમજવી અને સ્વીકારવી જ રહી, નહીં તો વિસંવાદોમાં ઘેરાયેલાં રહેવાની તૈયારી રાખવી.

આપણી આ વર્તમાન શ્રેણી – બીઝનેસ સૂત્ર- નો છેલ્લો પ્રશ્ન હું પૂછીશ – પૌરાણિક કથાઓમાં કોઈ પરિપૂર્ણ સંસ્થાનું મૂર્ત સ્વરૂપ જોવા મળે છે – જે પોતાના ઉદ્દેશ્ય માટે આદર્શ ઘડાયું હોય અને અમલમાં પણ આદર્શ રહ્યું હોય?

હા, છે ને ! સંસ્થા શા માટે અસ્તિત્વમા આવે છે? જંગલ – પોતાનાં મૂળ સ્વરૂપમાં કાર્યરત કુદરત – સામે આપણે ટકી નથી રહી શકતાં એટલે માણસે સંસ્થાને ઘડી. કુદરત જ્યારે તેનાં અસલી રૂપમાં હોય છે ત્યારે આપણને તેનો ડર લાગે છે, જેની સામે આપણે સલામતી અને સુરક્ષાનો વિકલ્પ શોધીએ છીએ. માણસે શોધેલો એ વિકલ્પ છે – સંસ્થા. જે કોઈ સાવેસાવ બેકાબૂ છે તેને સંસ્થાનાં વાતાવરણમાં આપણે કેળવીએ છીએ. આમ સંસ્થા કેળવાયેલ લોકોનો એક સમુહ બને છે, જે આગળ જતાં ખુદ એક સમસ્યા બને છે. કોઈને પણ, કાયમ, પૂરેપૂરું સભ્ય, ડાહ્યું ડમરું બનીને, રહેવું ગમતું નથી, દરેક વ્યક્તિને પોતે સ્વભાવગત જે કંઈ છે તેમ બની રહેવા માટેની થોડીક પણ મુક્ત જગ્યા જોઈતી હોય છે. સલામતી અને સુરક્ષાનાં વાતાવરણમાં પણ વ્યક્તિની અંગત મુક્ત રહેવાની ઝંખના સાવ લુપ્ત નથી થઈ જતી. એટલે દરેક વ્યક્તિ કુદરતી અવસ્થા અને કેળવાયેલ વાતાવરણવાળી સંસ્થાની સલામતીની વચ્ચે પોતપોતાનું સંતુલન શોધે છે.

આનું શ્રેષ્ઠ ઉદાહરણ કૃષ્ણની રાસ-લીલા છે. રાસ-લીલાનાં નૃત્ય પરંપરાગત રીતે જે ભયનુ સ્થાનક ગણાય છે તે જંગલમાં કરવામાં આવે છે. તે ભજવાય છે પણ રાત્રે. આમ ગામની બહાર, માર્મિક દૃષ્ટિએ સંસ્થાની બહાર, રાતના એકાંતમાં તે ભજવાય છે. અહીં ગામ, સમાજ, રિવાજની સલામતીની કોઈ દૃશ્ય કે અદૃશ્ય વાડ નથી. તેમ છતાં તેમાં ભાગ લેતી દરેક વ્યક્તિને કોઈ જ ભય પણ નથી. બધાં મોકળાં મનથી નૃત્ય કરે છે અને દિલથી આનંદ માણે છે.

આ પરિપૂર્ણ સંસ્થાનાં સ્વરૂપમાં તેઓ એક વર્તુળમાં ગોઠવાય છે. વર્તુળ ગણિતના નિયમોને અનુસરતી એક ચોક્કસ આકૃતિ છે, જેમાં દરેક વ્યક્તિ કેન્દ્રસ્થ નેતૃત્વથી સમાન અંતરે છે. કેન્દ્ર પણ તેમને સરખા અંતરનું સરખું માન આપે છે. આમ દરેક વ્યક્તિ સમુહમાં હોવા છતાં પોતપોતાનાં અંગત બિંદુનાં મહત્વનાં સ્થાને છે. રાસ-લીલાનાં કેન્દ્રમાં કૃષ્ણ છે જે ગોપગોપીઓના આદર્શ નેતા – મિત્ર, તત્વજ્ઞાની અને માર્ગદર્શક- છે. ગોપગોપીઓ કોઈ જ પ્રકારના ભય વગર નૃત્ય જેવાં આનંદનાં એક મુક્ત સ્વરૂપનાં જીવનનો આનંદ માણે છે. તેમણે અહીં આવવું ફરજિયાત નથી. રાસ-લીલામાં ભાગ લેવા માટે કોઈ રિવાજ કોઈ નિયમ, કોઈ ફરજ કે કોઈ સામાજિક તંત્રવ્યસ્થાનું બંધન નથી. અને તેમ છતાં પૂર્ણ વર્તુળમાં, નૃત્યના ચોક્કસ તાલે,આ સામુહિક પ્રવૃત્તિમાં દરેક વ્યક્તિ ભાગ લે છે. જો કદાચ, કોઈ એક વ્યક્તિ પણ આ વ્યવસ્થાનો ભંગ કરે છે તો કૃષ્ણ ત્યાંથી જતા રહે છે. આટલો જ ભય છે.

આ દૃષ્ટાંતને વ્યાપાર ઉદ્યોગ સાથે સાંકળીએ તો એમ કહી શકાય કે જંગલ એ મુક્ત બજાર છે જેમાં કૃષ્ણ જેવા ઉદ્યોગ સાહસિક પોતાનાં નેતૃત્વમાં એક સાહસ શરૂ કરે છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાની રચનાત્મક સુઝ મુજબ કામ કરીને સંસ્થાના લાંબા ગાળાનાં ઉદ્દેશ્યને સિધ્ધ કરવા પોતાથી શક્ય એટલું શ્રેષ્ઠ યોગદાન આપે છે. વ્યક્તિ પોતાનું ૧૦૦% યોગદાન આપવાનું, સમયસર આવવાનું સમયસર જવાનું, એટલા માટે નથી કરતી કે તેણે અમુક વળતર માટેનો એક કરાર કર્યો છે. પણ એટલા સારું કરે છે કે તેનું દિલ તે કરવા તેને પ્રેરે છે. એનાં દિલની એ સાચી લગન, ભક્તિ છે.

વાસ્તવિક જીવનમાં આ શકય છે? હં…આપણી પૌરાણિક કથાઓની તો એ વરદાયીની ભૂમિ છે – વો સુબહ કભી તો આયેગી………

આજના અંકમાં આદર્શ સંસ્થાની પરિકલ્પનામાં દરેક વ્યક્તિ પોતાની દિલની ભક્તિથી સંસ્થા માટે પોતાની ૧૦૦% શક્તિઓ કામે લગાડે છે, પરંતુ એનાપર મુરખ નિયમોનાં બંધન નથી. તેને પોતાનાં વરિષ્ઠ સંચાલન નેતૃત્વનાં દીર્ઘદર્શન સાથે પોતાનાં મૂલ્યો સંકલાયેલાં દેખાય છે અને સંસ્થાના વિકાસમાં તેને પણ પોતાનો સર્વાંગી વિકાસ દેખાય છે. વાસ્તવિક જીવનમાં, જેમ જેમ સંસ્થાના સંદર્ભમાં ફરક થતા જશે તેમ તેમ વ્યક્તિના દૃષ્ટિકોણમાં પણ આ આદર્શ પરિસ્થિતિ વિષે થોડાઘણા ફરક થતા રહે તે સ્વાભાવિક છે. જો આપણી દોડ માત્ર ભૌતિક સંપત્તિ કે માનમરતબા માટે હશે, તો કાર્યસ્થળ આપણા માટે રણ-ભૂમિ બનશે. જ્યાં આપણે નિવેષકો, નિયમન સંસ્થાઓ, ગ્રાહકો, સ્પર્ધકો પુરવઠાકારો કે અન્ય સાથી કર્મચારીઓ જેવાં હિતધારકો સાથે મંચ પર યુધ્ધ ખેલીશું. જો આપણો દૃષ્ટિકોણ સંપતિ કે માનઅકરામ આપણને ખુદબખુદ શોધતાં આવશે તેવો હશે તો કાર્યસ્થળ આપણા માટે રંગ -ભૂમિ બનશે જ્યાં દરેક પાત્ર આવીને પોતાની નક્કી થયેલી ભૂમિકા દિલથી ભજવે છે અને વળતરમાં નિર્ભેળ આનંદ માણે છે. કયો દૃષ્ટિકોણ આપણે અપનાવી શું તેનો આધાર આપણી સાપેક્ષ વાસ્તવિકતાની માન્યતાઓ પર છે જે આપણા આચાર-વિચારને દોરશે, જે મુજબ વ્યાપાર જગતમાં આપણે આપણી ભૂમિકા ભજવીશું અને એ મુજબની આપણી નિરપેક્ષ વાસ્તવિકતા જીવીશું.


આ સાથે દેવદત્ત પટ્ટનાઈકની ટીવી શ્રેણી ‘બિઝનેસ સૂત્ર’ની જુદાં જુદા પાસાંઓ ની એક એક ભાગમાં થતી ચર્ચાનો આ દૌર આજે સમાપ્ત થાય છે. હવે પછીના અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે આ પછી થોડાં વર્ષો બાદ પ્રકાશિત કરેલ પુસ્તક ‘બિઝનેસ સૂત્ર’નાં પ્રકાશન સમયે આપેલાં કેટલાંક વિષયો વ્યક્તવ્યો પર એક નજર કરવાની સાથે આ શ્રેણી સમાપ્ત કરીશું.


નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *