





-બીરેન કોઠારી
આપણા શાસ્ત્રોમાં ચોસઠ પ્રકારની કળાઓ જણાવાયેલી છે. કહેવાય છે કે નાટ્યકળામાં તમામ કળાઓ સમાવિષ્ટ થઈ જાય છે. અર્વાચીન યુગમાં થયેલા સિનેમાના આવિષ્કાર પછી કહી શકાય કે સિનેમામાં સર્વ કળાઓ સમાઈ જાય છે. જો કે, હમણાં ઘોષિત કરવામાં આવેલી લોકસભાની ચૂંટણીઓનો માહોલ જોયા પછી સ્વીકારવું પડે કે ચૂંટણીમાં સર્વ કળાઓનો સમાવેશ આસાનીથી થઈ જાય છે. અફસોસ એટલો જ છે કે લોકશાહી અને પ્રજાતંત્ર જેવી ગંભીર અને અતિ મહત્ત્વની બાબતોને નામે ચૂંટણીપ્રચારના હાસ્યાસ્પદ અને મનોરંજક તાયફાઓ થતા રહે છે.
ચૂંટણી લડતા ઉમેદવારોના વર્તનની અપરિપકવતા હવે ચિંતાનો નહીં, ગૌરવનો મુદ્દો ગણાય એવું વાતાવરણ બની રહ્યું છે. હવે ઉમેદવારોની જીભ લપસતી નથી, બલ્કે જાણીબૂઝીને તેઓ બેફામ વાણીવિલાસ આદરે છે. આપણા દેશની સમસ્યાઓ શી છે? દર બે-ચાર મહિને સમસ્યાઓનું કેન્દ્ર અને તીવ્રતા જાણે કે કોઈ ચોક્કસ આયોજનનો ભાગ હોય એમ ફરતાં રહે છે. ક્યારેક ગૌવંશના રક્ષણનું ઝનૂન, કદીક એકલદોકલ વ્યક્તિ પર ટોળા દ્વારા થતા જીવલેણ હુમલાઓ, કોઈ વાર ત્રાસવાદી હુમલાઓ અને તેના વળતા જવાબનું રાજકારણ….એક મુદ્દો જે તે વખતે એ હદે વકરે કે જાણે દેશની સમસ્યાનું એપિસેન્ટર બની જાય. અને એ પછી બીજો મુદ્દો આવીને પેલા મુદ્દાનું સ્થાન એ રીતે લઈ લે કે જાણે અગાઉનો મુદ્દો કદી હતો જ નહીં. દલીલ-પ્રતિદલીલ, પુરાવા-પ્રતિપુરાવા, આરોપ-પ્રતિઆરોપ સામસામા એ રીતે ચાલે જાણે કે ‘અમે લઈ ગયા, તમે રહી ગયા’ની રમત ન હોય!
શિક્ષણનું કથળતું સ્તર, ગરીબી, બેરોજગારી, આરોગ્યસેવાઓમાં પ્રસરતો જતો સડો, કુપોષણ, જળસંકટ, પર્યાવરણ, નાગરિક પરિવહન વગેરે કઈ બલાનાં નામ છે? આ અને આવા અનેક મુદ્દાઓ એવા છે કે જે જમીની છે, ખરા અર્થમાં તે ચિંતાજનક છે, અને તેના વિશે કોઈ રાજકારણી હરફ સુદ્ધાં ન ઉચ્ચારે એ બાબત આપણને ખૂંચતી નથી. શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ, લોન, દેવાં વગેરે માફ કરવાની બિભત્સ સ્પર્ધામાં ઉતર્યા હોય એમ લાગે. નાણાં કોઈને ક્યાં પોતાના ખિસ્સામાંથી કાઢવાનાં છે? નક્કર અને લાંબા ગાળાનો ઊકેલ વિચારવાનું કોઈને સૂઝતું નથી.
ગયા સપ્તાહે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા બે આવેદનપત્રો પાઠવવામાં આવ્યા. એક સુરત જિલ્લા કલેક્ટરને, અને બીજું ગુજરાતના મુખ્યમંત્રીને. નર્મદા જિલ્લાના વણખૂંટા ગામની સીમમાં એક કંપની દ્વારા ખુલ્લામાં ઝેરી રાસાયણિક કચરો ઠાલવવાના વિરોધમાં આ આવેદનપત્ર અપાયું. આ કંપનીના ઓલપાડ એકમને કાયમી ધોરણે બંધ કરી દેવાની માગણી તેમના દ્વારા કરવામાં આવી. થોડા દિવસ અગાઉ વણખૂંટા ગામના કેટલાક યુવાનોએ ખુલ્લામાં રાસાયણિક કચરાનો સીધેસીધો નિકાલ કરતી ત્રણ ટ્રકોને પકડી હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને તેમણે સ્થળ પરથી નમૂના એકઠા કર્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી અને સંબંધિત વિભાગોને વધુ એક આવેદનપત્ર વડોદરાના પર્યાવરણવાદીઓ દ્વારા મોકલવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં આસપાસના ઉદ્યોગો દ્વારા ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ રહ્યું હોવાનો મુદ્દો તેમાં મુખ્ય હતો. પાદરા તાલુકાના લુણા ગામમાંથી લેવાયેલા ભૂગર્ભ જળના નમૂનામાં સી.ઓ.ડી. (કેમિકલ ઑક્સિજન ડિમાન્ડ)નું પ્રમાણ અતિશય ઊંચું જોવા મળ્યું હતું, જે અત્યંત ખતરનાક પરિસ્થિતિ કહી શકાય. આ ખરેખર પાણી નહીં, ઝેરી રસાયણ જ છે. અલબત્ત, આ બાબતની અહીં નવાઈ નથી. ૨૦૧૭માં સુપ્રિમકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે ભૂગર્ભજળને પ્રદૂષિત કરતા ઉદ્યોગો પાસેથી વળતરની વસૂલાત કરવી, ઉદ્યોગો ચલાવવા માટે આપેલા લાયસન્સ રદ કરીને ઉદ્યોગોને તાળાં મારી દેવા અને જવાબદાર તમામ લોકો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવી. આમ છતાં, આ ઉદ્યોગો હજી ધમધમે છે.
આ બે કિસ્સા કેવળ નમૂનારૂપ છે. સૌથી મોટો સવાલ એ છે કે ઉદ્યોગો અને તેને ધરાવનારા ઉદ્યોગપતિઓ પર્યાવરણ અંગે ઘડાયેલા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન શા માટે કરે છે? તેમના પર નિયંત્રણ રાખનારની તેમને કશી બીક કેમ નથી? તેમને કાનૂનભંગની સજાની કશી પરવા કેમ નથી? પર્યાવરણ સાથે ચેડાં અને તેને લગતા કાનૂનને ઘોળીને પી જવાની બાબત તદ્દન સામાન્ય બની ગઈ છે. કોઈ પણ ઉદ્યોગ સ્થપાય એટલે તેને માટેની આખી માર્ગદર્શિકા હોય છે. પોતાના ઉદ્યોગમાં કયાં રસાયણો વપરાશે, તેની આડઅસર શી છે, તેના નિકાલ માટે પોતે શી વ્યવસ્થા કરેલી છે વગેરે અનેક બાબતો જાહેર કરવાની હોય છે. પણ આ બધું કાગળ પર જ રહી જતું લાગે છે.
આવા તો અનેક મુદ્દાઓ છે, જેની પર વિચાર કરવાનો સમય તો ક્યારનો વહી ગયો છે. હવે તાત્કાલિક અસરથી પગલાં લેવાનો સમય પણ વીતી રહ્યો છે. વિપક્ષ હોય કે શાસક, આમાંના એક પણ મુદ્દે તેમણે કશું કરવાનું હોય એવાં લક્ષણ જણાતાં નથી. સમર્થકો અને વિરોધીઓ વચ્ચે રોજેરોજ ખેલાતાં શેરી કક્ષાનાં શાબ્દિક યુદ્ધ અને તેમાં થતા કાલ્પનિક વિજયના કેફમાં જ બન્ને છાવણીઓના લોકો રાચે છે. આ આખા તમાશામાં સૌથી કરુણરમૂજી બાબત હોય તો તે એ છે કે હવે નાગરિકો પણ આ છાવણીઓનો હિસ્સો બની રહ્યા છે. વિપક્ષ કે શાસકના પ્રવક્તા વતી તેઓ જ જવાબ આપી રહ્યા છે. લોકશાહી માટે આ ખતરનાક લક્ષણ છે, કેમ કે, નાગરિકોએ એટલું સમજી લેવાનું છે કે શાસન ગમે તે કરતું હોય, નાગરિકો ઠેરના ઠેર જ રહેવાના હોય તો વાત સરખી જ છે.
આજે શાસક હશે એ કાલે વિપક્ષમાં હોઈ શકે કે ન પણ હોય, આભાસી ચિત્ર નહીં, નક્કર મુદ્દાઓ બાબતે કોઈ પણ પક્ષના ઉમેદવારોનો શો અભિગમ છે એ મહત્ત્વનું છે.
અત્યારના યુગમાં આટલી પ્રાથમિક સમજણ પણ કદાચ દુર્લભ બની રહી છે. આથી તેનો ભોગ પણ નાગરિકોએ જ બનવાનું થાય તો એમાં કશી નવાઈ નથી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮-૩-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)