કચ્છનું રણ અને આખ્યાયિકાઓ– ૬ – ૭ ડીસેમ્બર ૧૯૭૧- કોણે ફરી બાંધ્યું રક્ષા કવચ?

Facebooktwitterredditpinterestlinkedinmail

image

કૅપ્ટન નરેન્દ્ર ફણસે

નવ નંબરની ચોકીની કામગિરી પૂરી થઈ અને મને હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યો. સવારના પહોરમાં  મારા કમાન્ડીંગ અૉફિસર (સી.ઓ.)એ મને બોલાવ્યો.

“નરિંદર, એક અગત્યની કામગિરી પર તમારે જવાનું છે. ૪થી ડીસેમ્બરની રાતે દુશ્મનોની બલુચ રેજીમેન્ટની ૪૩મી બટાલિયને રાવિ નદી પાર કરી આપણી ત્રણ અને ચાર નંબરની ચોકીઓ પર હુમલો કરી કબજો કર્યો હતો. યુદ્ધમાં લડતાં લડતાં ચોકીના કમાંડર મહેરસીંહ શહીદ થયા. ગઈ કાલે (૬ ડીસેમ્બર ૧૯૭૧ના રોજ) સવારે ૧૧-૧૨ના સુમારે આર્મીની આગેવાની નીચે આપણી ડેલ્ટા કંપનીની બે પ્લૅટુનોએ ધુસ્સી બંધ પર મોરચા બાંધી બેઠેલા દુશ્મનો પર કાઉન્ટર અૅટૅક કર્યો. દુશ્મનને તો આપણી ચોકી પરથી ઉખેડી રાવિ નદીની પેલે પાર હઠાવી દીધા છે, પણ ગઈ કાલ રાતથી આપણી બન્ને પ્લૅટુનોનો પત્તો નથી. કોઈકે અફવા ફેલાવી છે કે બીએસએફના જવાનો નાસી ગયા છે. બટાલિયનમાં બીજો કોઈ ભરોસાપાત્ર અફસર નથી જેને આ અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ કામ સોંપી શકું. તમે મારી જીપ લઈને જાવ અને ગુમ થયેલી પ્લૅટુનોને શોધવાનો પ્રયત્ન કરશો. તેઓ ક્યાં છે અને કેવી હાલતમાં છે તેની પૂરી તપાસ કર્યા બાદ જ પાછા આવવાનું છે. કામ જોખમભર્યું છે, પણ મને આશા છે કે તમે તે પુરૂં કરી શકશો.”

મેં પ્રારંભીક તપાસ કરી તો જાણવા મળ્યું કે ૬ ડીસેમ્બર ૧૯૭૧ના દિવસે બપોરે બાર વાગે દુશ્મન પર આપણી સેનાની 66 આર્મર્ડ રેજીમેન્ટની ૩ ટૅંક્સ, મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રીની બે પ્લૅટૂન અને અમારી બે પ્લૅટૂનોએ હુમલો કર્યો હતો. સામે પાકિસ્તાનની બલુચ રેજીમેન્ટની ૪૩મી બટાલિયન હતી. હાથોહાથની લડાઈમાં બન્ને પક્ષે નુકસાન થયું, પરંતુ દુશ્મને ભારે ખુવારી ભોગવી. તેઓ પોતાના ૧૦૦થી વધુ મૃત અને ઘાયલ સૈનિકોને ભારત ભુમિમાં જ છોડીને નાસી ગયા હતા.

યુદ્ધની સામાન્ય પ્રણાલી મુજબ દુશ્મન પર કરેલા હુમલામાં ભાગ લેનારા સૈનિકોની અનુકૂળ સમયે બદલી કરવામાં આવે છે. તેમને યુદ્ધક્ષેત્રની પાછળના ભાગમાં લાવી તેમની જગ્યાએ રીઝર્વમાં રખાયેલ ‘તાજા’ સૈનિકોને મોકલવામાં આવે છે જેથી યુદ્ધમાં ઘાયલ થયેલા તથા થાકેલા સૈનિકોને થોડો આરામ મળે અને તેમની પાટાપીંડી થઈ શકે. ૧૯૬૫ની લડાઈમાં પાકિસ્તાનના સિયાલકોટ સેકટરમાં મેં ગોરખા  રાઈફલ્સની સાથે આગેકુચમાં ભાગ લીધો હતો તેથી આક્રમક યુદ્ધ (attack) બાદ વિજયી સૈનિકોની સ્થળ બદલવાની પ્રક્રિયાથી વાકેફ હતો. હુમલામાં ભાગ લેનારા સૈનિકો ક્યાં હોઈ શકે તેનો મને ખ્યાલ હતો, તેથી સમયનો વ્યય કર્યા વગર સૌ પ્રથમ ભિંડી અૌલખ નામના ગામ પાસે આવેલા અમારી  ડેલ્ટા કંપનીના હેડક્વાર્ટર પર ગયો. મને આશા હતી કે હુમલામાં ભાગ લેનારા અમારા સૈનિકોને તેમના હેડક્વાર્ટર પર મોકલવામાં આવ્યા હશે. ત્યાં પહોંચીને રિટાયરમેન્ટના આરે આવેલા ડેલ્ટા કંપનીના જૈફ કમાંડરને મળ્યો. તેઓ ચિંતાગ્રસ્ત હતા. રાતના સમયે અમારા જવાનોને ભોજન પહોંચાડવા તેઓ ગયા ત્યારે ઈન્ફન્ટ્રીના કંપની કમાંડરે  તેમને એટલું જ કહ્યું કે લડાઈમાં ભાગ લેનારા બધા સૈનિકો ઈન્ફન્ટ્રીના હેડક્વાર્ટર ગયા હતા અને તેમની જગ્યાએ નવી ટુકડીઓ આવી છે. અમારા (બીએસએફના) ૫૦થી વધુ જવાનો  અને તેમના બે પ્લૅટુન કમાંડર ક્યાં ગયા તે વિશે તેમને કશી જ જાણકારી નહોતી.

મને થયું, અમારા સૈનિકોનું નેતૃત્વ કરનાર મિલીટરીના કંપની કમાંડર અમારા જવાનોને પણ તેમની સાથે લઈ ગયા હશે. હું મિલીટરીના બટાલિયન હેડક્વાર્ટર પર ગયો અને તેમના કંપની કમાંડરને મળ્યો.  “હા, બીએસએફના સૈનિકોએ મારી સાથે બહાદુરી પૂર્વક દુશ્મન પર હુમલો કર્યો હતો, પણ વિજય પ્રાપ્ત કર્યા બાદ તેઓ ક્યાં ગયા તે વિશે હું કશું કહી શકું તેમ નથી. તેમની બદલી કરવાનું કામ તારા સી.ઓ.નું છે. તેમને પૂછી જો, કદાચ તેમને ખબર હોય!”  આવા બિનજવાબદાર વક્તવ્ય માટે હું તૈયાર નહોતો, પરંતુ મારી પાસે કોઈ ઉપાય નહોતો.

મારા માટે છેલ્લો માર્ગ એ હતો કે જ્યાં જંગ થયો હતો, તે રણભુમી પર જઈ તપાસ કરવી. કદાચ ત્યાં અમારા સૈનિકોના કોઈ સમાચાર મળે. યુદ્ધ મેદાન – એટલે ધુસ્સી બંધ પર પહોંચ્યો અને જોયું તો આપણા જવાનોએ હાથોહાથની લડાઈમાં ભાગ લીધો હતો ત્યાં પાકિસ્તાની ફોજની બલુચ રેજીમેન્ટના સૈનિકોનાં શબ હજી પણ ઠેર ઠેર પડ્યા હતા. કેટલાક તો ધુસ્સીમાં તેમણે બાંધેલા બંકરમાં જ મૃત્યુ પામ્યા હતા. FDL પર મેં પ્રથમ મિલીટરીના કંપની કમાંડર મેજર તેજાનો સંપર્ક સાધ્યો. તેજા મધરાતે આવેલી નવી કંપનીનો કમાંડર હતો. આગલે દિવસે હુમલામાં ભાગ લેનાર બીએસએફની બે પ્લેટુનો વિશે તેને કશી માહિતી આપવામાં આવી નહોતી. જ્યારે તેને મોરચો સોંપવામાં આવ્યો ત્યારે તેને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે તેની કંપનીની સૌથી આગલી ટ્રેન્ચ બાદ ‘નો મૅન્સ લૅન્ડ’ છે, અને તેમના અંદાજ મુજબ ત્યાંથી પાકિસ્તાની સૈનિકોની સંરક્ષણાત્મક ખાઈઓ આશરે ૮૦૦થી ૧૦૦૦ મીટર  દૂર હતી.

મેં તેજાને મારી મુલાકાતનો ઉદ્દેશ જણાવ્યો. મારી ઈચ્છા નો મૅન્સ લૅન્ડમાં જાતે જઈ તપાસ કરવાની હતી. તેણે કેવળ માથું હલાવ્યું અને આગળ ન જવા વિશે મને સલાહ આપી.

“નરિન્દર, અહીંથી પચાસ મીટર પર મારી છેલ્લી પોઝીશન છે. નો મૅન્સ લૅન્ડમાં દુશ્મન ક્યાં છુપાઈને બેઠો છે તેની અમને જાણ નથી.  આગળ જવામાં શાણપણ નથી. નાહક દુશ્મનના હાથમાં પ્રિઝનર અૉફ વૉર થઈશ. મારું કહેવું માન અને પાછો વળ. પછી તારી મરજી. પણ એક વાત યાદ રાખજે. તું અહીંથી આગળ જઈશ તો તારી અંગત જવાબદારી પર. હું તને કોઈ પ્રકારે મદદ નહિ કરી શકું.”

“જો, તેજા, હું તો મારી તપાસ પૂરી કરવા આગળ જઈશ જ, પણ જો મારા પર દુશ્મન ગોળીબાર કરે કે મને પકડવાનો પ્રયત્ન કરે તો મને અને મારા ડ્રાઈવરને પાછા નીકળવા માટે ‘કવરીંગ ફાયર’ તો આપીશ ને?”

“સૉરી, દોસ્ત. મારા સી.ઓ.ના હુકમ વગર હું કંઈ ન કરી શકું. તું દુશ્મનના એરિયામાં જાય છે, તેથી તને કવરીંગ ફાયર આપવા માટે મારે તેમની રજા લેવી પડે.” 

તેજા સાથે વાત કરતો હતો ત્યારે તેના એક પ્લૅટુન કમાંડરે કહ્યું, “રાતના સમયે અમે જે કંપનીને relieve કરવા આવ્યા, ત્યારે અમને એટલું જાણવા મળ્યું હતું કે આગલા દિવસની લડાઈમાં બીએસએફની બે પ્લૅટૂનો સૌથી આગળ હતી અને તેમણે દુશ્મન પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેઓ ક્યાં ગયા તેની અમને કોઈ માહિતી આપવામાં નથી. રાત્રે અમે અહીં આવ્યા ત્યારથી અમે તેમને જોયા નથી. અમારા ખ્યાલ મુજબ કદાચ દુશ્મન તેમને યુદ્ધબંદી બનાવીને પાકિસ્તાન લઈ ગયા છે.”

અહીં એક અપ્રિય સત્ય કહ્યા વગર રહી શકતો નથી.

ભારતને સ્વતંત્રતા મળી ત્યારે પંડિત નહેરૂના સલાહકારો- ખાસ કરીને ઈન્ડીયન સિવિલ સર્વિસના અફસરોને ભય હતો કે અન્ય દેશોની જેમ આપણી સશસ્ત્ર સેના દેશની સત્તા પર કબજો કરવાનો કદાચ પ્રયત્ન કરે. તેઓ ભુલી ગયા હતા કે ભારતીય સેનાની પરંપરા રાજકારણથી તદ્દન અલિપ્ત રહેવાની છે. દેશ પ્રત્યે સૈનિકોની વફાદારી વિના સંકોચે અપ્રતિમ કહી શકાય તેમ છતાં સિવિલ સર્વિસના ઉચ્ચ પદના સેક્રેટરીઓની સલાહથી નહેરુજીએ સૈન્યની ત્રણે પાંખ (ભુમિદળ, વાયુદળ અને નૌસેના)ના એકહત્થુ વડા –  કમાંડર-ઈન-ચીફનો હોદ્દો રદ કર્યો. ત્રણે પાંખના અલગ અલગ વડાની નીમણૂંક કરી અને તેમના પર નિયંત્રણ મૂક્યું સંરક્ષણ મંત્રીના હાથમાં. સ્થળ સેનાપતિ (જનરલ)નો દરજ્જો ઘટાડી તેમને ડીફેન્સ સેક્રેટરીની નીચે – જૉઈન્ટ સેક્રેટરીની સમકક્ષાનો કર્યો! સૈનિકોનું આ હડહડતું અપમાન હતું.

૧૯૬૫ની લડાઈ બાદ ભારત-પાકિસ્તાનની સરકારો વચ્ચે થયેલી સંધિમાં એવું નક્કી થયું કે બન્ને દેશોની સેના પોતપોતાના ‘કૅન્ટોનમેન્ટ’માં જાય, અને આંતરરાષ્ટ્રીય સીમા પર સશસ્ત્ર સેનાની જગ્યાએ ભારતની બીએસએફ અને પાકિસ્તાનના ‘રેન્જર્સ’ને ગોઠવવામાં આવે. ‘ફર્સ્ટ લાઈન ઓફ ડીફેન્સ’ અને સીમા-પ્રહરીનું કામ કરવાનું હોવાથી ગૃહખાતા નીચે ઉભા કરાયેલ સીમા સુરક્ષા દળને ભારતીય સેનાના સમકક્ષ હથિયાર, ટ્રેનિંગ વિગેરે અપાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રીમતી ઇંદીરા ગાંધીના વિશ્વાસુ પોલિસ અધિકારી શ્રી. કે.એફ રુસ્તમજીની સક્ષમ નિગરાણી હેઠળ બીએસએફની રચના થતાં જ ફોજમાં એક એવી અફવા ફેલાઈ કે ભારતીય સેના ભૂલેચૂકે પણ જો coup d’etat કરે તો તેનો પ્રતિકાર કરવા માટે સરકારે બીએસએફની રચના કરી છે. આ અફવા ભારતીય સેનાના વરીષ્ઠ અફસરો માટે દાઝ્યા પર ડામ દેવા જેવી હતી. ત્યારથી ભારતીય સેનાના અફસરોને બીએસએફ અને તેમના અફસરો પ્રત્યે કોઈ પણ જાતના બૌદ્ધિક આધાર વગર ઘૃણા અને અવિશ્વાસનો પ્રતિભાવ રૂઢ થયો હતો. હું ભારતીય સેનામાં ૧૯૬૮ સુધી કૅપ્ટનના પદ પર એમર્જન્સી કમીશન્ડ અૉફિસર હતો તેથી આ અફવા મેં અને મારા જેવા અનેક અફસરોએ સાંભળી હતી.

૧૯૬૮માં એમર્જન્સી કમીશન્ડ અૉફિસરોનો સેવા કાળ પૂરો થયા બાદ અમને બીએસએફ, સીઆરપી કે ઈન્ડો-તિબેટન બોર્ડર પોલિસ જેવા કેન્દ્રિય સશસ્ત્ર દળોમાં જવાનો પર્યાય આપવામાં આવ્યો હતો. મેં બીએસએફમાં જોડાવાનું પસંદ કર્યું. ૧૯૬૫થી ભારતીય સેનાના અફસરોને બીએસએફ પ્રત્યે અર્થહિન શંકાભાવ હતો જે આગળ જતાં વધુ વિકૃત થઈ દ્વેષભાવમાં બદલાયો હતો તેનો મને બીએસએફમાં ગયા બાદ ડગલે ને પગલે અનુભવ થયો. આની પરાકાષ્ઠા મને ૧૯૭૧ના યુદ્ધમાં જોવા મળી.

આ  અકારણ દ્વેષને લીધે ઈન્ફન્ટ્રીના કર્નલે મને કોઈ પણ જાતનો સપોર્ટ આપાવાની મનાઈ કરી હતી એવું મને લાગ્યું. વાયરલેસ પર તેજાની અને તેના સી.ઓ. વચ્ચેની વાત મારી હાજરીમાં થઈ અને મેં તે પ્રત્યક્ષ સાંભળી. કર્નલે તેજાને કહેલા શબ્દો હતા, “You will not give any covering fire to that BSF man. This is my order. Is that clear? Over and out”. વાયરલેસ પર વાક્યને અંતે બોલાયેલ ‘ઓવર અૅન્ડ આઉટ’નો અર્થ થાય છે, અહીં મારો હુકમ અને વાર્તાલાપ પૂરો થાય છે. આ બાબતમાં મારે આગળ કશું સાંભળવું નથી.”આ પંજાબી કર્નલ – તેમનું નામ નહિ આપું – પણ તેમના પોતાના અફસરો જ તેમના અસલ નામની મજાક ઉડાવવા તેમને કર્નલ જૂઠદેવા કહીને બોલાવતા. 

મારી પાસે હવે એક જ પર્યાય રહ્યો હતો. જીપને પાછળ મૂકી હું ઈન્ફન્ટ્રીના આખરી મોરચા સુધી ચાલતો ગયો. ત્યાંથી આગળ નિર્જન પડેલી યુદ્ધભુમિ હતી. સવારના લગભગ ૧૧ વાગ્યા હતા છતાં ત્યાં સ્મશાનશાંતિ સમાન સોપો પડી ગયો હતો. ઈન્ફન્ટ્રીની છેલ્લી પ્લૅટુનના કમાન્ડર મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રીના નાયબ સુબેદાર હતા. ‘નો મૅન્સ લૅન્ડ’ના કિનારાનું રક્ષણ કરી રહેલ તેમના સૈનિકોની આખરી  ટ્રેન્ચ સુધી તેઓ મારી સાથે આવ્યા. મને મરાઠી આવડતું હતું તેથી તેમણે ‘સાહેબ, યા પુઢે શત્રુ આહે,” કહી દુ:ખભર્યા ચહેરા સાથે સૅલ્યુટ કરી પોતાની ટ્રેન્ચમાં ગયા. તેમનો ચહેરો ઘણું બધું કહી ગયો. જે માણસ જાણી જોઈને મૃત્યુના મુખમાં જઈ રહ્યો હોય તેને કંઈ કહેવા જેવું હોય ખરું? તેમને કદાચ હતાશા પણ હતી કે તેઓ મને મદદ કરવા અશક્તિમાન હતા.

મેં પાછળ વળીને જોયું તો જર્નેલસિંઘ જીપ આગળ લાવી રહ્યો હતો. હું તેમાં બેઠો અને અમે ધીરે ધીરે આગળ વધ્યા. મારું ધ્યાન ‘નો મૅન્સ લૅન્ડ’તરફ કેન્દ્રિત હતું. અચાનક દૂર ધુસ્સી બંધ પર મને થોડી હિલચાલ જોવા મળી. ધારી ધારીને જોતાં આશરે ૨૦૦ મીટરના અંતર પર ખાખી યુનિફૉર્મ અને સ્ટીલ હેલ્મેટ પહેરેલો જવાન ખાઈમાંથી ડોકું બહાર કાઢી અમારી તરફ જોતો હોય તેવું લાગ્યું.

હું વિમાસણમાં પડી ગયો. તે વખતે પાકિસ્તાનની સેના અને બીએસએફ, બન્નેના યુનિફૉર્મ ખાખી રંગનાં હતા. મારી નજરે પડેલ જવાન અમારો હતો કે પાકિસ્તાનનો, તે કહેવું મુશ્કેલ હતું. કોણ જાણે કેમ, તે સમયે અમને અમારી સલામતીની કોઈ ચિંતા નહોતી. એક અલગારી, નફિકરા ફકીરની વૃત્તિ આપોઆપ આવી ગઈ હતી.  મેં જર્નેલસિંઘને પૂછ્યું,  “જર્નેલ, હિંમત હૈ ના? અગર કોઈ ડર હો તો એત્થે રુક જા. અગ્ગે મૈં ઈકલ્લા હી પૈદલ જાવાંગા”.

જર્નેલ હિંમતવાન સરદાર હતો. તેણે કહ્યું, “સર જી, તુંસી ફિકર ના કરો.  મૈં સિક્ખદા પુત્તર હાં, તુહાડે સાથ હી રહેણાં.”

અમે જેમ જેમ આગળ વધ્યા, તેમ તેમ મારા મનમાં આશા પ્રગટવા લાગી. મારો અંતરાત્મા મને કહેવા લાગ્યો, ‘આગળ વધ. તને કોઈ આંચ નહિ આવે. આ તારા જ જવાનો છે.’

અને આતમનો કોલ સાચો નીવડ્યો.

અમે દૂરથી જોયેલી ટ્રેન્ચની નજીક પહોંચ્યા પણ અમારા પર ગોળીઓ ન વછૂટી. આ અમારા જ જવાન હોવા જોઈએ! ખાઈ પાસે ગાડી રોકી અને તેમાંથી ત્રણ જવાન બહાર આવ્યા. તેમાંના સિખ લાન્સ નાયકે ‘સત શ્રીઅકાલ’ કહી મારું અભિવાદન કર્યું. તેમની ખબર પૂછવા આવ્યો હતો જાણી તેઓ ખુશ થઈ ગયા. જીપને એક ઝાડની નીચે રોકી આગળ આવેલી દરેક ખાઈ પાસે ગયો અને પ્રત્યેક જવાનને મળ્યો.  દુશ્મન સાથે ગોળીબારના ‘સંપર્ક’માં રહેલી પહેલી ખાઈમાં લાઈટ મશીનગન સાથે બેઠા હતા હવાલદાર ચંદર મોહન, સબ ઈન્સ્પેક્ટર અજીતસિંહ અને તેમના બે સાથીઓ.

છેલ્લા ચોવિસ કલાકથી આગળ અને પાછળના બે નો મૅન્સ લૅન્ડમાં અમારા પચાસ બહાદુર સૈનિકો કોઈ પણ જાતના ભારે હથિયારના આધાર વગર દુશ્મનના ગોળીબારનો સામનો કરી રહ્યા હતા. આગળ દુશ્મન હતો, અને પાછળ – આપણી ઈન્ફન્ટ્રી માટે તેમની સામેનો વિસ્તાર – જ્યાં બીએસએફના સૈનિકો હતા, તે ‘નોમૅન્સ લૅન્ડ’હતો! આ ચોવિસ કલાકમાં અમારા જવાનોને ભોજન તો શું, ચ્હાનો કપ પણ નહોતો મળ્યો. અમારી બટાલિયન ભારતીય સેનાના ‘ઓપરેશનલ કન્ટ્રોલ’ નીચે હતી. આનો અર્થ એવો થાય છે કે જે ઈન્ફન્ટ્રી બટાલિયનની હદમાં અમારા સૈનિકો હોય તેમને પોતાના જ  સૈનિકો સમજી તેમની વ્યુહરચના (deployment), સંરક્ષણ, ભોજન અને નેતૃત્વ કરવાની જવાબદારી જે તે ઈન્ફન્ટ્રી બટાલિયનની થાય. મને દુ:ખ તો એ વાતનું થયું કે દેશ હિતની આગળ અંગત સ્પર્ધા, ક્ષુલ્લુક અર્થહિન ઈર્ષ્યા ગૌણ બને છે તેનો અહેસાસ કર્નલ ‘જુઠદેવા’ને કે તેમના અફસરોને નહોતો. અમારા બીએસએફના જવાનોની આગળના નો મૅન્સ લૅન્ડમાં તેમની સામે દુશ્મન હતો. ત્યાંથી લગભગ ચારસો મીટર પાછળ ઈન્ફન્ટ્રીની ટુકડી હતી, જેમને અમારા સૈનિકોની હાજરી  કે અસ્તીત્વ વિશે કશી જાણ નહોતી! ભુલેચૂકે પણ અમારા સૈનિકો આપણી ઈન્ફન્ટ્રીનો સંપર્ક કરવા જાત તો તેમનો ખાખી યુનિફૉર્મ જોઈને તેમનો આપણી જ સેનાએ કચ્ચરઘાણ કાઢી નાખ્યો હોત! તોપખાનાના કે મશીનગનના કોઈ પણ જાતના આધાર વગર અમારા જવાનો હિંમતપૂર્વક દુશ્મનની સામે બાથ ભીડી રહ્યા હતા.

હું બધા જવાનોને મળ્યો. તેમના હાલ-હવાલ પૂછ્યા. જવાનોને હિંમત આપી તેમની જરુરિયાતો નોંધી અને હેડક્વાર્ટર જવા જીપમાં બેઠો. જર્નેલસિંઘે જીપ ચાલુ કરીને પાછી વાળી ત્યાં વિજળીના કડાકા જેવી ગર્જના સાંભળી. કરા પડતા હોય તેમ ગોળીઓ વછૂટીને  જીપની આસપાસ  પડતી હતી. દુશ્મને મશીનગનનો મારો શરુ કર્યો હતો. FDL (ફોરવર્ડ ડીફેન્ડેડ લોકૅલિટી) સુધી જીપમાં જનાર સિનિયર અૉફિસર સિવાય બીજું કોઈ ન હોય, અને તેને ‘ઉડાવી દેવાનું’ શ્રેય લેવા દુશ્મન હંમેશા તત્પર હોય. અમારી જીપનું સ્ટીયરીંગ ડાબી તરફ હતું. ડાબી બાજુએ ધુસ્સી બંધ હતો અને જમણી તરફ ખુલ્લી જમીન અને ખેતર. દુશ્મનનો ગોળીબાર સીધો મારી બાજુએ આવતો હતો. તેમની પાસે બ્રાઉનીંગ મશીનગન હતી, અને તેનો માર લગભગ બે હજાર મીટર સુધી અસરકારક હોય છે. આ અૉટોમેટીક હથિયાર મીનીટની ૩૦૦ થી ૪૦૦ ગોળીઓ છોડી શકે છે. હું જોઈ રહ્યો હતો કે દુશ્મનની કેટલીક ગોળીઓ મારી તરફના ટાયરથી દસે’ક સેન્ટીમીટર દૂર જમીન પર પડતી હતી અને કેટલીક જીપને સમાંતર સનનન કરતી જઈ રહી હતી. જમીન પર પડતી ગોળીઓને કારણે તેમાંથી ઉડતી ધુળ હું સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો. કેટલીક ગોળીઓ તો સૂસવાટ કરતી મારા જમણા કાન પાસેથી પસાર થતી હતી. જર્નેલસિંઘ ઝપાટાબંધ જીપ ચલાવી રહ્યો હતો. અંતે ધુસ્સી બંધનો બેવડા કાટખુણા સમો વળાંક આવ્યો, અને અમે  ત્યાં વળી ગયા. વીસે’ક મિનીટ સુધી ચાલી રહેલા આ ગોળીબારમાંથી અમે બન્ને કેવી રીતે બચી ગયા તે કહેવું મારા માટે અશક્ય છે.

મનમાં સવાલ ઉઠ્યો, ‘અકસીર’ ગોળીબાર કરી શકે તેવી અમેરીકન બ્રાઉનીંગ મશીનગનમાંથી છુટેલી સેંકડો ગોળીઓ ઉપર લખાયેલું જર્નેલસિંઘનું અને મારું નામ કોણે ભૂંસી નાખ્યું હતું?

ખાખી યુનિફોર્મ જોઈને આગળ તો વધ્યો હતો, પણ જો તેઓ દુશ્મનના સૈનિકો હોત તો?

આ સમગ્ર પ્રસંગમાં મને પ્રોત્સાહીત કરનાર તથા બચાવનાર આ કઈ અગમ શક્તિ હતી?

અમારા સૈનિકો કોઈ પણ જાતના આધાર વગર મોરચો સંભાળીને બેઠા હતા તેની દુશ્મનને ખબર નહોતી. પાછલી રાતે તેમણે અમારા સૈનિકો પર ‘કાઉન્ટર અૅટેક’ કર્યો હોત તો અમારા સૈનિકો બચી શક્યા હોત?

અંતમાં, અમારા પર થયેલા દુશ્મનના અચૂક મારામાંથી બચાવવા અમને રક્ષા કવચ કોણે પહેરાવ્યું હતું?

સંધ્યાદીપના સમયે કોઈક વાર આ પ્રસંગ યાદ આવે છે અને આ સવાલોનો જવાબ શોધવાનો પ્રયત્ન કરું છું. હજી જવાબ નથી મળ્યો!


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

3 comments for “કચ્છનું રણ અને આખ્યાયિકાઓ– ૬ – ૭ ડીસેમ્બર ૧૯૭૧- કોણે ફરી બાંધ્યું રક્ષા કવચ?

 1. purvi
  April 3, 2019 at 6:35 am

  સાચું કહ્યું નરેનજી, કેટલાક સવાલ એ સવાલ જ રહે છે. આ લેખમાં મારો સવાલ એ છે કે, પાછળથી તે છુપાયેલાં જવાનોને ફૂડ વગેરે મળ્યું હતું?

  • Capt. Narendra
   April 7, 2019 at 1:59 am

   પૂર્વી બહેન, આપના પ્રતિભાવ માટે આભાર. અહીં બે વાતો કહીશ. આગળ રહેલી ટૂકડીમાં એક જવાન પાસે ગરમ સ્વેટર નહોતું. તેણે કહ્યું, સાહેબ બને તો મારા માટે સ્વેટર (જેને મિલિટરીમાં જર્સી કહેવાય છે) મોકલશો? મને વિચાર આવ્યો: હું તોપાછો હેડ quarter જઈ રહ્યો હતો. મને તો સ્ટોરમાંથી તરતજર્સી મળી જશે. ડિસેમ્બરની અસહ્ય ટાઢમાં મારો જવાન દુશ્મનની સામે બાથ ભીડી રહ્યો હતો.તેની મુશ્કેલી દૂર કરવા મેં મારી જર્સી ઉતારી તેને આપી. આ આપણી ગુજરાતની સીધી અને સરળ વહેવારીક વાત હતી. મેં કોઈ ખાસ કામ કર્યું નહોતું પણ આખી બટાલિયનમાં વાત ફેલાઈ ગઈ કે આ ગુજરાતી અફસરે મોરચા પર લડી રહેલ સિપાહીને પોતાની જર્સી ઉતારી આપી! મારા માટે આ embarrassment ની વાત થઇ ગઈ.
   રહી વાત જવાનોના ભોજનની. મોરચા પરથી હું કંપની હેડક્વાર્ટરમાં ગયો, ચા અને ભોજન તૈયાર કરાવી મોરચે મોકલાવ્યા પછી બટાલિયનમાં ગયો હતો

 2. Naren
  April 7, 2019 at 12:37 pm

  પ્રતિભાવ માટે આભાર, પૂર્વી બહેન. તે સ્થળેથી જરનેલ સિંહ અને હું સીધા કંપની હેડ ક્વાર્ટર ગયા. ત્યાં જવાનો માટે ભોજન તૈયાર કરાવી મોકલ્યું. બટાલિયનમાં જઈ જવાનોએ નોંધાવેલી વસ્તુઓ, કામળા. વાયરલેસ અને અન્ય ચીજો મોકલી હતી. આ બધું મળતાં તેમને મને મેસેજ મોકલવા સૂચના આપી હતી કે મને જણાવે. મિલિટરીમાં અમને એવી ટ્રેનિંગ હોય છે કે હુકમ આપ્યા બાદ તેનું સો ટકા પાલન થયું છે તેની જાતે ચોકસાઈ કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *