ગઝલાવલોકન – ૪, એય! સાંભળને….

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

આ બે વિડિયો જુઓ –

એય! સાંભળને… નામ તારું દેશે?
એય! સાંભળને… દિલ તારું દેશે?

માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો
ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે

ગુલોં મિસાલ કોમલ ખીલતી અને પમરતી
ગુલઝારની ગુલાબી મીઠી તું ગુલ કલી છે
માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો

લાખો ગુલોંની લાલી રુખસારમાં સમાવી
અમૃત ને મધની પ્યાલી તુજ હોઠમાં ભરી છે
માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો

નીકળે નૂરી સિતારા નૈનો ચમકતા તારા
રોશનીએ જિસ્મ અંદર જન્નત ખડી કરી છે
માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો

જોતાં નઝર ઠરી રે સૌના જીગર હરીને
સંસારને સ્વર્ગ બનાવતી તું દિલકશી પરી છે
માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો
ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે

           રચયિતા: દારા એમ. પ્રિન્ટર


પહેલી ગઝલ છે પંદરેક વર્ષ જૂની અને બીજી છે – કમ સે કમ ૮૦ વર્ષ જૂની. પહેલી ગ઼ઝલના શબ્દો મારી પાસે નથી અને આ અવલોકન માટે એ જરૂરી પણ નથી. માત્ર બન્ને વિડિયો મુક્ત મનથી માણો અને પછી આ અવલોકનને.

અહીં વાત એના શબ્દોની નથી કરવાની. વાત સાવ અલગ જ છે. આ બે ગઝલોની mp3 ફાઈલો જ મારી પાસે છે. એની મૂળ કેસેટ અને સીડી અતીતમાં ખોવાઈ ગયાં છે – કદાચ આ ગીતોની જેમ. એટલે આ બે વિડિયો એ ફાઈલો વાપરીને ખાસ આ અવલોકન માટે બનાવ્યા.

પહેલાં ‘મહેતાબ’ની વાત. મહેતાબ એટલે ફારસી ભાષામાં ચન્દ્ર. કદાચ પારસી રંગભૂમિનું એ ગીત છે. કદાચ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ શરૂ થયો એ વખતનું. એમાં સંગીત પણ એ વખતના પારસી કર્ણોને ગમી જાય એવું છે. ગુજરાતીમાં ગઝલ લખવાની શરૂઆત થઈ, તે વખતે ગઝલના શેરોમાં ભારોભાર ફારસી શબ્દો ઠાંસી ઠાંસીને ભરવાનો રિવાજ હતો. એ પારસી મિજાજને આ ગઝલ અભિવ્યક્ત કરે છે.

‘એય, સાંભળને…’ એ ગીત સાવ આધુનિક છે. એકવીસમી સદીની પેઢીના મિજાજને એ બરાબર ઊજાગર કરે છે. એમાં ખાસ કવિતા જેવું પણ કદાચ આપણને ન લાગે. પ્રેમિકાનો એ સીધો સાદો સંવાદ છે. એના સંગીતમાં પણ પ્રેમિકાના દિલની જેમ પોપ મ્યુઝિક નાચે છે!

સમયના ખાસા મોટા ફલકને આવરી લેતી આ બે ગઝલોની વચ્ચે ગુજરાતી કવિતા અને સુગમ સંગીતનો આખો વર્ણપટ ( spectrum ) આવી જાય છે. છેલ્લા બે દિવસમાં સ્માર્ટ ફોન(!) પર સાંભળેલી આ બે ગઝલોએ આ અવલોકનને જન્મ આપ્યો છે. બન્નેના સંગીતમાં પણ પાશ્ચાત્ય તત્વ વધારે છે. બન્નેના પોતમાં આભ જમીનનો ફરક હોવા છતાં વાસ્તવમાં મૂળ તત્વ એક જ છે – ‘પ્રેમ’.

પ્રેમની વાત આવે ત્યારે – માળખુ ગમે તે હોય; એનો પ્રાણ તો માનવજીવન જ નહીં – સમગ્ર સજીવ સૃષ્ટિનું પાયાનું તત્વ હોય છે. અહીં પણ એ તત્વ અલગ અલગ મિજાજમાં વિલસે છે. એ વિશે એટલું બધું લખાયું છે કે, એમાં વધારો કરવાની જરૂર જ નથી.

બીજી વાત – એ પારસી રંગભૂમિ કેમ સાવ અદૃશ્ય થઈ ગઈ? ગુજરાતમાં જેમ નર્મદને ગદ્ય સાહિત્યના પ્રણેતા ગણવામાં આવે છે; તેમ તજજ્ઞોના કહેવા મુજબ દાદાભાઈ નવરોજીના ઉત્તેજનથી ગુજરાતી રંગભૂમિની શરૂઆત પારસીઓએ કરેલી. એ પહેલાં ભવાઈ જ એકમાત્ર નાટ્ય તત્વ ગુજરાતી જીવનમાં પ્રચલિત હતું. હવે કેમ પારસી નાટ્ય સર્જનો સાવ ગાયબ થઈ ગયાં છે?

ત્રીજી વાત- પાશ્ચાત્ય સંગીતની સામે આપણામાંના ઘણા – ખાસ કરીને આ લખનારની ઉમરના – મોં મચકોડશે. પણ એના જોમ અને ઊત્સાહ યુવાનોમાં છલકતાં જ રહ્યાં છે, એમને નાચતા અને કૂદતા રાખ્યાં છે -સદાકાળ રહેશે. એને આવકારીને આ અવલોકનનું સમાપન કરીએ. કહેતાં રહીએ-

એય! સાંભળને !


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

4 comments for “ગઝલાવલોકન – ૪, એય! સાંભળને….

 1. Niranjan Mehta
  April 2, 2019 at 10:22 am

  સુરેશભાઈ, કદાચ પહેલીની જગ્યાએ બીજી અને બીજીની જગ્યાએ પહેલી લખાયું લાગે છે કારણ પહેલી જો પંદ વર્ષ જૂની હોય તો તેમાં ફારસી શબ્દો ન હોય. એટલે તે ૮૦ વર્ષ જૂની છે એમ મારૂ માનવું છે અને બીજી ગઝલ ૧૫ વર્ષ જૂની.

  • April 6, 2019 at 8:28 pm

   ગેરસમજૂતિ થવા માટે ક્ષમાયાચના. પણ સંદર્ભ બે વિડિયો સાથે છે. પહેલા વિડિયો પરથી આ લેખનું શિર્ષક છે અને તે નવી પેઢીનો છે.. એકેયના શબ્દો મારી પાસે ન હતા. પણ અશોકભાઈને બીજી ગઝલના શબ્દો મળી ગયા અને તેમણે અહીં મૂક્યા.
   ——————
   પારસી રંગભૂમિ વિશે સંશોધન લેખ વેગુ પર મૂકાય તો આનંદ થશે.
   ————-
   જેમને આવા વિડિયો બનાવવામાં રસ હોય તેમને એ જાણીને આનંદ થશે કે, Windows-10 ની સાથે Video Editor નામની સરસ એપ છે. એ વાપરીને આ બે વિડિયો બનાવ્યા છે. એમાં પાવર પોઈન્ટ જેટલી સવલતો નથી, પણ એ વાપરવામાં બહુ સરળ છે. એમાં શબ્દોની સ્લાઈડો બનાવીને પણ મૂકી શકાય છે.

 2. Gajanan Raval
  April 4, 2019 at 10:17 am

  Aia Sambhalne….
  Really these gazals would be enjoyed by any gazal lover…Thank YOU,Sureshbhai.

 3. P. K. Davda
  April 6, 2019 at 9:53 pm

  અય ! ખુશ કીત્તા !! બીજી ગઝલ ૫૦ ના દાયકામાં અમે પહેલો રેડિયો ખરીદેલો ત્યારે સાંભળેલી. આજે આટલા વર્ષો પછી સાંભળી આનંદ વિભોર થઈ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *