એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ : પ્રસ્તાવના

Facebooktwitterredditpinterestlinkedinmail

મોહનદાસ કરમચંદ ગાંધી

સૉક્રેટિસની ઈશ્વરપ્રાર્થના.


પરમેશ્વર ! અમારું ખરેખરૂં કલ્યાણ શામાં છે ને અકલ્યાણ શામાં છે, તે અમે સમજતા નથી. તું સર્વજ્ઞ છે, તને તે સર્વ વિદિત છે, માટે જેમાં અમારું કલ્યાણ સમાયેલું હોય, તે અમે તારી પાસે ન માગીએ તો પણ તું અમને આપજે; અને જેમાં અમારૂં અકલ્યાણ હોય, તે જો અમે તારી પાસે માગીએ તો પણ અમને ન આપીશ.

[ આ ઐતિહાસીક વાત છે, એટલે કે બનેલો બનાવ છે, જેમ સોકરેટીસે અંત સુધી નીતિ જાળવી અને મ્હોતની ભેટ. આશક જેમ માશુકને મળે તેમ, કરી, તેવું નીતિબળ અમારા વાંચનારને અને અમને પણ પ્રાપ્ત થાય એવું અમે ( પ્રભુની ) ખુદાની પાસે માગીએ છીએ, ને વાંચકો પણ તેમ માંગે તેમ ઈચ્છીએ છીએ, સોકરેટીસનાં વચન અને તેની રહેણીનો વારંવાર વિચાર કરવા અમે બધાને સૂચવીએ છીએ. ]

મો. ક. ગાંધી અધિપતિ – ઈંડીઅન એાપીનીયન

ઉમેદ.

ભગિની સમાજ નવમા વાર્ષિક સંમેલનનાં પ્રમુખ બ્હેન શ્રીમતિ સરોજીની નાયડુએ ‘ભગિની સમાજ’ ની વ્યાખ્યા સુંદર રીતે સમજાવી છે. તે બ્હેને કહ્યું:– “ભગિની સમાજ એટલે બ્હેનોનો સમાજ. બ્હેનો કોની ? ભારત દેશની. આમ-પ્રજાની, ગરીબ-ગુરબાંની, અનાથ અબળાએાની, દુઃખીની, દર્દીની, દિલનાં દાઝેલાંની. ” * * * “ આ આપણે સૌએ સમજવું જોઈએ.”

દરેક દરેક બ્હેને પ્રતિજ્ઞા કરવી જોઈએ કે “મારામાં જે કાંઈ શક્તિ છે, જે કાંઈ બુદ્ધિ છે, જે કાંઈ સાધન છે તે સર્વ હું દેશ કાર્યમાં ખર્ચીશ.” ગોખલેજી કહેતા હતા કે – “જયાં સુધી એકે એક પ્રાંત અને શહેરમાં એવી સ્ત્રીઓ થાય કે જેમના સહચારથી જાહેર હીલચાલ પવિત્ર બનશે નહિં ત્યાં સુધી દેશેાદ્ધાર થશે નહી !”

“જ્યારે હિંદની સ્ત્રીઓ પોતાનું કર્તવ્ય અદા કરશે ત્યારેજ હિંદને મોક્ષ મળશે.”

સમાજના કામને સંગીન બનાવવાનો અને શોભાવવાનો આધાર તેનાં દરેક સભાસદ ઉપર રહે છે. દરેક વ્યક્તિ જો પાતાની ફ૨જ નીયમીત બજાવે, પોતાના તરફનો હિસ્સો નિયમસ૨ અાપ્યે જાય – તો કામ અચુક સુન્દર થાય.

શુદ્ધ અને સાત્વીક ભાવે સમાજને આ૫ની સહાયતા આ૫શો; આપવી ચાલુ રાખશો, એવી ઉમેદ છે. શાંત મુંગા સંગીન કામને નિરંતર નિભાવી રાખવા સજ્જનાની સહાયતાની અપેક્ષા કેમ ન રહે ?

ભગિની સમાજ જ્ઞાન મંદિર,                                                                                                                                            ભગિની સમાજનાં

સેંડહર્સ્ટ રોડ, મુંબઈ ૪.                                                                                                                                                       મંત્રીઓ.

પ્રસ્તાવના


અતિ મહાપુરૂષ, નીતિવાન, વીર સોકરેટીસ ઈસ્વીસન પૂર્વે ૪૭૧ ની સાલમાં થઈ ગયો. તે ગ્રીસ દેશમાં જન્મ્યો હતો અને તેની જીંદગી નીતિનાં ને પરોપકારનાં કામો ક૨વામાં ગઈ હતી. તેની નીતિ, તેના ગુણો કેટલાક અદેખા માણસો નહિ દેખી શક્યા; તેથી તેની ઉપર ખોટાં તહોમતો મુકવા લાગ્યા; સોકરેટીસ (ઈશ્વરથી) ખુદાથી બહુ ડરીને ચાલનારો હતો, તેથી માણસોની ટીકાની થોડી દરકાર કરતો. તેને મ્હોતનો ભય નહોતો. પોતે સુધારક હતો, અને ગ્રીસની રાજધાની એથેન્સના લોકોમાં જે સડો દાખલ થયો હતો તે કહાડવાને તે મથતો. તેમ કરતાં ઘણા લોકોના સંબંધમાં તે આવતો. જુવાનીઆઓનાં મન ઉપર તેણે બહુ સારી અસર કરી હતી, અને તેઓના ટોળાં તેની પાછળ ફરતાં. આથી કેટલાક લૂંટારાઓને લૂંટવાનું મળતું તે બંધ થયું. માણસોને બગાડીને જેઓ પોતાની કમાણી કરતા તેએાની કમાણીમાં હરકત પહોંચવા લાગી.

એથેન્સમાં એવો નિયમ હતો કે જેઓ ત્યાંના બંધારણ મુજબના ધર્મ પ્રમાણે ન ચાલે, અને બીજાને તેમ નહિ ચાલવાને શીખવે તેને ગુન્હેગાર ગણવો. તેવા માણસોનો ગુન્હો સાબિત થાય તો તેને મ્હોતની સજા થાય.

સોકરેટીસ પોતે રાજ્યધર્મ પ્રમાણે ચાલતો. પણ તેમાં જે પાખંડ દાખલ થયું હતું તે નાબૂદ કરવાનું બીજાઓને બેધડક શીખવતો અને પોતે પાખંડથી દૂર રહેતો. [  ] એથેન્સના કાયદા પ્રમાણે આવી જાતના ગુન્હાની તપાસ પંચની આગળ ચાલતી. સોકરેટીસની ઉપર રાજ્યધર્મને તોડવાનું અને બીજાઓને તોડવા માટે શીખવવાનું તોહોમત મુકવામાં આવ્યું હતું, ને તેની તપાસ મહાજનમંડળ પાસે ચાલેલી. મહાજનના ઘણા માણસોને સોકરેટીસના શિક્ષણથી નુકસાન થયું હતું તેથી તેએાને સોકરેટીસ ઉપર દ્વેશભાવ હતો. તેએાએ ખોટી રીતે સોકરેટીસને ગુન્હેગાર ઠરાવ્યો, અને તેને ઝેર પીને મરવાની સજા કરી. કોઈને દેહાંતદંડની શિક્ષા થતી ત્યારે તેનો અંત લાવવાના ઘણા રસ્તા લેવાતા. તેમાંથી સોકરેટીસને ઝેર પીને મરવાની સજા થયેલી.

આ વીર પુરૂષ પોતે ઝેર પીને મરણ પામ્યો અને જે દિવસે તે ઝે૨ પીવાનો હતો તેજ દહાડે તેણે શરીરના નાશવંતપણા ઉપ૨ અને જીવના અમરપણા ઉપર પોતાના એક મિત્ર-સાગરીત આગળ વ્યાખ્યાન કરેલું. એમ કહેવાય છે કે ઝેર લેતાંની છેલ્લી ઘડી સુધી સોકરેટીસ જરાએ ડરેલો નહિ અને તેણે હસમુખે ચહેરે તે પીધેલું. પોતાને જે વ્યાખ્યાન કરવાનું હતું તેનું છેલ્લું વાક્ય બોલીને, જેમ આપણે શરબતનો પ્યાલો રંગથી પીશું તેમ તેણે ઝેરનો પ્યાલો ૨ંગથી પીધો.

આજે દુનિયા સોકરેટીસને સંભારે છે. તેના શિક્ષણથી લાખો માણસને ફાયદો થયો છે. તેની ઉપર તહોમત મુકનારને અને તેને સજા આપનારને દુનિયા વખોડે છે. સેાકરેટીસ તો અમર થઈ ગયો છે અને તેના નામથી ગ્રીસ આખું પંકાયલું છે.

સાકરેટીસે પોતાનો બચાવ કરતાં જે ભાષણ કર્યું તેની નોંધ તેના સાગરીત પ્રખ્યાત પ્લેટોએ લખી છે. તેનો તરજુમો ઘણી ભાષાઓમાં થયો છે, તેનો બચાવ બહુ સરસ અને નીતિના રસથી ભરેલો છે. તેથી અમે તે અહીં આપવા [  ] માગીએ છીએ. અમે શબ્દે શબ્દ તરજુમો નહિ આપતાં તેનો મુખ્ય સાર આપીશું.

આપણે દક્ષિણ આફ્રીકામાં બલ્કે આખા હિંદમાં હજી ઘણાં કામો કરવાનાં છે. ત્યારેજ હિંદની હાડમારી દૂર થાય તેમ છે. આપણને સોકરેટીસની માફક જીવતાં અને મરતાં આવડવું જોઈએ. સેાકરેટીસ તે વળી માટે સત્યાગ્રહી હતો. તે પોતાનીજ પ્રજાની સામે સત્યાગ્રહી થયો. તેથી ગ્રીક પ્રજા મોટી થઈ. આપણે કાયર થઈને, અથવા આપણને માન નહિ મળે કે આપણો જીવ જશે, એવી ધાસ્તીથી આપણામાં રહેલી ખામીએા નહિ તપાસીએ, જાણ્યા છતાં તે તરફ પ્રજાનું ધ્યાન નહિ ખેંચીએ ત્યાં લગી, બહારના સેંકડો ઈલાજો લેતાં છતાં – કોંગ્રેસો ભ૨તાં છતાં – એકસ્ટ્રીમીસ્ટ બનતાં છતાં – હિન્દનું ભલું કરવાના નથી – તેનું ભલું તેમ થવાનું નથી. ખરા દરદને પીછાની તેને ઉધાડું કરી, તેને લાગુ પડે તેવા ઈલાજો લઈ જ્યારે હિંદનું બ્હારનું અને અંતરનું શરીર દરદરહિત થઈ ચોખ્ખું થશે ત્યારે અંગ્રેજી કે બીજા જુલમરૂપી જંતુઓ તેને કશી ઈજા પહોંચાડી શકશે નહિ, પણ જો શરીર સડેલું – પોતે સડેલું હશે તો એક જાતના ચેપી જંતુ ચડી બેસશે, અને હિંદ-શરીરને પાયમાલ કરશે.

આ વિચારો ધ્યાનમાં લઈ, સોકરેટીસ જેવા મહાત્માના વાક્યોને અમૃત સમાન જાણી તેના ઘુંટડા અમારા વાંચનાર પીએ અને તેથી અંતર રોગને નસાડી બીજાને એવા રોગ નસાડવામાં મદદ કરે એવા હેતુથી અમે સોકરેટીસના ભાષણનો સા૨ આપીએ છીએ.

મો. ક. ગાંધી.


વિકિસ્રોત પર પ્રકાશિત થયેલ  ગાંધીજીનાં પુસ્તક ‘  એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ ‘માંથી_ક્રમશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *