ફિર દેખો યારોં : તાવ, પરીક્ષા, ચૂંટણી વગેરે….

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

તાવ એ બિમારી નથી, પણ બિમારીનું લક્ષણ છે. એ જ રીતે પરીક્ષા કોઈ સિદ્ધિ નથી, પણ પ્રગતિને માપવાનો એક જાતનો માપદંડ છે. બિલકુલ એ ન્યાયે ચૂંટણી પણ કોઈ પ્રાપ્તિ નથી. આમ છતાં, આપણું સામાન્ય વલણ કેવું હોય છે? તાવને આપણે ગમે એ ભોગે બેસાડી દઈએ છીએ. આખું વર્ષ જે કર્યું હોય એ, પણ પરીક્ષામાં પાસ થવા માટે જીવ પર આવી જઈએ છીએ. ચૂંટાયેલા ઉમેદવારે પાંચ વર્ષ શું કર્યું તેને ધ્યાનમાં લેવાને બદલે ચૂંટણીપ્રચારના દિવસોમાં તે શું કરે છે એને ધ્યાનમાં લઈએ છીએ અને મત આપીએ છીએ. આપણી માનસિકતા જ એવી ઘડાઈ છે. સમસ્યાને સમસ્યા તરીકે ઓળખવામાં આપણને રસ નથી. આથી તેના મૂળમાં જઈને તેને નાબૂદ કરવાની વૃત્તિ કદી વિકસતી નથી. આથી જે તે સમસ્યા થકી પ્રાપ્ત થતા પરિણામને આપણે રોગ સમજીને તેના ઈલાજ માટે થાગડથિગડ કરતા રહીએ છીએ.

દસમા કે બારમાના બૉર્ડની પરીક્ષામાં પેપર સહેલાં કે અઘરાં નીકળે એ સમાચાર બને, પરીક્ષામાં થતી ચોરી માટે લેવાતાં સાવચેતીના પગલાં જોઈને કોઈ ત્રાસવાદી હુમલાના સામનાની તૈયારી જેવું લાગે,

પરીક્ષામાં નાપાસ થવાના કાલ્પનિક ભયથી વિદ્યાર્થીઓ એ હદે નિરાશ થઈ જાય કે આત્મહત્યા કરવા સુધી પહોંચે, પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓના કાઉન્‍સેલિંગની હાટડીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે, ‘મેમરી ટેકનિક’ એ રીતે વિકસાવવામાં આવે કે તમને કશું આવડે કે ન આવડે, પણ વાંચેલું મોટા ભાગનું યાદ રહે, આ બધું કર્યા પછી સારા ટકા આવે તો પણ વિદ્યાર્થીના ભાવિમાં કશો ફેર ન પડે અને છતાં આપણું શિક્ષણતંત્ર પરીક્ષા લેવાની પદ્ધતિઓ જ બદલતું રહે અને શિક્ષણની પ્રણાલિ બદલવાની દિશામાં કોઈના દ્વારા કશો વિચાર જ ન થાય ત્યારે સમજાય કે દોષ કોઈ એકલદોકલ વ્યક્તિનો નથી, પણ આખેઆખા સમૂહની માનસિકતાનો છે.

ચૂંટણી અને તેના થકી કરાતી નેતાની પસંદગી બાબતે પણ આવું જ વલણ જોવા મળે છે. દરેક ચૂંટણી ટાણે વિવિધ પક્ષો પોતાનો ચૂંટણીઢંઢેરો પ્રસિદ્ધ કરે છે. ભલે ચૂંટણી જીત્યા પછી તેને નેવે મૂકવામાં આવે, પણ પછીની ચૂંટણી વખતે સાવ જુદા જ મુદ્દાઓને સમાવતો ઢંઢેરો બનાવવામાં આવે એમ બનતું હોય છે. પ્રજા તરીકેની આપણી ટૂંકી યાદદાસ્તનો ગેરલાભ પક્ષો લેતા હોય છે. નહીંતર અગાઉની ચૂંટણી વખતે ઘોષિત કરાયેલા મુદ્દાઓમાંથી કયા કયા મુદ્દાઓ પર કેટલું કામ થયું તેનો જવાબ માગવાનું આપણને કેમ ન સૂઝે?

શાસનકાળ દરમિયાન બેફામપણે વર્તતા શાસકો ચૂંટણીટાણે અચાનક આચારસંહિતાનું પાલન કરી પોતે ડાહ્યાડમરા હોય એવો ડોળ કરવા લાગે છે. ચૂંટણી ટાણે સક્રિય થતું ચૂંટણી પંચ જ એક એવી સંસ્થા જણાય છે કે જેને કારણે લોકશાહીનાં મૂલ્યોમાં એક નાગરિક તરીકે આપણો વિશ્વાસ જળવાઈ રહે. પણ આચારસંહિતાનું ઉપરછલ્લું પાલન એ મૂળ બિમારીના નહીં, તાવને બેસાડી દેવા જેવી જ ઉભડક અને અધકચરી બાબત છે. રીઢા રાજકારણીઓને ચૂંટણીની ઘોષણા કરાયા પછીનો મહિના- બે મહિનાનો સમયગાળો પસાર કરી દેતાં સારી પેઠે આવડતું હોય છે.

ઈન્‍ટરનેટના, અને તેને પગલે ફેસબુક, ટ્વીટરના યુગમાં ચૂંટણી પંચની કામગીરી વધુ પડકારજનક બની રહે છે, કેમ કે, આ માધ્યમો પર એક વાર કોઈ વાંધાજનક બાબત મૂકાય, તેની પર ધ્યાન જાય અને તેને પાછું ખેંચી લેવાની સૂચના આપવામાં આવે એ પહેલાં તે અનેકગણી ઝડપે પ્રસરી શકે છે. ભારતીય હવાઈ દળના વીંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની પાકિસ્તાનથી થયેલી મુક્તિ પછી સ્વાભાવિક અને અપેક્ષિત હતું કે શાસક પક્ષ તેનો જશ ખાટવા પ્રયત્ન કરે અને આ મુદ્દાને ચૂંટણીમાં આગળ કરે. ચૂંટણીની ઘોષણા થયા પછી ફેસબુક પર વડાપ્રધાન અને તેમના પક્ષપ્રમુખ સાથે અભિનંદનની તસવીર ફરતી કરવામાં આવી. ચૂંટણી પંચે આ તસવીરને હટાવી લેવાની સૂચના આપી. આ પગલા દ્વારા ચૂંટણી પંચે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી દીધી છે અને એક રીતે સંદેશો પણ પાઠવ્યો છે કે પોતાના ધ્યાનબહાર કશું નથી.

ચૂંટણી પંચની આવી ભૂમિકાથી આનંદ થાય, પણ તેને લઈને મૂળ સમસ્યાનું શું કરવું એ ઊકેલ જડતો નથી. પક્ષ કોઈ પણ હોય, તેના નેતાઓને આચારસંહિતાનો ભંગ ક્યારે અને શી રીતે થાય છે એ ખબર ન હોય એમ બને નહીં. આમ છતાં, શા માટે તેઓ એમ કરવા પ્રેરાય છે? તેઓ એમ કરવા જાણીબૂઝીને પ્રેરાતા હોય અને કોઈ પણ મુદ્દાની ચૂંટણીટાણે રોકડી કરી લેવા માગતા હોય તો એક નાગરિક તરીકે આપણે તેમને શા માટે સાંખી લેવા જોઈએ?

હવે તો ચૂંટણી ટાણે શેરીયુદ્ધની યાદ અપાવે એવાં ભાષણોનો મારો ચાલે છે અને નાગરિકો તેનો આનંદ શેરીયુદ્ધની જેમ જ લૂંટે છે. તમામ રાજકીય પક્ષો ચડસાચડસીમાં લોન કે દેવાની માફામાફી કરવા લાગે છે, જેમાં સરવાળે નાણાં તો આપણા જ વેડફાય છે અને સમસ્યાઓ ઠેરની ઠેર રહે છે. નાગરિક તરીકે આપણી નિસ્બત એ હોવી ઘટે કે સત્તા પર કોઈ પક્ષ આવે, તે દેશની નક્કર સમસ્યાઓના ઊકેલ માટે કશો પ્રયત્ન કરવાની વૃત્તિ દાખવે. આપણે આપણા ઉમેદવારો પાસે આ બાબતે સવાલ પૂછવાનું વલણ કેળવવું પડશે. વિવિધ નાગરિક સંગઠનો આ ભૂમિકા ભજવી શકે. વ્યક્તિગત સ્તરે પણ આપણી વિચારશક્તિ આ સ્તરની હોવી ઘટે. ચૂંટણી ટાણે વિવિધ પક્ષના નેતાઓના હાકલા-પડકારા જોઈને એમ જ લાગે કે આપણી લોકશાહી દિન બ દિન પરિપક્વ થાય છે કે બાલ્યાવસ્થા તરફ ધસી રહી છે? નેતાઓની આવી ચેષ્ટાઓ જોઈને આપણને મનોરંજન મળતું હોય અને આપણે એના આધારે નેતાઓને મત આપતા હોઈએ તો સમજવું કે નાગરિક તરીકે આપણે પણ હજી પુખ્તતા કેળવવાની બાકી રહે છે. શરીરનો તાવ હોય, બૉર્ડની પરીક્ષા હોય કે ચૂંટણીનાં પરિણામો- આમાંના કશા પ્રત્યેનો અભિગમ એકલદોકલ વ્યક્તિથી બદલી શકાતો નથી, પણ તેને જોવાની દૃષ્ટિ વિકસે તો એ પણ પુખ્તતા જ ગણાય.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૩-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *