ખેડૂતોને યે સવારે “વોકીંગ” ની જરૂર કેમ પડવા માંડી ?

Facebooktwitterredditpinterestlinkedinmail

હીરજી ભીંગરાડિયા

હમણા આઠેક દિવસ પહેલાં થોડા કામ સબબ હું ગઢડામાં મારા ડોક્ટર મિત્ર શેટા સાહેબની લેબનાં પગથિયાં ચડતો હતો ત્યાં ગઢાળી ગામનું મારું એક ઓળખીતું ખેડૂત કપલ બારણાંમાં જ સામું મળ્યું. મેં એમને પૂછ્યું કે “કેમ ભાઇ ! શું થયું છે ? કેમ તમારે આ લેબોરેટ્રીની મુલાકાતે આવવું પડ્યું ?” તો કહે, ”બીજો તો કોઇ વાંધો નથી, પણ આ ડાયાબીટીસ વાંહે થયો છે એટલે લોહી-પેશાબનો રિપોર્ટ કરાવવા આવ્યા હતા.” મેં વળી પૂછ્યું, “ કોને, તમને છે ડાયાબીટીસ ?“ તો કહે, “એકને હોય તો તો કંઇકે ઠીક, આ તો પતિ-પત્ની બેઉને વળગ્યો છે !” મનમાં થયું, ખરું કહેવાય ! ખેડૂત જેવા ખેડૂતને અને એય પાછો પતિ-પત્ની બન્નેને ? મારે અર્ધોએક કલાક ત્યાં રોકાણ થઈ એ દરમ્યાન રળિયાણાથી અરજણભાઇ આવ્યા, દેરાળાના ઝીણીબેન આવ્યા, લીંબાળાથી તો એક મોટરસાયકલ પર એક બેન અને બે ભાઇ – એમ ત્રણ જણ ઉતર્યાં અને એય લેબમાં દાખલ થયાં. બધાં મારાં ઓળખીતા હતાં એટલે પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે અહીં રિપોર્ટ કરાવવા આવેલા 7 જણામાંથી માત્ર બે તાવવાળાને બાદ કરતાં બાકીના 5 જણાં તો ડાયાબીટીસ કેટલો છે તેની તપાસાર્થે જ આવેલા હતા ! અને ડોક્ટરનું કહેવાનું પણ એવું જ થયું કે “હા, મારે ત્યાં તપાસાર્થે આવતા દરદીઓમાં અરધા ઉપરાંતના ડાયાબીટીસવાળા જ હોય છે.” એવો જ સવાલ મેં ઢસાની લેબવાળા ડોક્ટર મિત્રને પૂછ્યો હતો અને એણે પણ આવો જ જવાબ આપ્યો હતો.

શું પહેલાંના વખતમાં પણ આવુ જ હતું ? ના, આવું નહોતું. તમે તપાસ કરજો ! 85-90 વરસના ખેડૂત કુટુંબના કોઇ દાદા-દાદી મળી જાય તો પૂછી જોજો કે “તમને ડાયાબીટીસ છે ?” તો કહેશે કે “એ વળી શું ?” હા, કોઇ કોઇને આંખે મોતિયાંનું ઓપરેશન કરાવવું પડ્યું હોય કે કોઇ કોઇના દાંત પડી જતાં મોઢામાં ચોકઠું લગાવવું પડ્યું હોય તેવું ભળાશે. પણ એ તો ઉંમરનું કારણ ગણાય. જ્યારે ડાયાબીટીસ એ બેઠાડુ જીવન અને શ્રમ પ્રત્યેની સુગ તથા જીભને ગમે તેવા ચટાકેદાર ખોરાકો આરોગ્યે રાખવાનું જ ચોક્કસ કારણ હોઇ શકે એવું ડૉક્ટર લોકોનું કહેવાનું થાય છે.

આજથી સાંઈઠેક વરસ પહેલાં જ્યારે મારી ઉંમર દસેક વરસની હતી ત્યારે અમારા ગામની બાજુના અણિડા ગામે રહેતા મગનદાદા શેઠને જમણા પગનો અંગુઠો પાકેલો. લાંબા સમય સુધી રૂઝ નહીં આવતા લોકો વાતો કરતા કે “ બહુ સુખિયા અને બેઠાડુ લોકોમાં આવતો “મીઠી પેશાબ” નો રોગ મગનદાદા શેઠને વળગ્યો છે, ઇ ઘાંયતાંય મટે નહીં !” અને સાચ્ચે જ એવું બનેલું કે એ દર્દે શેઠદાદાનો જીવ લઈને જ છૂટકો કરેલો.

પણ સામાન્યરીતે ખેડૂતો, કારીગરો કે મજૂરો જેવા મહેનતકશ લોકોમાં પુરુષોમાં તો શું, પણ સ્ત્રીઓમાં પણ દર્દો સાવ ઓછાં હતાં. અને એમાંયે ડાયાબીટીસને તો કોઇ ઓળખતું જ નહોતું. કારણ કે બધા માણસો જાતે કામ કરનારા હતા. અને જાતે કામ કરવામાં જ જરૂરી શરીરશ્રમ મળી રહેતો, એટલે શરીરશ્રમ કરનાર વ્યક્તિ પાસે એ દર્દને આશરો જ નહોતો.

કેમ ? કારણ કે “શરીર શ્રમ જ શરીર સ્વાસ્થ્યનું રખોપું કરનારું “બખ્તર” છે.: તમે જુઓ ! ખેડૂતોમાં ખેતીકામો પાછળ પરસેવે નીતરી જવાય એટલી પંડ્યમહેનત, અને એ પણ કલાક-બે કલાક નહીં, આખો દાડોએ ઓછો પડતો એટલે તો ઉગ્યા પહેલાં બે કલાક અને આથમ્યા પછીયે બે કલાક મળી 12 ને બદલે 16-16 કલાક જે આદમી કોદાળીથી જમીન ખોદવા, માટી-ખાતરના સુંડલા ઉચકાવી ગાડામાં ભરવા, કૂવો ગાળવાનો થાય ત્યારે ત્રિકમ-પાવડાથી તો ઠીક, પણ પથ્થર તોડવા ફીણા ઉપર ઉલળી ઉલળી ઘણના ઘાવ જીંકવા કે કૂવાનો એ ગાળ બહાર કાઢવાનો હોય, વાડી બાંધવાની હોય, કોસ ચલાવવાનો હોય કૂવામાં ચડ-ઉતર કે ધરતી ખેડવા હળ હાંકવાનું હોય-એ બધા કાર્યોમાં પરસેવે રબઝેબ થઈ જવાય એવો શરીરશ્રમ જેને કરવાનો થતો એ ખેડૂત આદમીના શરીરમાં પ્રવેશવાની વાત ક્યાં કરો છો ? એની ઢૂકડો યે આવવાનો ડાયાબીટીસ વિચાર સુદ્ધાં ન કરી શકતો.

અમારા કુટુંબમાં રાજાદાદા થઈ ગયા. તે દિવસોમાં અમારા વિસ્તારમાં ખેડૂતો વાઢનું મોટું વાવેતર કરતા અને વાડીએ જ ચીચોડો માંડી ગૉળ બનાવતા. ચીચોડો બળદથી ચાલતો પણ શેરડીના સાંઠા-રાડાં પડામાંથી ચીચોડા સુધી વેઈ લાવવાનું કામ આદમીને કરવું પડતું. એ વખતે ત્રણ-ચાર આદમી બળ કરીને રાજાદાદાને કંધોલે શેરડીનો મોટો ભારો ચડાવી દેતા, અને દાદા એ ભારો પડામાંથી ચીચોડે જઈ ઉતારે એટલે રાડાનો એવડો ઢગલો થઈ જાય કે રાજાદાદાના એ એક જ ભારે રસની આખી કુંડી છલકાઇ જતી ! અરે ! એક બેઠકે ભેલું ગોળ ખાઇ જવા છતાં ડાયાબીટીસ એમના શરીરે અડકી નહોતો શકતો ! કોઇ ખેડૂત જુવાનને ખભે હળ નાખી પેડલ-સાયકલ ઉપર ખેતરે લઈ જતાં નિહાળ્યો છે કોઇએ ? મેં જોયો છે. અરે ! મારા સહાધ્યાયી અંબાશંકર પનોતના ભાઇને કુતરું બટકું ભરી ગયું. હવે ? ઘડીક તૂ..તૂ…તૂ કરી ફોલાવી કુતરાને પકડ્યું અને બે હાથે નીચલા-ઉપલા બન્ને જડબાંને પહોળા કરી એવું બળ કર્યું કે મોઢાનાં બે ફાડિયાં થઈ ગયાં ! અમારા જૂના ગામ ચોસલામાં માવજી પટેલ હતા, જે એકલપંડ્યે બળ કરી ગાડું ઊંધું નાખી દેતાં ને પાછું સવળુંયે કરી દેતા બોલો ! અરે ! મોરસિયું [100 કિલો વજન] કાંખમાં નાખી મેડીનો દાદરો ચડી જાય એવી રાક્ષસી તાકાત આપણા ખેડૂતોમાં હતી. તમે જ કહો, આટલો શરીરશ્રમ જ્યાં થતો હોય ત્યાં ડાયાબીટીસ જેવા દરદોના થોડા દેન છે કે આમના ઘરનું પગથિયું ચડે ?

અને એવું જ ખેડૂતની સ્ત્રીઓને પહેલા કેવું કામ રહેતું એ બાબતે કોઇ વૃધ્ધ માજીને પુછી જોશું તો તરત કહેવાનાં “ અરે અમારા તેદુના કામની વાત કરું તો અટાણે તમને ગળે નહીં ઉતરે ગગા ! માથે ગોળી-હાંડાની હેલ્ય ઉપાડી પાણી ભરવામાં તો માથે ટાલ્યું પડી જાતી, ઢોરાંના નીરણ-પાણી ને છાણ-વાસીદાં કરવાં અને દૂઝણાં દોહી, ઘમ્મર વલોણે ઊભા ઉભા નેતરાં ખેંચી છાશ ફેરવવાનું પતે એટલે ઘર.ર. ઘંટીએ પરસેવે નીરતી જવાય એટલું અનાજ દળ્યા પછી પાછા ઘર આખાના રોટલા બનાવીને સૌને શિરામણ કરાવી લેઉ એતો ખેડૂત સ્ત્રીઓ માટે દિ’ ઉગ્યા પહેલાંનાં ઘરકામ ગણાતાં. વાંકા વાંકા સંજવારી કાઢવી કે ફળિયું વાળવું જેવા કામો કર્યા ન કર્યા ત્યાં વાડી-ખેતરે જવાનો વખત થઈ જાય. ધબાલો એક મેલા કપડાની ધોણ્ય તો કાઢશું બપોર વચાળે જ્યારે માટીડો અને બળદિયા બે ઘડી તડકાની ભમ્મર ભાંગવા વિહામો લેતા હશે ત્યારે એમ કરી ઉપડી જઈએ આદમીની હારોહાર વાડીએ ! અને–નીંદવું, પારવવું, લણવું, વાઢવું, ઉપણવું, ખળું લેવું જેવા ખેતીકામોમાં પણ હારોહાર પેટી વાળીને જોડાઇ જતાં. અમારે આ 12 કલાકના અજવાળાવાળો દન તો નાનો પડતો ગગા ! એટલે તો અમે બૈરાઓ ભરકડે [વહેલી સવારના 4 વાગ્યે] છોકરાઢિબણિયું તારોડિયું ઉગ્યે જાગી જતાં ને દન આથમ્યા પછી પાછાં ખેતરેથી ઘેર આવી ઢાંઢા-ઢોરાંને નીરણ કર્યા પછી દૂઝણા દોહી, રોટલા-ખીચડી-કઢી ને દૂધે બધાને વાળુ કરાવ્યા પછી વાસણ-કુસણ ને ઢાંકો ઢુંબો જેવા કામમાંથી પરવારીએ ત્યાં રાતના દસ વાગી ગયે માંડ પગ વાળીને બેસવા કે લાંબા થવાનો વારો આવતો !” લ્યો બોલો ! જ્યાં શરીરને શ્રમ જ એટલો પડ્યો હોય કે થાકના માર્યા એક ઊંઘે જ સવાર પડવાનું હોય, કે જ્યાં સપનાને આવવાનોય ગાળો ન રહેતો હોય ત્યાં ડાયાબીટીસ થોડી ઢુંકડી આવે, તમે જ કહો !

પણ……. આજ સમય બદલાયો છે. એ શરીરશ્રમ ગયો, એ શ્રમની ભાવના ગઈ અને એ શ્રમની ટેવ પણ ગઈ, અને કહોને શ્રમ પ્રત્યેની એક પ્રકારની સૂગ દાખલ થઈ ગઈ ! એટલે તો 100 કિલો ભરતીના કાળીધારીના કોથળામાં અનાજ-દાળ-ચોખા-ખાંડ હવે કોઇ ઉપાડનારા ન રહ્યા, તેથી 50 કિલોની બેગો-થેલાઓ નીકળ્યા અને હવે તો 50 કિલોયે વજનદાર લાગવા માંડતાં 25 અને 20 કિલોના પેકીંગમાં માલની હેરાફેરી શરૂ થઈ છે.

આનું કારણ શું ? આનું કારણ બસ આપણામાં શ્રમ કરવાની આદત છૂટી રહી છે તે જ છે. અને અધુરામાં પૂરું, આ 21મી સદીમાં બાળકો-યુવાનોમાં અપાઈ રહેલું શિક્ષણ પણ શરીશ્રમથી વિખૂટા કરવાનું જ અપાઇ રહ્યું છે. “તમારા બાળકનું મોઢું અમે ધોઇ દેશું,, નખ અમે કાપી દેશું, વાળ અમે હોળી દેશું, ખવરાવી અમે દેશું અને વાસણ પણ અમે જ ઉટકી દેશું, અને અમે જ પથારી પાથરી દઈ-સુવરાવી પણ દેશું. તમારા બાળકના ખર્ચ પેટે માત્ર તમારે દોઢલાખ રૂપિયા મોકલવાના રહેશે.” આવું ચોખ્ખે ચોખ્ખું ભણતરના હાટડાંવાળા કહે છે અને આપણને આ ભણતર ઉત્તમ લાગે છે, એટલે તો આવી સ્કૂલોમાં ડુંટીએથી નાળ ન ખડ્યો હોય તેવા બાળકોને દાખલ કરી ગર્વ અનુભવીએ છીએ ખરુંને મિત્રો !

હવે તમે જ કહો ! જે બાળકને પોતા પુરતુંયે કામ કરવાની ન સમજણ આપી હોય કે ન આદત ઊભી કરી હોય, તે શાળા કે કોલેજમાંથી ભણીને બહાર આવ્યા પછી ટાઢા છાંયાની ખુરશી ઉપર બેસવાની નોકરી સિવાય બીજું શું કરી શકવાના ? એ બધા તો શરીરશ્રમથી દૂર જ ભાગતા રહેવાનાને ? બસ, શરીરને આલ ન પડે એવી નોકરીની શોધમાં જ રહેવાના, અને એવી નોકરી કંઇ દરેક જણને થોડી મળવાની છે ? એટલે આજનું શિક્ષણ ભણેલા બેકારોની ફોજ ઊભી કરી રહ્યું છે.

વાત કરું આપને ? 1962માં લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં હું ભણતો હતો ત્યારે આ.શ્રી મનુભાઇ પંચોલીને એવી વાત કરતા સાંભળ્યા છે કે “વાળંદ અને વકીલ બન્ને મહેનતાણું તો સરખું જ મેળવવાને હક્કદાર છે.” એ વાત આજે સિદ્ધ થયેલી ભળાઇ રહી છે. આજે કોઇપણ કારીગર, પછી તે ચણતર કરનાર કડિયો હોય કે સુથારી-લુહારી કામ કરનાર, અરે ! સિવણકામ કરનાર દરજી ભલેને હોય ! આ બધા જ શ્રમીકો એક દિવસ કામ કરવાનું 600-700 રૂપિયાનું રોજ પાડી લે છે. એટલે કે 18000થી 21000 રૂપિયા માસિક મહેંતાણું મેળવે છે. જ્યારે ભણીને બી.એડની ડીગ્રી પ્રાપ્ત કરેલ જણ મહિનાના 5-7 હજારમાં કામ કરવા પડાપડી કરે છે !! આજના આ ભણેલ કરતાં શ્રમિક કેટલી ચડિયાતી રીતે આજીવિકા મેળવવા સક્ષમ બને છે તેનું આ ઉદાહરણ છે.

ખેડૂતોમાં શરીરની નરવાઈ બગડવાનું એક બીજું પણ કારણ છે- ખેડૂત કુટુંબોમાં પણ ખોરાકી ચીજોમાં આવેલો બદલાવ. એ જમાનામાં બધું શુદ્ધ અને ચોખ્ખું વપરાતું. ઘરનાં દુજાણાં હોય એટલે દૂધ-દહીં-માખણ-ઘી-છાશ, ઘરનાં જ ખાવા મળતાં. વાડીના જ વાઢના ઘેરામાંથી જાતે બનાવેલો ઘરનો ગૉળ, વાડીમાં જ પાકેલ બિનઝેરી અનાજ, કઠોળ, તેલીબિયાં તેમજ શાકભાજી અને ફળો સહજ રીતે ખાવા મળતાં. જેના હિસાબે માંદા પડવાનું ઓછું બનતું.

જ્યારે આજે ? ખેડૂતોમાં દર્દોએ પ્રવેશવાનું કંઇ હમણા તાજેતરમાં કે બે-પાંચ વરસમાં જ એકદમ શરૂ થઈ ગયું છે એવું નથી, પણ ધીરે ધીરે સમય બદલાતાં સૌ કોઇની જેમ ખેડૂતોમાં પણ પૈસે-ટકે થોડા પહોંચતા હતા તેમણે શરૂઆતમાં ખેતીકામમાં ટેકો કરવા અને એમ કરતા કરતા પોતે શરીરથી કામ બંધ કરી, માત્ર મજૂરો પાસેથી જ કામ કરાવવાનું શરૂ કર્યું. આજે 70 ટકા ખેડૂતો પોતે શરીરશ્રમથી વિમુખ બની, માત્ર ભાગિયા મજૂરોથી જ ખેતી કરાવવામાં માતમ અને મોટપ સમજવા માંડ્યા છે. પોતાના જીવનમાંથી શરારશ્રમ સાવ ગયો અને બીજી બાજુ એકલા રાસાયણિક ખાતરો અને ઝેરીલી પેસ્ટીસાઈડ્ઝના જોરે તૈયાર થયેલ ખેત પેદાશને જ ખાવાનું બનવા લાગ્યું, અરે ! પોતાના ઘર પૂરતું પણ શુદ્ધ અનાજ-શાકભાજી કે દૂધ સુદ્ધાં પેદા કરવાનું ટાળી દીધું છે ને ! એટલે દર્દોને શરીરને બે બાજુથી ભીંહડિયામાં લેવાનું વધુ ફાવ્યું. કમરના દુ;ખાવા, ગોઠણના દુ;ખાવા, પેટ મોટાં થવાં અને હદયરોગ તથા ડાયાબીટીસ તો આવ્યા પણ “શેત્રુંજીમાં ગાગડિયો ભળે” એમ શ્રમની ઉણપ અને નમાલા ખોરાક સાથે તમાકુ-માવા-ગુટકાનું ત્રીજું ઉમેરાયું દૂષણ એવું વ્યસન ! તેથી હવે કેન્સર જેવા જીવલેણ દર્દોને ખેડૂતોના શરીરમાં પ્રવેશવા માટે રેઢું પડ મળી ગયું છે.

જોકે : આજે પણ હજુ વ્યવસ્થિત શ્રમ કરનારા માણસોમાં – કારીગરો-મજૂરો-કે પંડ્યે ખેતી કરતા હોય તેવા ખેડૂતોના શરીર ઢીલાઢફ નહીં, પણ પૂરા જોમદાર, કસાએલ અને ડીફ્ફા જેવા નરવ્યા ભળાઇ રહ્યા છે, એ કોઇને વહેલી સવારે ઉત્પાદક શ્રમની અવેજીમાં વોકીંગ એટલે કે “ચાલવા જવા” જેવા કૃત્રિમ અને બિન ઉત્પાદક શ્રમ કરવા ઊભા રોડે ચડવાની જરૂર નથી પડતી.

ત્રણ-ચાર વરસ પહેલાં હું ચીન ગયો હતો અને અઠવાડિયું ખેડૂતોની વચ્ચે જ રોકાયો હતો. ત્યાં કોઇ મોટા પેટવાળા જણ જ નજરે ન ચડ્યા. અરે ! અને ખેડૂત સિવાયના નોકરિયાતોમા પણ ઓફીસો, બેંકો, કચેરીઓ કે એરપોર્ટ સુદ્ધાં કોઇ જગ્યાએ વર્કરોને બેસવાની ખુરશી ન ભાળી ! ઊભા ઊભા સૌને કામ કરતા ભાળ્યા. અરે ! અહીં થોડા દિવસો પહેલાં જ અમારા મકાનની અગાસીમાં “કટકી” ચોડવાનું કામ કરવા 8 રાજસ્થાની ભાઇઓ આવ્યા હતા. આઠેઆઠ જણ બહુ લોંઠકા નહીં એવા-માપસરના બાંધાના શરીરવાળા હતા પણ રેતી ભરેલાં અઢી-ત્રણ મણના બાચકાં ખંભે ઉપાડી દાદરાના પગથિયા જે ઝડપથી ચડી જતા હતા કે આપણે તો જોઇ જ રહેવું પડે ! આ તાકાત અને નરવાઇ એના શરીરને બક્ષનાર કોઇ હોય તો તેણે પોતે જાતે કરેલો એનો “શરીરશ્રમ” છે ભાઇઓ !

શરીરને આરોગ્ય સારું રાખવા અવયવોને કસરતની જરૂર છે એ વાત જ્યારે નક્કી જ છે મિત્રો, ત્યારે હવે આપણે જ નક્કી કરવાનું રહ્યું કે આપણે આપણી ખેતીમાં થોડું-ઘણું ઉપયોગી-ઉત્પાદક કામ કરીને શરીરને કસરત કરાવવી છે કે રોડ ઉપર ચાલવા જવા જેવા બિન ઉત્પાદક અને નકલી શ્રમ-‘વોકીંગ” કરવાનું ચાલુ રાખીને ? આપણે જ વિચારીએ.


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

1 comment for “ખેડૂતોને યે સવારે “વોકીંગ” ની જરૂર કેમ પડવા માંડી ?

  1. નિરંજન બુચ
    March 27, 2019 at 5:42 am

    મારા પત્ની એ 10/12 વર્ષ ની ઉંમરે મા ને મદદ કરવા સવાર ના 3.30 વાગયે ઉઠી 100/100કપડાં ધોયાં છે ને 10/10 હેલ આટલી નાની ઉંમરે પાણી ની ભરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *