વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી – શાપિતનગર : મોન્ટાનાનું લીબ્બી

Facebooktwitterredditpinterestlinkedinmail

જગદીશ પટેલ

મોન્ટાના રાજય કેનેડાને વેચી પૈસા ઉભા કરવાનો મુદ્દે સહી ઝુંબેશ હાલ અમેરિકામાં સમાચારોમાં છે. અમેરિકાની ઉત્તરે કેનેડાની સરહદે આવેલા આ મોન્ટાના રાજયનું લીબ્બી નામનું ગામ. નજીકના જંગલમાંથી લાકડું કાઢી તે વેચવાનો મુખ્ય વ્યવસાય. ૨૦૧૦માં ગામની વસ્તી હતી ૨,૬૨૮. અહીં આજથી ૧૦૦ વર્ષ પહેલાં વર્મીકયુલાઇટ નામના ખનીજને ખાણમાંથી કાઢવાનું કામ શરૂ થયું. ઝોનોલાઇટ તરીકે વેચાતા આ ખનીજનો ઉપયોગ ઇન્સ્યુલેશન તરીકે કરવામાં આવતો. ગામથી ૧૨ કિ.મિ.ને અંતરે આવેલી આ ખાણ ૧૯૬૩માં ડબ્લ્યુ આર.ગ્રેસ એન્ડ કંપનીએ ખરીદી લીધી ત્યારે એમને ખબર હતી કે વર્મીકયુલાઇટની સાથે ટ્રેમોલાઇટ પ્રકારનું એસ્બેસ્ટોસ પણ ભળેલું હોય છે અને તે કારણે સંપર્કમાં આવનારાઓના આરોગ્યને હાનિ પહોંચે છે. પરંતુ એમણે કોઇને ચેતવ્યા નહી અને ખાણ કામ ચાલુ રહ્યું. તે કારણે આજે ગામમાં અંદાજીત ૪૦૦ નાગરીકોના મોત થયા અને ૩૦૦૦થી વધુ નાગરીકો અને પૂર્વ ખાણીયા એસ્બેસ્ટોસ સંબંધિત રોગોથી પીડાય છે. કંપનીએ વધેલું ખનીજ અને કચરો ગામને વાપરવા વિનામુલ્યે આપેલો. બગીચા, રોડ, રમતના મેદાન અને બીજે ઘણે ઠેકાણે લોકોએ તેનો ઉપયોગ કરેલો. ૧૯૭૦ના દસકામાં કંપનીએ આપેલા કચરાને બીજી ચીજો સાથે મેળવી બેઝબોલના બે મેદાન તૈયાર કરાયા હતા અને ચાર શાળાઓએ દોડવા માટેના ટ્રેક અને આઇસ રિંક બનાવેલા. ખાણ ૧૯૯૦માં બંધ પડી પણ ૧૯૯૯ સુધી એણે મચાવેલી તબાહી તરફ કોઇનું ધ્યાન ગયું નહી. ૧૯૯૯માં એન્વાયર્નમેન્ટ પ્રોટેકશન એજન્સીએ સાફસુફી શરૂ કરી.

વર્મીકયુલાઇટ એક ચળકતું ખનીજ છે જે અબરખ જેવું છે અને ગરમ કરવામાં આવે ત્યારે મકાઇને ગરમ કરતાં જેમ ફુલીને ધાણી થાય છે તેમ એ ફુલે છે. એ પોચું અને બુચ (કોર્ક) જેવું વજનમાં હલકું હોય છે. મકાનને ઠંડીથી બચાવવા ઇન્સ્યુલેશન તરીકે તેનો મોટા પાયે ઉપયોગ થતો. ઉપરાંત માટીમાં ભેળવતાં ફુલ/છોડના વિકાસ અને વૃદ્ધિ સારા થાય એટલે આજે પણ બગીચા કે કુંડામાં તેનો ઉપયોગ થાય છે. વર્મીકયુલાઇટ પોતે બીનહાનિકારક છે પણ તે જયાંથી નીકળે છે તે ખડકોના સ્તરમાં હંમેશાં ટ્રેમોલાઇટ પ્રકારનું એસ્બેસ્ટોસ હોય છે જે એસ્બેસ્ટોસના અત્યંત હાનિકારક પ્રકારમાંનું છે. તેના લાંબા તાંતણા અણીદાર અને માછલીને પકડવાના ગાળિયા જેવા હોય છે. ફેફસાંની મૃદુ માંસપેશીમાં એવા ફસાઇ જાય છે કે બહાર નીકળી શકતા નથી. ખાણમાંથી નીકળેલા વર્મીકયુલાઇટને દળીને ટ્રકમાં પહાડની તળેટીમાં લાવવામાં આવતો અને નદીને બીજે છેડે કન્વેયર બેલ્ટ દ્બારા લઇ જવાતો જયાંથી તેને રેલ્વેના ખુલ્લા વેગનમાં ભરીને અન્ય રાજ્યોમાં લઇ જવાતો. બીજા રાજ્યોમાં આવેલા કંપનીના કારખાનાઓમાં તેને ગરમ કરીને ફુલાવવામાં આવતો અને તે “ઝોનોલાઇટ”ને નામે વેચવામાં આવતો.

૧૯૯૯માં “સીએટલ પોસ્ટ— ઇન્ટેલીજન્સર” નામના સામયિકના પત્રકાર એન્ડ્રુ શ્નીડરને ગાયલા બેનેફીલ્ડે અમુલ્ય માહીતી આપી. તેને આધારે એન્ડ્રુએ આ ગામ અને તેની સમસ્યા અંગે “અનસીવીલ એકશન : અ ટાઉન લેફટ ટુ ડાય” મથાળા હેઠળ લેખોની શ્રેણી પ્રગટ કરી. આ લેખોને કારણે એને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું અને દેશનું ધ્યાન આ સમસ્યા તરફ ખેંચાયું. એન્વાયર્નમેન્ટ પ્રોટેકશન એજન્સીએ એ પછી ગામમાં માહિતી કેન્દ્ર શરૂ કર્યું. એ પછી જે સાફસુફી શરૂ થઇ તે અમેરિકાના ઇતિહાસમાં ચાલેલું આ પ્રકારનું સૌથી લાંબુ અને મોટું કામ છે. જયાં જયાં વર્મીકયુલાઇટ હતો ત્યાં ત્યાંથી શોધીને તેને કાઢવાનું કામ કરવામાં આવ્યું. સાફસુફીના ખર્ચને પહોંચી વળવા ૨૦૦૮માં કંપનીને ૨૫ કરોડ ડોલર ચુકવવાનો હુકમ થયો. ૧૯ વર્ષ પછી ૨૦૧૮માં કામ પૂરૂં થવા પર આવ્યું અને એજન્સીએ પોતાનો પથારો સંકેલવા માંડયો. એજન્સીને સાફસુફી કરવા પાછળ ૪૨ કરોડ ડોલરનો ખર્ચ થયો. જો કે ગામમાં ૨૩૦ જેટલા લોકોએ પોતાના મકાનની સાફસુફી કરવા દેવાનો ઇન્કાર કર્યો છે.

લીબ્બીના હજારો નાગરિકો અને કંપનીના પુર્વ કામદારોએ પોતાને થયેલા નુકસાન માટે અને જોખમોની ચેતવણી ન આપવા સબબ કંપની સામે વળતર દાવા કર્યા છે. ૨૦૧૧માં કોર્ટે ૧૩૦૦ દાવેદારો માટે ૪.૩ કરોડ ડોલર ચુકવવાનો હુકમ કર્યો. દાવો દાખલ કર્યાના ૧૦ વર્ષ બાદ ૨૦૧૨માં તે પૈકીના ૨૦૦ને નાણાં મળવા શરૂ થયા. ૨૦૧૭માં બીજા ૧૦૦૦ દાવેદારોને ૨.૫ કરોડ ડોલર ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો.

ગામની વસ્તીના ૧૦% જેટલા એસ્બેસ્ટોસના સંપર્કના કારણે માર્યા ગયા અને કેન્દ્ર સરકારે કંપનીના અધિકારીઓ પર ગુનામાં સંડોવણીનો આરોપ મુકયો. છતાં મે, ૨૦૦૯માં કોર્ટે કંપનીને એવા આરોપમાંથી મુક્તિ આપી કે કંપનીએ જાણી જોઇને ગામ લોકોને નુકસાન કર્યું. પાછળથી કંપનીએ ભીનું સંકેલવાના પ્રયાસ કર્યા તેવા આરોપમાંથી પણ એને મુક્તિ મળી.

૧૭ જુન, ૨૦૦૯ને દિવસે ઇપીએ દ્વારા લીબ્બી અને બાજુના ગામ ટ્રોયમાં જાહેર આરોગ્ય માટે કટોકટી (ઇમરજન્સી) જાહેર કરવામાં આવી. વધારાના ૧૩ કરોડ ડોલર સાફસુફી અને સારવાર માટે મંજુર કરાયા. ૨૦૧૫ સુધીમાં ઇપીએ દ્વારા ૪૨.૫ કરોડ ડોલરનો ખર્ચ સાફસુફી માટે કરવામાં આવ્યો. ૧૯૯૯માં અહીં કામ શરૂ કર્યા પછી ઇપીએ દ્વારા ગામના ૧૨૫૦ ઘરો અને વેપારી સ્થળોએથી સફાઇ કરી છે જેમાંથી ૭૦,૦૦૦ જેટલી ટ્રકો ભરીને એસ્બેટોસ મિશ્રિત માટી કાઢવામાં આવી. અહીં ઇપીએ દ્વારા જે સાફસુફીનું કામ થયું તેમાં ૮૧૦૦ સ્થળોની તપાસ કરવામાં આવી. તે પૈકી ૨૬૦૦માં એસ્બેસ્ટોસ હતો જે સાફ કરવો પડયો. કેટલાક સ્થળે બગીચા ખોદી કાઢવા પડયા. કયાંક દિવાલો અને માળિયા સાફ કરવા પડયા. આ સાફસુફીનું કામ પણ ઘણું જોખમી. એ કામ કરનારી દરેક વ્યક્તિએ ખાસ પ્રકારનો પોશાક પહેરવો પડતો જેમાં માસ્ક અને  રેસ્પિરેટરનો પણ સમાવેશ થાય છે. દરેક પગલે કાળજી લેવી પડે. એક મકાનના મોટા વંડાને સાફ કરવામાં જમીન ૬ ઇંચ સુધી ખોદી કાઢી તે માટી ફેંકી દઇ સારી માટીથી ખાડો પુરવાનું કામ થયું.

સફાઇ માટેની શરતો વારેવારે બદલાતી રહી. શરૂમાં આખા ઘરમાંથી એસ્બેસ્ટોસ મિશ્રિત વર્મીકયુલાઇટની સફાઇ કરવાની હતી. બે વર્ષ પછી તેમાં સુધારો કરી માત્ર માળિયાની જ સફાઇ કરવાનું નકકી કરાયું. ઘરની આસપાસના આંગણાની સફાઇ દરમિયાન શરૂમાં માત્ર વધુ વપરાશવાળી જગ્યાઓ જેમ કે હિંચકા, બગીચા અને મોટરકારના રસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો પણ ૨૦૦૬માં સુધારો કરી જયાં મોટા પ્રમાણમાં વર્મીકયુલાઇટ હોય ત્યાં જમીન ખોદી કાઢી માટી બદલવાનું નકકી કરાયું. એ કારણે આ નિર્ણય લેતા પહેલાં જે ૮૫૦ ઘરોની સફાઇ થઇ ચુકી હતી ત્યાં ફરી જઇને સફાઇ કરવાની થઇ. પછી ગામના રસ્તા અને હાઇવેનો પણ સફાઇ કાર્યક્રમમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો.

એસ્બેસ્ટોસના રોગોના નિદાન માટે ગામમાં સેન્ટર ફોર એસ્બેસ્ટોસ રીલેટેડ ડીસીઝીસ નામે દવાખાનું શરૂ કરવામાં આવ્યું. આ દવાખાનાના રેકોર્ડ મુજબ ૨૪૦૦ લોકોને આ રોગો થયાનું નિદાન થયું. આ રોગોને કારણે ૪૦૦ જેટલા મોતના દસ્તાવેજો છે પણ આરોગ્ય અધિકારીઓ માને છે કે આ આંકડો મોટો હશે.

ગાયલા બેનેફીલ્ડને જયારે જાણ થઇ કે ખાણ બંધ કર્યા પછી તેને સરખી રીતે બંધ કરવાની કંપનીએ આપેલી બાંહેધરીમાંથી રાજય તેને મુકત કરવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ગાયલાએ ફરિયાદ કરવાનું નકકી કર્યું. નદીમાંથી આવતા પૂરના પાણી સામે રક્ષણ માટે પાળા બાંધવા મજુરો ઝોનોલાઇટ ટેકરી પર બ્લાસ્ટ કરતા હતા તેમાં એસ્બેસ્ટોસ હવામાં ભળવાનું જોખમ હતું તે ગાયલા જાણતી હતી. જો મજુરોના કપડાં પર ઉડે અને મજુરો એવા કપડાં સાથે ઘરે આવે તો તેમના પત્ની, બાળકો પણ સંપર્કમાં આવે. તેણે કરેલી ફરિયાદ “સીએટલ પોસ્ટ—ઇન્ટેલીજન્સર” નામના અખબારના ધ્યાનમાં આવ્યા પછી તેના પત્રકારે શહેરમાં આવી લેખશ્રેણી પ્રગટ કરી જેમાં ચોંકાવનારી વિગતો આપી.

ગાયલાએ પોતાના ગામમાં અને રાજયની રાજધાનીમાં ચુંટાએલા પ્રતિનિધિઓનો સંપર્ક કરવા માંડયો અને છેક ગવર્નરના કાર્યાલય સુધી પોતાની ફરિયાદ પહોંચાડી. ગવર્નર માર્ક રેસીકોટ તો લીબ્બીના જ વતની હતા. તેથી તેને આશા હતી એ કશુંક કરશે. પણ એની આશા ઠગારી નીવડી. કોઈ જવાબ આવ્યો નહી. કોઇ પગલાં લેવાયાં નહી. ગવર્નર તો મુલાકાત લઇ પીડીતોને આશ્વાસન આપવા પણ આવ્યા નહી અને એમ કહી દીધું કે આ સમસ્યા વિષે પોતે કંઇ જાણતા નથી. પણ, આગળ જોયું તેમ, છેક ૧૯૫૬થી આરોગ્ય ખાતાએ સંભવિત પરિણામો અંગે ચેતવણી આપી જ હતી. જો કે ગાયલાએ પોતાની ઝુંબેશ ચાલુ જ રાખી ત્યારે ચુંટાયેલા પ્રતિનિધિઓમાંથી કેટલાકને લાગ્યું કે આ લોકો ગાંડા થઇ ગયા છે. પણ જયારે ખાણીયાના હવે મોટા થઇ ગયેલા બે બાળકોમાં જયારે રોગ મળ્યો ત્યારે સૌ ચોંકી ગયા.

ગાયલા બેનેફીલ્ડના પિતા ખાણમાં કામ કરતા. તેઓ ફેફસાની બીમારીથી મૃત્યુ પામ્યા પછી તેની માતા પણ રીબાઇને ફેફસાના રોગથી જ મરી. પિતા ૫૯ વર્ષના હતા પણ થોડા ડગલાં ચાલી શકતા નહી. તેના પિતા પર્લીએ માંદા પડતાં સુધી ખાણમાં કામ કરેલું અને તે એસ્બેસ્ટોસીસથી પીડાતા હોવાનું નિદાન થયું હતું. કામદાર વળતર ધારા હેઠળ આ રોગ માટે વળતર પામનાર તે ગામની પહેલી વ્યક્તિ હતી. તેમને વળતર પેટે ૨૦ હજાર ડોલર ચુકવાયા હતા. ૧૯૭૪માં ૬૨ વર્ષની વયે તેમનું અવસાન થયું. જો જીવતા હોત અને નોકરીમાં ચાલુ હોત તો પાંચ દિવસ બાદ તેમણે નોકરીના ૨૦ વર્ષ પુરા કર્યા હોત.

ગાયલા અને તેની બહેન ઇવા હવે મૃત્યુથી ટેવાઇ ગયાં છે. બંનેના ફેફસાંમાં એસ્બેસ્ટોસના તાંતણાએ ઘર કર્યું છે. ઘણી વાર તેમને શ્વાસ લેવાની તકલીફ પડે છે. તેને ૧૯૮૨નું વર્ષ યાદ આવે છે જયારે તેને ભયભીત કરનારા સ્વપ્ના આવતાં જેમાં આંખમાં ભય ડોકાતો હોય તેવા સફેદ પુણી જેવા નિશ્ચેતન ચહેરાવાળા માણસો દેખાતા. તે સમયે તે તેની માંદી માની પડખે રહી સારવાર કરતી. તેની મા માર્ગારેટ વારંવાર માંદી પડતી અને હોસ્પિટલમાં દાખલ કરતા અને ઘરે પરત લાવતા. ડોકટરો કહેતા તેને ન્યૂમોનિઆ થયો છે. પેલા ભયભીત કરનારા સપનાંને કારણે તેને નિદાનમાં શંકા થવા લાગી અને તેને મનમાં સવાલ થવા માંડયો કે મારા બાપને મારનાર સફેદ તાંતણાનો રોગ તો માને નહી હોય? ૧૯૮૫માં માની સ્થિતિ વણસી ત્યારે આખરે ગાયલાની શંકા સાચી પડી. માર્ગારેટને એસ્બેસ્ટોસીસ થયો હોવાનું નિદાન પાકું થયું. ગામમાં કોઇ ખાણીયાના કામનાં કપડાં પર ચોંટેલા એસ્બેસ્ટોસને કારણે તેની પત્નીને પણ રોગ થયો હોય તેવો આ પહેલો બનાવ. માતા રીબાઇ રીબાઇને ૧૭ મહીને મૃત્યુ પામ્યાં. તેમના ફેફસાં એસ્બેસ્ટોસથી એટલાં ભરાઇ ગયાં હતાં કે ફેફસાંમાં હવે એટલી હવા માટે જ જગ્યા બચી હતી જેટલી એક નવજાત બાળકના ફેફસાંમાં હોય.

ગાયલા બેનેફીલ્ડે પાવર કંપનીમાં ટ્રક ડ્રાઇવર અને મીટર રીડર તરીકે કામ કર્યું. મીટર વાંચવા જયારે એ ગામમાં ઘેર ઘેર ફરતાં ત્યારે મોટાભાગના ઘરોમાં એ બીમાર લોકોને જોતાં અને તેમને આશ્વર્ય થતું કે ગામમાં આટલા બધા લોકો બીમાર કેમ છે? ખાસ કરીને કામ કરવાની ઉંમરવાળા પુરુષો બપોરના સમયે ઘરે હોય તેની જ તેને નવાઇ લાગતી. બીમારી વળી બધાની એક સરખી. બધાને શ્વાસ ચડે અને કેટલાકને તો ઘરમાં ઓક્સિજનના સિલિન્ડર રાખવા પડે એવી તકલીફ!

હવે ગાયલા પોતે ૭૭ વર્ષના થયાં છે અને રોગનું નીદાન થયું છે. ગાયલાને હવે ઓક્સિજન પર રહેવું પડે છે પણ દવાખાના દ્વારા તેને હેરવીફેરવી શકાય તેવો ઓક્સિજન સેટ અપાયો હોવાથી તે પોતાના કામ કરી શકે છે. તેમની બે બહેનો પણ રોગનો ભોગ બની છે અને તેમને તો ઘરમાં ઓક્સિજનનો સિલિન્ડર રાખવો પડે છે. તેના કાકાઓ—કાકીઓ, કાકા—મામા—ફોઇના ભાઇ બહેનો, સાસરીપક્ષના સગાંઓ, ભત્રીજાઓ, પૌત્રો એમ ઘણાં ફેફસાના જુદા જુદા રોગોનો ભોગ બન્યા છે — કેટલાક મૃત્યુ પામ્યા છે અને કેટલાક બીમાર છે. સ્થાનિક નર્સ કહે છે કે પાણીની બહાર જેમ માછલી તરફડીને મરી જાય એમ આ લોકોને શ્વાસ માટે તરફડતા હું જોઉં છું. ૨૦૧૦નો “ઓબામા કેર” તરીકે જાણીતો થયેલો ‘પેશન્ટ પ્રોટેકશન એન્ડ એફોર્ડેબલ કેર’ નામના કાયદાની જોગવાઇ મુજબ આ પ્રકારની કટોકટી માટે પીડીતોને વ્યક્તિગત મેડીકેર આપવામાં આવે છે. મેડીકેર પ્રોજેકટ હેઠળ તેને તેના ઘરની બહાર ભેગો થયેલો સ્નો હટાવવા માટે મદદ મળે છે અને ઘરના બીજા કામ કરવા માટે પણ મદદ મળે છે. તે કારણે તે પોતાના ૪ કૂતરાં સાથે કુટ્ટેનાઇ નદીને કાંઠે આવેલા સુંદર ઘરમાં એકલી સ્વતંત્ર રહી શકે છે. ત્રણ વર્ષ પહેલાં તેના પતિ ડેવનું ફેફસાંના કેન્સરને કારણે મૃત્યુ થયું. આ ગાયલા બહેનના પ્રયાસોને કારણે જ આખી વાત બહાર આવી. ગાયલાના પાંચમાંથી ચાર બાળકો જે ૫૩થી ૪૭ વર્ષની ઉંમરના છે તે રોગનો ભોગ બન્યા છે.

૧૯૯૬માં માતાના મૃત્યુ બાદ ગાયલાએ અને તેમની બહેનોએ કંપની સામે કેસ કર્યો. તેણે બીજાઓને પણ કેસ કરવા પ્રોત્સાહિત કર્યા, પુરાવા ભેગા કર્યા અને હોહા કરી. ગામના લોકો ખાણ કંપની પર વિશ્વાસ કરતા હતા અને કોર્ટમાં કંપની વિરુદ્ધ કેસ કરનારા પર ફીટકાર વરસાવતા. આજે ગાયલા સ્થાનિક સમાજમાં “એરીન બ્રોકોવીચ” કહેવાય છે. (એરીન કેલીફોર્નિયાની એક વકિલાતની કંપનીમાં કલાર્ક હતી જેણે એકલે હાથે એક કંપની સામે લડત આપી. કંપનીએ પીવાનું પાણી અને જમીન પ્રદુષિત કર્યાં હતા. તેના કામ અંગે એ નામની ફિલ્મ બની જે ઘણી લોકપ્રિય થઇ.) ગાયલાએ ગામલોકોને જગાડવા અને પોતાની સાથે આંદોલનમાં જોડવા સતત પ્રયાસો કર્યા. તે માટે તેણે અને તેના સાથીઓએ પોતાના કાર પર વિશાળ સ્ટીકર લગાવ્યા જેમાં લખ્યું હતું, “આશ્વર્ય છે કે અમે લીબ્બી મોન્ટાનાના છીએ અને છતાં અમને એસ્બેસ્ટોસને કારણે કોઇ રોગ થયો નથી.”

ગામમાં રોગનો ભોગ બનેલા મોટા ભાગના ૬૦થી ૭૦ની ઉંમરના છે પણ સેંકડો એવા પણ છે જેમની ઉંમર ૫૦ની નીચે છે. એક તો ૧૩ વર્ષનો બાળક છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં ફેફસાંના રોગોનું પ્રમાણ અહીં ૪૦થી ૬૦ ગણું વધુ છે. ખાણીયાઓ કામે જતા અને તે ધુળવાળા થઇ સાંજે ઘરે પરત ફરતા, તે બાબતનું તે સમયે પરિવારને ગૌરવ થતું. ખાણ અને જંગલનું કામ જોખમભર્યું છે તે સૌને ખબર હતી. ખાણીયાઓને એ વાતની ખાત્રી રહેતી કે એમને કશું થશે તો એમના પરિવારની કાળજી લેવાશે. પણ એમને એક ક્ષણ માટે પણ એમ લાગ્યું નહી કે એમના બાળકો અને એમના પત્નીને પણ એ હાનિ પહોંચાડી રહ્યા છે. ખાણીયાઓ પોતાના કપડાં પર જે ધુળ લઇ આવતા તે કારણે તેમના બાળકો—પત્ની પણ બીમાર થઇ મરવા માંડયા. ધીમે ધીમે એવા લોકોને ફેફસાંનો રોગ થવા લાગ્યો જેમને ખાણ સાથે કશી લેવાદેવા ન હતી. સ્થાનિક તબીબે કોર્ટમાં પોતાની જુબાની દરમિયાન કહ્યું કે ૧૯૯૦માં ખાણ બંધ થઇ હોવા છતાં દર અઠવાડિયે એક નવો દર્દી તેમને મળે છે જે એસ્બેસ્ટોસને કારણે પીડાતો હોય. તેમના અંદાજ મુજબ ૨૦૩૦ સુધી નવા દર્દીઓ મળતા રહેશે.

૧૯૮૬માં આપેલા એક ચુકાદા મુજબ કોર્ટે ખાણીયાઓને ખાણ કંપની સામે વળતર દાવા કરવાની પરવાનગી આપી હતી. તેને પગલે ૭૦ ખાણીયાઓએ દાવા કર્યા હતા જેનું કંપનીએ કોર્ટ બહાર ચુપચાપ સમાધાન કરી લીધું હતું. પણ ગાયલાને પૈસામાં રસ ન હતો. એને તો કોર્ટ એમ જાહેર કરે કે એમની માતાને કંપનીએ મારી. એને એમ હતું કે કંપની જવાબદાર છે એવો હુકમ આવે તો કંપની જાગે અને બીજા લોકોને કોર્ટમાં ગયા વગર જ વળતર ચુકવવા તૈયાર થાય અને લોકો પણ જાગે. કોર્ટમાં કંપનીના અધિકારીએ જયારે એમ કહ્યું કે એને ખબર હતી કે ખાણમાં એસ્બેસ્ટોસ છે અને એ કારણે ખાણ કામદારો અને તેમના કુટુંબીજનો મરી શકે છે ત્યારે કોર્ટે અઢી લાખ ડોલર બહેનોને ચુકવવાનો હુકમ કર્યો. તેમ છતાં ગાયલાને જે અપેક્ષા હતી તે રીતે લોકો જાગ્યા નહી. અરે છાપામાં સમાચાર સુદ્ધા બન્યા નહી!

રેલ્વે લાઇન પર બહુ જ કચરો હતો કારણ અહીં જ રેલ્વેના વેગન ભરાતા અને ભરાતી વખતે તે બધે વેરાયા કરતો. રેલ્વેના કામદારો પણ આ કારણે માર્યા ગયા. એટલું જ નહી આ વેગન જે જે શહેરોમાં ઠલવાતા ત્યાં ત્યાં લોકો આ રોગનો ભોગ બની મૃત્યુ પામ્યા. અમેરિકાના જુદા જુદા ૨૦૦ શહેરોમાં આ કંપની રેલ્વે દ્વારા વર્મીકયુલાઇટ પહોંચાડાતી ત્યાં બધે તપાસ કરવામાં આવી.

૨૦૧૬ની પ્રમુખની ચુંટણીમાં અહીંના લોકોએ ટ્રમ્પને ખોબો ભરીને મત આપ્યા — હિલરી ક્લિન્ટનને ૨૨% અને ટ્રમ્પને ૭૨.૫%. પણ જયારે ટ્રમ્પે એસ્બેસ્ટોસ અંગે એવું નિવેદન આપ્યું કે એસ્બેસ્ટોસ અંગે ખોટો ઉહાપોહ કરવામાં આવે છે ત્યારે એ લોકો બહુ નિરાશ થયા. ઘણા વર્ષ અગાઉ ટ્રમ્પ એમ બોલ્યા હતા કે એસ્બેસ્ટોસ અંગે ઉહાપોહ તો એવાં ટોળાં કરે છે જે લોકો એસ્બેસ્ટોસ દૂર કરવાની કંપનીઓ ચલાવે છે. તાજેતરમાં એ એવું બોલ્યા કે એસ્બેસ્ટોસ સંપુર્ણપણે સલામત છે! એમના એ ઉદ્‌ગાર પછી ઇપીએએ એસ્બેસ્ટોસના નવા ઉપયોગ પરના નિયંત્રણો ઘટાડયા. ૨૦૧૫માં ઓબામાએ પસાર કરેલા એક કાયદા હેઠળ એસ્બેસ્ટોસ પર પ્રતિબંધ મુકાવાનો હતો પણ ટ્રમ્પ જીત્યા અને બધું બદલાઇ ગયું.

લીબ્બીમાં આ ઘટનાઓ બહાર આવી તે પહેલાં કંપનીના મેસેચ્યુસેટસના વોબર્નમાં આવેલા પ્લાન્ટને કારણે ૧૯૮૦ના દાયકામાં કરેલા પાણીના પ્રદુષણ અંગે “એ સીવીલ એકશન” નામનું પુસ્તક જોનાથન હેર નામના પત્રકારે લખ્યું જે ૧૯૯૫માં પ્રગટ થયું અને તે પછી એને આધારે એ જ નામની ફિલ્મ પણ બની. તે કારણે કંપનીની પ્રતિષ્ઠા ખરડાઇ ચુકી હતી.

ખાણ તો ગામથી ૧૨ કિ.મિ. દૂર હતી પણ ગામમાં એણે બેઝબોલ ગ્રાઉન્ડની બાજુમાં પ્લાન્ટ નાખેલો જયાં બેગ ભરવામાં આવતી. વર્મીકયુલાઇટ આસપાસ વેરાતો અને નકામો ગણાયેલો માલ પણ ત્યાં જ ફેંકવામાં આવતો. કચરાના આ ઢગલા પર બાળકો રમતા અને લોકો ત્યાંથી કોથળા ભરીને પોતાના ઘરે વાપરવા લાવતા જે ઠંડીથી બચવા માળીયામાં મુકતા અથવા પોતાના બગીચામાં નાખતા.

ગ્રેસ દ્બારા ૧૯૬૩માં આ ખાણ ખરીદવામાં આવી હતી પણ એ પહેલાં જે કંપની ખાણમાંથી વર્મીકયુલાઇટ કાઢતી હતી તે કંપનીના ૧૯૫૫ના આંતરિક પત્રમાં “આપણા કામદારો પર એસ્બેસ્ટોસના સંપર્કના જોખમો” વિષે જણાવ્યું હતું. ૧૯૫૯માં કંપનીના ૧૩૦ કામદારોના એકસ—રે લેવામાં આવ્યા હતા જે પૈકી ત્રીજા ભાગ કરતાં વધુ કામદારોના એકસ—રેમાં એસ્બેસ્ટોસીસ રોગની શરૂઆતના ચિહ્નો જણાયા હતા.પણ કામદારોને એ બાબત અંધારામાં જ રખાયા હતા. જો કે ૧૯૫૬થી ૧૯૬૪ દરમિયાન મોન્ટાના રાજયના આરોગ્ય અધિકારી બેન્જામીન વેકે જાહેર કરેલા પાંચ અહેવાલોમાં એસ્બેસ્ટોસ અંગે ચેતવણી આપી હતી. તેને ડ્રાય મીલમાં હવાના નમુનામાં ટ્રેમોલાઇટ એસ્બેસ્ટોસનું પ્રમાણ ૪૦% જેટલું જોવા મળ્યું હતું. ૧૯૬૨ના એના એક અહેવાલમાં નોંધાયું છે કે, “ડ્રાય મીલમાં ધૂળ ઓછી કરવા કોઇ ગંભીર પ્રયાસ કંપનીએ કર્યા નથી એટલું જ નહી ધૂળનું પ્રમાણ ખાસ્સું વધ્યું છે.” એક વર્ષ પછી એણે જણાવ્યું કે કાયદાએ બાંધેલી મર્યાદા કરતાં હવામાં એસ્બેસ્ટોસનું પ્રમાણ ૬ ગણું વધારે છે. એક ચોરસ ફુટ હવામાં ૫૦ લાખ એસ્બેસ્ટોસના રેષા! વળી, કંપની હવાનો નમુનો એવા સમયે લે જયારે વરસાદ વરસતો હોય અથવા મશીનો બંધ હોય!

૧૯૮૨માં તત્કાલીન પ્રમુખ રોનાલ્ડ રીગને “ગ્રેસ કમીશન” નામે એક સમિતિ બનાવી જેણે એન્વાયર્નમેન્ટ પ્રોટેકશન એજન્સી (ઇપીએ)ના બજેટ પર મોટો કાપ મુકયો અને એજન્સી દ્વારા કરવામાં આવતી તપાસોમાં ઘટાડો કર્યો. આ સમિતિના પ્રમુખ હતા ડબ્લ્યુ. આર. ગ્રેસ જે આ ખાણના માલિક હતા! ૧૯૮૦માં એજન્સી એસ્બેસ્ટોસની તપાસ માટે લીબ્બી આવી હતી પણ બે વર્ષ પછી તે તપાસ બંધ કરી દેવામાં આવી.

તે સમયે આરોગ્ય અધિકારીને કંપની સામે કાનુની પગલાં લેવાનો અધિકાર ન હતો. અધિકારીના અહેવાલો ખાણના મેનેજરને મોકલવામાં આવ્યા હતા અને તેની નકલો પર “ગુપ્ત”નો સીકકો મારી દેવામાં આવેલો અને તે રાજયની ફાઇલોમાં દબાઇ ગયા.

૧૯૬૩માં ખાણ ખરીદ્યા પછી કંપનીના એક અધિકારીએ માલિકને પત્ર લખી જણાવ્યું કે વર્મીકયુલાઇટની સાથે એસ્બેસ્ટોસ ભળેલો છે અને તેના વેચાણના આપણે પ્રયાસો કરીએ છીએ. ખાણ કામદારોની સલામતીમાં કંપનીને કશો રસ ન હતો. એણે કામદારોને બચાવ માટે માસ્ક આપવાનું ચાલુ રાખ્યું. જે માંદા પડે તેમને એવા કામમાં મુકાય જયાં ધુળનું જોખમ ઓછું હોય, જેથી એ કામ કરતા રહે. ૧૯૬૮માં કંપનીના સેફટી ઓફીસરે એવી ધારણા બાંધી કે, “જો માંદા કામદારોને ધૂળ ઓછી હોય ત્યાં મુકવામાં આવે તો તેઓ નિવૃત્તિના સમય સુધી કામ કરી શકે અને તેમને સંપૂર્ણ અપંગતા માટે વળતર ચુકવવાના ખર્ચમાંથી કંપની બચી જાય.” ૧૯૬૪થી કંપનીએ દર વર્ષે એક વાર કામદારોના એકસ—રે દ્બારા તેમના આરોગ્ય પર દેખરેખ રાખવાનું શરુ કર્યું.૧૯૬૯ સુધીમાં તેમને ખ્યાલ આવી ગયો કે ૨૦ વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરનારા કામદારો પૈકી ૬૫% જેટલા કામદારો ફેફસાની કોઇક વ્યાધિથી પીડાય છે. પણ કામદારોને તે માહિતીથી વંચિત રખાયા. સ્થાનિક તબીબોએ પણ કંપનીને ચેતવણીઓ આપી હતી કે ખાણ કામદારો માંદા પડી રહ્યા છે પણ કંપનીએ તે તરફ કોઇ ધ્યાન આપ્યું નહી. કંપનીએ પોતાની પ્રયોગશાળામાં પ્રાણીઓ પર પ્રયોગો કર્યા જેમાં હવામાં રહેલા ટ્રેમોલાઇટના રેસાને કારણે પ્રાણીઓમાં માત્ર એસ્બેસ્ટોસીસ જ નહી પણ મેસોથેલીઓમા અને ફેફસામાં કેન્સરની ગાંઠો પણ થાય છે. પણ એમણે આ અભ્યાસના તારણો દબાવી દીધા. ખાણ ખરીદ્યા પછી ૧૧ વર્ષે તેમણે ડ્રાય એટલે કે કોરી પ્રક્રિયાને બદલે પાણીવાળી એટલે કે “વેટ” પ્રક્રિયા અપનાવી જેથી ધૂળ ઓછી ઉડે. ૧૯૮૩માં કંપનીએ નહાવા માટેના પાણીના ફુવારા અને યુનિફોર્મ પાછળ થતો ૩૭૩,૦૦૦ ડોલરનો ખર્ચ ન કરવાનું નકકી કર્યું. જો કે પછીના વર્ષે — ખાણ ખરીદ્યાના ૨૦ કરતાં વધુ વર્ષ પછી — કંપનીએ તમામ કામદારોને યુનિફોર્મ આપવાનું નકકી કર્યું.

૧૯૮૦માં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓકયુપેશનલ સેફટી એન્ડ હેલ્થે જાહેરાત કરી કે આ ખાણના કામદારોના આરોગ્યનો એ અભ્યાસ હાથ ધરશે. ત્યારે કંપનીએ પોતાના આંતરિક પત્રમાં પોતાના અધિકારીઓને સુચના આપી કે આ અભ્યાસમાં કેવી રીતે વિઘ્નો ઉભા કરવા, અભ્યાસ રોકવો, એ લોકો ધીમે કામ કરે તેવી યુક્તિ કરવી અને અભ્યાસ પર આપણો પ્રભાવ થાય તેવા પ્રયાસ કરવા. અધિકારીઓએ સૂચનાનું બરબર પાલન કર્યું અને તે કારણે અભ્યાસ વર્ષો સુધી લંબાતો ગયો.

ગાયલાએ રાજયની રાજધાની હેલેના અને દેશની રાજધાની વોશિંગ્ટન સુધી દોડવાનું કર્યે રાખ્યું. સપ્ટેમ્બર, ૨૦૦૦માં બ્રઝિલમાં મળેલી ગ્લોબલ એસ્બેસ્ટોસ કોન્ફરન્સમાં પણ તેણે હાજરી આપી અને ન્યુયોર્ક રાજયના વોરવીકમાં ટ્રેમોલાઇટની ખાણ ફરી ખોલવાના પ્લાનને ઉંધો પાડવાના સ્થાનિક નાગરિકોના પ્રયાસોને પણ તેણે ટેકો કર્યો.

એસ્બેસ્ટોસ ઉદ્યોગ દ્બારા પીડીતોને ઝડપથી બળતર મળે તેવા બહાના હેઠળ એક કાયદો પસાર કરવા માટે સરકાર સમક્ષ રજુઆત કરી ત્યારે પીડીતોએ તે કાયદાના નુકસાન સામે આંગળી ચીંધી તે કાયદો પસાર ન થાય તે માટે ભરચક પ્રયાસ કર્યા. તે પ્રયાસો સફળ થયા. તે સંદર્ભે મોન્ટાનાના એએફએલ—સીઆઇઓ નામના દેશવ્યાપી મજૂર સંગઠનના સ્થાનિક આગેવાને જણાવ્યું કે યુનિયનના છેલ્લા પાંચ પ્રમુખો પૈકીના બેના મોત એસ્બેસ્ટોસને કારણે થયા છે, બીજા બે એ કારણે મૃત્યુની વાટ જોઇ રહ્યા છે અને પાંચમો ડોકટર પાસે તપાસ માટે પહોંચ્યો છે. આ તો અમેરિકાનું ચેર્નોબીલ છે, એ કહે છે. જો કે ગામના વેપારીઓને લાગે છે કે ખાણ બંધ થવાને કારણે અને લાકડાના ધંધામાં આવેલી મંદીને કારણે સ્થાનિક અર્થવ્યવસ્થા ખોરવાઇ ગઇ છે ત્યારે આવા નિવેદનો સ્થિતિને વધુ બગાડશે. જમીનોના ભાવ ગગડી ગયા છે. આ મુદ્દે ગામ વહેંચાઇ ગયું છે. એસ્બેસ્ટોસીસથી પીડાતા હોય તેમની સામે અમુક લોકો અકારણ ઘૂરતા હોય છે. જેમને અસર થઇ નથી એમને એમ લાગે છે કે આ લોકોને કારણે છાપાંમાં જે આવે છે તેનાથી ગામની બદનામી થાય છે અને સ્થાનિક ધંધા પર અસર થાય છે. બહારના લોકોને લાગે છે કે લીબ્બીમાં બધા મૃત્યુને બીછાને છે પણ હવે ઇપીએ દ્વારા સફાઇ થયા બાદ આ હો—હા બંધ થવી જોઇએ એમ બીજા લોકોને લાગે છે.

કંપની હવે ગામમાં એસ્બેસ્ટોસીસથી પીડાતા લોકોને સારવારનો ખર્ચ આપવા તૈયાર છે. સ્થાનિક હોસ્પિટલને અઢી લાખ ડોલર નિદાન માટે આપવાની જાહેરાત કરે છે. પણ લોકોને તેમના પર હવે ભરોસો નથી.

ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં આવા શાપિત નગરો છે. આવા શાપિત નગરોનો પરિચય આપતી શ્રેણીનો આ પહેલો મણકો છે.


નોંધ

આ વીષય પર વધારે પૂરક માહિતી અહીંમૂકેલ વિડીયો દ્વારા મેળવી શકાય છે.

Lessons of Libby, Montana by Gayla Benefield

ગાયલા બેનફિલ્ડની કથની, તેની પોતાની જુબાની

Thousands dead of Asbestos from W.R. Grace mine in Libby, Montana

પેઢી દર પેઢીથી દોઝખમાં રીબાતી પેઢીઓની કેફિયત રજૂ જરતા આ ચાર ભાગમાં ગાયલા બેનફિલ્ડના ઈન્ટરવ્યુની ટ્રાંસક્રિપ્ટ પણ સાંભળી શકાય છે.

Margaret Heffernan: The dangers of “willful

ટીઈડી ((Filmed at TEDxDanubia.) ) પરનાં વ્યક્ત્વ્યમાં માર્ગરેટ હૉફ્ફમેન ગાયલા બેનફિલ્ડની લિબ્બી, મોન્ટાના સાથે જોડાયેલી દાસ્તનની વાત રજૂ કરીને આપણી સામે આયનો ધરે છે જેમાં જાણી જોઈને આંખ મીંચવાની આપણી વૃતિનું પ્રતિબિંબ આપણી સમક્ષ ધર્યું છે.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

4 comments for “વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી – શાપિતનગર : મોન્ટાનાનું લીબ્બી

 1. નિરંજન બિચ
  March 27, 2019 at 5:33 am

  વાહ રે વાહ , બહુજ ઉત્તમ લેખ , રાજકારણી ઓ નીઆંખ ઊઘડે એવી આશા રાખવી નિરર્થક છે .
  ભારત મા તો આવા અનેક કિસ્સા ઓ હશે ને આપણારાજકારણી ઓ તો એવા નફ્ફટ છે કે ઓમના પેટ નું પાણી પણ ન હાલે

 2. Bhagwan thavrani
  March 27, 2019 at 8:32 am

  પોતાના અંગત અને સંકુચિત સ્વાર્થ ખાતર માણસ માણસ માથે કેટલું વિતાડે છે ! ભારત હોય કે અમેરિકા, સ્વાર્થને સીમાડા નથી. હા, એક ફર્ક ખરો. અહીં આપણે ત્યાં બધા ‘ આપણે શું ? ‘ વિચારીને ચાલતી પકડે, ભલે રેલો છેવટે આપણી નીચે જ આવતો હોય !

 3. Prakash Gajjar
  March 27, 2019 at 5:47 pm

  આખૂ વાચતા સાદ્રશ્ય ચિત્ર ખડૂ થતા શરીરમા લખલખૂ પસાર થઈ જાય છે..જગદીશભાઈની કલમ આ કામદારોની વેદના સૂપેરે ઉજાગર કરે છે અને આવી વેદનાઓથી સભ્ય સમાજ અને નિસ્તેજ તંત્ર આવા કામદારોની મદદ કે જાગ્રુતિ થશે……
  મને તો આખી દૂનીયામા એક નાનો દિવો જે આવા પ્રયત્નોથી જોખમો સામે પ્રકાશ ફેલાવે છે…તે ઝળહળતો રહે. અને કોઈ દિપક આવા જોખમો સામે અડીખમ રહે.
  પ્રકાશ ગજ્જર કરમસદ..અમદાવાદ

 4. Neetin D Vyas
  April 11, 2019 at 9:58 am

  Thank you for posting a nice informative write-up with appropriate video clips.
  Regards,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *