બાળવાર્તાઓ : ૫ : ચટકાઉ કીડી

Facebooktwitterredditpinterestlinkedinmail

પુષ્પા અંતાણી

એક હતી કીડી. બહુ લુચ્ચી અને સ્વાર્થી. બધા જોડે ઝઘડ્યા કરે, કારણ વિના ચટકા ભરે. બધાં જીવ-જંતું એનાથી દૂર ભાગે. એના કોઈ દોસ્ત નહોતા.

એક દિવસ કીડી ફરતી ફરતી એક ઝાડ પાસે આવી. ઝાડ બહુ મોટું અને ઊંચું હતું. કીડીને એ ઝાડ પર ચડવાનું મન થયું. એ તો ઝાડ પર ચડવા લાગી. થોડી વારમાં ખાસી એવી ઉપર ચડી ગઈ. એ એક ડાળી પરથી બીજી ડાળી પર અને ત્યાંથી ત્રીજી ડાળી પર એમ આખા ઝાડ પર ફરી આવી. હવે એણે નીચે ઊતરવાનું નક્કી કર્યું, પણ નીચે જોતાં જ ડરી ગઈ. એને થયું, હવે હું નીચે ઊતરીશ કેમ. એને તો ચક્કર આવવા લાગ્યા. એ ચિંતામાં પડી ગઈ. અરેરે… હું નીચે ઊતરી શકીશ નહીં તો મારાં બચ્ચાંનું શું થશે? શું કરવું તેનો વિચાર કરતી ઊભી હતી. તે વખતે જ એક મંકોડો ત્યાંથી પસાર થતો દેખાયો. કીડીએ બૂમ પાડીને એને બોલાવ્યો. મંકોડો ઊભો રહ્યો.

કીડીએ મંકોડાને પૂછ્યું: “તું ક્યાં જાય છે?”

મંકોડો બોલ્યો: “હું નીચે જાઉં છું. કેમ, તારે કંઈ કામ છે?”

કીડી કહે: “મારે નીચે ઊતરવું છે. હું ઉપર ચડી તો ગઈ, પણ હવે નીચે ઊતરતાં મને બીક લાગે છે. નીચે જોઉં છું ને મને ચક્કર આવે છે. ક્યાંક મારો પગ લપસે અને હું નીચે પડું તો? મારા તો રામ જ રમી જાય. પ્લીઝ, તું મને મદદ કરશે?”

મંકોડો બહુ ભલો હતો. એણે કહ્યું; “કશો વાંધો નહીં. તું મારી પાછળ પાછળ આવ. હું તારાથી આગળ હોઈશ તેથી તને પડવાનો ભય નહીં રહે.”

કીડી મંકોડાની પાછળ જવા લાગી. મંકોડાની ઝડપ વધારે હતી તેથી કીડીએ પણ ઝડપ વધારવી પડી. પણ મંકોડો એટલો બધો ઝડપથી ચાલતો હતો કે કીડી પાછળ જ રહી જતી હતી. એ બોલી:

“એય મંકોડા, તું આટલો ઝડપથી નીચે ઊતરશે તો હું પાછળ રહી જઈશ અને એકલી પડી જઈશ.”

મંકોડો કહે: “એક કામ કર, તું મારી પીઠ ઉપર બેસી જા… ને જો, તું મને બરાબર પકડી રાખજે, નહીંતર તું ક્યાંક પડી જશે.”

કીડી મંકોડાની પીઠ પર બેસી ગઈ. એણે મંકોડાને મજબૂત પકડી લીધો. એને બહુ મજા આવવા લાગી. ચકડોળમાં બેઠી હોય એમ એના પેટમાં ગુડ…ગુડ થવા લાગ્યું. થોડી વાર પછી મંકોડો ઝાડ પરથી નીચે ઊતરીને જમીન પર આવી ગયો.

મંકોડાએ કહ્યું: “લે, આપણે નીચે ઊતરી આવ્યાં. હવે તું સંભાળીને મારી પીઠ પરથી નીચે ઊતર.”

કીડી મંકોડાની પીઠ પરથી નીચે ઊતરી. નીચે ઊતરતાંની સાથે જ કીડીએ મંકોડાનો આભાર મનાવાને બદલે એને જોરનો ચટકો ભર્યો. મંકોડો ચીસ પાડી ઊઠ્યો. એને તો સમજાયું પણ નહીં કે શું થયું. એ આમતેમ જોવા લાગ્યો. એણે કીડીને હસતી હસતી ભાગતી જોઈ. એ સમજી ગયો કે કીડીએ એને ચટકો ભર્યો છે. એ ભલો હતો એથી એટલું જ બોલ્યો:

“વાહ, કીડી, વાહ! મેં તને મદદ કરી ને તેં મને ચટકો ભર્યો?”

કીડીએ મંકોડાને પગમાં ચટકો ભર્યો હતો. મંકોડાનો પગ સૂજવા લાગ્યો. એ મંઢકાતો મંઢકાતો ઘેર પહોંચ્યો. એને આ રીતે ચાલતો જોઈને મંકોડી બોલી ઊઠી:

“હાય… હાય! તમને શું થયું?”

મંકોડાએ એને બધી વાત કરી. મંકોડીને કીડી પર બહુ દાઝ ચડી. એ બોલી ઊઠી, “નખ્ખોદ જાય કીડીનું…! જુઓ તો એણે તમને કેવો ચટકો ભર્યો છે! તમારો આખો પગ સૂજી ગયો છે…”

મંકોડો કહે: “ આપણાથી એવું ન બોલાય. એ જેવું કરશે એવું પામશે. તું મને દવા લગાવી દે એટલે મને જલદી સારું થઈ જશે.”

મંકોડીની બકબક ચાલુ જ હતી: “હું કીડીને છોડવાની નથી. એ લુચ્ચી છે જ એવી! બધા જોડે એવું કરે છે. મારા હાથમાં આવે એટલી વાર છે, ખેર નથી એની.”

મંકોડો બોલ્યો: “આપણે એવું કંઈ કરવાની જરૂર નથી. તું શાંત થઈ જા.”

બીજે દિવસે સવારે તો મંકોડાનો પગ એકદમ બરાબર થઈ ગયો. એ ખોરાકની શોધમાં બહાર નીકળ્યો. મંકોડી એ જ તકની વાટ જોઈને બેઠી હતી. મંકોડો જેવો ઘરની બહાર ગયો કે મંકોડી કીડીને શોધવા નીકળી પડી.

એ રસ્તામાં જે કોઈ જીવ-જંતુ મળે એને કીડીનું ઘર ક્યાં આવેલું છે એવું પૂછતી જતી હતી. સામેથી જવાબ મળતો: “કોણ પેલી ચટકાઉ કીડી? બાપ રે! એના વિશે તો પૂછતી જ નહીં.”

એ ક્યાં હોય એની કોઈ ખબર રાખતું નહોતું. એટલું જ નહીં, બધાં એનાથી દૂર ભાગતાં હતાં. મંકોડીએ વિચાર્યું કે હવે શું કરવું.

બહુ રખડ્યા પછી છેવટે મંકોડીએ કીડીનું ઘર શોધી કાઢ્યું. એ ત્યાં પહોંચી ત્યારે જોયું તો કીડી એનાં બચ્ચાં સાથે બેસીને મોટેથી રડતી હતી અને કોઈને ભાંડતી હતી. એ ત્યાંથી જે કોઈ પસાર થતું હતું એને મદદ માટે આજીજી કરતી હતી, પણ કોઈ રોકાતું નહોતું. બધાં એની સામે મોઢું મચકોડીને ચાલ્યા જતાં હતાં.

મંકોડી કીડી પાસે ગઈ. એણે દાઝ સાથે પૂછ્યું:

“કેમ, કીડીબેન, શું થયું? આજે તમારે રડવાનો વારો આવી ગયો?”

કીડી રડતી રડતી બોલી:

“અરે મંકોડીબેન, જુઓને, મેં ધૂળનાં ઢેફામાં કેવું સરસ મજાનું દર બનાવ્યું હતું. હું દરમાં મારાં બચ્ચાં સાથે રહેતી હતી. પણ આ પીટ્યો કાળિયો કૂતરો! એ કાલ રાતે મોડેથી અહીં આવ્યો અને એના પગથી મારું દર તોડીફોડી નાખ્યું. હું અને મારાં બચ્ચાં સાવ ઘર વગરનાં થઈ ગયાં છીએ. હવે અમે ક્યાં જઈએ?”

મંકોડી કીડીને કડવા શબ્દો સંભળાવવા જતી હતી, પણ એ જ વખતે એની નજર મંકોડા પર પડી. મંકોડો દોડતો દોડતો એની નજીક આવ્યો અને બોલ્યો:

“જલદી ચાલ, આજે તો એક જગ્યાએ જમણવાર ચાલી રહ્યો છે. બત્રીસ જાતનાં ભોજન પિરસાઈ રહ્યાં છે. હું તને બોલાવવા આપણે ઘેર ગયો. તું ઘરમાં નહોતી એથી તને શોધતો અહીં આવ્યો… પણ તું અહીં શું કરે છે?”

મંકોડીએ કહ્યું:

“હું કીડીને શોધવા અહીં આવી હતી. તમે કહ્યું હતું એ સાચું છે, જેવું કરે તેવું પામે! જુઓ કીડીની હાલત! તમે એને મદદ કરી, બદલામાં એણે તમને ચટકો ભર્યો. હવે જુઓ એની શી દશા થઈ છે!”

મંકોડો પોતાની ધૂનમાં જ હતો. એણે કીડીને જોઈ નહોતી. એણે પૂછ્યું: “કીડીનું શું છે?”

મંકોડી બોલી: “કાલ રાતે કાળિયો કૂતરો કીડીનું દર તોડી ગયો ને હવે એ બચ્ચાં સાથે રસ્તા પર આવી પડી છે!” પછી રાજી થતી કહે: “ચાલો ચાલો… કીડી ભલે સડતી અહીં, આપણે જઈએ મિષ્ટાન ખાવા!”

મંકોડો બોલ્યો: “જો મંકોડી, આપણે સારું કામ કર્યું તો ભગવાને એનું સારું ફળ આપ્યુંને? બીજા શું કરે છે તે આપણે જોવાનું નહીં. આપણે હજી પણ સારાં કામ કરશું તો વધારે સારાં ફળ મળશે. તો ચાલ, આપણે કીડીને આપણી સાથે ખાવા લઈ જઈએ. પછી આપણા ઝાડ પાસે લઈ જશું. ત્યાં કેટલી બધી જગ્યા છે. આપણે એને એનું નવું ઘર બાંધવામાં મદદ કરશું.”

મંકોડીને મંકોડાની વાત સમજાઈ. એ બોલી: “સારું… તમે કહો છો એમ જ કરીએ.”

મંકોડાએ કીડીને કહ્યું:

“ચાલ અમારી સાથે. તું મારા પર બેસી જા…અને મંકોડી, તું કીડીનાં બચ્ચાંને તારા પર બેસાડી દે. આપણે જલદી પહોંચવાનું છે.”

કીડીની આંખમાં આંસુ આવી ગયાં. એ મંકોડા ઉપર બેસતાં બોલી:

“તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર. હું તમારો ઉપકાર ક્યારેય ભૂલીશ નહીં. હવેથી હું કોઈને પણ ચટકો ભરીશ નહીં.”

એ દિવસથી કોઈ એ કીડીને ચટકાઉ કીડી કહેતું નથી.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *