કાન ધરે એવા માણસ…ગુલાબદાસ બ્રોકર

Facebooktwitterredditpinterestlinkedinmail

ડૉ.દર્શના ધોળકિયા

આપણે ત્યાં, ને કદાચ સર્વત્ર, ગમે એટલું કહીએ તો પણ, ‘Style is the man’ એ સૂત્રનો મહિમા થયો છે. સતત વંચાતા ને એ કારણે લોકચાહના પ્રાપ્ત કરતા સર્જક માટે ભાવકની એક અપેક્ષા રહેલી હોય છે – તેનામાં માણસાઈ હોવાની. સર્જક તરીકે સભર વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ જો માનવ તરીકે ઊણી ઊતરતી હોય તો સર્જકને ચાહનારા વર્ગનું મન દુભાતું હોય છે. શ્રી ઉમાશંકર જોશીએ આ વાતનો ઉકેલ શોધતાં સર્જકને વાડઃમયગત શીલને મહત્વ આપવા જણાવ્યું છે. વૈચારિક તંદુરસ્તીની દ્રષ્ટિએ આ વાત સ્વીકારવા જેવી પણ છે, પણ આપણામાં ઊંડે ઊંડે પડેલા, પેલો તાળો મેળવવાના મૂલગત, આદિમ સંસ્કાર આપણને નડતા તો હોય જ છે, ને પરિણામે, અનાયાસે જ્યારે શીલ તેવી શૈલીનો, બલકે શૈલી તેવા શીલનો મેળ જામી જતો દેખાય ત્યારે આપણાથી રાજી રાજી થઈ જવાતું હોય છે એ તો ખરું જ.

‘શૈલી તેવું શીલ’ની અપેક્ષા આપણે રાખીએ તો ખરા, પણ તેની પાછળ ઘણાં પ્રેરક બળો કામ કરતાં હોય છે એ પણ સ્વીકારાવું જોઈએ. સર્જકનો ઉછેર, તેનો સમયસંદર્ભ, તેને મળેલી વિવિધ મહાનુભવોની નિશ્રા એ સઘળું તેનાં શીલને ને પછીથી તેની શૈલીને ઘડવામાં કારણભૂત બનતું હોય છે. ને એમાં ભળે છે એની નિજી પ્રકૃતિ. આ બધું જ્યારે એકાએક ભેગું થાય છે ત્યારે ધ્યાન ખેંચાય એવું સર્જકત્વ ને મનુષ્યત્વ સાથેલાગાં ઉત્પન્ન થાય છે. ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર શ્રી ગુલાબદાસ બ્રોકર માટે આવા યુગપત્ સંદર્ભે ઘણું કહી શકાય તેવું છે.

પોતાની સર્જનપ્રક્રિયાને તપાસતાં-ચકાસતાં શ્રી બ્રોકરે તેમના વિવેચનગ્રંથ ‘રૂપસૃષ્ટિ’માં એક જગ્યાએ નોંધ્યું છે : “એમ નવાં ચરિત્રો ને પાત્રોની ખોજ તો ચાલ્યા જ કરે છે, પણ એ ખોજનો કાર્યપ્રદેશ અનોખો છે. એ જેટલી મથામણભરી વેદનાનો એટલો જ કલાકાર માટે સુભગ ધન્યતાનો વિષય છે. સજાગ કલાકાર એથી કદીયે વંચિત રહેતો નથી. માત્ર તેનો સંવેદનાતંતુ જાગ્રત હોવો જોઈએ. એની આંખ ઉઘાડી હોવી જોઈએ ને તેના કાન સરવા. તો જ બીજાંને ન દેખાતું એ જોઈ શકે, ન સંભળાતું સાંભળી શકે ને એ દ્રશ્ય ને એ શ્રાવ્ય પણ બીજા અનુભવોના રગડા વચ્ચે છુપાયેલું હોવા છતાં એના એકલાની આંખને જ દેખાય, તેના એકલાના કાનને સંભળાય.”

સર્જકે કલ્પેલી-ઇચ્છેલી આ પ્રકારની સતેજ ઇન્દ્રિયગ્રાહ્યતા તો તેમને પ્રાપ્ત થઈ જ છે એવું એમને વાંચનારો ભાવકવર્ગ કહી શકે; સાથોસાથ, માત્ર અનુભવને જ નહીં, મનુષ્યહૃદયના ધબકારને સાંભળી શકે તેવો આંતરકર્ણ પણ શ્રી બ્રોકર ધરાવે છે તેવું તેમના અલ્પ પરિચય પછી પણ કહી શકાય.

શ્રી ગુલાબદાસ બ્રોકરને મળેલી ‘પ્રજ્ઞાકર્ણ’ની બક્ષિસના મૂળમાં તેમના નિજી વ્યક્તિત્વની સાથોસાથ તેમને મળેલા શિક્ષકો, સરોજિની નાયડુ જેવી વ્યક્તિનો પ્રભાવ, ગાંધીજીનો વ્યક્તિગત તેમ જ યુગસંદર્ભે થયેલો પરિચય, તેમનું જેલજીવન, તેમની ગૃહસ્થી વગેરેને પણ ગણાવવાં જોઈએ એવું તેમની આત્મકથા ‘ગયાં વર્ષો, રહ્યાં વર્ષો’ જોતાં જણાય. પણ તેમની આત્મકથા તો તેમને મળ્યા પછી વંચાઈ એટલે દાખલો ઊલટેથી પણ સાચો પડ્યો ને સવળેથી પણ, જેથી એનું મહિમાગાન ગાવાનું મન થાય છે.

એક સર્જક તરીકે શ્રી બ્રોકરનો પરિચય વિદ્યાર્થીકાળથી ખરો જ. એ પછી તેમની વાર્તાઓ વર્ગમાં ભણાવવાની આવી ત્યારે ‘કૂંડી’ વાર્તા એમાં રહેલા નાયકના માતૃપ્રેમને લઈને ને તે કરતાંયે એ પ્રેમની અન્યો દ્વારા થતી અવગણનાના ભારને લઈને વધારે અસરકારક જણાયેલી. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પણ એ વાર્તા ભણીને ગદગદ બનેલા એ જોઈને સર્જનના વ્યાપનો પણ પરિચય પમાયેલો.

એ પછી મનોમન શ્રી બ્રોકર પ્રત્યે બંધાયેલો આદર તેમને પહેલી વાર, 1990માં મુંબઈમાં તેમના નિવાસ્થાને મળવાનું થયું ત્યારે દ્રઢ થયો. અકારણ, તેમને માત્ર મળવા, અમે ચારેક જણ ગયેલાં ત્યારે તેમના વ્યક્તિત્વમાંથી પ્રગટતી સ્ફૂર્તિ, ભરપૂર જીવનપ્રેમ ને રંગરાગિતા જોઈને એમને ‘કૂંડી’ વાર્તાના લેખક તરીકે પ્રમાણેલા.

પછી તો અવારનવાર મળવાનું થયું, તેમની સાથે નિરાંતે વાતો કરવાની તક મળી. એ ગાળામાં તેમના ખુશનુમા વ્યક્તિત્વનું રહસ્ય પૂછતાં તેમણે પોતાની પ્રસન્નતાના કારણમાં મહાન વ્યક્તિત્વો પાસે તેમણે મેળવેલાં સખ્યનો રદિયો આપતાં તેનું મુખ્ય શ્રેય શ્રીમતી સરોજિની નાયડુને આપ્યું. તરુણાવસ્થાથી શ્રી બ્રોકરને નાયડુનો ગાઢ પરિચય. એ પરિચય વધતો જ રહેલો. પછી ઘણો સમય મળવાનું બનેલું નહીં. ઘણા સમય બાદ શ્રીમતી નાયડુનું એક જગાએ વ્યાખ્યાન હતું ત્યારે શ્રી બ્રોકર તેમને સાંભળવા ગયા ને પાછળ બેઠા – એમ ધારીને કે હવે કંઈ નાયડુ આપણને ઓળખેબોળખે નહીં. એ રહ્યાં મોટા માણસ. પણ વ્યાખ્યાન દરમિયાન જ શ્રીમતી નાયડુનું ધ્યાન ગયું. વ્યાખ્યાન પૂરું થતાં જ તેમણે મંચ ઉપરથી જ તેમની આગવી સ્ટાઈલમાં સાડીનો છેડો ફરફરાવીને સરખી રીતે ખોસતાં બૂમ મારી, ‘Gulab ! you !’ ને પછી બ્રોકરને ધબ્બો મારીને પાછળ બેસવા બદલ ને અત્યાર સુધી ન મળવા બદલ ખખડાવી નાખીને ત્યાં બેઠેલા સૌને સ્તબ્ધ કરી નાખ્યા ! ગુલાબદાસભાઈના મોઢે આ વાત સાંભળીને હુંયે સ્તબ્ધ થયેલી ! આત્મકથામાં આ વિગતને ટેકો આપતી ઘટના નોંધતા શ્રી બ્રોકરે જણાવ્યું છે તેમ, એક વાર મિત્રના નાના ભાઈને લઈને સરોજિનીદેવી પાસે ગયેલા ગુલાબદાસભાઈને સરોજિનીદેવીએ પૂછેલું, “તારો નાનો ભાઈ છે ?” જવાબમાં બ્રોકરે જણાવ્યું : “મિત્રનો ભાઈ છે. તમને જોવા-મળવાનું તેને ખૂબ મન હતું.” આથી સરોજિનીએ તેને ખૂબ વહાલ કરીને પોતાને હાથે ખવડાવેલું. ત્યાંથી નીકળીને મિત્રના ભાઈએ કહ્યું : “હું તો એમ સમજતો હતો કે આવડાં મોટાં માણસની આપણને બીક લાગે.” ત્યારના યુવાન ગુલાબદાસનો ઉત્તર હતો : “સાચાં મોટાં માણસ આવાં જ હોય.” સર્જકનાં આંખ-કાન ને હૃદય ધરાવતા બ્રોકરે આ વાક્યને પોતા દ્વારા સાર્થક કરવાનું બીડું ઝડપીને ઊભી કરેલી ને જાળવેલી પરંપરા પ્રસન્નતા પ્રેરે એવી સાબિત થઈ.

આવો જ બીજો પ્રસંગ તેમણે નહેરુજી વિશે મને જણાવેલો. એક વાર નહેરુજીને તેઓ મળવા ગયા ત્યારે તેઓ એમને બરાબર ઓળખે તે માટે મિત્ર યુસુફ મહેરઅલીની ઓળખાણ લઈને ગયેલા. તેમનો ક્રમ આવતાં તેમને અંદર બોલાવવામાં આવ્યા ત્યારે શું થયું તેનો વિસ્મિતા આંખોથી શ્રી બ્રોકરે કરેલો અભિનય મનમાં વસી ગયો છે. મેં અંદર જઈને કંઈક બીકથી કહ્યું, ‘મહેરઅલી તમારા મિત્ર છે ને હું મહેરઅલીનો.” જવાબ, નહેરુને છાજે તેવો મળેલો, “મહેરઅલી શા માટે ? હું પણ તમારો મિત્ર છું.’ ને અપરિચયની જવનિકા સરકી પડેલી. કોઈ પણ સામે ઉદઘાટિત થવાની આ રીત હું મિસિસ નાયડુને નહેરુ પાસેથી શીખ્યો છું.” કહેતાં શ્રી બ્રોકરની એ ક્ષણે પ્રગટેલી નમ્રતા તેમનામાં રહેલા સર્જક ને શિષ્યનો એકસાથે પરિચય કરાવતી ગઈ.

થોડાં વર્ષો પહેલાં તેઓ ભુજ આવેલા. તેમનું વ્યાખ્યાન ગોઠવાયેલું. બીજા દિવસે તેમના કેટલાક અગત્યના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી. વહેલી સવારે ભાવકો સાથે તેમની ગોષ્ઠિ ગોઠવેલી. ત્યારે ભુજ કૉલેજના કેટલાક પ્રથમ-દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ પોતે લખેલી વાર્તાઓ લઈને તેમની પાસે કંઈક ગભરાટના મૂડમાં ગયા ત્યારે ત્યાં બેઠેલા સૌને મૂકીને વિદ્યાર્થીઓ વચ્ચે ગોઠવાઈને શ્રી બ્રોકર સઘળું ભૂલી જ ગયા. ત્યારનો વિદ્યાર્થીઓનો પ્રસન્નતાસભર ચહેરો શ્રી બ્રોકરની પ્રસન્નતાનો ચેપ લાગ્યાની ચાડી ખાતો આજે પણ નજર સમક્ષ તરવરી ઊઠે છે.

સર્જકની સર્જન સાથેની નિસબત કેવી તો ઊંડી હોય છે તેની વાત કરતાં એક વાર તેમણે કોઈ પરદેશી લેખકની એક વાર્તા (કે નાટક) વિશે વાત કરેલી, જેના નાયકને ફાંસીની સજા થયેલી છે. ફાંસી મળવાના આગલા દિવસે તેને “સ્વપ્નમાં ઈશ્વરનાં દર્શન થાય છે ને ઈશ્વર તેને કંઈક માગવા જણાવે છે ત્યારે ઉત્તરમાં પેલો કહે છે : “મારા નાટકનો છેલ્લો અંક અધૂરો છે. તે પૂરો થાય પછી મૃત્યુ મળે તેવું માગું છું.’ “તો આ છે સર્જક !” કહેતાં ખોવાઈ ગયેલા શ્રી ગુલાબદાસના સર્જક વ્યક્તિત્વની સુગંધ આખા ખંડમાં પથરાયેલી અનુભવાયેલી.

શ્રી બ્રોકરનુ સર્જકત્વ ને વ્યક્તિત્વ પ્રસન્ન થઈને પાંગરી શક્યું છે તેના મૂળમાં તેમનો રંગીન મિજાજ રહેલો છે એવું પણ તેમની પાસે બેસતાં અનુભવાયું છે. એ સમયે મને વારંવાર મારી ઉંમર પૂછીને કહે : “બસ, તને બત્રીસ જ થયાં ? oh you are a girl !” ને હું ખુશ થઈ જાઉં ! સોળની બેવડી ઉંમરે મને કોઈ girl કહે તો મને ગમે જ ને? પછી તેમને પૂછું, “બ્રોકરસાહેબ, તમને આ ઉંમરે કેવું લાગે છે ?” જવાબમાં તેમણે કહ્યું : “એક વાર હું ને બલ્લુકાકા (શ્રી બ.ક.ઠા.) અમદાવાદના ભદ્ર વિસ્તારમાં ફરતા હતા. બલ્લુકાકા પંચ્યાસીના ને હું પીસ્તાળીસનો. મને શું સૂઝ્યું કે મેં તેમને પાછળ વળીને પૂછ્યું, ‘હેં બલ્લુકાકા, તમને આ વૃદ્ધાવસ્થામાં કેવું લાગે છે ?’ ને બલ્લુકાકા લાકડી ઠોકીને ઊભા રહ્યા ને કહ્યું, “ગુલાબ, આ પ્રશ્ન કોઈ બુઢ્ઢાને પૂછજો !” શ્રી બ્રોકરે આ ક્ષણે કરેલા ખડખડાટ હાસ્યમાં તેમની યુવાની છલકાવી દીધેલી !

એક વાર તેમને મળવા ગયા પછી ઊભા થતાં મેં પૂછેલું, “તમારું વતન પોરબંદર ?” ઉત્તરમાં જરા ઉદાસ થઈને તરત જ હાસ્ય ફરકાવતાં તેમણે કહ્યું, ‘હા, હું પોરબંદરનો. મહાત્માજીનું ગામ. અમે બંને પોરબંદરના. બંને વાણિયા. ગાંધીજીએ પણ બાળપણમાં હરિશ્ચંદ્રનું નાટક જોયેલું ને મેં પણ. હું ને મારા મિત્રો એ નાટક જોવા ગયેલા. પાછા ફરતાં મોડું થઈ ગયેલું. ઘેર આવીને માએ પૂછેલું, “કેમ ગુલાબ, મોડું થયું?’ મેં ઉત્તર આપેલો, “ભાઈબંધને ઘેર વાર લાગી ગઈ.’ બસ, આટલો જ ફરક. આ ઉત્તરને લઈને હું ગુલાબદાસ જ રહી ગયો ને પેલા મોહનદાસ બની ગયા.” આ ક્ષણે તેમની કોરી આંખ પાછળ ડોકાતી મહાત્મા પ્રત્યેની ભીની આદરાંજલિ ને સામાન્ય ને મહત્ વચ્ચેનો ભેદ ઓળખવાની શક્તિનો જે પરિચય થયો તે તેમાં પડેલી પારદર્શકતાને લઈને. આ ક્ષણે એમનું એમણે માનેલું નાનેરું વ્યક્તિત્વ ક્ષણિક મહાત્માની લગોલગ થતું જોયાનું કદી નહીં ભુલાય.

ડૉ.ઈશ્વર પરમારના એક પુસ્તકનું અર્પણ “કહેવું છે કોઈ કાન ધરે તો” એમ મુકાયું છે. આજે કોણ એવું છે જે આપણી પ્રત્યે કાન ધરે ? યંત્રયુગના વેગીલા વાતાવરણમાં, મુંબઈના ધમધમતા વિલે પાર્લે જેવા વિસ્તારના રસ્તા ઉપરના ઘરમાં જ્યાં પડ્યો બોલ સંભાળાવો મુશ્કેલ બને તેવા સ્થળે બે કાન છેવટ સુધી જાગતા રહ્યા ને જે કોઈ, જે કાંઈ કહે તે ઝીલતા રહ્યા એ આપણું પરમ ભાગ્ય.


ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧

• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *