





-બીરેન કોઠારી
આજે ફિલ્મ માટે ‘એડલ્ટ’ એટલે કે ‘પુખ્ત વયનાઓ માટે’ની શ્રેણીની સૌને જાણ છે, પણ મહેમદાવાદમાં અમે રહેતા ત્યારે આવી કશી ખબર નહોતી. મુખ્ય કારણ એ હોઈ શકે કે ગામમાં એક જ થિયેટર, અને એમાં પણ જે ફિલ્મ આવે એ મોડી આવે, આથી ‘એડલ્ટ’ ફિલ્મ માટે અલગ પ્રેક્ષક જ નહીં હોય. લોકોએ નવી ફિલ્મ જોવા નડીયાદ કે અમદાવાદ જવું પડતું. આઠમા ધોરણના વેકેશનમાં એકાદ મહિનો મુંબઈ જવાનું બન્યું ત્યારે ફિલ્મ માટેનો ‘એડલ્ટ્સ’ શબ્દ પહેલવહેલો મારે કાને પડ્યો. એવી ફિલ્મ જોઈ શકાય એવી શક્યતા નહોતી, કે કદી એવી ઈચ્છા પણ નહોતી થઈ. જો કે, એવી ફિલ્મ જોઈને આવ્યા પછી ઘણાને એમ કહેતા સાંભળેલા, ‘ફિલ્મમાં ‘એવું’ કશું છે નહીં.’

ત્યાર પછી અમે 11મા ધોરણમાં હતા એ વખતે દિવાળી વેકેશનમાં શાળા તરફથી લાંબો પ્રવાસ યોજાયેલો, જેમાં છેક કાશ્મીર સુધી જવાનું હતું. એ વખતે દિલ્હીમાં અમારી પાસે એકાદ દિવસ વધારાનો હતો, કેમ કે, પેટ્રોલપંપવાળાઓની હડતાળ હતી. હવે કરવું શું?
અમે વિચાર્યું કે ચાલો, ફિલ્મ જોવા જઈએ. આથી મારા સહાધ્યાયી અને પરમ મિત્ર પંકજ ઠક્કર, અજય પરીખ તેમ જ ઉંમરમાં અમારાથી મોટા, શાળામાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવતા, છતાં મિત્રવત્ એવા ભરત સોની- અમે ચારે ઊપડ્યા. દિલ્હી અજાણ્યું શહેર, એટલે સૌથી નજીક જે થિયેટર હતું એમાં જે ફિલ્મ ચાલતી હોય એ જોવી એમ નક્કી થયું. અમે ચાલતાં થિયેટરે પહોંચ્યા. જોયું તો ‘લહૂ કે દો રંગ’ ફિલ્મ ચાલતી હતી. એ વખતે વિનોદ ખન્નાનું નામ સાંભળેલું, શબાના આઝમીનું નામ પણ કાને પડેલું, પણ મહેશ ભટ્ટ કે બપ્પી લાહિરી કઈ માયા છે ખબર નહીં.

અગિયારમા ધોરણમાં હતા એટલે અમારી ઉંમર પંદરેકની હશે. ટિકિટ તો ભરતે ખરીદી લીધી, પણ પછી અંદર પ્રવેશવાનું થયું ત્યારે ખબર પડી કે આ ફિલ્મ ‘એડલ્ટ્સ ઓન્લી’ છે. ડોરકીપરે અમને અટકાવ્યા. અમે દલીલ કરવા ગયા એટલે એણે કશું સાંભળવાને બદલે કહ્યું, ‘મેનેજર કે પાસ જા કે થપ્પા મરવા કે લાઓ.’ શેનો થપ્પો, ક્યાં મરાવવાનો એ કશી અમને ખબર નહીં. અજાણ્યા શહેરમાં, અને એ પણ દિલ્હી જેવા શહેરમાં આ બધી મગજમારી ક્યાં કરવી એમ વિચારીને પછી અમે આખો આઈડિયા પડતો મૂક્યો. ટિકિટો પાછી બારી પર આપી દીધી, અને કેવા વિચિત્ર કાયદા હોય છે એની ચર્ચા કરતાં પાછા ફર્યા. આમ, એ ફિલ્મ જોવાની રહી તે રહી.

1979 માં રજૂઆત પામેલી ‘લહુ કે દો રંગ’માં આઠ ગીતો હતાં.
એમાં ‘ચાહિયે થોડા પ્યાર, થોડા પ્યાર ચાહિયે‘, ‘મુસ્કુરાતા હુઆ, ગુલ ખિલાતા હુઆ મેરા યાર‘(બંને કિશોરકુમાર), ‘જિદ ના કરો અબ તો રુકો‘ (લતા) કદાચ સૌથી જાણીતાં બનેલાં. આ ઉપરાંત ‘માથે કી બિન્દીયા બોલે‘ (રફી, અનુરાધા પૌડવાલ), ‘હમ સે તુમ મિલે‘ (ડેની, ચંદ્રાણી મુખરજી), ‘મસ્તી મેં જો મુંહ સે નિકલી‘ (કિશોરકુમાર, સુલક્ષણા પંડિત), ‘છૂના નહીં’ જેવાં ગીતો હતાં, જે ફારૂખ કૈસરે લખેલાં.

બપ્પી લાહિરી કદી મારા પ્રિય સંગીતકારોમાં છે નહીં, અને આવશે પણ નહીં. સંગીતની પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારનું પ્રતિભાશાળી સંતાન પ્રતિભા બતાવવાને બદલે ગતકડાં પર ચડી જાય, અને ચૂહાદોડમાં સામેલ થયા પછી સંગીતના સ્તરને કેટલું નીચું ઊતારી શકે એનું ઊદાહરણ એટલે બપ્પી લાહિરી. તેમણે કોઈ અકળ કારણોસર આર.ડી.બર્મનની નકલનો રસ્તો અપનાવ્યો. બપ્પીના સંગીતમાં માધુર્ય છે, કેમ કે, એ આખરે બંગાળી પરંપરાના સંગીતકાર છે, પણ ફિલ્મોમાં તેમણે એ પ્રકારનાં જેટલાં ગીતો આપ્યાં છે એમાં એકવિધતા વધુ લાગે છે. પશ્ચિમી સંગીતની બેશરમ તફડંચી અને ‘મેં પહેલી નકલ કરી’ જેવી વરવી પરંપરા પણ તેમણે જ શરૂ કરી. (તેમનું સંગીત વધુ ઊતરતું, અવાજ વધુ ઉતરતો કે (બનાવટ કરેલો) દેખાવ વધુ ઉતરતો એ નક્કી કરવા માટે કોઈ પણ સમિતિ ન ચાલે)

આમ છતાં, ‘લહુ કે દો રંગ’નાં અમુક ગીતોમાં તાજગી જણાય છે. અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં ટાઈટલ મ્યુઝીક 0.06 થી શરૂ થાય છે. તંતુવાદ્યવિભાગ અને ફૂંકવાદ્યવિભાગથી આરંભ થયા પછી રીધમ શરૂ થાય છે અને આગળ વધે છે. 0.27 થી તેમાં ટ્રમ્પેટ (કે ટ્રોમ્બોન) પ્રવેશે છે. 0.55 થી ફરી તંતુવાદ્યસમૂહ આવે છે. 1.07થી અચાનક સેક્સોફોન પ્રવેશે છે. 1.14 થી ફરી તંતુવાદ્યસમૂહ શરૂ થાય છે, જેમાં વચ્ચે વચ્ચે સેક્સોફોન પણ વાગે છે. 2.02 થી ટ્રેકનું સમાપન કરતું સંગીત છે. આ ટ્રેક સાંભળતાં જે કાનને લાગ્યું એ એવું કે- રીધમ સરસ છે, એમાં આર.ડી.બર્મનની શૈલી જણાય, પણ બેયમાં ઘોડા અને ગધેડા જેટલો ફરક છે એ આ રીધમ લાંબી ચાલે એટલે ખ્યાલ આવી જાય છે. વચ્ચેથી પ્રવેશતો સેક્સોફોનનો ટુકડો બહુ કર્કશ લાગે છે.
આમ છતાં, બધું મળીને આ ટ્રેક સહ્ય છે એટલું કબૂલવું રહ્યું.
અહીં આપેલી લીન્કમાં ‘લહુ કે દો રંગ’નું ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.
(નોંધ: તમામ તસવીરો નેટ પરથી તેમ જ ગીતોની લીન્ક યૂ ટ્યૂબ પરથી લીધેલી છે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
સ્મૃતિવન – nostalgia માં સરી પડવું એ પણ એક અનોખો આનંદ છે બીરેનભાઈ !
હમણાં ‘ વૉહ કૌન થી ‘ ના એક પહાડી ગીત વિષે લખતો’તો યાદ આવ્યું કે એ પણ જે-તે સમયે ‘ માત્ર પુખ્ત વયના માટે ‘ ની ફિલ્મ હતી અને હું એ ફિલ્મ 12 વર્ષની વયે જોવા ગયો તો મને રોકી દેવામાં આવેલો તમારી જેમ !
પણ રોક-ટોકના એ દિવસો ખૂબસૂરત હતા…
અમારા એક સદગત મિત્ર જેટલી વાર ‘નગીના’નું ગીત વાગે એટલી વાર કાયમ અભિનેત્રી નૂતન અને ‘નગીના’નો કિસ્સો ટાંકતા.
આ મહિનાના બન્ને ફિલ્મોનાં ટાઈટલ મ્યુઝિક જોડાજોડ સાંભળીએ તો સંગીતમાં ખુબી કોને કહેવી અને ઘોંઘાટ કોને કહેવો તે સમજાઈ જાય છે.
‘કિસ્મત’માં વાયોલિનનો ટુકડો જે સહજતાથી સૉલો કેડી કંડારે છે તેની સામે અહીં પ્રયોજાયેલ સેક્ષોફોનના ટુકડાને કારણે રસ્તે ચાલતાં લોકો ટ્ર્કનાં ભુંગળાંને સાંભળીને મારગ કરી આપે એવી સરખામણી કરી નાખવાનું મન થાય છે.
ટ્રકના ભૂંગળાની ઉપમા એકદમ બંધબેસતી છે.