જયા-જયંત : અંક ૨ : પ્રવેશ ચોથો

ન્હાનાલાલ દલપતરામ કવિ

પાત્રપરિચય

સ્થલ : ગિરિદેશ, વન, ને વારાણસી.

કાલ : દ્વાપર ને કલિની સન્ધ્યા.

મુખ્ય પાત્રો :

દેવર્ષિ : દેવોના ઋષિરાજ.

ગિરિરાજ : ગિરિદેશના રાજવી.

જયન્ત : ગિરિરાજનો મન્ત્રીપુત્ર.

કાશિરાજ : વારાણસીના રાજવી.

વામાચાર્ય : યોગભ્રષ્ટ યોગી.

તીર્થગોર : પાપમન્દિરનો પૂજારી.

પારધી : પશુત નો શિકારી.

રાજરાણી : ગિરિદેશનાં રાણીજી.

જયાકુમારી : ગિરિદેશની રાજકુમારિકા.

તેજબા : તીર્થગોરની બહેન.

શેવતી : તીર્થગોરની બ્રહ્મકન્યા.

નૃત્યદાસી : એક દાસી.

૦-

                                             અંક ૨

                                     પ્રવેશ ચોથો

                      સ્થલકાલ : અઘોર વનમાં પારધીનું ઝુંડ

                                                     (આમલીઓનાં ઝુંડ નીચે ઝુંપડું છે; ઝુંપડાંના બાર પાસે ઘવાયેલી હરિણી પડી છે.
                                                      પાસેના વૃક્ષ ઉપરની વેલમાં જયા કુમારી આભમાં નજર માંડી વિચારશૂન્ય બેઠી છે.)

જયા : વીજલડી હો ! ઉભાં જો રહો, તો
ઉરની પૂછું એક વાતલડી રે;
દિનને દિનાનાથે અજવાળાં આપિયાં,
અન્ધારી કેમ કીધી રાતલડી રે ?
વીજલડી હો !
વીજળી તો ઝબકીને આથમી.
એ સાહેલી યે ગઇ તજીને.

                                             (ઉપર કોયલ ટહુકે છે.)

બોલ, કોયલ ! બોલ,
ને ટહુક જીવનનો ટહુકાર.
દે એ ભેદનો ઉત્તર.
કોયલડી હો ! પધારો ઉછંગે તો
રસની માંડું એક વાતલડી રે;
આવ્યાં ત્ય્હારે નહીં આદર દીધલાં,
જાતાં દાઝે કેમ છાતલડી રે !
કોયલડી હો !
થાક્યો દેહ ને થાક્યો આત્મા.
ન્હોતાં નિરખ્યાં નયને,
કે કલ્પ્યાં કદી કલ્પનાએ
આવાં અઘોર વન કે જન.
દાનવે દેવ જેવા આને પડછે તો.
એક એક કૃત્ય જોઉં છું એનું,
કે કપાય છે કળીએ કળીએ મ્હારો પ્રાણ.
મયૂરનો કંઠ ઝાલ્યો, ને
ખેંચી લીધાં પીછાં મુગટ કરવા.
કોયલ ટહુકી કે વીંધી બાણે.
(માથે લાકડાંનો ભારો લઇ વનમાંથી પારધી આવે છે.)
જેટલી દેહની છે શ્યામતા,
તેટલો દિલમાં છે અન્ધકાર.
શું લોચનિયાં ઘૂમે છે ?
જાણે બ્રહ્માંડને ચકવે ચ્‍હડાવશે.

                                        (ઝુંપડી પાછળ ભારો નાંખી પારધી જયા કુમારી પાસે આવે છે.)

પારધી : કુંવરી ! થા મ્હારા વનની વાઘણ.

જયા : (છળી ઉઠીને) વાઘણ !

પારધી : હા, વાઘણ મ્હારા વનની;
હું છું આ ઝુંડનો વાઘ.
ચાલ, સંગાથે ખેલિયે શિકાર.
ત્‍હારે હારૂં ઇંધણાં લાવ્યો,
ત્‍હો યે નહીં માને ત્‍હારૂં મન ?

                                            (જયા કુમારી અનુત્તર ઉભે છે.)

અરેરે ! ભૂલી ગયો નરાતાર.
કુંવરીઓ તો સ્વયંવરથી પરણે.
જોયું ને મ્હારૂં શૂરાતન ?
આ હરિણીને તો વગડામા
દોડતી ઝાલી છરાથી વધેરી તે ?
ને કુંવરી ! તું યે હાચી;
વનની રાણી થવા જેવી હો.
હરિણી પાણીપન્થી,
પણ તું તો વાયુવેગી.
થા મ્હારા ઝુંડની મહારાણી.
મોરપીંછનો મુગટ માથે,
ને પર્વતના રાજમહેલ !

જયા : મહેલના મોહ નથી રહ્યા,
પણ વનના મોહે ઉતર્યા હવે.
પારધી ! તું પશુ કે માનવી ?

પારધી : હું તો પશુઓનો રાજા.
દેન નથી કે જાય કોઇ
જીવ લઇને આ ઝુંડમાંથી.
જો ! પેલી મેના ટકટકે
આમલીઓના ઘટાઘુમ્મટમાં.
કરજે સ્વયંવર, હો !
મેના યે પડશે,
ને ડાળખી યે પડશે.

                                      (ગોફણ મારે છે. મેના ને ડાળખી તૂટી પડે છે.)

સ્વયંવર જીત્યો, કુંવરી !
ને જીત્યો ત્‍હને ય તે.

                                     (મેનાને ને આમલીની ડાળીને ઉપાડી લે છે.)

કાચી ને કાચી જ ખાઉં;
આમલીનાં પાંદડાં એ મસાલો.
ઉન્હા લોહીનો સ્વાદ
કુંવરી ! અળગો જ છે.
વનની વાઘણ થઈશ તું યે,
પછી પારવનું પીવા મળશે ઉન્હું લોહી.

જયા : પ્રભો ! છે-છે ત્‍હારા જગતની મંહી
વાઘથી યે લોહીતરસ્યા પારધી.

પારધી : એ શી ભણે છે ભ્રામણિયા વિદ્યા ?
મ્હારી ગોફણ લહેરાતી,
મ્હારૂં કામઠું લચકાતું,
ને યોજનભરનાં વન;
થા એ વનની વાઘણ.
કુંવરી ! આજનો દિન છે છેલ્લો.
માનજે; નહીં તો મનાવીશ.
વીણી લાવું છું વનનાં ફૂલ,
ગૂંથજે એ ફૂલની ચાદર.

                                        (વનમાં ફૂલ વીણવા જાય છે.)

જયા : લોહી પીવાનાં યે ન્હોતરાં
જયા ! ત્‍હારે ભાગ્યે લખ્યાં હશે.

                                      (પાસેની ગુફામાંથી લોઢના બાણકમાન લઇ તેજબા આવે છે.)

તેજબા : ઉંચા આકાશ, મ્હારી બ્‍હેનડી !
આભલાંની આછી આછી ચુંદડી;
મંહી તારાની ભાત –
મંહી તારાની ભાત;
ઉંચા આકાશ, મ્હારી બ્‍હેનડી !
વગડે ને વગડે છે વેલડી;
મંહી ફૂલડાંની ભાત –
મંહી ફૂલડાંની ભાત;
ઉંચા આકાશ, મ્હારી બ્‍હેનડી !

જયા : જય વનનાં દેવીનો.

તેજબા : કુંવરી ! કલ્યાણ ત્‍હમારૂં.
દેવી નથી, દુખિયારી છું
હું યે તમ સરિખડી.

જયા : દુઃખનાં ચિતાસ્નાન કરી ઉતરે
તે જ દુનિયાનાં પુણ્યદેવી.
આપની કથા –

તેજબા : મ્હારી કથા ? ટૂંકી છે.
વિધિએ દીધું એ જ ગુન્હો.
કંઈ વર્ષોથી છું આ ગુફામાં,
પારધીના પીંજરામાં.
પારધીને હું ગુફામાં ધસવા નથી દેતી,
પારધી મ્હને ગુફામાંથી ભાગવા નથી દેતો.
મ્હારૂં રૂપ એ જ મ્હારો વાંક.

જયા : સૌન્દર્યના શિકાર
વધવા માંડ્યા લાગે છે વિશ્વમાં.

તેજબા : હજી કલિયુગ તો આધે છે.
એ યુગના અન્ધકાર ઉતરશે
જગતના ચોકમાં,
ત્ય્હારે વદનના ચન્દ્ર
ને નયનની વીજળીઓ
વેચાશે કે લૂંટાશે ભરવસ્તીમા ય તે.

જયા : શરીર વેંચાય કે લૂંટાય,
પણ આત્મા યે વેચાતા હશે ?
સૌન્દર્ય દેહનાં કે દેહીનાં ?

તેજબા : સૌન્દર્ય આત્માનાં ય તે,
ને શરીરનાં ય તે.
ઉપવનમાંનાં ફૂલડાંની પેઠે;
માનવીનાં ઘાટ રંગ ને આત્મન્ ફૂવારા –
એ ત્રણેનો ભભકાર તે સૌન્દર્ય.
જેમ ફૂલડાંમાં ફોરમ,
તેમ સૌન્દર્યમાં આત્મપ્રભા.
વનફૂલ લેઇને આવતો પારધી આઘે દેખાય છે.
કુંવરી ! ચાલો ગુફામાં.
જૂઓ પારધી ઉતરે છે વનમાંથી.

                                        (જયા કુમારી પળ વિચારે છે.)

જયા : ધીરશો ત્‍હમારાં ધનુષ્યબાણ ?

તેજબા : પારધીનો પ્રાણ લેશો ?

જયા : ના; પાપની પાંખો કાપીશ,
એકટંગિયા દેશમાં મોકલીશ.

તેજબા : દેવો મારતા નથી, ઉદ્ધારે છે.

                                           (ધનુષ્ય આપે છે, જયા બાણ માંડે છે.)

જયા : એક પગ ને એક હાથ.

                                            (પારધી ઉપર અર્ધચન્દ્ર બાણ છોડે છે, ત્‍હેના જમણા હાથપગ કપાઇ પડે છે.)

પારધી : અરેરે ! વાઘ ઘવાણો
વાઘણના બાણથી.

જયા : છૂટ્યાં, બ્‍હેન ! પણ ક્ય્હાં જવા ?

તેજબા : ઝુંડમાંથી જગતમાં,
ને જગતમાંથી જગન્નાથ પાસે.
એક જ માર્ગ;
મળે ત્ય્હાં ગેરૂ રંગિયે.

જયા :કફની ! કફની ! ભેખ ! સંન્યસ્ત !
ઘડીના કે સદાના,
દિલના કે દેહના.
એ જ દુઃખિયાના દિલાસા,
ને દુનિયાના ઉદ્ધાર.

તેજબા : ચાલો ત્ય્હારે અક્ષયતૃતિયાને મેળે.
શોધશું કોઇ સદ્‍ગુરુ,
ભળશું એના મોક્ષસંઘમાં,
કે ફરશું આર્યાવર્તનાં તીર્થતીર્થ.
કાશીમાં તપ માંડ્યાં છે
એક તપસ્વીજીએ;
ઇન્દ્રાસનને યે ડોલાવે એવાં.
તપશું તપજ્વાલામાં ત્‍હેમના તાપસક્ષેત્રે.

                                            (જવા માંડે છે. પાછળથી પારધી ઉભો થઇ એક પત્થર ફેંકે છે. જયા ને તેજબા ખમચી ઉભે છે.)

જયા : પત્થર મારી આશીર્વાદ માગે છે;
પારધી, ત્‍હારૂં યે પ્રભુ કલ્યાણ કરજો !

તેજબા : પારધીને
પસ્તાઇશ એટલે પ્રગટશે પાછી
ત્‍હારી બન્ને ય પાંખો.
પણ પાપપન્થે વળવા જતાં
અપંગ જ રહેશે
એ પ્રગટેલી પાંખો ય તે.

                                                   (બન્ને જાય છે.)

૦-

( ક્રમશ: )

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “જયા-જયંત : અંક ૨ : પ્રવેશ ચોથો

  1. March 26, 2019 at 6:20 am

    Happy to see “Jaya – Jayant ” !!!

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.