સાયન્સ ફેર : કહાની ફાયર થયેલી બુલેટની, હવામાં અને અંતરીક્ષમાં!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

कैसे आकाश में सूराख़ हो नहीं सकता
एक पत्थर तो तबीयत से उछालो यारो

ખ્યાતનામ કવિ દુષ્યંતકુમારનો આ શે’ર બહુ લોકપ્રિય છે. હવે શે’રના આ મૂળ અર્થ સુધી પહોંચવાને બદલે જો કોઈ બેવકૂફ ખરેખર આકાશ તરફ ‘તબિયત’થી પથ્થર ઉછાળે તો શું થાય? પથ્થર જો કોઈ નિર્દોષના માથે પડે તો પેલી જટિલ સમસ્યા બાજુ રહી જાય, અને કોઈ નિર્દોષની ‘તબિયત’ બગડી જાય! જો કે આજે પથ્થરની નહિ પણ બુલેટની વાત કરવી છે. પથ્થરને બદલે જો કોઈકે હવામાં ફાયર કરેલી બુલેટ(એરિયલ ગન ફાયર) માથા પર આવી પડે તો શું થાય? આ કિસ્સો જુઓ.

ઇસ ૨૦૧૭ના પ્રથમ જ દિવસે ટેક્સાસમાં રહેતા આર્માંડો માર્ટીનેઝ નામના ડેમોક્રેટીક રાજકારણી જેવા ઘરની બહાર નીકળ્યા, કે તરત એમના માથે કોઈ ચીજનો પ્રહાર થયો. હોસ્પિટલ પહોંચ્યા બાદ ખબર પડી કે એ ચીજ બીજું કશું નહિ પણ .૨૨૩ કેલિબરની બુલેટ હતી! આ બુલેટ ખોપરીમાં કાણું પાડીને મસ્તિષ્કના બાહ્ય આવરણ સુધી પહોંચી ગયેલી, જેને બહાર કાઢવા માટે ન્યૂરોસર્જરી કરવી પડી! નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈકે ઉત્સાહમાં આવીને હવામાં ફાયરીંગ કર્યું હશે, અને હવામાં ફાયર થયેલી એ ગોળી ધરતી પર પાછી ફરી ત્યારે માર્ટીનેઝની ખોપરી ફાડી ગઈ! અહીં ફાયરીંગ કરનાર અજ્ઞાત વ્યક્તિને તો સ્વપ્નેય ખ્યાલ નહિ હોય કે પોતે મસ્તીમાં એર-ફાયર કરેલી બુલેટ કોઈક માણસની ખોપરી ફાડી નાખશે. જુલાઈ ૨૦૦૩માં, ઈરાકી સરમુખત્યાર સદ્દામ હુસેનનો આતતાયી દીકરો ઉદય મરાયો ત્યારે એનો આનંદ વ્યક્ત કરવા માટે જે એરિયલ ફાયરીંગ થયું, એમાં ફૂટેલી બુલેટ્સ માથા પર પડવાને કારણે ૨૦ લોકો મૃત્યુ પામેલા!

મોરલ ઓફ ધી સ્ટોરી ઇઝ, ગનમાંથી આકાશ તરફ છૂટેલી ગોળી અમુક સમય બાદ ક્યાં ફંટાશે અને કોને વાગશે, એ બાબતે અનુમાન કરવું અતિશય મુશ્કેલ છે. કોઈ પણ પ્રકારની ગનમાંથી છૂટેલી ગોળી સાથે એકઝેટલી શું બને છે? ગોળી કેટલે ઉંચે સુધી જાય છે? અને જ્યારે તે પૃથ્વી ઉપર પાછી પડે, ત્યારે એનું સ્થાન કઈ રીતે નક્કી કરવું? બુલેટ ઉપર થતી ગુરુત્વાકર્ષણની અસર તો સમજી શકાય, પણ એ સિવાય જે-તે સમયના હવામાન ઉપર, હવાની ઘટ્ટતા અને પવનની દિશા પણ મહત્વના પરિબળો છે. અને આ પરિબળો એવા છે, જેના ઉપરથી ગણતરી કરીને બુલેટના માર્ગ વિષે ચોક્કસ આગાહી કરવી લગભગ અશક્ય છે. હોરીઝોન્ટલી ફાયર થતી બુલેટ્સ ઉપર પણ આ પરિબળો અસર કરે જ છે. કેમકે બુલેટ વર્ટીકલી ફાયર થાય કે હોરીઝોન્ટલી, ગુરુત્વાકર્ષણ અને હવાના અવરોધને કારણે, અમુક અંતર કાપ્યા બાદ એની ગતિ ધીમી પડતી જાય છે અને દિશા પણ ફંટાઈ જાય છે. ગતિ ઘટતી જઈને શૂન્ય થઇ જશે, પણ દિશા કઈ હશે, એ હવાની પરિસ્થિતિ પર આધારિત હશે. પણ હવાની ગેરહાજરીમાં ફાયર થાય તો?

[Image Source: Wikimedia/ Pixabay]

ધારો કે કોઈક નવરો બેઠેલો અંતરીક્ષયાત્રી જસ્ટ ફોર અ ચેન્જ, માત્ર ટાઈમપાસ ખાતર ગોળીબાર કરે, અને જો એ બાબા આદમના જમાનાની કોઈ ગન વાપરે, તો ગોળી છૂટશે જ નહિ! કેમકે હવાની ગેરહાજરીમાં ઓક્સિજનના અભાવે બંદુકની જામગરી જ નહિ ચંપાય! પણ અંતરીક્ષયાત્રાએ નીકળેલો માણસ ટેક્નોસેવી તો હોય જ, માટે એ મોડર્ન ગન જ વાપરતો હોય. અને મોડર્ન ગનમાં ગનપાઉડરને સળગાવી શકે એવું ઇન્ટરનલ ઓક્સીડાઈઝર હોય જ છે. પરિણામે હવા-ઓક્સિજનની ગેરહાજરીમાં પણ બુલેટ ફાયર થઇ શકે. હવે વાત કરીએ આપણા મૂળ પ્રશ્નની, કે બુલેટ કઈ દિશામાં, કેટલે સુધી જાય!

મહાન વિજ્ઞાની ન્યૂટને આપેલાં ત્રણ નિયમો, ખાસ કરીને ત્રીજો નિયમ આપણે જાણીએ છીએ. “આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે.” (for every action there is an equal and opposite reaction) એનો અર્થ એમ કે ગોળીબાર કરતી વખતે ગનપાઉડર ફાયર થવાથી જે ધક્કો સામેની દિશામાં લાગે, એટલો જ ધક્કો ગોળીબાર કરનારના શરીર ઉપર પણ લાગતો હોય છે. પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ જેવા પરિબળોને કારણે આપણે આ ધક્કો ખાધા બાદ ‘ઉડી’ નથી જતા. પણ અંતરીક્ષની વાત જુદી છે. ત્યાં ન તો ગુરુત્વાકર્ષણ બળ છે, ન તો હવાનો કોઈ પણ જાતનો અવરોધ છે. આથી ગનફાયર થયા બાદ બુલેટ તો સામેની દિશામાં ગતિ કરશે જ, પરંતુ ફાયર કરનાર અવકાશયાત્રી એનાથી વિરુદ્ધ દિશામાં, અને એટલા જ વેગથી ગતિ કરશે!! આઈ બાત સમઝ મેં?! હજી વધુ આઘાત જન્માવે એવી વાત તો હવે આવે છે.

અંતરીક્ષમાં છોડેલી બુલેટ જશે ક્યાં? જવાબ છે અનંત અંતર સુધી! કેમકે હવાના અવરોધ અને ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં કૌન માઈ કા લાલ રોકેગા ઉસે?! કોઈ ઉલ્કાનો ટુકડો કે કોઈ ગ્રહ અથડાઈ પડે તો વાત જુદી છે, બાકી બુલેટ અનંતકાળ સુધી અંતરીક્ષમાં ગતિ કરતી રહેશે! એક ઓર બાત, જો ફાયરીંગ કરનાર પેલો અવકાશયાત્રી નિયમ પ્રમાણે કોઈ ચોક્કસ ભ્રમણકક્ષામાં ગતિ કરતો હોય (પૃથ્વી સુર્યની આસપાસ ચોક્કસ ભ્રમણકક્ષામાં ગતિ કરે છે એમ જ), તો એણે ફાયર કરેલી બુલેટ પણ એ જ ભ્રમણકક્ષામાં ગતિ કરતી હોય! વળી આ બન્ને, પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં હોય! એનો અર્થ એ કે ફાયરીંગ કરનાર અવકાશયાત્રી અને ફાયર થયેલી બુલેટ, કોઈ એક બિંદુએ ફરીથી ‘ભેગા’ થાય! સાદા શબ્દોમાં, અવકાશયાત્રીએ ફાયર કરેલી બુલેટ, અવકાશયાત્રીને પોતાને જ પછવાડે ટીંચાય! ઉહ, આહ, આઉચ!!

ખેર, બુલેટ, હવા, ગતિ, ન્યુટન…. આ બધું વાંચીને ખાલી મગજમાં વાયુ ઉત્પન્ન થઇ ગયો હોય તો ગોલી માર ભેજે મેં…. ઢીશ્કાઉં!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Disclaimer: The images / videos in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *