ફિર દેખો યારોં : નામમાં શું બળ્યું છે? કશું નહીં, છતાં ઘણું બધું

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

અનેક પ્રાચીન નગરની સંસ્કૃતિઓ વિશે આપણે જાણીએ છીએ. અહીં જે નગરની વાત કરવાની છે તે કંઈ એવું પ્રાચીન નથી કે નથી એવું વિશાળ, છતાં તેની આગવી સંસ્કૃતિ છે. ખરેખર તો તે નગર જ કાલ્પનિક છે, છતાં સૌના હૈયામાં એ નગર અને તેની સંસ્કૃતિ કોઈ વાસ્તવિકતાની જેમ જ જીવંત છે.

એ નગર દક્ષિણ ભારતની સરયૂ નદીને કાંઠે આવેલું છે. નાનકડું અને નિરાંતવું. સરયૂ નદી પરનો પુલ પસાર કર્યા પછી તેનું સ્ટેશન આવે. દિવસમાં ફક્ત બે ટ્રેન અહીં આવે છે. બપોરે મદ્રાસ તરફથી આવતી, અને સાંજે ત્રિચી તરફથી આવતી. અહીં ટ્રેનો ફક્ત બે મિનીટ માટે થોભે છે. સ્ટેશન પર ઉતરતાં ‘રેલ્વે રાજુ’ તરીકે ઓળખાતા રાજુની સોડા, ફળો વગેરે વેચતી નાનકડી હાટડી નજરે પડ્યા વિના રહે નહીં. આ ઓછા જાણીતા સ્ટેશને ઉતરનારા પ્રવાસીઓ રાજુને પૂછપરછ કરતા. રાજુ તેના મૌલિક જવાબ આપી આપીને અહીંનો પ્રખ્યાત ગાઈડ થઈ ગયેલો. આગળ જતાં તે રોઝી નામની એક નર્તકીના પ્રેમમાં પડ્યો અને જેલમાં પણ ગયેલો. જેવો અનાયાસે એ ગાઈડ બનેલો, એવો જ અનાયાસે એ પછી સાધુ બની ગયેલો. રાજુ ‘ગાઈડ’ની આ કથા પછી તો આખા હિન્‍દુસ્તાને જાણેલી.

આ સ્ટેશનના ઈતિહાસમાં બે મિનીટ કરતાં વધારે સમય માટે ટ્રેન ઉભી રહી હોય એવું એક જ વાર બનેલું. ૧૯૩૭માં ગાંધીજીએ આ નગરની મુલાકાત લીધેલી ત્યારે એમ થયેલું.

સ્ટેશનની બહાર નીકળતાં નજરે પડે છે મિશન હાઈસ્કૂલ. સ્વામીનાથન નામનો એક છોકરો આ સ્કૂલમાંથી જ ભાગી ગયેલો. જો કે, પછી તેને બોર્ડ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી બીજી હાઈસ્કૂલમાં દાખલ કરી દેવાયેલો. આ એ જ મિશન હાઈસ્કૂલ છે કે જેના ઘંટનો અવાજ બહુ કર્કશ હોવાથી વિદ્યાર્થીઓના નાજુક કાનને તે ઈજા પહોંચાડે છે, એવી ફરિયાદ અદાલતમાં દાખલ કરવામાં આવેલી. અને એ ફરિયાદ નોંધાવનાર હતા વી. જહોન. આ મહાશયે પોતાનું જીવન ફરિયાદો નોંધાવવામાં જ વ્યતિત કરેલું.

મિશન સ્કૂલથી થોડે આગળ આવે છે કેશવન હોસ્પિટલ. અહીંના ટી.કેશવન નામના ડૉક્ટરને વિદ્યાર્થીઓ શાપ આપતા, કેમ કે તેઓ કદી કોઈને માંદગીનું ખોટું સર્ટિફિકેટ લખી આપતા નહીં. મિશન સ્કૂલની બાજુનો ખાલી પ્લોટ એમ.સી.સી.ની માલિકીનો છે, જે આ નગરના નામની ક્રિકેટ ક્લબ છે.

લૉલી એક્સટેન્શન નામે વિસ્તાર અહીંનો ધનિક અને પોશ વિસ્તાર છે, જે પ્રમાણમાં શાંત રહે છે. પણ એક વાર અહીં ધમાચકડી મચી ગયેલી. ૧૯૪૭માં અહીં ઉભેલા સર ફ્રેડરીક લૉલીના બાવલાને તેમજ લૉલી એક્સટેન્શનને શણગારવામાં આવેલાં. એ વખતે રાષ્ટ્રભાવનાનો પ્રચંડ જુવાળ આવેલો. એવામાં કોઈકે શોધી કાઢ્યું કે એ તો જુલમી શાસક હતો. બસ, પછી તો પૂછવું જ શું? બાવલાને હટાવી દેવામાં આવ્યું. થોડા સમય પછી હકીકત માલૂમ પડી કે લૉલી નામનો જુલમી શાસક તે આ નહીં, પણ વૉરન હેસ્ટિંગ્સના કાળમાં થઈ ગયેલો એ. આ લૉલી તો બહુ સજ્જન હતો અને આ નગર પણ તેણે જ વસાવેલું. એટલે ફરી પાછો જુવાળ આવ્યો, પણ આ વખતે લૉલીની તરફેણમાં. તેના પૂતળાને એક ખૂણે પાછું ઉભું કરાયું. ‘કબીર લેન’ તરીકે ઓળખાતો એ રોડ હવે પાછો ‘લૉલી રોડ’ તરીકે ઓળખાવા લાગ્યો.

સ્વાતંત્ર્ય પછી આ નગરમાં હવે નવેસરથી નામકરણ કરવાનું ચલણ સામાન્ય બનવા લાગ્યું હતું. ‘કોરોનેશન પાર્ક’ હવે ‘હમારા હિન્દુસ્તાન પાર્ક’ તરીકે ઓળખાતો થયો. ‘લૉલી એક્સટેન્શન’ બન્યું ગાંધીનગર. એકાદ બે નહીં, ચચ્ચાર રોડ ‘મહાત્મા ગાંધી રોડ’ના નામે ઓળખાવા લાગ્યા. જો કે, લોકો જૂનાં નામથી એવા ટેવાયેલા કે નવાં નામ તેમને હોઠે ચડતા જ નહીં. દરેક સ્થળોને લોકો એ જ જૂના નામે ઓળખતા. એટલે ધીમે ધીમે પાછાં જૂનાં નામ ચલણમાં આવી ગયાં.

આ નગરની એક વખતની અતિ પ્રસિદ્ધ એવી ‘ઈન્ગ્લેડિયા ઈન્સ્યોરન્સ કંપની’ એ મહિલાઓને નોકરીએ રાખવાનો ફળદ્રુપ વિચાર વહેતો મૂકેલો. તેને સારો એવો પ્રતિસાદ મળેલો.  જો કે, રૂપજીવિનીઓએ પણ અહીં અરજી કરતાં આખી વાત પડતી મૂકાઈ.

આ કંપનીથી થોડે દૂર આવેલો છે ‘બોઈંગ સાડી સ્ટોર્સ’. સાડીને બોઈંગ સાથે શી લેવાદેવા? આ કિસ્સામાં હતી. આ સ્ટોરના માલિકે એક વાર છાપામાં ‘બોઈંગ’ નામ વાંચ્યું. બસ, એને નામ ગમી ગયું અને પોતાના સ્ટોર માટે એણે આ નામ પસંદ કરી લીધું.

આટલે સુધી વાંચનારા સમજી ગયા હશે કે કયા નગરની વાત થઈ રહી છે અને તેના રચયિતા કોણ. આ નગરનું નામ છે માલગુડી, જેના વિશ્વકર્મા છે ખ્યાતનામ લેખક આર.કે.નારાયણ. તેમના દ્વારા કાગળ પર રચાયેલી આ સૃષ્ટિને ટી.વી.ના પડદે શંકર નાગ દ્વારા દિગ્દર્શીત ‘માલગુડી ડેઝ’ના નામે અવતારવામાં આવી. દેશના ખૂણેખૂણે આ ધારાવાહિકનાં પાત્રો અને પરિસ્થિતિઓ પહોંચી ગયાં. આ ધારાવાહિકનું ફિલ્માંકન કર્ણાટકના શિમોગા-તાલગુપ્પા રેલ્વેલાઈન પર આવેલા અરસાલૂ સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવેલું.

તાજેતરમાં આ વિસ્તારના ધારાસભ્ય બી.વાય.રાઘવેન્‍દ્ર દ્વારા આ સ્ટેશનનું નામ બદલીને ‘માલગુડી’ રાખવાનો પ્રસ્તાવ રેલ્વે મંત્રાલય સમક્ષ મૂકાયો છે. આ અગાઉ યશવંતપુર-મૈસુરુ એક્સપ્રેસને ‘માલગુડી એક્સપ્રેસ’ નામ આપવામાં આવ્યું હતું.

થોડા સમય અગાઉ શહેરોનાં નામ બદલવાનો પ્રવાહ શરૂ થયો હતો, જેમાં મુખ્યત્વે મુસ્લિમ શાસકોના નામ પરથી વસેલાં શહેરોનાં નામ બદલીને, તેમની મૂળ હિન્‍દુ ઓળખ મેળવવાનો હેતુ જણાતો હતો. આ ચેષ્ટા, જો કે, રાજકારણપ્રેરિત વધુ જણાતી હતી. એ જ રીતે અંગ્રેજોને અટપટાં લાગેલાં ભારતીય નામોનું સરળીકરણ કરવામાં આવેલું. એ મૂળ નામો પાછાં રાખવાનો ક્રમ પણ આરંભાયો હતો. આપણે ત્યાં રસ્તાઓનાં નામ જે તે ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓના નામે અપાતાં થયાં છે. પણ એ વ્યક્તિના નામની આગળ જે વિશેષણો મૂકવામાં આવે છે તે ખરેખર હાસ્યાસ્પદ અને વ્યક્તિની પ્રતિષ્ઠાનું અવમૂલ્યન કરનારાં જણાય છે.

તેની સરખામણીએ કોઈ સાહિત્યિક કૃતિમાં આવતા એક કાલ્પનિક નગરનું નામ એ હદે લોકપ્રિય થાય અને કોઈ વાસ્તવિક નગરને એ નામ આપવામાં આવે એ ઘટના આનંદદાયક કહી શકાય એવી છે. પ્રજાનું ધ્રુવીકરણ કરવાના રાજકારણીઓના પ્રયાસો સફળ થતા જાય એ સંજોગોમાં પ્રજાની ચેતનાને સાહિત્ય થકી જોડવાની આ ઘટના ભલે નાનકડી, પણ આશાના ટમટમતા દીવાને ટકાવી રાખનારી કહી શકાય એવી છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪-૩-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *