વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૪) હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ…..

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન: બીરેન કોઠારી

હોળી એટલે રંગોનો તહેવાર. પ્રહલાદ, હોળિકા અને હિરણ્યકશિપુને યાદ કરવાનો અવસર. અનિષ્ટો બળીને ભસ્મ થઈ જાય એવી માન્યતાને પંપાળવાનો પ્રસંગ. ઓળખીતા હોય કે ન હોય, રાહદારીઓ પર રંગ છાંટવાની મઝા લૂંટવાનો લહાવો. ‘બુરા ન માનો, હોલી હૈ’ કહીને ગમે તેની ગમે તેવી મસ્તીમજાક થઈ શકે. આ દિવસે હાસ્યકવિ સંમેલન યોજવાની પણ પરંપરા છે. જેના મૂળમાં જ મજાકમસ્તી હોય એ તહેવારને કાર્ટૂનિસ્ટો છોડે ખરા? અહીં માણીએ હોળીવિષયક કેટલાંક કાર્ટૂનો.

**** **** ****

કાર્ટૂનિસ્ટ યાદવનું આ કાર્ટૂન નિર્દોષ કહી શકાય એવું છે. દૂધવાળાનો પહેરવેશ, દૂધનું કેન વગેરે તમામને હોળીનો રંગ લાગ્યો હોય તો દૂધ પોતે શું કામ બાકાત રહી જાય?

****

હોળીની ઉજવણીમાં પાણીનો વપરાશ ભરપૂર થતો હોય છે, જેને એક રીતે વ્યય કહી શકાય. ઘણા લોકો નામમાત્રની ‘સૂકી હોળી’ રમવાની હિમાયત કરે છે. તો ઘણા તેનો વિરોધ પણ કરે છે. ચોમાસા પછી શિયાળાના ચાર મહિના વીત્યા હોય અને ઉનાળો માથે તોળાઈ રહ્યો હોય ત્યારે પાણીના અતિશય વપરાશ વિશે વિચારવું તો જોઈએ. કાજલકુમારે પોતાના કાર્ટૂનમાં આ જ વાત જણાવી છે.

****

સુધીર તેલંગનું આ કાર્ટૂન રાજકીય રંગ ધરાવતું છે. તેમાં ‘આપ’ના નેતા અરવિંદ કેજરીવાલની પ્રકૃતિની લાક્ષણિકતા બતાવવામાં આવી છે. વારાણસીમાં હોળી રમવાની એટલે કે ચૂંટણી લડવાની વાત છે, તેના સંદર્ભે અરવિંદ કહે છે: ‘થોભો! હું એસ.એમ.એસ. દ્વારા એક સર્વેક્ષણ કરી લઉં. લોકો ઈચ્છે કે હું તમારી સાથે હોળી રમું તો હું રમીશ.’

****

‘શોલે’ ફિલ્મમાં ખલનાયક ગબ્બરના મુખે મૂકાયેલો સંવાદ ‘હોલી કબ હૈ?’ અત્યંત જાણીતો બની રહ્યો છે. સતીશ આચાર્યના આ કાર્ટૂનમાં વિધાનસભાની ચૂંટણીઓનો સંદર્ભ છે. ‘કેસરી’ રંગે રંગ્યા પછી વડાપ્રધાન મોદીના મુખે ગબ્બરસિંગવાળો સંવાદ મૂકવામાં આવ્યો છે. પંજાબ, ગોવા અને મણિપુર ‘કેસરી’ રંગનાં ન થઈ શક્યાં એ નાનકડી બાટલીમાં રહેલા સાદા પાણી વડે બતાવાયું હોય એમ જણાય છે.

*****

શ્યામ જગોતાના આ કાર્ટૂનમાં વિવિધ પાત્રોની હોળી કેવી હોય એ દર્શાવવામાં આવ્યું છે. કોઈની પિચકારી નાની, તો કોઈની મોટી, કોઈની તૂટેલી, તો કોઈની પિચકારી જ ગુમ! અર્થઘટન બહુ સ્પષ્ટ છે.

*****

‘આઈ ટૂન્‍સ’ અંતર્ગત સુનિલ અગ્રવાલના વિચારોનું ચિત્રણ અજિત નિનાન કરે છે. આ કાર્ટૂનમાં તેમણે આધુનિક હોળી શી રીતે રમાશે એ બતાવ્યું છે. ડ્રોન વિમાનો લગ્નની ફોટોગ્રાફી માટે વપરાવા લાગ્યાં હોય તો રંગ છાંટવા માટે કેમ ન વપરાય?

*****

સતીશ આચાર્યનું આ કાર્ટૂન પણ મઝાનું છે. અહીં અલગ અલગ પાત્રો પોતપોતાની રીતે હોળીની ઉજવણી કરી રહ્યાં છે. અહીં પણ ‘શોલે’ના ગીત તેમજ બે સંવાદોનો ઉપયોગ થયો છે. કાર્ટૂનને સમજાવવા કરતાં તેને જોઈને મઝા માણવા જેવી છે.

*****

આ કાર્ટૂનની શૈલી અને વિષય જોતાં તે મનોજ કુરીલનું હોય એમ જણાય છે.

****

કાર્ટૂનિસ્ટ સુભાનીના આ કાર્ટૂનમાં હોળીની ઉજવણી નહીં, પણ પ્રેક્ષકોના પ્રતિભાવ દર્શાવેલા છે.

****

પાકિસ્તાની કાર્ટૂનિસ્ટ સાબીર નઝરે પણ પોતાના કાર્ટૂનમાં હોળીને સ્થાન આપેલું છે. તેનો ધ્વનિ ભારતીય રાજકારણીઓની પ્રકૃતિ કરતાં અલગ નથી. સૌ એકબીજા પર રંગો ઉડાડે છે. સરહદની આ પાર હોય કે પેલે પાર, રાજકારણીઓની પ્રકૃતિ સમાન હોય છે એમ લાગ્યા વિના રહે નહીં.

****

ધૂળેટીની આગલી સાંજે લાકડાંઓ સળગાવીને હોળી પ્રગટાવાય છે. ક્યાંથી આવે છે આ લાકડાં? પર્યાવરણનું તેના વડે રક્ષણ થાય છે કે વિનાશ? ચિત્રકાર સોરીત આ ચિત્ર દ્વારા આપણને વિચારતા કરી મૂકે છે.

****

રંગોનો આ તહેવાર આપણને સૌને હસવાની, હસાવવાની અને હસી કાઢવાની શક્તિ આપે એવી શુભેચ્છાઓ.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.

– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com


Disclaimer:

The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

1 comment for “વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૪) હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ…..

  1. paresh
    March 29, 2019 at 12:07 am

    superb……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *