





–રજનીકુમાર પંડ્યા
(જઝબા–એ–જિંદગીનો તરજુમિયા અર્થ ગમે તે થતો હોય પણ ‘જઝ્બા’ એટલે લાગણીનો આવિર્ભાવ.
એક માતા અને એક ડોક્ટર , એ બે સિવાય માનવજીવનને એક જઝ્બા તરીકે કોણ સ્વીકારે છે ?
અમદાવાદમાં સિવીલ હૉસ્પીટલમાં આવેલી જગમશહૂર કિડની ઈન્સ્ટિટ્યુટના સ્થાપક ડૉ એચ એલ ત્રિવેદી , કે જેઓ અત્યારે ખુદ બીમાર હોવા છતાં કિડની ઈન્સ્ટિટ્યુટ આજે પણ તેમની તપોભૂમી બની રહી છે. એમની જ નિશ્રામાં સેવાભાવી ડૉક્ટરોની એક બૃહ્દ ટીમ રચાઇ રહી છે. એમાંના દરેકના નામ લઇએ તો અર્ધું પેજ ભરાઇ જાય .પણ એ જાજ્વલ્યમાન તારામંડળમાં એક મહત્વનું નામ છે ડૉ. ાવપંક્જ શાહનું.
થોડા જ સમય પહેલા હિંદીનાં મશહૂર લેખિકા અને પત્રકારબહેન મધુ શ્રીવાસ્તવે આ ડૉ .પંકજ શાહની જીવનકથાનું પુસ્તક ‘जज्बा–ए–जिंदगी’ પોતાની કલમમાંથી અવતાર્યું છે. પ્રસ્તુત છે અહિં તેના થોડા અંશો, બલકે સારાંશ–
રજનીકુમાર પંડ્યા)
મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં ભણતો એ તેજસ્વી છોકરો મહેનત તો બહુ કરતો હતો , પણ કોણ જાણે કેમ પરીક્ષા સમયે ભારે અસ્વસ્થ થઈ જતો હતો. એને થતું હતું કે હું નક્કામો છું. મને કશું આવડતું નથી. હું નકામો આ ફેકલ્ટીમાં આવી ગયો છું. વિચારોના આવા ભારે દબાણ હેઠળ એને દુવિધા થઇ આવતી કે કાંઠે તો પહોંચી ગયો છું પણ હવે પરીક્ષા આપવી કે ન આપવી? આવી અવઢવ હેઠળ એણે પરીક્ષા આપી તો ખરી, પણ એકવાર એ રીતે એ પરીક્ષા હૉલમાંથી બહાર આવ્યો. બહાર આવીને જોયું તો એક નાનો છોકરો અમસ્તો જ ઉભો હતો. કોણ જાણે કેમ, પણ એની પાસે જઈને એણે પોતાના હાથની બે આંગળી એના ભણી લંબાવી.ને બસ, અમસ્તું જ કહ્યું – ‘કોઈ પણ એક આંગળી પકડ’. હવે આગળની પરીક્ષા આપવી કે ન આપવી એવા વિકલ્પ બે આંગળીમાં એણે ચિંતવ્યા હતા. પણ વૈચિત્ર્ય એવું થયું કે એ બાળક શરમાઇ ગયો. એણે એક પણ આંગળી ન પકડી. મતલબ ? સવાલનો જવાબ અંધારામાં જ રહ્યો. હવે?
પણ ત્યાં મેડીકલનો એક બીજો વિદ્યાર્થી આ જોઈ રહ્યો હતો. એ તો ક્યારનોય આ બધું જોયા કરતો હતો. પણ એક ઘડીએ એને આનો અંત લાવવાનું મન થયું તે આવીને એણે એક ફટ દઇને એક આંગળી પકડી લીધી. જે આંગળી પકડી , તે પરીક્ષા આપવાનું સૂચન કરતી હતી. મનમાં ક્યારનાય હચુડચુ થતા આ વિદ્યાર્થીએ એને કુદરતનો આદેશ સમજી લીધો અને એણે છેવટે પરીક્ષા આપી. અને ખરેખર એ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયો. મેડીકલમાં એનેટોમી (શરીરશાસ્ત્ર) વિષય એને બહુ અઘરો પડતો. એનેટોમીનો સંબંધ સર્જરી સાથે છે. જો કે, બીજા વિષયોમાં તેજસ્વી ગુણ મેળવનાર આ વિદ્યાર્થી એનેટોમી વિષયમાં પણ ઉત્તીર્ણ જાહેર થયો, અલબત્ત, ગ્રેસિંગ માર્ક્સ સાથે. પણ આ ઘટનાએ એનામાં આત્મવિશ્વાસની એક ચીનગારી પ્રગટાવી. જાત પર વિશ્વાસ બેઠો કે આ અઘરી ગણાતી અને જણાતી એવી દાક્તરી લાઈનનો કોઠો ભેદવો અશક્ય નથી. એ એનામાં આત્મવિશ્વાસના પ્રાદુર્ભાવનું પહેલું ચિહ્ન હતું. અને એનું જીવનમાં એક આગવું મહત્વ હતું.
કોણ જાણતું હતું કે મેડિકલ કોલેજના પ્રથમ જ વર્ષમાં પરીક્ષાનું તીવ્ર દબાણ અનુભવનાર, પણ હથિયાર હેઠે ન મુકનાર વિદ્યાર્થી આગળ જતાં દેશનો પ્રથમ પંક્તિનો સર્જન બનશે? મનોમન શોષવાતા અને છતાં જાતે જ હિંમત એકઠી કરી લેનારો આ જુવાન જ આગળ જતાં ડો. પંકજ શાહ – કિડનીરોગ વિશેષજ્ઞ તરીકે ખ્યાતનામ બન્યો.
મોટાભાગે સાહિત્યકારો કે રાજપુરુષો જ જીવનકથા કે આત્મકથા લખતા હોય છે. એમાં જે તે કાળખંડના પ્રવાહો પણ આપોઆપ સંગ્રહાઇ જાય છે, એ દૃષ્ટિએ એ Value added બની જતી હોય છે. એનું આગવું મૂલ્ય વધી જતું હોય છે. પણ આત્મકથા લખનાર કે જીવનકથા લખાવનારનો વ્યાવસાયિક વ્યાપ પણ વધવો જોઈએ. આ જ હરોળમાં જો કોઈ શિક્ષક કે ડોક્ટર પણ જોડાય તો એમની જીવનકથા કે આત્મકથા પણ ચોક્કસ માર્ગદર્શક નીવડી શકે. ડો પંકજ શાહની હિન્દી ભાષામાં લખાયેલી જીવનકથા ‘જઝ્બા- એ- જિંદગી’ આવી જ એક આશાસ્પદ જીવનકથા છે, જેનું સંપાદન મધુ કે. શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવ્યું છે.

શરૂઆતનો કિસ્સો પંકજ શાહની જીવનકથા ‘જઝ્બા- એ- જિંદગી’માંના અનેક કિસ્સાઓમાંથી ચૂંટીને લીધો છે. કારણ કે આ કિસ્સો પરીક્ષામાં અસહ્ય તણાવ અનુભવનાર હજારો વિદ્યાર્થીઓને તો હિંમત બંધાવી જ શકે, પણ માત્ર વિદ્યાર્થીઓને જ શું કામ ? દેશના હજારો તબીબોને કે દર્દીઓને પણ બે નવી વાત શીખવી શકે.
પોતાના ખુદના અનુભવે એ શિખવવાની લાયકાત ધરાવનાર ડૉ. પંકજ શાહ ધારત તો પોતાની આગવી ધીકતી પ્રેક્ટિસ થકી નામ અને દામ બન્ને એક સાથે પામી શકત, પણ એ તો સંપૂર્ણ સેવાધર્મમાં અગ્રેસર એચ.એલ ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટમાં કિડનીરોગ નિષ્ણાત તરીકે અણથક સેવાઓ આપે છે. પોતાની આ સિલસિલાવાર જીવનકથામાં ડૉ. પંકજ શાહે પોતાના બાળપણના સ્મરણો, કૌટુંબિક પરિસ્થિતિ અને પોતાના વ્યવસાયના પ્રસંગો ખૂલીને વર્ણવ્યા છે. પણ એ બધું અહિં વર્ણવવું શક્ય નથી. એ તો હિંદી લેખિકાની કલમે આલેખાયેલું હિંદી પુસ્તક વાંચતી વખતે જ માણી શકાય એવો સ્વાદ ધરાવે છે.

એમની પૂર્વકથા કંઇક એવી છે કે અસલમાં રાજસ્થાનના દાદા માણિકચંદ સંજોગોવશાત સ્થળાંતર કરીને પછી વઢવાણ આવ્યા. દાદાને ત્રણ દીકરા, એમાં આ ડૉ પંકજભાઇના પિતાજી રતિલાલ ખેતસી બીજા ક્રમનું સંતાન. એક દીકરા નાગરદાસ ખેતસી અવિવાહિત રહેલા. તેમણે વઢવાણમાં વિદેશી કપડાનો ધંધો જમાવ્યો. બધું સરસ ચાલી રહ્યું હતું. પણ ત્યાં ગાંધીજીની ‘હિન્દ છોડો’ ચળવળ શરૂ થઈ. વિદેશી કપડાંનો બહિષ્કાર શરૂ થયો, ને જમાવેલો ધંધો સાવ ભાંગી પડ્યો. એ પછી તેમણે મુંબઈની વાટ પકડી અને પછી વડોદરા ગયા, પણ કોણ જાણે કેમ ત્યાં કશું ગોઠવાયું નહિ. નડિયાદ શહેર જાણે એમની રાહ જોઈ રહ્યું હતું. અને ખરેખર ત્યાં જ નસીબ આડેનું પાંદડું હટયું. ત્યાં જે વ્યાપાર જમાવ્યો તે બહુ કસદાર રહ્યો અને જામ્યો. નડિયાદમાં એક સમયે નાગરદાસ ખેતસીના નામની પેઢીની બોલબાલા હતી. આખા જિલ્લામાં પેઢીનું એ નામ આદર સાથે લેવાતું, કારણ કે એમાં દાદા માણિકચંદજીએ માત્ર પોતાનો પરસેવો જ નહિં, પ્રાણ રેડયો હતો.
આ આત્મકથામાંથી કેટલાક રસપ્રદ અને નક્કર તથ્યો સાંપડે છે.પંકજભાઇના પિતાજી રતિલાલ કરિયાણાનો વેપાર કરતા. પણ ધંધામાં ભાગીદાર ઘણા, પરિણામે આવક પણ વહેંચાઇ જતી. બે છેડા માંડ ભેગા થતા. પણ તોય નિરાશાને એ નજીક ઢુંકવા દેતા નહિં.. આવા મહેનતુ મધ્યમવર્ગીય કુટુંબમાં દંપતિ રતિલાલ અને વિમલાના ખોળે 8 જાન્યુઆરી, 1953 ના દિવસે છઠ્ઠા સંતાન સ્વરૂપે બાળક પંકજનો જન્મ થયો. બાળપણના દિવસો સંઘર્ષમય રહયા. જો કે, એનો તલભાર પણ અફસોસ અત્યારે ડૉ. પંકજ કરતા નથી. ઉલટાના કહે છે – ઉછેર સામાન્ય પરિસ્થિતિમાં થયો, પણ એનીય એક મજા હતી. એ મારી પાઠશાળા હતી.
એક વાર તો એવું બન્યું કે – બાલ્યવયમાં પંકજભાઈ કોઈક ગંભીર બીમારીમાં પટકાયા. ભારે સારવારની કોઈ અસર ન થઈ. ડોકટરોએ પણ હાથ ધોઈ નાખેલા. બચવાની શકયતા સાવ પાંખી હતી. કુટુંબીજનોએ પણ હારી થાકીને બચવાની આશા છોડી દીધી, એ પણ એટલી હદે કે યાદગીરી રૂપે પંકજનો એક ફોટો સુદ્ધાં તેમણે કઢાવી લીધો. છેલ્લો પ્રયાસ કરવા માટે ફેમિલી ડોક્ટરે પરિવારની મંજૂરી લઈને એક ઇન્જેક્શન આપ્યું. પંકજભાઇ એ યાદ કરતાં કહે છે : ‘મરવાની સાવ કગાર પર પહોંચી ગયેલો હું મોતને હાથતાળી દઈને પાછો ફર્યો.’
આ સિવાય બાળપણની હળવી, મીઠી તૂરી યાદો પણ પંકજભાઈ સપાટી પર લાવે છે. એક વાર વર્ગમાં કુકડા જેવો અવાજ કાઢેલો. સાહેબે નાક પકડીને બ્લેકબોર્ડ પર ઘસેલું. આ સિવાય એકવાર સાઇકલ ચલાવવાનું શીખતા હતા, ત્યારે સાઈકલ પરનો કાબૂ ગુમાવ્યો. સાઈકલનું હેન્ડલ એક ભાઈના બે પગ વચ્ચે ઘુસાડી દીધેલું, ને એના બદલામાં બહુ માર પડેલો. આમ, બાળપણ અન્ય બાળકો જેવું જ સામાન્ય રહેલું. પણ આવા સામાન્ય સંજોગોમાંથી અસામાન્ય પ્રતિભા કઈ રીતે બહાર આવે છે, એનો જવાબ પંકજભાઈની શિક્ષણવિષયક નોંધમાંથી મળે છે.
4 થા ધોરણમાં અભ્યાસ કરતી વખતે મિડલસ્કૂલની સ્કોલરશિપ મેળવી. આખા પંથકમાં જે વિદ્યાર્થી સર્વોચ્ચ ગુણ મેળવે, તેને જ મળતી હાઈસ્કૂલ સ્કોલરશિપ 7મા ધોરણમાં મેળવી. માતા ખરા અર્થમાં ગૃહિણી. પિતાજી ફક્ત 7 ધોરણ સુધીનું જ ભણેલા. પણ શિક્ષણનું મહત્વ ખૂબ સમજતા. બધી સમસ્યાઓનો ઉકેલ આવનારા સમયમાં શિક્ષણ જ લાવી શકશે, એ વાતની પ્રતીતિ એમને થઇ ચુકી હતી. એમણે પંકજમાં રહેલા હીરને એના બાળપણથી જ પારખી લીધું હતુ,. પરિણામે પૈસાના અભાવે પંકજનું ભણતર એમણે કદિ અટકવા ન દીધું. ઉલટાના પંકજને પાનો ચડાવતા કહેતા, ‘તારે ખૂબ ભણવાનું. બીજી કોઈ ચિંતા નહીં કરવાની. હું જરૂર પડ્યે તો બધી મિલકત વેચી મારીશ. આકાશપાતાળ એક કરીને પણ તને ભણાવીશ.’ સાવ નાની નાની તુચ્છ જરૂરિયાત માટે પણ પરિવારમાં સંઘર્ષ કરવો પડતો, પણ જીવનમાં કશુંક ખાસ બનવું છે, એવી પ્રબળ ઇચ્છાએ તેમનો ઉત્સાહ ટકાવી રાખ્યો.
શાળામાં ભણતો પંકજ ગણિતમાં તો અવ્વલ રહેતો જ, પણ નિબંધલેખનમાં ય ભારે રુચિ દાખવતો. ટુચકાઓ સંભળાવવા કે શાયરી વાંચવી પણ એને પસંદ. વકતૃત્વ સ્પર્ધામાં એ અલગ જ તરી આવતો. સાથીમિત્રો બાળપંકજમાં રહેલી તેજસ્વીતાથી અંજાઈને તેને ‘પંકજગુરુ’ કહેવા લાગ્યા હતા.

પ્રાથમિક શિક્ષણમાં નડિયાદના પ્રખ્યાત સંતરામ મંદિર દ્વારા સંચાલિત શાળામાં ભણવાનું થયું હતું. આ શાળાની એક મજાની પરંપરા પ્રમાણે જે વિદ્યાર્થી શાળામાં પ્રથમ ક્રમાંક મેળવે, તેને બડે મહારાજ સંતરામજીના કરકમળ દ્વારા ચાંદીના 10 સિક્કા ઇનામરૂપે બક્ષવામાં આવતા. પંકજભાઈ બે વાર આવું બહુમાન મેળવવામાં સફળ થયેલા. ચાંદીના આ સિક્કા આજે પણ તેમણે સાચવી રાખ્યા છે.
આ ક્રમ પછીય તેજસ્વિતાનો એ ક્રમ જળવાયો. એમણે S.S.C ની પરીક્ષામાં સમગ્ર નડિયાદ કેન્દ્રમાં બીજો નંબર મેળવ્યો હતો, જેના લીધે એમને ભાઉસાહેબ સ્કોલરશીપ પણ મળેલી.
પછી કોલેજનું શિક્ષણ પૂરું કરવા લુણાવાડા જવું પડ્યું. અને ત્યાં પણ એ તેજસ્વિતાએ પરચો બતાવ્યો. કોલેજના બીજા વર્ષમાં આખી યુનિવર્સીટીમાં ત્રીજો નંબર મેળવેલો. એ રીતે Msc માં આખા પંથકમાં બીજા નંબરે ઉત્તીર્ણ થવા નિમિત્તે ભાઉસાહેબ સ્કોલરશિપ મળી. આ સિવાય ધાર્મિક સંસ્થાઓએ પણ અવારનવાર શિષ્યવૃત્તિ દ્વારા મદદ કરી. સ્કોલરશિપથી ભણવાનો ખર્ચ પૂરો થઈ જતો એવું નહોતું, પણ માન ખૂબ મળતું. સમાચારપત્રોમાં એમનું નામ છપાવા લાગ્યું. એ જોઇને પિતાજીને પંકજની સિદ્ધિનો ભારે ગર્વ થતો.
M.B.B.S માં પ્રવેશ મેળવવા માટે F.Y. B.Sc પાસ કરવી જરૂરી હતી. તેના માટે પરીક્ષા ગુજરાત યુનિવર્સીટીમાંથી આપી, તો એમાં ય ગુજરાત યુનિવર્સિટીમાં 3 જો નંબર મેળવ્યો હતો. પરિણામસ્વરૂપ બી.જે મેડિકલ કોલેજમાં સહેલાઈથી પ્રવેશ મળી ગયો. ત્યારે જો કે, મેડિકલ શિક્ષણ આજના જેટલું મોંઘું નહોતું. હોસ્ટેલમાં રહેવાનો ખર્ચ પ્રમાણસરનો રહેતો. પણ તો ય જે કંઈ ખર્ચ થતો, તે હવે પિતાજીના સ્થાને મોટાભાઈ કાંતિલાલ શાહે પોતાના શિરે લઈ લીધો. એ પોતે લુણાવાડા કોલેજમાં ભૌતિકશાસ્ત્રના અધ્યાપક. નોકરીની બાંધી આવકના બળે એમણે પંકજને સાથ આપ્યો. નોકરીની મર્યાદિત આવકનો અહેસાસ કદી પંકજને થવા ન દીધો. કદી પૂછ્યું નહિ કે – આટલા પૈસા શેના માટે જોઈએ છે? હંમેશા આર્થિક મામલે ટેકો આપતા રહ્યા. એટલું જ નહીં, કાયમ મિત્ર બનીને પંકજને માર્ગદર્શન આપ્યું, હૂંફ આપી. આજે ડોકટર પંકજ શાહ સફળ સર્જન ગણાય છે, પણ મુશ્કેલીના દિવસોમાં મોટાભાઈએ જે સાથ આપ્યો, તેને એ ભૂલ્યા નથી. આ ઋણસ્વીકારની ભાવના ડોકટરના હાડોહાડમાં ભરેલી છે,
એનો એક વધુ કિસ્સો ય મળ્યો છે.
અભ્યાસકાળમાં બહુ બધી સ્કોલરશીપ મળી, પણ સૌ પ્રથમ શિષ્યવૃત્તિ પંકજભાઈને વઢવાણના જૈનસમાજે આપી. વઢવાણમાં પંકજભાઈના બનેવી મહેશભાઈ રહેતા હતા. તેમને પાકો વિશ્વાસ હતો કે આ છોકરો નામ ઉજાળશે. તેમણે પંકજભાઈને વઢવાણ સન્માન માટે બોલાવ્યા. સ્કોલરશીપ તો આપી જ, સાથે પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવ્યું. યોગાનુયોગ જુઓ. નેફ્રોલોજીસ્ટ બન્યા પછી જે પહેલું સન્માન થયું, તે પણ વઢવાણમાં જ. અહીં સુધીનો ક્રમ બહુ નવાઈભર્યો નથી, આવું ઘણા બધાના જીવનમાં ઘટતું હોય છે. પણ પંકજભાઈ જરા જુદી માટીના માણસ છે. એ એમની જીવનકથામાં લખે છે: ‘નેફ્રોલોજીસ્ટ બન્યા પછી વઢવાણમાં મારું સન્માન કરવામાં આવ્યું, ત્યારે મેં મારી જાતને એક કોલ આપેલો કે વઢવાણમાં કોઈને પણ કિડની બાબતે કે સિવિલ હોસ્પિટલમાં મારી જરૂર પડશે તો ત્યાં હું કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર મદદ કરીશ. આ કોલ આપ્યાને આજે 35 વર્ષ થઈ ગયા, પણ મારું વચન આજે પણ નિભાવી રહ્યો છું. હું સમાજનો કરજદાર છું, એ ઋણ આજે પણ ઉતારતો રહું છું.’

માતા વિમળાબેન પાક્કા કુંટુંબપરસ્ત. એમને લોહીના ઊંચા દબાણ (હાઈ બી.પી.) ની બીમારી. પણ પોતાની તબિયત પછી પહેલાં એ ઘરનો જ વિચાર કરતા. બન્ને બહેનોના લગ્ન થઈ ગયા, પછી થાકી ગયેલી માનું શરીર જવાબ દઈ ગયું. એ બ્રેઈન હેમરેજનો ભોગ બનીને અવાસાન પામ્યાં. એ વખતે પંકજભાઇ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા. એમને પરીક્ષામાં ખલેલ ન પહોંચે એ માટે માતાના મૃત્યુની જાણ પણ એ વખતે એમને ન કરાઇ. પછીથી કરવામાં આવી.
માના સ્વર્ગવાસ પછી પરિવાર વિખરાયો. એક સુશીલ સ્ત્રી કઈ હદે ઘરને સાચવી શકે છે એ નજર સામે ભજવાતું જોયું. સૌથી નાનો ભાઈ નડિયાદમાં રહ્યો. પિતા રતિલાલ લુણાવાડા પ્રોફેસર કાંતિલાલ પાસે રહેવા જતા રહયા. એમનાં પત્ની બ્રેસ્ટ કેન્સરના લીધે 52 વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા. એમણે એક રસોઈયો રાખી લીધો, ને પિતાજીનેય સાચવ્યા. ડોકટરના પરિવારમાં એ રીતે મોટાભાઈ આદર્શ બની રહ્યા. પિતાજી પણ 85 વર્ષની વયે કેન્સરના લીધે મૃત્યુ પામ્યા. પિતાજીની વિદાય થઈ ત્યારે પંકજભાઈ અમેરિકામાં લીવર ટ્રાન્સપ્લાન્ટની તાલીમ લઈ રહયા હતા. પંકજભાઈને આજે પણ દુઃખ છે કે પિતાજી જીવતાજીવ ડોક્ટર પુત્રની સફળતા ન જોઈ શક્યા.
પરિવારમા કેવું પરસ્પર કેવું હેતસંધાન હોઈ શકે, એ જીવનકથામાં સરસ ઉપસ્યું છે.
1984 માં M.D થયા પછી ય સ્થિતિ સાવ સુધરી ગઇ એવું નહોતું. એ જ વર્ષે લગ્ન થયા, પણ હજી પૂરતી આવક થવાની શરૂ નહોતી થઈ. આ સ્થિતિમાં કોઈ પણ માણસ થાકી જાય, પણ વ્યવહારુ પત્નીના હાથમાં સુકાન હોય તો વાંધો ન આવે. પંકજભાઈ એ મામલે પણ સદભાગી નીવડ્યા. જે બચત હતી, એના બળ પર પત્નીએ આખું ઘર સાચવી જાણ્યું. પગાર તો છેક છ મહિના પછી આવવાનો શરૂ થયો ત્યાં સુધી ઘણી આપદા રહી, પણ પછી વાંધો ન આવ્યો. પણ છ કપરા મહિનાની મુદત વીતી, એ પત્નીની સૂઝબૂઝ પર. આજે કીર્તિમાન એવા પંકજભાઈ હજુ સંપત્તિવાન બન્યા નથી કે બનવા માગતા જ નથી. મિલકતમાં આજની તારીખે પણ બંગલો નથી. 3 BHK ફ્લેટ છે, જે એમણે 40 વર્ષની વયે લોન લઈને બનાવેલો. વાહનમાં જરૂર પુરતા ખપમાં આવી શકે એવી નાની કાર છે. પંકજભાઈનાં પત્નીએ કદી બંગલો કે ઘરેણાની સ્પૃહા રાખી નથી. પણ જે મળ્યું, એને જ વૈભવ ગણી લીધો. અહીં ડૉ પંકજભાઇ એક મજાની પંક્તિ ટાંકે છે.
” ગોધન, ગજધન, વાજિધન ઔર રતન ધન ખાન
જબ આયે સંતોષ ધન, સબ ધન ધૂરિ સમાન.”
જિંદગીનો મહત્વનો વળાંક એટલે મહર્ષિ જેવા ડૉ. એચ એલ. ત્રિવેદીનો પરિચય કે જે આત્મિયતામાં પરિણમ્યો.

M.D થયા પછી આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે વધુ એક વર્ષનો કોર્સ કરવો પડે તેમ હતો. એના માટે પંકજભાઈએ એમના ઘરની નજીક આવેલા કિડની ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી, જયાં કિડની સ્પેશ્યાલિસ્ટ ડૉ. એચ.એલ ત્રિવેદી સાહેબને મળવાનું થયું. ડૉ. પંકજભાઈ નિખાલસપણે નોંધે છે કે – એ સમયે મનમાં એવો વિચાર ખરો કે હું માત્ર થોડો સમય જ અહીં રહું, થોડો અનુભવ લઉ, જેથી પછી પ્રાઇવેટ પ્રેક્ટિશનર તરીકે નિષ્ણાત કિડનીરોગ સર્જન બની શકાય. પણ ડૉ. ત્રિવેદી સાહેબની નિકટતા કંઇક જુદો જ રંગ લાવી. એમની સાથે પછી એવું તો જોડાણ થયું કે એ પછી એ આ જ ઇન્સ્ટિટ્યૂટમાં ગોઠવાઈ ગયા. એમના વ્યક્તિત્વના જાદુએ અને સેવાભાવે એમને એટલા આકર્ષ્યા કે એ કાયમ માટે અહીંના જ બનીને રહી ગયા. ત્રિવેદીસાહેબને એમણે પોતાના ગુરુ બનાવ્યા. નેફ્રોલોજીમાં ડૉ પંકજ શાહ એમના પ્રથમ વિદ્યાર્થી. એમની પાસેથી એ ઘણું શીખ્યા. એમની અંદરના સેવાલક્ષી ડોક્ટરને બહાર લાવનાર તો ત્રિવેદીસાહેબ જ.

તેમના માપદંડમાં ખરા ઉતર્યા પછી ત્રિવેદીસાહેબે પણ ડો પંકજભાઈની જવાબદારીઓ હળવી કરી. આર્થિક પાસું સધ્ધર બને તે માટે એમનાં બી.કોમ થયેલાં પત્ની રેણુકાબહેનને કિડની ઇન્સ્ટિટ્યૂટમાં કલાર્કની નોકરી આપી. (હવે તો જો કે, તે પણ રેકર્ડ વિભાગમાં સિનિયર કલાર્કના હોદ્દા પરથી નિવૃત્ત થઈ ગયાં છે.)
એક સાચા ડૉકટરે દર્દી સાથે કેવી રીતે વર્તવું જોઈએ એ ડો ત્રિવેદીએ તેમને શિખવ્યું. દર્દી એક જીવંત હસ્તી છે, તેનામાં સંવેદના હોય છે, તેને દર્દ થાય.આ બધું ડોક્ટરે પોતે સંવેદીને અનુભવવું બહુ જરૂરી છે. દર્દીને જોઈને કેવી પ્રતિક્રિયા આપવી એ શીખ પણ ડૉ. ત્રિવેદી સાહેબની જ દેણ. ડૉકટર અને દર્દી વચ્ચેનું જોડાણ બાંધી આપતું સ્પર્શજ્ઞાન ત્રિવેદીસાહેબ પાસેથી વારસારૂપે મળ્યું. ઘણા ડૉકટર દર્દીને અડકવાનું ટાળે છે, પણ ડૉ. ત્રિવેદી પાસેથી શીખવા મળ્યું કે જ્યારે તમે ડૉકટર તરીકે દર્દીને સ્પર્શો છો, ત્યારે તમને ઘણી બધી ખબર પડી જાય છે. તમે દર્દીની વેદનામાં ભાગીદાર તો બનો જ છો, પણ સાથે દર્દીના મનમાં એક છાપ ઉભી થાય છે કે તેનો ઈલાજ સાચા હાથમાં છે. દર્દી પછી ડૉક્ટરને સમર્પિત થઈ જાય છે. ડૉ. ત્રિવેદીએ ડૉ. પંકજને શીખવ્યું કે જ્યારે પણ દર્દી કોલ કરે તો ડૉકટર કે તેમના સહાયકે તરત જ કોલ રિસીવ કરવો જોઈએ, કારણ કે દર્દીને કોઈ તેની વાત સાંભળે છે, એ વાતથી ઘણી હિંમત મળતી હોય છે. આ શીખ ડૉ. પંકજ પોતાના વિદ્યાર્થીમાં આરોપે છે.
અત્યારે ડૉ. પંકજ શાહના પોતાના ઘણા શિષ્યો ડૉકટર બનીને દેશ-વિદેશમાં સેવા આપી રહયા છે. તેના માટે ડૉ. પંકજ શાહને દિલ્લીના ‘અવતાર ગૃપ ઓફ કિડની ઇન્સ્ટીટયુટ’ તરફથી દ્રોણાચાર્ય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે.
ડૉ. પંકજ શાહ પોતાના આત્મક્થાના પુસ્તકમાં એ પણ સમજાવે છે કે :
‘શરીરના ઝેરી કે બિનઝેરી પદાર્થોને મૂત્રરૂપે બહાર કાઢવાનું કામ કિડની કરે છે. કિડનીની લંબાઈ 10 સેમી, પહોળાઈ 6 સેમી અને ગોળાઈ 3 સેમી હોય છે. દરેક માણસના શરીરમાં બે કિડની હોય છે, જે પેટની અંદર પાછળના ભાગમાં, છાતીની પાંસળીઓ વચ્ચે સલામત રીતે ગોઠવાયેલી હોય છે. એક કિડની ખરાબ થાય, તો વ્યક્તિ બીજી કિડનીની મદદથી ચલાવી શકે, પણ જો બંને કિડની ખરાબ થઈ જાય તો જીવલેણ સાબિત થઈ શકે. કિડની લોહીની સફાઈ કરવાનું કામ કરે છે. માનવી ખોરાક લે છે, તેમાં પ્રોટીન હોય છે, જે શરીરને પોષણ આપે છે. પણ કેટલીકવાર એવું બને છે કે પ્રોટીન અપાચ્ય પદાર્થોને જન્મ આપે છે, જે શરીર માટે ઝેરનું કામ કરે છે. આવા પદાર્થોને અલગ તારવીને બહાર ફેંકવાનું કામ કિડની કરે છે. કિડની શરીર માટે જરૂરી પાણીની માત્રા જાળવી રાખે છે. કિડની શરીરમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનું સંતુલન જાળવી રાખે છે. સોડિયમનું પ્રમાણ બરાબર ન જળવાય તો મગજ પર અસર પડે. જો પોટેશિયમના પ્રમાણમાં વધઘટ થાય તો અંગોની કામગીરી પર વિપરીત અસર પડે. એટલે જ કિડનીને માસ્ટર કેમિસ્ટ કહેવાય છે.

પહેલાં કરતાં આજે કિડનીનો રોગ વધુ ફેલાયો છે. અલબત્ત, લોકોમાં કિડનીરોગ તરફની જાગરૂકતા પણ વધી છે. આજે ટેકનોલોજી અને વિજ્ઞાનની શોધોને લીધે માનવઆયુષ્યમાં વધારો થયો છે. જો કે, એક વાત એ પણ છે કે અકુદરતી ખાનપાન, આરામપ્રિય જીવનશૈલી અને બેઠાડુ જીવન જેવી સ્થિતિ કિડનીરોગને નોંતરે છે. પશ્ચિમના દેશોની તુલનામાં ભારતમાં કિડનીનો રોગ ધરાવતા દર્દીઓ ઝાઝા છે. માંગ પ્રમાણે પુરવઠો જળવાય તો રોગ કાબૂમાં આવે. પણ ડૉ. પંકજ શાહ લખે છે કે – દેશમાં આજે 10 થી 15 હજાર કિડની રોગ વિશેષજ્ઞોની જરુર છે,.જ્યારે દેશમાં હાલ 1000 થી 1200 જેટલા જ વિશેષજ્ઞ છે, એમાં ય ટોચના નિષ્ણાતો તો 10 થી 12 જણ છે. સરકાર – ડોકટર અને મેડિકલ ઓફિસરોએ નાના નાના ગામડાઓમાં જઈને કિડનીના રોગોની જાણકારી આપવી જોઈએ.
કિડની પ્રત્યારોપણનો ઇતિહાસ 1954 ના વર્ષથી શરૂ થાય છે. પ્રથમ કિડની પ્રત્યારોપણ બોસ્ટનમાં થયું. પછી તો સારવારની ઢબમાં બહુ વિકાસ થયો છે. આજે ભારતના ડૉ.એચ.એલ ત્રિવેદીના ઇન્સ્ટિટ્યૂટમાં રોજના 3-4 ઓપરેશન થાય છે, આ રીતે જોવા જઈએ તો આ ઇન્સ્ટિટ્યૂટને કિડની પ્રત્યારોપણની ફેકટરી જ કહી શકાય. અહીં અલગ અલગ પદ્ધતિ જેવી કે લેપ્રોસ્કોપીક, રોબોટિક સર્જરી અને સ્કારલેસ પદ્ધતિથી ઓપરેશન કરવામાં આવે છે. સ્કારલેસ પદ્ધતિમાં ઓપરેશનની સફળતાનો દર 90% થી પણ વધુ રહે છે.
પશ્ચિમના દેશોમાં દવાઓ પર ખૂબ સંશોધન ચાલે છે. બહુરાષ્ટ્રિય કંપનીઓ પાણીની જેમ પૈસા વેરે છે. આપણા દેશોમાં સંશોધનનું કામ સાવ મંદ ગતિથી ચાલે છે, કોઈ કંપની આવા કામમાં પૈસા રોકવાનું કામ પસંદ કરતી નથી. 99% દવાઓ પશ્ચિમના દેશોમાંથી આવે છે. ત્યાં દવા પર સંશોધન થાય, એનું પરીક્ષણ થાય. પછી જ બજારમાં એ દેખાય.
ભારતીય દર્દી અને પશ્ચિમના દર્દીઓના શારીરિક બંધારણમાં તફાવત છે, બન્નેની અનુકૂલન ક્ષમતામાં બહુ ફરક રહે છે. ત્યાં મેલેરિયાનું પ્રમાણ નહિવત જેવું, આપણે ત્યાં અમુક ઋતુમાં રોજના 30-35 કેસ મેલેરિયાના નોંધાય. ત્યાં ટીબી રોગ નહિવત દર્દીમાં જોવા મળે. એટલે સારવાર કરતી વખતે આ બાબતો પણ ધ્યાને લેવી પડે, એ બધી વાતનો તો આ જીવનકથા જેમણે ન વાંચી હોય તેમને તો કદાચ ખ્યાલ જ ન આવે.
કિડનીના રોગો સામે આયુર્વેદ દવાઓનો દાવો કરવામાં આવે છે, પણ આવી દવાઓથી કશો ફરક પડે છે કે કેમ એ વિશે કશું આધારભૂત સંશોધન થતું નથી, એટલે એ આયુર્વેદને કેટલી હદે પ્રમાણભૂત માનવું એ એક સવાલ ઉભો રહે જ છે. અલબત્ત યોગથી લાભ થઈ શકે,.
‘જઝ્બા-એ-જિંદગી’ એક ડોક્ટરની જીવનકથા છે, પણ એ ફક્ત મેડિકલ સેક્ટર પૂરતી સીમિત રહી નથી. એ પોતાના અભ્યાસ થકી વિદ્યાર્થીજીવન કેવું હોઈ શકે, એની પ્રેરણા તો આપે જ છે, પણ પરિવારપ્રેમી કે સમાજપ્રેમી સર્જનની આ જીવનકથા ડોક્ટરોને પણ એક ઉમદા વ્યવસાયની પવિત્રતા સમજાવવામાં સફળ થાય છે.
હજુ તો આ પુસ્તક હિન્દી ભાષામાં પ્રકાશિત થયું છે. આપણી માતૃભાષામાં આવું ઉપયોગી પુસ્તક હોવું જોઈતું હતું. કોઈક ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ આપે, તો એક વાંચવાલાયક પુસ્તકથી માતૃભાષા સમૃદ્ધ થશે, એ વાતમાં કોઈ બેમત ન હોઈ શકે.
ઈ-મેલ પર યા અન્યથા ‘જઝ્બા-એ-જિંદગી’ મેળવવા માટે સંપર્ક:
ડૉ પંક્જ શાહ (ચીફ નેફ્રોલોજિસ્ટ), ફોન -079-22687000 / 079 2268 7034 મોબાઇલ 99988 10145
ઇ મેલ: drpankajshah786@gmail.com
ડૉ એચ.એલ. ત્રિવેદી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ(કિડની ઇન્સ્ટિટ્યુટ), સિવીલ હોસ્પિટલ કમ્પાઉન્ડ,અસારવા, અમદાવાદ-380 016
લેખકસંપર્ક: રજનીકુમાર પંડ્યા
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
વાંચ્યું, બહુ ગમ્યું.
આવા મનુષ્યૉ સમાજને લીલાછમ રાખે છે
really very motivating and worth learning.
સલામ આ કર્મયોગીને.
Thanks ? a lot to you & Rajnikumar for appreciation of a “muflis “doctor ???-Dr Pankaj Shah
It was my duty as well pleasure Sir !
Good job sir
Innocent person and great Dr.shree pankajbhai shah with wonderful soul like a saint.
Congratulations sir
….. you live long as moon….
આદરણીય શ્રી રાજનીકુમારભાઈ =
વર્ષો પહેલા વસઈના નિત્યાનંદ આશ્રમના મહારાજને મળવાનો મોકો મળ્યો હતો. તેમને મેં આશિરવાદમાં હાથ શા માટે મસ્તક પાર મુકાય છે તે પ્રશ્ન પૂછ્યો હતો –
જવાબમાં તેઓએ કહ્યુકે હાથ કોઈ સંતનો એ મહાત્માનો હોવો જરૂરી નથી –
દરેકના હાથમાં ભગવાને શક્તિ આપેલ છે જે અન્યના શરીરપર મુકતા તેનામાં ખૂટતી શક્તિનો સંચાર થાય છે. વર્ષો બાદ આપણા લેખ મારફતે જાણવા મળ્યું – આપની મહેનતને ધન્યવાદ – આભાર સાથે
નવીન ત્રિવેદી
બહુજ સરસ. જિંદગી માં જ્યારે હિંમત હારી જાઓ ત્યારે આવા મહાન લોકો ની જીવનગાથા જ તમને હિંમત આપે છે.
Congratulations sir n we r proud of yr achievements n welcome 2 udaipur.
સર, ખૂબ સુંદર… સલામ સેવાભાવી સંત ને….નિર્મળ સ્વાભાવના માલિકને….. આભાર….
Very much impressed and inspired by your journey of life. Proud to be nadiadi
God bless you to this holy service to mankind
You are truly GURU as we say you so since decades.congratulation and good luck
Dear Rajnibhai,
You are doing a very useful and inspiring work by writing on the persons who are worth to be highlighted..!! Your pen portraits are penetrative as anyone like to meet those persons…Hearty Congrats..!!
Such a very motivating, kind and down to earth Respected Dr Pankaj Shah is..
Salute you, sir..
What a Inspiring Story of Dr. Pankaj Shah sir….. Rajni Sir….. You are Great………
Shri Rajanibhai Pandya saheb,
Thank you very much for bringing inspiring story of Dr. Pankajbhai Shah, Please bring information to the readers about Gujarati translation of “ JAZBA EA JINDGI” Thank you once again, Regards