શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૧૦ મું : રાત માતાકા પેટ

Facebooktwitterredditpinterestlinkedinmail

શિવાજીની સુરતની લૂટ

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ

આપણા બે સ્વાર દમ મારતા ને ચોકીઓ ચુકાવતા, નવાબના મહેલ તરફ ચાલ્યા આવ્યા. રસ્તામાં મરાઠાઓની સેના ને શિવાજીનું શહેરમાં એ દિવસનું જોર જોઈને બંને બહુ ખિન્ન થતા હતા. જે મોહોલ્લામાંથી પસાર થતા હતા ત્યાં કોઈ ઠેકાણે હાય અફસોસ ને કોઈ ઠેકાણે રડારોળ થતી સંભળાતી. ઘણા ખરા તો ઘરબાર બંધ કરીને જાગતા બેસી રહ્યા હતા – જાણે ભયની રાહ જોતા હોય. દરેક ઘરમાંથી કોઈ કોઈનો પણ અવાજ આવતો, પણ રસ્તાપર એક ચલિયું પણ ફરકતું જણાતું ન હતું. જે મોહોલ્લામાંથી બંનો સ્વાર પસાર થતા હતા, ત્યાં ઘોડાની પડઘી સંભળાય એટલે લોકો બૂમ મારી ઊઠતા કે, “એ આવ્યા ! એ આવ્યા !” ને ઘેાડા દૂર જતા કે વળી સૌ શાંત થઈ જતા. દરેક ઠેકાણે મરાઠાઓના જુલુમથી કેર વર્તાઈ રહ્યો હતો. આ સમયે ગોપીનું વસાવેલું નગર એક સ્મશાન જેવું હતું, જ્યાં ત્યાં ઘડીએ ઘડીએ શોકકારક રાગડો નીકળતો સંભળાતો હતો.

મણી ને મોતી બેઉમાંથી કાઈ બોલતું હતું નહિ. બંનેનો એ વખતનો દેખાવ વધારે વિસ્મયકારક હતો. ઘોડા દોડાવવામાં બંને ચતુર ને ચપળ હતી. એક મુસલમાની ને બીજી વાણિયણ હતી, તે છતાં બંને બહાદુર હતી. બાળપણથી લાડમાં ઉછરેલી ને ઘોડે બેસવાની ટેવ પડેલી તેનો લાભ આજે બંનેને મળ્યો હતો. સ્ત્રી જાતિ છતાં આવી રીતે છચોક બહાર ફરવું, એ મર્યાદાની બહાર ગણાય, અને તે પણ કટોકટીના ભયને સમયે પુરુષને વેશ ધરી ફરવું, એ લજજાનું ઉલ્લંધન જણાય. એ વેશ આજે પણ અદ્ભુત ગણાય, તો તે કાળની વાત જ શી કરવી ! પરંતુ જ્યાં દેશરક્ષણનું કાર્ય આવી પડે ત્યાં લેશ પણ સંકોચ પામ્યા વગર મેદાન પડવું, એ માત્ર રાજપુતાણીનો ધર્મ છે, એ ધર્મ બે વિજાતીય સ્ત્રીઓ સાથે સાથે બજાવવા જાય છે. બંને તરુણીઓએ માથાપર ફેંટા બાંધ્યા હતા, બચાવ માટે છૂટી તરવાર હતી. જો કે મણીને, તે કેમ પકડવી તે માલુમ નહતું, તે છતાં તેનો હાથ તરવારપર જ હતો. શહેરની અવસ્થા જોતાં જ્યારે બંને તાનાજી મુલેસરની છાવણીમાં પહોંચ્યાં, ત્યારે ત્યાં એક ખાનગી મંડળી ભરાયેલી જોઈ, નિડરતાથી બંને બાજુએ પહેરો ભરવા લાગ્યાં ને મંડળીના આગેવાનોએ પહેરેગીરો હશે, એમ ધારી પોતાની વાત ચલાવી.

“તાનોજી! બાર તો વાગી ગયા. હવે થોડા સમયમાં આપણે પાછા મેદાનમાં નીકળવું પડશે, આરબ ને મકરાણીઓ નવાબના મહેલપર ચોકી કરે છે; નવાબ માલમત્તા લઈને કિલ્લામાં ભરાઈ ગયો છે, તેથી તે અમૂલ્ય ખજાનો હાથ આવવા દોહેલો છે – જો કે તે વિકટ નથી;” બહિરજીએ વિચાર બતાવ્યો.

“વિલાયતીઓની કોઠી ને નવાબનો મહેલ લૂટાય નહિ, ત્યાં સૂધી કદી પણ જોઈયે તેટલો લાભ થવાનો નથી, રામસેન !” એક બીજા આગેવાને વિચાર બતાવ્યો.

“પ્રભુ ખાતર !” નાથજી જેવી આ સૂચના થઈ કે, તેને પોતાનું ધાર્યું મળ્યું હોય તેમ નાથજી એકદમ બોલી ઉઠ્યો; “આપણે એકદમ તેએાનાપર હલ્લો કરીને ચકિત કરવા ને તે માટે વિલાયતીઓને તથા મહેલના ઉપરીને જણાવો કે, અમારે લુટવાની મરજી નથી !”

બંને નવાબદૂત આ સમયે બહુ બારીકીથી આ વાત સાંભળતા હતા.

“એને માટે આપણે શું કરવું ?” તાનોજીએ પૂછ્યું.

“દૂતો પોતાનાં કાવતરાંથી આ કામ પાર પાડશે; પણ કિલ્લામાં જવાની કોની હામ છે ?” એક દૂતે જ પૂછ્યું.

“એમાં ઘણો ભય છે અને એ વાત મૂકી દ્યો. આપણને વિલાયતીની કોઠીને મહેલની દોલત મળે તો બસ; તેનો ઉપાય કરવા ઉઠો.” રામસેને જણાવ્યું અને મંડળી વિખરાઈ ગઈ.

જે અગત્યની બાતમી મળી હતી તે લઈને થોડોક સમય વીત્યા પછી નવાબના બંને દૂતો મહેલ તરફ આવ્યા. ખેાજો મશરુર દરવાજા પર બેઠેલો હતો. તેની પાસે મોતી ગઈ. ખેાજો પ્રથમ ચમકયો ને તરવાર ખેંચી, પણ તેટલામાં મોતીએ પાસે આવી આંગળીઓથી મુદ્રા બતાવી, એ જોઈ ખેાજો સમજી ગયો ને કુનસ બજાવી ઉભો રહ્યો. મરાઠાનો ઠરાવ ને તેમનાં કાવતરાં તેને જણાવી, જોઈતી સંભાળ રાખવા કહી, વધારે સાવધતાથી વર્તવાનું સુચવી બંને જણ શહેરમાં આવવા નીકળ્યાં; શહેરપનાહ-બુરાનપુરી ભાગળના દરવાજાના કોટ નજીક આવ્યાં કે મુસલમાન સરદારના હાથ નીચેની હિંદુ ઘોડેસ્વાર પેદલવાળી ટુકડી આવતી દેખાઈ. બંને જણ ચકિત થયાં, બાજુએ ખસી ગયાં. ધોડેસ્વારની વચ્ચે આસરે છસો માણસ હતાં. આવી ભયંકર કાળરાત્રિએ આ માણસોએ જે બહાદુરી બતાવી હતી, તે કંઈ કારણસર હતી કે એમને એમ, તે આપણે પાછળ ફરી જોઈએ.

* * * *

રાત અંધારી હતી; નદીમાં જળ જંપ્યું હતું. શહેરમાં કોઈપણ સ્થળેથી કોઈ પણ જાતનો મનુષ્યધ્વનિ સંભળાતો નહોતો. સુરત શહેરમાં આજે સંધ્યાકાળે જેવી દશા હતી તેવી દશા ક્વચિત થઈ હશે. કિલ્લામાં નવાબ પોતાના કેટલાક કારભારીને લઈને ભરાયો હતો, ને શહેરમાં શિવાજી લુટારો દમ બાંધીને લુટ ચલાવતો હતો. ભયંકર દેખાવ એવો થઈ પડ્યો હતો કે, કેટલાક જવાંમર્દ આદમીઓ છતાં કોઈપણ મરવાને તૈયાર થાય તેવું જણાયું નહિ. પણ આજે તારીખ ૮ મીની સાંઝના વલંદાની કોઠી આગળ ત્રીસ ચાલીસ માણસ એકઠાં થયાં હતાં. નદીમાં પાણીનો ખળખળાટ થતો હતો, તેથી કોઈનો પણ અવાજ બહાર જવા પામતો નહતો. એક મોટા ઓરડામાં વલંદાની કોઠીનો ઉપરી અને બીજા માણસો બહુ છુપી રીતે વાતો ચલાવતા હતા. તેઓમાંના કેટલાક હિન્દુ અને કેટલાક મુસલમાન હતા, પણ તે સંધા શહેરના જ રહેવાસી હતા. શિવાજીને જેર કરવો અથવા ભગાડવો કેમ, એપર વિચાર કરવાને આ મંડળ મળ્યું હતું.

વલંદાની કોઠીનો ઉપરી એક ઘણો લાયક ને મર્દ જવાન આદમી હતો. જો શિવાજી લુટ ચલાવતો ચલાવતો કદી ત્યાં પેઠો, તો સત્યાનાશ વાળશે એવો તેને ભય હતો; પોતે વળી શુરો હતો; વય તો માત્ર ૩૫ વર્ષનું હતું; પણ વેપાર કરવામાં બહુ નિડર ને કુનેહબાજ હતો. તેણે શહેરના બળિયાઓમાંના કેટલાકને તેડાવી મંગાવ્યા. તેઓ છૂપે રસ્તે જુદા જુદા પહેરવેશમાં ઘણા જલદી હાજર થયા. આ શૂરા વલંદાનું નામ જોન્સ હતું.

જ્યારે ઘણા માણસો આવી ચૂકયા, ત્યારે જોન્સ બેાલ્યો; “શિવાજીને કહાડવાને તેની સામા થઈ મરવા જવાને કોઈ તૈયાર છે ?”

“જો કોઈ સરદાર તૈયાર હોય ને અમને દોરવવા તત્પર હોય તો અમે તૈયાર છીયે;” દશ વીશ અવાજ સામટા નીકળ્યા.

“આ વખતે જે શહેરનો બચાવ કરવાને તૈયાર થશે ને પાપી લુટારાથી લોકોનું રક્ષણ કરશે તે અમર નામ મૂકી જશે !” એક કણબી બોલી ઉઠ્યો, “શહેરમાં ત્રણ ત્રણ દિવસ થયા હડતાલ પડી છે, ખાવા પીવાનું કંઈ મળતું નથી. નવાબ તો બાયલો – પાવૈ – હીજડો છે. તે જનાનખાનામાં જઈને ભરાયો છે. સૌની મરજી હોય તો મારા બળપર હું તૈયાર છું. દાવપેચ કેમ કરવા ને પટા કેમ ખેલવા, તે હું જાણું છું; ડાબી બાજુએ દુશમનનું જોર હોય તો જમણે કેમ ઉતરવું ને જમણે જોર હોય તો પુઠનો ઘા કેમ કરવો, તે મને ખબર છે. આ દોઢસો કણબી પોતાના હાથમાં સોટા લઈને ઉભા છે. બીજા દોઢસો હોય, તો ત્રણસો મરણિયા, શિવાજીના ત્રણ હજારનો ઘાણ કહાડવા માટે પૂરતા છે. કોણ મરવા તૈયાર થાય છે ?”

“શાબાશ ! શાબાશ ! ધન્ય છે શહેરના નાકને.” ચોમેર શબ્દધોષ થઈ રહ્યો.

સુરતમાં એ કાળે લોકોમાં જે શક્તિ હતી, શૂરાતન હતું, બુદ્ધિબળ હતું, તેવું ગુજરાતમાં કોઈ સ્થળે ન હતું. પ્રસંગોપાત્ત પઠ્ઠા જુવાનો હોંસ ઉમંગમાં આવી મેદાન પડવાને તત્પર થતા હતા, ને બથમ્બથાની યુદ્ધકળા – મારામારીમાં કોઈની પણ સામે ઉતરવાને તૈયાર થતા હતા. તેનું પરિણામ કસરતશાળાઓ હતી. આ શાળાઓનો દેખાવ દુર્બલ હતો, પણ તેમાં જે ઉસ્તાદ હતા, તેઓ યુદ્ધકળાના નિયમ તો નહિ, પણ થોડાક દ્વંદ યુદ્ધના ભેદ બહુ સારી રીતે જાણતા હતા. તેઓ તનબળમાં બહુ જબરા હતા. અામાં વાણિયા શિવાય ઘણું કરીને સઘળી જાતના લોકો હતા. તેઓ બહુ કાબેલ હતા. એમાંના ઘણાક લોકો, જો કોઈ રણસિંગડુ ફુંકનાર મેદાન પડે તો તેની પછાડી ચાલવા તત્પર થાય તેવા હતા. કણબી, શ્રાવક ને બ્રાહ્મણ વર્ગમાં જે શિરજેરી હતી તેને લીધે આ વલંદા બંદરની સભામાં તે લોકોનાં લેાહી તો ઘણા જ ઉકળી આવ્યાં હતાં.

આજે જેમ પરદેશી કે દેશી, કોઈના પણુ હુમલાથી બચવાને માટે, એક પણ શસ્ત્ર ઘરમાં રાખવામાં આવ્યું નથી, ને કોઈ પિંડારો લુટવાને માટે દોડ કરે તો, એકેવારે ઘડીના છઠ્ઠા ભાગમાં ગુજરાતનું કોઈપણ નગર લુટી લેવામાં વિલંબ લાગે નહિ, તેમ તે કાળે નહતું. જો સાવધતા રાખી હોત તો નવાબને ઘણીક રીતે શહેરી પ્રજામાંથી જ ઘણા વીરપુરુષો આવી મળત ને શહેરની ધૂળધાણી થતી અટકત. શહેરના દરેક બહાદુર નરના ઘરમાં તરવાર, બરછી, ફરસી કે પટાકડીના ઘાટની બંદુકડી તો ખરી જ; અને જેટલું કામ શસ્ત્ર ન સારત, તે કરતાં વધારે શિરજોરીથી કામ થાત. લેાકેા લઠ્ઠા, પટ્ટા, બળિયા ને દશ વીશ સામા મરણિયા થઈને ઘૂમનારા હતા. આજના જેવા માઈકાંકલા, લપુલપુ થતા. ‘તીન દિને અઢાઈ કોશ’ જેવી હાલતના બાયલા નહતા. નાનપણથી કસરતનો લાભ લેનારા હતા. કસરતશાળાના સારા ઉસ્તાદો તો નાના લશ્કરનું કામકાજ કરવે લાયક હતા, પણ મુસલમાની રાજ્યને લીધે કોઈ તેઓનો ભાવ જ પૂછતું નહતું. દિલ્હીના બાદશાહો પોતાનાં જ વગનાં માણસો લશ્કરમાં રાખવાની ગોઠવણ કરતા, કે વખતે નવાબ બેવફા થાય તો બાદશાહીને હાનિ પહોંચે નહિ; તેઓ તેના પક્ષમાં રહે ને નવાબને ખસેડી ખદેડી કાઢે ! તેથી શહેરના લાયક માણસો ધંધાધાપા વગર પડી રહેતા. એમ હિંદુઓનાં દીલ મુસલમાનો તરફ અપ્રીતિવાળાં હતાં. પણ જ્યારે શહેરને માથે સામાન્ય આફત આવેલી જોઈ ત્યારે આગલું પાછલું સઘળું વીસારી દઈને, આ સભામાં સઘળા જ એકદીલથી ભેગા થયા હતા. જ્યાં ઐકય હોય ત્યાં વિજય તો હાથ જોડી હાજરરહે છે.

રામભાઈ કણબીએ પોતાનો ઉભરો બહાર પાડ્યો ને દૃઢ ઠરાવ જણાવ્યો કે તુરત મિયાં બહાદુરજંગ બોલ્યા; “મેં મહમદ પેગંબરકે કસમસે કહેતા હું કે મેરે જીગરસે મેં મરનેકુ તૈયાર હું, લેકીન સબ અપને અપને તાનમેં મશગુલ તો હમ ક્યા કરે ? ચલો, સબ લોક ઊઠો, ઓર મરો યા મારો, પીછા પગ મત ધરના. અપને શહેરમેં ઓ સસૂર તીનતીન રોઝ હુવે મારકાટ કરતે હૈ, ઓર અપન દેખાં કરે ? વલ્લાહી બીહલ્લા ! ક્યા ઝમાના આયા હે કે, અપની કોઈ જાનફેસાનીકી પરવાહ રખતા નહિ. કુછ પરવાહ નહિ. હમ સબ પૈગંબરકે ફરજીંદ અપના દીલોઝાનસે કહેતે હૈ કી અપના રુહ ઓર કલીબ નઝર કરેંગે. હઝરત પેગંબરકે ખાતર હમ સબ કરનેમેં તૈયાર હૈ.”

“અાગેવાન ક્યાં છે ?” જોન્સ ટટાર થઈ ખુરસીપર સીધો બેસતાં બોલ્યો; કેમ કે લોકોનો આ ઉમંગ જોઈને તથા હજી શસ્ત્ર વગરના ને સહાયતા વિનાના લોકોમાં આટલું પાણી છે એ જોઈને, તે બહુ આશ્ચર્ય પામ્યો હતો, “તમારે માટે હું તૈયાર થાત, પણ મારાથી આ કોઠી છોડીને બહાર નીકળાય તેમ નથી. કોઈ પણ તમારો દોરવનારો હોવો જોઈયે. કાઈ શૂરો આગેવાની લેનારો નથી ?”

“મારી જીંદગીને ખાતર હું તૈયાર છું:” સુરલાલ અકસ્માત ત્યાં આવી પહોંચી બોલ્યો. “લશ્કર અવ્યવસ્થિત છે, ને સમયસર ગોઠવણ થઈ નથી, તેથી જો ત્રણસો માણસ દ્વંદ્વયુદ્ધમાં ઉતરવાને તૈયાર હોય તો કંઈ કરી શકવાનું મારામાં સામર્થ્ય છે. શિવાજી સામા લડીને મરીશ અથવા મારીશ.”

“એસા નહિ બનેગા, તેરી જુવાનીકી ખાતર મેં મરનેકું તૈયાર હું. મેરા હાથ નીચે સબ લોક તૈયાર હો, તો અબીકા અબી ચલો !” સરદાર નવરોઝ, એકદમ દરવાજામાં પેસતાં જ બોલ્યો, “સુરલાલ, તું એસા મત જાન કે મેં તુઝે અપમાન કરતા હું, લેકીન મેં મરુંગા તો કુછ દહેશત નહિ હૈ, ઓર તુઝકું ચઈયે ઇતની લડાઈકી વાકફગારી નહિ હૈ, ઉસ સબબસે તું મેરી પીછે ચલ.”

સુરલાલે તે કબુલ કીધું. તેનો સોબતી ખરો હતો. સઘળી મંડળીને પણ એ વાત ગમી. કેટલાક માણસો પાસે હથિયાર ન હતાં, તે એકદમ મંગાવીને સોંપવામાં આવ્યાં. વલંદાની કોઠીમાંથી જેટલાં મળ્યાં તેટલાં લીધાં. બીજા પારસીઓએ આપ્યાં; અને તેઓ પણ હોંસથી સામેલ થયા. પારસી, હિંદુ ને મુસલમાનનું એકઠું થએલું ટોળું “હર હર મહાદેવ ! ભવાની માતકી જે !” “અલાહ અકબર!” એમ ગર્જના કરતું છસો માણસ ઊઠી એકદમ સરદાર નવરોઝ ને સુરલાલના હાથ નીચે સંફ સમારીને ઉભું રહ્યું.

જોન્સે એક યુક્તિ બતાવી, કે જેથી શત્રુને કાને ઠેઠ લગણમાં કંઈ ખબર જ ન પહોંચે. તેથી પહેલો ચોકીવાળો મળ્યો તેને એકદમ કતલ કરી નાંખ્યો. એ મરાઠાની લાસ સાથે લગભગ બીજા ત્રીસ મરેઠા સીપાહીનાં માથાં રડવડતાં થઈ ગયાં.

શૂરપર આવેલા યોધાઓ ધબધબ પગલાં મૂકતાં, જોમ૫ર આવીને ઘર, કુટુંબ કશાનો વિચાર કરયા વગર મેદાન પડ્યા હતા. ભયંકર કાળરાત્રિએ મરવા જાય છે એટલું પણ ઘરકુટુંબને જણાવ્યા વગર નીકળી પડ્યા હતા. એ તેઓની હીંમત અને બહાદુરી ધન્યવાદ આપવાની ફરજ પાડે છે. સઘળા કિલ્લો છોડી ભાગળ નજીક આવ્યા ને બે ઘોડેસ્વારને મોટાં લશ્કરે દૂરથી જોયા, તેમ એક મોટા ટોળાને ધસમસ્યું આવતું તે ઘોડેસ્વારોએ પણ દીઠું. એક મોટા લશ્કર સામે બે માણસનો શો હિસાબ ? તેમાં જેણે લડાઈનું મ્હોં જોયલું નહિ, પણ નામ સાંભળતાં થરથર કાંપે, તેના મ્હોં આગળ તરવારોનો ઝગઝગાટ જણાય ત્યાં પછી તેનું હોસાન કેવું રહે ? પ્રજારાજ્યના લશ્કરે, (હવે આપણે એ નામે એને ઓળખીશું. તેના નિયમ ને તેની સ્થાપના કંઈ આવાજ સ્વરૂપપર થઈ છે.) જેમ નજીક આવવા માંડ્યું, તેમ તેમ બંને ઘોડેસ્વાર ગભરાયા ને તેનાથી બચવા બાજુની ગલીમાં પેસી ગયા. પણ તેટલામાં બે ધોડેસ્વાર નાગી તલવાર સાથે સામા આવી ઉભા. આ વખતના ભયનું પૂછવું જ શું ? આ બે સવાર તે મોતી બેગમ ને મણીગવરી હતાં, તે વાંચનારને જણાવવાની કંઈ જરૂર નથી.

સ્ત્રી જાતિ કોમળ હોય છે. તેનાથી ભય સામા ઝાઝીવાર ટકાતું નથી. અકસ્માત સમયે કયો માર્ગ લેવો તે તેને સૂઝવું મુશ્કેલ છે. તેની શક્તિ હમેશાં ઘરસંસાર ચલાવવાને અને મૃદુ મૃદુ હાસ્યવિનોદનું પ્રેમાળ બોલવાને નિર્માણ થયલી છે. તેનું સ્વરૂપ શીતળછત્ર નીચે રહેવા યોગ્ય છે. તેનો જુસ્સો શત્રુને મારવાનો નહિ, પણ તેનાં કાળજાં વિંધવાનો છે. તેના હાથ શીતળતા પમાડવાને અને તેનું મસ્તક ઘા ખમવા કરતાં ઉંફ આપવા માટે વધારે લાયક છે. આ સાધારણ સ્વરૂપ છે, તે છતાં સ્ત્રીઓ, સમયે જે પરાક્રમ બતાવે છે તે અતિ વિસ્મયતા પમાડનારું હોય છે.

“કૌન હૈ ઉધર !” આ બોલની સાથે બે તરવાર સામી ઝબૂકી.

“મારો ! મારો ! સબ સાલા પિંડારા હૈ !” એક સ્વાર બીજો ઉમેરાયો તે બોલ્યો.

ગોલી મારકર એકદમ જાન નિકાલ લેના, અપનકું બહોત દૂર જાના હૈ;” એક ચોથા પીસ્તોલ લઈને આવનાર સીપાહે કહ્યું.

“કિસ ખાતર ઈતની દેર લગાતે હો, તરવારકા કામ તરવારકું કરને દો.” આ કેવો બારીક સમય છે. સ્ત્રી જાત, પુરુષના લેબાસમાં ! કેવી સ્થિતિમાં ! એક ક્ષણ બોલતાં વાર લાગે તો છપ્પન ટૂકડા થતાં વાર ન લાગે. હવે હ્યાં તે શો જવાબ દે ?

મણી તો ધ્રૂજવા લાગી. મોતીની ઈન્દ્રિયો પણ બહેર મારી ગઈ. પણ ઉપાય શો ! ઉપાય વગર રક્ષણ નથી ને રક્ષણ ન કરે તે કમોતે મરે !

“બડા શયતાન ! લ્યાનત હૈ તુઝપર કે હમેરા મુલ્કમેં કૂછ કારન બિના હલ્લા કિયા, તો લે તુઝે એહી નતીજા મીલના ચઈયે;” એમ બોલનાર એક સ્વારે ઘા કરવા તરવાર ઉગામી. મોતીનો ઘોડો આથી ચમકીને થોડાંક કદમ પાછો હઠ્યો.

“ખબરદાર ! એકભી કદમ પીછા હઠા તો તેરા છપ્પન ટુકડા હોનેમેં દેર લગને વાલી નહિ.”

“રબકી ખાતર, કુછ હમેરા સુનો;” મોતી, જીવ સટાસટનો સોદો જોઈને જેમ તેમ કરતી બોલી.

“ક્યા કહેના હે, બોલ, તુ ક્યા પિંડારા નાહિ?” એકદમ નવરોઝ ને સુરલાલ બંને નજીક આવી પહોંચી સવાલ કીધો.

“નવાબકી રૈયતકું મારનેકા હુકમ તુઝે કીન્ને દિયા હૈ, નવરોઝ ?” નવરોઝને જોતાં ને સાથે સુરલાલને જોઈ ઘણી હીમતથી મોતી બેગમ બોલી.

નવરોઝ પોતાનું નામ સામા સ્વારથી સાંભળી, એકદમ ચકિત થયો અને સુરલાલ પણ આશ્ચર્ય પામ્યો.

“મેં એ સ્વર બહોત દફે સુણ્યો છે !” નવરોઝ ચકિત થતો બોલ્યો.

“અને મારા કાનમાં પણ તેની મોહિની ચાલુ જ છે;” પ્રેમના ઉમળકાથી સુરલાલે શબ્દ કહાડ્યો. “મિયાન ! મિયાન ! તરવાર ને બંદુકનું કંઈ કામ નથી, સઘળા દૂર જાઓ.”

“નહિ, સુરલાલ કશી જરૂર નથી. તમે તમારું કામ કરવામાં તૈયાર થાઓ. ચલો અમે પણ તમારી સાથે છિયે.” મણી જ્યારે સધળું ભય દોઢ ગાઉ દૂર નાસી ગયું ત્યારે ઘોડાને એડી મારી આગળ આવીને બોલી. “મરાઠાનો કાલનો હલ્લો ને લૂટ ઘણી જબ્બર થનારી છે, માટે તેની હકીકત લક્ષમાં લઈ સૌએ પોતાનું કામ ચલાવવાનું છે.”


ક્રમશઃ


‘શિવાજીની સુરતની લૂંટ’ વિકિસ્રોત પરથી સાભાર લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *