






પરબતોં કે પેડોં પર શામ કા…../ તુમ અપના રંજ-ઓ-ગ઼મ..
– ભગવાન થાવરાણી
સુર-મય છું એ હદ્દે કે જાણે હોઉં સુરા-મય
જેવો-તેવો નથી, આ પહાડીનો કેફ છે …
પહાડી રાગની વિશેષતા વિષે એક ચાહકે ક્યાંક નોંધ્યું છે તેમ, એ શાંતિ, શક્તિ અને દર્દનો રાગ છે. એ નિર્ભેળ પ્રેમ જેવો છે જે સાયુજ્યમાં નિર્લેપ હોય અને વિયોગમાં દિવ્ય- શાશ્વત સંગ પ્રાપ્ત કરવાને સમર્થ તો પ્રારબ્ધે નિર્મેલ દર્દસભર જુદાઈ માટે પણ તૈયાર !
આ રાગ મૂળભૂત રીતે કશ્મીરી અને ડોગરી લોકસંગીતમાંથી ઊતરી આવ્યો છે. શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદો કહે છે કે આ રાગને જો યોગ્ય રીતે સાધવામાં આવે તો પહાડની જેમ એ અદ્ભૂત ઊંચાઈઓ સર કરી શકે. હવે પછીના હપ્તાઓમા આપણે આ રાગમાં નિબદ્ધ કેટલાક ભજનો જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે આ રાગનું સેવન કઈ રીતે ભાવકને પરમ – સમીપે લઈ જઈ શકે. એકલા હોઈએ અને આ રાગ સાંભળીએ ત્યારે પણ એવું લાગે જાણે પહાડો, સરિતાઓ અને પવન આસપાસ જ ક્યાંક હોય.
અગાઉ આપણે ઉલ્લેખી ગયા કે ફિલ્મ-સંગીતના નામી-અનામી-અલ્પનામી સર્વે સંગીતકારોએ આ રાગમાં કામ કર્યું હોવા છતાં સંગીતકાર રવિ અને ખૈયામનો એ અતિપ્રિય રાગ રહ્યો છે. મારા મતે આ બન્નેની કુલ બંદિશોમાંથી અડધી રચનાઓ તો સહેજે આ રાગમાં હશે. એમના વિપુલ રચના-સાગરમાંથી મને અત્યંત પસંદ હોય એની સંખ્યા પણ ખાસ્સી છે એટલે એ બન્નેને ( અને મને ! ) ન્યાય આપવા માટે પણ એકથી વધુ હપ્તામાં એમની કૃતિઓને સમાવિષ્ટ કરવી પડશે.
આજે આપણે સંગીતકાર ખૈયામની બે પહાડી રચનાઓની વાત કરીશું. યોગાનુયોગ આ બન્ને ગીતો એક જ ફિલ્મ ‘ શગુન ‘ ( ૧૯૬૪ ) ના છે. એ આપણી મીઠી મજબૂરી છે કે એક જ ફિલ્મની હોવા છતાં એ બન્નેનો આ લેખમાળામાં સમાવેશ કરવો પડ્યો છે.
ફિલ્મ તરીકે ‘ શગુન ‘ એક નબળી ફિલ્મ હતી. એનું કથાનક જ્યોતિષ, ગ્રહો, ક્રિયાકાંડમાં અટવાયેલી એક ગૃહિણીની માનસિકતા કેવો ઉલ્કાપાત સર્જે છે એ વાત પર આધારિત હતું. વહીદા રહેમાન જેવી સમર્થ અદાકારા પણ ફિલ્મની ગુણવત્તામાં કશું નક્કર ઉમેરી શકી નથી. કરુણતા એ પણ કે ફિલ્મનો ઢંગધડા વર્ગનો અંત પણ એક રીતે આ વિચારધારાનું સમર્થન કરે છે ! નઝર નામધારી આ ફિલ્મના ડાયરેક્ટર આ ફિલ્મ પછી ક્યાં અને ક્યારે નજરથી ઓઝલ થઈ ગયા એની કોઈને જાણ નથી. ફિલ્મનું એકમાત્ર ઉત્તમ પરિબળ હોય તો એ છે સાહિર લુધિયાનવીના ગીતો, ગીતોનું ઉચ્ચ કક્ષાનું ફિલ્માંકન અને ખૈયામનું નાયાબ સંગીત ! આજના બે ગીતો જ નહીં, ફિલ્મના બધા જ ગીતો કર્ણમધુર અને અર્થસભર હતા.
ફિલ્મમાં બે કલાકાર દંપતિઓ સંકળાયેલા હતા. ફિલ્મના નાયક-નાયિકા વહીદા રહેમાન અને કમલજીત (અસલ નામ શશિ રેખી) ફિલ્મના નિર્માણના ખાસ્સા દશેક વર્ષ પછી લગ્નગ્રંથિએ બંધાયા તે છેક ૨૦૦૦ માં કમલજીતના મૃત્યુ પર્યંત સાથે રહ્યા. ફિલ્મના સંગીતકાર ખૈયામ અને આજના ગીત સહિત ફિલ્મમાં બે ગીતોની અદાયગી કરનાર એમના પત્ની જગજીત કૌર બન્ને આજની તારીખે નેવું વર્ષ વટાવ્યા બાદ પણ હયાત અને કડેધડે છે એ આપણી ભાવકોની ખુશનસીબી છે.
૫૦ અને ૬૦ના દાયકાની કોઈ શ્વેત-શ્યામ ફિલ્મ અથવા એ ફિલ્મોના ગીતો જોતો હોઉં ત્યારે મનોમન એક હિસાબ, એક ગણતરી ચાલતી હોય છે. ફિલ્મ અને એના ગીત-સંગીત સાથે સંકળાયેલા કલાકાર કસબીઓમાંથી ‘ હજી કેટલા છે ‘ અને ‘ કેટલા ગયા ‘ એની ! લતા-આશા, સુમન કલ્યાણપૂર, દિલીપકુમાર, મનોજકુમારની, ધર્મેન્દ્ર, વહીદા, આશા પારેખ, સાયરાબાનુ ( રહી જવાવાળું કોઈ રહી ગયું હોય તો ભૂલચૂક લેવીદેવી ! ) જેવાનું આજે પણ આપણી આસપાસ હોવું એક અનોખો આશાવાદ જન્માવે છે અને ખૈયામ – જગજીત કૌરનું તો ખરું જ. પરવરદિગાર એમને સલામત રાખે !
અન્ય વિગતોમાં જઈએ એ પહેલાં, આજે માણવાના છીએ એ બે પહાડી ગીતોમાંથી પહેલા ગીતના સાહિર-લિખિત શબ્દો :
परबतों के पेड़ों पर शाम का बसेरा है
सुरमई उजाला है चंपई अंधेरा हैदोनों वक्त मिलते हैं दो दिलों की सूरत से
आसमां ने ख़ुश होकर रंग-सा बिखेरा हैठहरे-ठहरे पानी में गीत सरसराते हैं
भीगे-भीगे झोंकों में खुश्बुओं का डेरा हैक्यों न जज़्ब हो जाएँ इस हँसी नज़ारे में
रोशनी का झुरमुट है मस्तियों का घेरा हैअब किसी नज़ारे की दिल को आरज़ू क्यों हो
जब से पा लिया तुमको सब जहान मेरा है …
ગઝલના માળખામાં લખાયેલું, મોહમદ રફી- સુમન કલ્યાણપૂર દ્વારા જબરી નઝાકતથી ગવાયેલું આ પહાડી ગીત આંખ મીંચીને સાંભળીએ ત્યારે આપોઆપ પહાડો વચ્ચે હોવાની અનુભૂતિ થાય. આ અને ફિલ્મના અન્ય બધા જ ગીતોની ખાસિયત એ છે કે ફિલ્મ નબળી હોવા છતાં બધા ગીતોનું ફિલ્માંકન ઉત્તમ છે. એવું લાગે જાણે ફિલ્મના અને ગીતોના ચિત્રીકરણ માટે અલગ-અલગ નિર્દેશક હોય ! સળંગ ફિલ્મ જોતા હોઈએ અને ગીત આવે ત્યારે એક પ્રકારની રાહતની લાગણી અનુભવાય ! બીજી નાનકડી પણ અગત્યની વાત એ પણ કે ફિલ્મના દરેક ગીતના શબ્દો પર કલાકારોની LIP MOVEMENT – હોઠોનું હલનચલન બિલકુલ સાચું અને જે-તે ગીતના ભાવ અનુસાર છે. આ વાતની નોંધ એટલા માટે લેવી પડે કે કેટલાય ઉમદા ગીતોના ફિલ્માંકનમાં શબ્દો ઉત્તરમાં જતા હોય તો હોઠ દક્ષિણમાં અને ગીત ગમે તેવું ભાવવાહી કે અઘરું હોય, કલાકારના ચહેરે મજાલ છે કે કોઈ શિકન પણ આવે !
દેવદારના ઘેઘૂર ઝુંડ વચ્ચેથી વહી આવતા સાંધ્ય-કિરણો મધ્યે નાયક-નાયિકા પ્રવેશે છે. રફી-સુમનનો સહિયારો પહાડી આલાપ અને રફીના સૌમ્ય અવાજમાં ગીતનો મુખડો ( ગઝલની ભાષામાં મત્લો ). નાયક એક નજર પર્વતો અને વૃક્ષો તરફ નાંખી તુરંત નાયિકા ભણી વળે છે જાણે બન્નેમાંથી કોણ વધુ દિલકશ છે એની વિમાસણમાં હોય ! ( અહીં સુરમઈ એટલે સુરમાના રંગનું – કથ્થાઈ અને ચંપઈ એટલે ચંપાના રંગનું – હલકું પીળું . )
હલકેરી, ખૈયામને પ્રિય એવી વાંસળીની સુરાવલિઓ, ઊંચા દેવદારની પછીતે નૈનિતાલનું તળાવ, ઢળતો સૂર્ય અને નાયિકા-સુમન કલ્યાણપૂરના કંઠે ગીતની બીજી પંક્તિ.
એ જ સાંજ જે કોઈ એકલવાઈ વ્યક્તિને ઉદાસ કરી મૂકે એ આ પ્રેમી યુગલને ખૂબસૂરત અને સ્વપ્નિલ લાગી રહી છે કારણ કે વીતી ગયું અને વીતી રહ્યું છે એ કરતાં આવનારો સમય હજુ પણ બેહતર હોવાની આશા અને વિશ્વાસ છે.
મલ્લીતાલ તાદૃશ થાય છે અને એના કાંઠે પ્રેમીઓ. બાજુમાં જ હળવે – હળવે હિલ્લોળા લેતો જલરાશિ અને એમાં સરકતી નાની-મોટી સઢ-નૌકાઓ. સાથે રફીના રોમાંટિક અવાજમાં એક ઓર અંતરો.
ફરી વાંસળી. રાત્રિ ભણી ધીમા પગલે સરકી રહેલી સાંજ. બાદબાની નાવમાં જીવન-નૈયાના સ્વપ્નોમાં ચકચૂર નાયક-નાયિકા. નૌકાના છજે ટમટમતું ફાનસ અને સુમન કલ્યાણપૂરના લગભગ લતા-સમ કંઠે ચોથો અંતરો.
આ દ્રષ્યાવલિમાં ખોવાઈ જવાનું, વિલીન થઈ જવાનું મન કેમ ન થાય ! (जज़्ब થવું એટલે શોષાઈ જવું) . ચોમેર ઘટાઓમાંથી પસાર થઈને આવતું સાંજના અંતિમ કિરણોનું અજવાળું ( झुरमुट એટલે ઝાડીઓનો સમૂહ) અને પરમ આનંદનો ઘેરાવ ! નાયિકાના કાને ઝૂલતા અને એ સમયે આધુનિક લેખાતા લટકણિયા ધ્યાન ખેંચે છે.
ઝાડીઓ મધ્યેથી દેખાતી નૌકાનો લોંગ શોટ અને રફીના અવાજમાં અંતિમ પંક્તિ. નાયક કમલજીત સામાન્ય કક્ષાનો અભિનેતા હોવા છતાં જે રીતે ડૂબીને ગાય છે અથવા એવો અભિનય કરે છે એ પ્રત્યે માન ઉપજે છે. અંતિમ પંક્તિનો બીજો મિસરો રફી-સુમન સહિયારા ગાય છે અને આપણને સમગ્ર ગીત દરમિયાન એવી પ્રતીતિ થયે રાખે છે કે વહીદા હોય કે ન હોય, કમલજીત તો એના પ્રેમમાં ગડાબૂડ છે !
કમલજીત યાને શશિ રેખી વહીદા સાથે આ એકમાત્ર ફિલ્મમાં આવ્યા પરંતુ એ ઉપરાંત શેરખાન અને સન ઓફ ઇંડીયા ફિલ્મોમાં નાયકના કિરદાર નિભાવ્યા પછી કુટુંબ અને વ્યવસાયમાં વ્યસ્ત થઈ ગયા અને લાંબી માંદગી બાદ ૨૦૦૦ માં અવસાન પામ્યા. સાહિર અને રફી એ પહેલાં ૧૯૮૦ માં વિદાય થઈ ચુક્યા હતા અને અગાઉ કહ્યું તેમ, વહીદા, ખૈયામ અને સુમન કલ્યાણપૂર હજુ અડીખમ છે. જગજીત કૌરે આંગળીના વેઢે ગણાય એટલા ગીતો ગાયા. બે’ક ગીતોના અપવાદ સિવાય બધા જ ખૈયામ સાહેબના સંગીત નિર્દેશનમાં અને એમાના બે આ ફિલ્મમાં.
આ જ ફિલ્મમાં રફીનું એક વધુ ખૂબસૂરત ગીત ‘ તુમ ચલી જાઓગી પરછાઇયાં રહ જાએંગી ‘ પણ પહાડી આધારિત છે. તલત-મુબારક બેગમનું યુગલગીત ‘ ઇતને કરીબ આ કે ભી ના જાને કિસલિયે ‘ ફિલ્મમાં લેવાયું નથી તો જગજીત કૌરના આજના ગીત ઉપરાંતનું ગીત એટલે ‘ ડોલી સજ ગઈ સજના વાલી ગોરી સસૂરાલ ચલી ‘ અભિનેત્રી ચાંદ ઉસ્માની પર ફિલ્માવાયું છે. સુમન કલ્યાણપૂરના બે દર્દીલા એકલ-ગીત ‘ બુઝા દિએ હૈં ખુદ અપને હાથોં મુહબ્બતોં કે દિયે જલાકે ‘ અને ‘ ઝિંદગી જુર્મ સહી જબ્ર સહી ગમ હી સહી ‘ વહીદા પર ફિલ્માવાયા છે. રફીનું એક ઓર રુપકડું ગીત ‘ યે રાત બહુત રંગીન સહી ‘ પણ છે ફિલ્મમાં, જે ‘ પ્યાસા ‘ ના વિદ્રોહી કવિની યાદ અપાવે છે.
હવે આજનું આ જ ફિલ્મ ‘ શગુન ‘ નું બીજું પહાડી ગીત. આ માત્ર એક યાદગાર ગઝલ જ નહીં, એક ઉમદા સાહિત્યિક રચના, ફિલ્માંકનના ઉદાહરણ અને ખૈયામ સાહેબની શિરમોર કૃતિ તરીકે પણ સ્વીકારાય છે. શબ્દો :
तुम अपना रंज-ओ-ग़म अपनी परेशानी मुझे दे दो
तुम्हें ग़म की क़सम, इस दिल की वीरानी मुझे दे दोये माना मैं किसी क़ाबिल नहीं हुँ इन निगाहों में
बुरा क्या है अगर ये दुख ये हैरानी मुझे दे दोमैं देखुं तो सही दुनिया तुम्हें कैसे सताती है
कोई दिन के लिए अपनी निगेहबानी मुझे दे दोवो दिल जो मैंने माँगा था मगर ग़ैरों ने पाया था
बड़ी शय है अगर उसकी पशेमानी मुझे दे दो …
ગીત વિષે વાત કરતાં પહેલાં ફરીથી ફિલ્મની કથાનો ઉલ્લેખ જરુરી છે. ફિલ્મનમાં મારી-મચડીને ઘુસાડાયેલો, સ્હેજેય ગળે ન ઊતરે એવો પ્રણય-ત્રિકોણ પણ છે. નાયકના પરિવારના ‘ વફાદાર ‘ મેનેજર નાના પલશીકરની વિદેશ-પરત ભત્રીજી લિબી રાણા રાતોરાત અને કોઈ દેખીતા કારણ વિના નાયકના પ્રેમમાં ખાબકે છે ! પછી તો કાવાદાવા, કાવતરાં અને છેલ્લે ઘીના ઠામમાં ઘી, પણ આ લિબી રાણાનો કિસ્સો રસપ્રદ છે. આ અત્યંત ખૂબસૂરત એંગ્લો-ઇંડીયન અભિનેત્રીની આ પહેલી ફિલ્મ. આ ફિલ્મમાં અભિનય ( ! ) કર્યા બાદ તુર્ત એણે નામ બદલીને નિવેદિતા રાખ્યું અને ‘ તૂ હી મેરી ઝિંદગી ‘ ૧૯૬૫ ( યે કૌન થક કે સો રહા હૈ ગુલમોહર કી છાંવ મેં – આશા ભોંસલે ), ‘ જ્યોતિ ‘ ૧૯૬૫ ( સોચ કે યે ગગન ઝૂમે અભી ચાંદ નિકલ આએગા – લતા/મન્ના ડે ) અને ‘ ધરતી કહે પુકાર કે ‘ ૧૯૬૯ ( દિયે જલાએં પ્યાર કે ચલો ઇસી ખુશી મેં – લતા ) માં દેખાયા પછી ક્યાં અદ્રશ્ય થઈ ગઈ એ કોઈને ખબર નથી. અફસોસ કે ‘ શગુન ‘ નડ્યા અને નામ બદલ્યું છતાં પરિસ્થિતિમાં ઝાઝો ફેર પડ્યો નહીં ! (પ્રીતિબાલા નામની આવી જ ખૂબસૂરત અભિનેત્રી યાદ આવે જે એ નામે નિષ્ફળ ગયા પછી ઝેબ રહેમાન બની મામૂલી મુઠ્ઠીભર ફિલ્મો અને પૂરક ભૂમિકાઓ કર્યા પછી ખોવાઈ ગઈ !)
જગજીત કૌરે ગાયેલા ગીત પર આવીએ. નિસ્વાર્થ પ્રેમ અને સમર્પણની પરાકાષ્ઠા છે સાહિરના આ શબ્દોમાં. ખૈયામ સાહેબે એ શબ્દોને સ્વર-દેહ આપીને વધુ એકવાર પુરવાર કર્યું છે કે પહાડી કઈ રીતે હતાશા અને વિષાદને પણ નજાકતથી મૂર્તિમંત કરી શકે છે.
નાયક પોતાની માના અંધવિશ્વાસ અને પરિણામે પત્ની પર વીતતા ત્રાસથી કંટાળી શરાબનો સહારો લે છે અને એકપક્ષીય પ્રેમમાં ઝૂરતી સહનાયિકા લિબી એને બચાવવા મયખાના પર ધસી આવે છે :
લિબીની આંગળીઓ પિયાનો પર ફરે છે અને ક્લોઝ-અપ દ્વારા ગીતનો ઉઘાડ થાય છે.
તારા બધા જ દુખ, બધી જ પરેશાનીઓ મને સોંપી દે. તારા દિલમાં ઘર કરી ગયેલી ઉજ્જડતાનો હવાલો મને સોંપી દે.
હું જાણું છું કે તારી નજરો અને દિલમાં મારું કોઈ સ્થાન નથી છતાંય તું જો તારી વિહ્વળતા, બેચેની મને સોંપી દે તો શું ખોટું છે !
આ પછીની પંક્તિ અર્થાત્ ત્રીજા શેરમાં સાહિરે વ્યક્ત કરેલો ભાવ અને જે શબ્દોમાં એને બાંધ્યો છે એ કમાલ છે. કહે છે, દરેક સ્ત્રીની ભીતર એક મા હમેશા જીવંત હોય છે. પછી એ સ્ત્રી દીકરી હોય, પૌત્રી હોય, બહેન હોય, પત્ની હોય,પ્રેમિકા હોય કે ખરેખરી મા હોય ! પિતાને દુલારતી પુત્રી, દાદાને પસવારતી પૌત્રી, પતિની દરેક સમસ્યા આજે ઢાલ બની જતી પત્ની એ દરેક ભૂમિકામાં મા સદૈવ હાજર હોય છે. અહીં પણ આ સ્ત્રી, પરણી ચૂકેલા પોતાના પ્રેમીની આડે ઊભી રહીને જાણે ત્રાડ નાંખે છે કે હું જોઉં તો ખરી કોણ તને હેરાન કરે છે ? કોનામાં ત્રેવડ છે કે મારા હોવા છતાં તને પજવે ! હું છું ત્યાં સુધી કોઈની મગદૂર નથી કે તારો વાળ પણ વાંકો કરે ! કેવો સધિયારો અને દુનિયાને કેવો પડકાર ! આવા શબ્દો માત્રથી તણાતો માણસ ઊગરી જાય અને મરતો માણસ મોતને હાથતાળી આપી દે ! આપણા મૂર્ધન્ય કવિ રાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘ યાદ આવી જાય. માના પાત્ર દ્વારા અને મા માટે કહેવાયેલી એમની એક ગઝલનો મત્લો :
કદીય ના ડરવું અંધારે – બેઠી છું ને
ચિંતા ના કરવી તલભારે – બેઠી છું ને …
અને સાહિર – જગજીત કૌર- ખૈયામ અને લિબી રાણાની દીપ્તિના ચાર ચાંદ લગાવતી કવિતા-ગઝલની ચોથી અને છેલ્લી પંક્તિ.
તારું એ દિલ જે વાંછ્યું હતું મેં પણ તેં આપી દીધું પારકાને ! હવે એટલું તો કર. એ દિલ હું ન પામી એ વાતના અફસોસનો કોઈ અર્થ નથી પણ કમ-સે-કમ એ દિલ મને ન આપ્યા બદલનો જે પસ્તાવો, જે શરમિંદગી, જે મૂંઝારો તારી ભીતર પડ્યો છે એ તો મને આપી દે. મારા માટે એ પણ પર્યાપ્ત છે.
સમગ્ર ગીત દરમિયાન કેમેરા એક કુશળ કસબીની જેમ લિબી રાણા/ નિવેદિતાના ખૂબસૂરત ચહેરા, ભાવવાહી આંખો, હોઠ અને ગીતના શબ્દો સાથેના એના પૂર્ણ તાલમેલ અને પિયાનો પર ફરતી કુશળ આંગળીઓ પર ફરતો રહે છે અને આ ગુમનામ અભિનેત્રીએ આ અદ્ભુત કવિતાને જે રીતે ન્યાય આપ્યો છે એની નવાજિશ કરતો રહે છે. ગીતની વચ્ચે આવતા ચિંતિત વહીદા અને નશામાં ધુત કમલજીતના પૂરક દ્રષ્યોનું કોઈ ખાસ મહત્વ નથી.
દરેક સંવેદનશીલને આવી ઢાલ બની રહેવાની પેશકશ કરતું અને એના ખાતર ફના થઈ જવાને તૈયાર કોઈક ને કોઈક મળી રહે એ અભ્યર્થના સહિત આજે અહીં અટકીએ ….
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
Excellent all the way…Your deep study of literature and music alongwith films shines out… Congratulations…
Thanks a lot Sunilbhai !
ખૂબ ખૂબ સરસ સમીક્ષા… ઓછું વંચાય છે પણ જ્યારે આવું ખૂબસૂરત વાંચવાનું મળી જાય છે ત્યારે મન તરબતર થઈ જાય છે..
ધન્યવાદ નાથલાલભાઈ!
Excellent sir.
Exclent expression of inner sense in words
સાહિર સાહેબ ની અર્થસભર રચના ઓ ના સુંદર વિશ્લેષણ સાથે મીઠા મધુરા ગીતો નો રસથાળ પીરસવા બદલ શ્રી થાવરાણી જી નો આભાર સહ અભિનંદન
Thanks virendrabhai !
આફિલ્મ ના ગીતો મારા પ્રિય છે ખાસ કરી ને રફી સાહેબ નું “તુમ ચાલી જાઓગી પરછાઈયા રહે જાયગી “. મારું પ્રિય ગીત પહાડી માં છે તેની મને ખબર ના હતી..
આભાર ભગવાનભાઈ પહાડી દ્વારા શગુન ના ગીતો નો આસ્વાદ ફરી થી કરાવવા માટે !
પહાડીમાં આપણા માનીતા સંગીતકારોએ એટલું ઉત્તમ સર્જન કર્યું છે કે આપણને એવું થાય કે માત્ર બે ગીતો પસંદ કરીએ એ અન્યાયકારક છે !
આભાર !
શગુન ફિલ્મ ના ગીતો મારા પ્રિય ગીતો માં છે, પણ શ્રી થાવરાણી જી ના અદભુત વિશ્લેષણ પછી , અતિ પ્રિય ગીતો બન્યા અને તેનો આસ્વાદ માણવાની ઔર માજા આવી.. સુંદર લેખ, પહાડી રાગ ના ગીતો નું મારુ ખુદ નું થોડું જ્ઞાન વધારવા બદલ, અને સાહિર સાહેબના ખૂબ અર્થસભર મધુરા ગીતો નો રસથાળ પીરસવા માટે ખૂબ અભિનંદન અને આભાર !!!
ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ!
As far as music is concerned, SAGUN is one of the best film of Khayyam. The Article takes us to pahadi Raag based two very Good songs with ins and outs of music , Acting and Picturesque details. You feel as if you are going thru the video . Nice Presentation and Thanks.
Thanks maheshbhai !
We are yet to cover Khaiyam in our program ..
શગુન નાં યાદગાર ગીતોને ભગવાનભાઈ સાથે રિવિઝીટ કરવાથી ગીતોને માણવાનો આનંદ બમણો થઈ ગયો. લખનારની સંગીત પ્રત્યેની ઉત્કટ લાગણી સાથે વાચક પૂર્ણતયા સહભાગી બની શકે એ જ લેખક ની સફળતા છે. રફી, સુમન કલ્યાણપુર તથા જગજીત કૌર સાહિર તથા ખય્યામ નાં કાર્ય ને ઉત્તમ રીતે સંપૂર્ણ બનાવે છે.
પહાડી ની સુંદરતાને ભગવાનભાઈ સરસ ન્યાય આપી શક્યા છે.
ખૂબ ખૂબ આભાર નરેશભાઈ !
પહાડી ની બહુઆયામી સુંદરતાને માણતા જવાની સાથે ગીત ની ખૂબીઓ, કાવ્યની બારીકીઓ, સીનના ચિત્રી કરણ ની ધ્યાનાકર્ષક વિગતો, ફિલ્મની અને એના અદાકારોની રસપ્રદ માહિતી ના પડાવો પર થઈને આગળ વધતી લેખમાળા તેની રસાળતા જાળવી રાખે છે.
ઋણી છું નરેશભાઈ !