બંદિશ એક રૂપ અનેક (૫૩) “ગઝબ કિયા તેરે વાદે પે ઐતબાર કિયા” – દાગ દહેલવી

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

દાગ દહેલવી

दाग का नाम ही लेलो – देखो फलक पे चाँद हसता है।

ઉર્દૂ ના પ્રસિધ્ધ કવિ નવાબ મિર્ઝા ખાં “દાગ” નો જન્મ સાલ ૧૮૩૧ માં ચાંદની ચોક, દિલ્હી ખાતેનાં નવાબ શમશુદ્દીનના ઘરે થયેલો । તેમનાં પિતાશ્રી નવાબ શમશુદ્દીન અહેમદ ખાન ઉપર એક અંગ્રેજનાં ખૂનનો આરોપ મૂકવામાં આવ્યો અને ત્યાર બાદ ફાંસી આપવામાં આવેલી. તે સમયે ‘દાગ’ ની ઉંમર ચાર વર્ષની હતી. માતુશ્રીએ બહાદુર શાહ ઝફરના પુત્ર મિર્ઝા ફારુખ સાથે વિવાહ કર્યા અને તેઓ દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે રહેવા ગયાં.

અહીં “દાગ” ને શિક્ષણ ની સાથે એક બુઝુર્ગ ગુરુ મળ્યા – શેખ મહંમદ ઇબ્રાહિમ, જે  “જૌક”ના નામે ઉર્દૂ સાહિત્યમાં પ્રસિધ્ધ હતા.

સન ૧૮૫૬માં ઓરમાન પિતા મિર્ઝા ફારુખનું મૃત્યુ થયું, પછીની ઘટનાઓમાં ૧૮૫૭ માં બળવો શરુ થયો.

આ નિષ્ફળ બળવા ઉપર લખેલા શેરમાં તેઓ એ કહેલું કે સૈનિકોના કુટુંબો સાથે હાથીઓ પણ બેઘર અને કામ વગરના થઇ ગયા.

દાગને લાલ કિલ્લા નું રહેઠાણ અને સાથે દિલ્હી પણ છોડવું પડ્યું. રામપુર જઈ, નવાબ કલબ અલી ખાંના આશ્રયે રહ્યા. અહીં તેમને પોતાની સાહિત્યિક પ્રવૃત્તિ વિકસાવવાની પુરી મોકળાશ મળી., “ગુલઝારે દાગ”, “અફતાબે દાગ” વગેરે કવિતા સંગ્રહ પ્રસિધ્ધ થયા. ૧૮૮૭ની સાલમાં રામપુર ના નવાબનું મૃત્યુ થયું, ‘દાગ’ રામપુર છોડી દિલ્હી આવ્યા,

દિલ્હીનાં ઉજડેલા દયારમાં દિલ લાગ્યું નહીં, નિઝામનાં આમંત્રણ થી ૧૮૯૯માં હૈદરાબાદ ગયા, નિઝામે તેમને પોતાના “કવિતા ગુરુ” નિયુક્ત કર્યા અહીં કીર્તિ અને કલદાર બંને મળ્યા. “મહેતાબે દાગ”, ‘યાદગારે દાગ” એમનાં બીજા કવિતા સંગ્રહો છે, “ફરિયાદે દાગ” તેમની આત્મકથા જેવી છે.

૧૯૦૫ ની સાલમાં હૈદરાબામાં તેમનો સ્વર્ગવાસ થયો.

‘દાગ’ એક સંવેદનશીલ, ચારિત્રવાન, નિખાલસ, સ્પષ્ટવક્તા અને સાથે રમુજ સ્વભાવના હતા. તેમની કવિતાઓમાં તેઓ ફારસી શબ્દ પ્રયોગ ઓછા કરતા, ભાષા સરળ અને સુરૂચિપૂર્ણ હોવાથી તેમનાં શેર, શાયરી, નઝ્મ વગેરે લોકપ્રિય હજી પણ છે. તેમાની એક, “ગઝબ કીયા,  તેરે વાદે પે ઐતબાર કિયા” અહીં પ્રસ્તુત છે.

દાગ સાહેબે ગઝલ ક્યા સંજોગોમાં લખી હશે કે કોઈ આત્મિયજનના સંદર્ભમાં લખી હશે તે તો ઉર્દુ સાહિત્યનાં પ્રેમીઓ માટે સંશોધનનો વિષય છે. પણ કલ્પના કરીએ તો – એકાદ બે વર્ષની માં-બાપને બાંહેધરી આપીને પરદેશ ગયેલો દીકરો દસેક વર્ષે પાછો આવે છે, ભાવવિભોર થયેલી મા દીકરાની વાતો આખી રાત હર્ષનાં આંસુ સાથે સાંભળે છે. બાપ પણ એમાં શામિલ છે. થોડા દા’ડા પછી દીકરો પાછા જવાની વાત કરે છે, “બસ, બે મહિના માટેજ, બધું સમેટી ને પાછો,”….. માને વિશ્વાસ છે, પણ બાપને દીકરાની વાતમાં સચ્ચાઈ લાગતી નથી,. માને દીકરા પર અખૂટ વિશ્વાસ છે, એ આવશે જ એ રાહે યાદમાં ઝૂર્યા કરે છે અને બાપને ખાતરી છે કે એ પાછો નહિ જ આવે., “ગઝબ કિયા તેરે વાદે પે ઐતબાર કિયા ….” એક દિલની આરપાર નીકળી જાય તેવી વાત છે.

આ મેં મારી સમજણ પ્રમાણે લખ્યું છે, પણ કોઈ બીજો અર્થ પણ થતો હશે, રસ પડે તો આપનું મંતવ્ય લખશો।

આ ગઝલ નવ જેટલા બહેતરીન શેરો ની રંગમાળા છે, અહીં જે વિભિન્ન ગાયકો પોતાની ગઝલ ગાયકી માં શામિલ કરે છે તેવા પાંચેક શેર અહીં લીધા છે

ग़ज़ब किया, तेरे वादे पे ऐतबार किया
तमाम रात क़यामत का इन्तज़ार किया

           (ઐતબાર – વિશ્વાસ, કયામત – વિનાશ)

તારા વાયદા પર વિશ્વાસ કરવો તે મારી ભૂલ હતી તારી રાહમાં કાઢેલી આખી રાત મારા માટે એક વિનાશની રાત્રી હતી.

हंसा हंसा के शब-ए-वस्ल अश्क-बार किया
तसल्लिया मुझे दे-दे के बेकरार किया

                (શબ – રાત્રી, वस्ल – મિલન , અશ્ક-બાર – આંસુ છલકાતી આંખો)

એ આપણા મિલનની રાત્રી આનંદ ભરેલી હતી, તારી વાતો સાંભળીને હર્ષથી અમારી આંખો ભરાઈ જતી હતી. આમ સાંત્વન આપી આપીને પાયમાલ કરી દીધેલ છે.

हम ऐसे मह्व-ए-नज़ारा न थे जो होश आता
मगर तुम्हारे तग़ाफ़ुल ने होशियार किया

             (મહ્વ- ગળા ડૂબ હોવું, નજ઼ારા – હાજરી, તગાફુલ – છળ, કપટ, હોશિયારી )
તારી હાજરી અને મીઠી વાતોમાં આવીને અમે તો અમારો હોશ ખોઈ બેઠા હતા, પણ એ છળ ભરેલી વાતોથી મારે સાવધાન થવું પડ્યું.

फ़साना-ए-शब-ए-ग़म उन को एक कहानी थी
कुछ ऐतबार किया और कुछ ना-ऐतबार किया

આખીયે રાત, એ તારી લાગણીઓ ભરેલી બનાવટ ભરેલી વાતો તારામાટે સહેજ હતી, જયારે અમારા માટે એક જિંદગી ભરનું ભાથું હતું,  કરુણતા તો એ છે કે એ તારી કઈ વાત ઉપર વિશ્વાસ કરવો કે ન કરવો (એ મુંઝવણ મારી હતી)

ये किसने जल्वा हमारे सर-ए-मज़ार किया
कि दिल से शोर उठा, हाए! बेक़रार किया।

                 (જલ્વા – દેખાવ, સર- એ- મઝાર – કબર પર માથું ટેકવવું)

અધુરામાં પૂરૂં, લોકો અમારી મજ઼ાર પર માથું ટેકવવાનો દેખાવ કરી કરીને અમને વધારે બેચેન કરે છે.

न पूछ दिल की हक़ीकत मगर ये कहते हैं
वो बेक़रार रहे जिसने बेक़रार किया।

દિલની વાત તો પુછવા જેવી જ નથી, (કેમકે) તે તો એમ જ કહે છે અમને બેચેન કરનાર પણ બેચેન રહે.

આ ગઝલ જુદી જુદી બંદિશમાં સાંભળીયે –

ખય્યામ સાહેબની બંદિશ- મહમદ રફીનો સ્વર, રાગ પહાડી

મહેંદી હુસન, રાગ દરબારી

પ્રખ્યાત ગાયિકા મલ્લિકા પુખરાજનાં દીકરી તાહિર સય્યદ

ફરીદા ખાનુમ

એક સરસ રજૂઆત, પંકજ ઉધાસ, રાગ યમન

પારસમણી આચાર્ય

ગાયકનું નામ મળી શક્યું નથી પણ સરસ રજૂઆત છે

આવું જ એક કવર વર્ઝન

પીતામ્બર પાન્ડેની સુંદર રજૂઆત

કવિતા કૃષ્ણમૂર્તિ

અંશુ શર્મા

૧૯૫૪માં બનેલી ફિલ્મ “વારિસ”માં ગાયિકા રાજકુમારી. ‘ગઝબ કિયા ‘ને સાખીના રૂપમાં પ્રયોજાયેલ છે. મુજ઼રા નૃત્ય તરીકે પેશ થયેલ નઝમને સંગીતબદ્ધ અનિલ બિશ્વાસે કરેલ છે.

નૂરજહાન, ખુર્શીદ અનવરની બંદિશ – રાગ પહાડી

અહીં પણ “ગઝબ કિયા તેરે વાદે પે ઐતબાર કીયા” શેરને સાખીમાં પ્રયોજેલ છે. ફિલ્મ “ઇન્તેઝાર” (૧૯૫૬) . ગીત ફિલ્મના શીર્ષકના ભાવને રજૂ કરે છે.

“દાગ દહેલવી – દિલ્હી કા આખરી શાયર” – દિલ્હી ખાતે “જશન -એ-અદબ” 7th Poetry Festival 2017 દરમ્યાન રજુ થયેલું નાટક: આખરી દિવસોમાં દાગ આપવીતી નું બયાન કરે છે:

એક ટેલીપ્લે – TV માટે બનાવેલું નાટક – દાગ સાહેબની ગઝલો પર આધારિત, કલાકારો અદિતિ ક્લકુન્ટે અને મનીષ ગુપ્તા

मह्व-ए-बेख़ुद हो, नहीं कुछ दुनियादारी की ख़बर

दाग़ ऐसा दिल लगाना,कोई तुम से सीखें।

                     (મહ્વબેખુદ: ધ્યાન મગ્ન)

(પોતાનાં કે પ્રેમીજનનાં) ધ્યાનમાં એટલાં મગ્ન થઈ જાઓ કો બીજી બધી બાબતોથી બેધ્યાન બની જવાય. જો (કોઇ વાતે, કે કોઈ સાથે)દિલના તાર મેળવો તો એવા મેળવો કે બીજાં પણ તેમાંથી કંઈ શીખે.

દાગ સાહેબનાં થોડા શેર યાદ કરીયે:

ले चला जान मिरी रूठ के जाना तेरा, 

ऐसे आने से तो बेहतर था न आना तेरा।

                               + +

और होंगे तेरी महफ़िल से उभरने वाले….

हज़रत-ए-दाग़ जहाँ बैठ गए….. बैठ गए

                             + +

दिल ले के मुफ्त कहते हैं कुछ काम नहीं

उल्टी शिकायतें हुईं… एहसान तो गया


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *