ગઝલાવલોકન – ૨ : મોહતાજ ના કશાનો હતો

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?
મારો એક જમાનો હતો, કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
આપનો દિવાનો હતો, કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવનમરણ,
ઝગડો હા ને ના નો હતો, કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

રૂસવાકે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

                                        –  ‘રૂસવા

‘રૂસવા’ની( ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી ) આ બહુ જાણીતી ગઝલ છે. અનેક વાર સાંભળેલી અને માણેલી આ ગઝલ વાંચતાં નિષ્ફળ/ વયસ્ક માણસની અંતર વેદના ઉજાગર થઈ આવે છે. ૬૦/૭૦ની ઉમર પછીના મોટા ભાગના લોકોની આ મનોવેદના છે. યુવાનીના કાર્યકાળમાં કુદરતી રીતે મ્હોરી ઊઠતી કાબેલિયતો અને સિદ્ધિઓ ધીમે ધીમે પશ્ચિમાકાશમાં અસ્ત થતા સૂરજની જેમ વિલય પામવા માંડતી હોય છે. આવું જ નિષ્ફળ બનેલા માણસનું પણ હોય છે. જીવનની આબડ ખૂબડ ગલીઓમાં આથડતા, ઠોકરો ખાતા અને ફરી ઊભા થઈ ચાલવા માંડતા અદના આદમીની જીવનકથાનો એમાં પડઘો પડે છે.

ઈતિહાસો વિજેતાઓ લખાવતા હોય છે! પણ અસફળ માણસનો ઈતિહાસ પણ હોય જ છે. તે પ્રચ્છન્ન હોય છે એટલું જ. એનો પણ એક સમય હતો. એ કોઇકનો વ્હાલો હતો, કોઈનો વીર હતો. કોઈકનો તારણહાર હતો. એ પોતાના પગ પર ઊભેલો અને પોતાના બળ અને શક્તિ પર મુસ્તાક હતો. એની પણ એક નાનકડી સલ્તનત હતી! તમાચો મારીને ગાલ લાલ રાખવો પડે.’ એવા એના બનાવટી હાસ્યની પાછળ કોઈક દુર્દશા ડૂસકાં ભરતી હતી.

એ ‘રૂસવા’નું કવિત જ નથી; સામાન્ય માણસના જીવન અને કવનનું આલેખન છે. ‘રૂસવા’ ના જીવન વિશે બહુ ઓછી ખબર સામાન્ય ગુજરાતીને હશે. જુનાગઢ અને પોરબંદરની વચ્ચે ‘પાજોદ’ નામના નાનકડા ગામના સૂબાનો એ વંશજ બહુ ઉમદા અને કવિ-હૃદય માણસ હતો.

clip_image002

તેમના સેક્રેટરી તરીકે તેમના આશ્રિત હતા, તેવા સ્વ. અમૃત ‘ઘાયલ’ અને ‘શૂન્ય’ પાલનપુરી એમનાથી ઘણા વધારે જાણીતા ગઝલકારો છે. સાવ નાના ગામના દરબાર હોવા છતાં, તે નખશીશ ભારતીય હતા. ભારતને આઝાદી મળ્યા બાદ રજવાડાંઓ અને રિયાસતોના ભારતીય સંઘમાં વિલીનીકરણ વેળાએ ભારતમાં જોડાવા કબૂલાત આપનાર રાજવીઓમાં, તે કદાચ પહેલા દસની અંદર હતા. એ વેળા એમનો પણ એક જમાનો હતો.

પણ ત્યાર બાદ સાલિયાણામાં મળતી રકમ તેમના શાહી ખર્ચા માટે પૂરતી ન હતી. તેમણે અસ્તિત્વ માટે આદરેલા પ્રયત્નોની વાતો વાંચીએ ત્યારે ઉપરોક્ત ગઝલનો એક એક શેર જીવંત બની રહેતો હોય તેમ લાગે છે.

તેમનો ટૂંક પરિચય ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ પર આ રહ્યો –

https://sureshbjani.wordpress.com/2006/12/11/rooswaa/

હા! એમનું જીવન અને એમની આ ગઝલ તમારી, મારી, ઘણાની કથા છે. આ ગઝલ એવાં જીવન જીવેલા ઘણાંની તવારીખ છે. એમાં સામાન્ય માણસના જીવનની નાનકડી સુવાસ ઊભરી આવે છે – ‘નાના માણસની મોટી વાતો’ . દિલમાં થોડીક કસક પણ ડંખી જાય છે.

પણ આ જ તો સમાજની આધારશિલા નથી વારૂ? એવી પાયાની ઈંટો પર જ ગગનચુંબી ઈમારતો અને સામ્રાજ્યો ખડાં નથી? એવા મઝાના, બેનામ માણસો જ શેરીઓ અને ગલીઓમાં આપણી સામે ભટકાતા નથી હોતા? કોઈના મોહતાજ બન્યા વિના જીવન સંઘર્ષને પૂર્ણ પ્રેમથી સ્વીકારતા, એ દિવાનાઓ જીવાતા જીવનની અદભૂત શાયરી નથી? જિંદગીનો બેવડો પીધેલા એ શરાબીઓ હોય છે. ‘હા’ અને ‘ના’ -સફળતા અને નિષ્ફળતા- વચ્ચે ડામાડોળ થતી જીવનનૌકાના સુકાનીની એ જવાંમર્દી નથી લાગતી?

સમાપને – આ જ ભાવને પોષતી, એક બહુ ગમતીલી અંગ્રેજી કવિતા –

It is not growing like a tree
In bulk doth make Man better be;
Or standing long an oak, three hundred year,
To fall a log at last, dry, bald, and sere:

                               ***
A lily of a day
Is fairer far in May,
Although it falls and dies that night –
It was the plant and flower of light.
In small proportions we just beauties see;
And in short measures
too, life may perfect be

                         – Ben Johnson


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

5 comments for “ગઝલાવલોકન – ૨ : મોહતાજ ના કશાનો હતો

 1. March 16, 2019 at 8:33 pm

  Very true and touchy gazal

 2. mahendra thaker
  March 17, 2019 at 12:13 am

  best words ever heard

 3. VBTHAKER
  March 18, 2019 at 12:40 pm

  મોટા ભાગના લોકોની આ મનોવેદના

 4. Ramesh Patel
  March 31, 2019 at 2:49 am

  કવિ, કવન ને જિંદગીના ભાવોનું સુંદર રસદર્શન આપે કરાવ્યું ને કવિની ઓળખ કરાવી દીધી

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. June 1, 2020 at 7:38 pm

  વાંચી ને ગૌરવાનંદ અનુભવું છું, મારા સુરેશ માટે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *