





ચિરાગ પટેલ
पू.आ. ६.६.२ (६४२) आभिष्ट्वभिष्टिभिः स्वाऽउर्न्नाँ शुः। प्रचेतन प्रचेतयेन्द्र ध्युम्नाय न इषे॥
હે ત્રિલોકપતિ ઈન્દ્ર! સૂર્યસમાન તેજસ્વી આપ તેજયુક્ત પોષક અન્ન પ્રાપ્ત કરવાની દિશામાં પ્રેરિત કરતા અમોને સંરક્ષણ પ્રદાન કરો. (પ્રજાપતિ)
આ શ્લોકમાં ઋષિ અન્નના વિશેષણ તરીકે પોષક અને તેજયુક્ત એવા શબ્દોનો પ્રયોગ કરે છે. સાથે, સૂર્યનો પણ ઉલ્લેખ છે.સીધી રીતે આ વિશેષણો પાછળ કોઈ સંબંધ નથી લાગતો. પરંતુ, આડકતરી રીતે સૂર્યના કિરણોથી અન્ન પોષક બને છે એવું ઋષિ કહેવા માંગે છે. સૂર્યના કિરણો વિષાણુઓને મારી અન્નને ભોજનયોગ્ય બનાવતા હોવાનું આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે
पू.आ. ६.६.५ (६४५) यो मँहिष्ठो मघोनामँ शुर्न्न शोचिः। चिकित्वो अभि नो नयेंद्रो विदे तमु स्तुहि॥
ઐશ્વર્યશાળીઓમાં સમર્થ આપના કિરણોથી વ્યાપક સૂર્ય સમાન કાંતિમાન છે,એવા જ્ઞાનવાન ઈન્દ્ર, અમને જ્ઞાનસંપન્ન થવાનો માર્ગ બતાવો. સાધક એવા જ્ઞાનમાર્ગના પથિકની સ્તુતિ કરો. (પ્રજાપતિ)
ઋષિ પ્રજાપતિ અહીં જ્ઞાનમાર્ગનો ઉલ્લેખ કરે છે. આ જ્ઞાન કયું છે એ આપણે અનુમાન કરવું રહ્યું. ઉપનિષદોની વેદાન્તિક પરંપરામાં મુક્તિ માટે ભક્તિ, જ્ઞાન, કર્મ અને ક્રિયાનું અનુસરણ કરવા જણાવાયું છે. એમાં પરબ્રહ્મને સમજવાના વિચારવિસ્તારને જ્ઞાન કહેવામાં આવ્યું છે. પરંતુ, સામવેદમાં ઉલ્લેખિત જ્ઞાન કયું હશે એ વિષે કોઈ જાણકારી નથી મળતી!
पू.आ. ६.६.८ (६४८) पूर्वस्य यत्ते अद्रिवोँऽशुर्मदाय। सुम्न आ धेहि नो वसो पूर्तिः शविष्ठ शस्यते। वशी हि शक्रो नूनं तन्नव्यँ संन्यसे॥
હે વજ્રધારી ઈન્દ્ર ! આપનું મૂળ સ્વરૂપ આનન્દવર્ધક છે, એ અમારા સુખ માટે અમને આપો. હે પાલનકર્તા બળશાળી ઈન્દ્ર! સર્વત્ર આપના પોષણકર્તા સ્વરૂપની પ્રશંસા થાય છે. આપ નિશ્ચયપણે શક્તિમાન અને સર્વને વશમાં કરનાર છો. તેથી અમારી નવી સ્તુતિઓને યોગ્ય આપને અમારા પૂજાસ્થળમાં સ્થાપિત કરું છું. (પ્રજાપતિ)
આ શ્લોકમાં બે વસ્તુઓ ધ્યાન ખેંચનારી છે. એક તો પૂજાસ્થળનો ઉલ્લેખ અહીં ઋષિ કરે છે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મના પાયામાં પૂજન વિશેષ સ્થાન ધરાવે છે. આપણે ભારતીયો ઘરોમાં પૂજન માટે વિશેષ સ્થાન રાખીએ છીએ. એવું કહી શકાય કે, આ પરંપરા સામવેદ કાળથી ચાલી આવે છે. બીજું, આપણે વ્યક્તિગત માન્યતા પ્રમાણે આપણી આસ્થાના જે-તે સ્વરૂપને પૂજન માટે રાખીએ છીએ. આ શ્લોકમાં ઋષિ ઈન્દ્રને પૂજાસ્થળે સ્થાપવાની વાત કરે છે! એટલે, વૈદિક ઋષિ માટે ઈન્દ્રનું પૂજન કરવું અગ્રીમ હશે.
पू.आ. ६.६.९ (६४९) प्रभो जनस्य वृत्रहन्त्समर्येषु ब्रवावहै। शूरो यो गोषु गच्छति सखा सुशेवो अद्वयुः॥
હે વૃત્રહંતા પ્રભુ! અમે શ્રેષ્ઠ મનુષ્યોમાં આપની જ પ્રશંસા કરીએ છીએ.આપ અમારા આત્મારૂપ છો, મિત્રરૂપ છો. આપ ઉત્તમ પ્રકારે સેવાયોગ્ય તથા અદ્વિતીય અને મહાન છો. (પ્રજાપતિ)
અહીં ઋષિ ઈન્દ્ર માટે શ્રેષ્ઠ મનુષ્યોની સંજ્ઞા પ્રયોજે છે. ઋષિ શ્રેષ્ઠ મનુષ્યોમાંથી ઈન્દ્રની જ પ્રશંસા કરે છે. એટલે, ઈન્દ્ર કોઈ મનુષ્ય દેહધારી વ્યક્તિવિશેષ હશે એવું માનવું રહ્યું. શ્રેષ્ઠ વ્યક્તિરૂપે પૂજનીય બનેલા ઈન્દ્રને દેવપદ આપવામાં આવ્યું હશે.
उ. १.२.८ (६६७) आ त्वा ब्रह्मयुजा हरी वहतामिन्द्र केशिना। उप ब्रह्माणि नः शृणु॥
હે ઈન્દ્ર ! મંત્ર સાંભળતાં જ રથમાં જોડાઈ જતા શ્રેષ્ઠ ઘોડાઓના માધ્યમથી આપ નજીક આવીને અમારી પ્રાર્થનાઓ પર ધ્યાન આપો. (ઈરિમ્બિઠિ કાણ્વ)
આ શ્લોકમાં ઋષિ જે ઉપમાઓ પ્રયોજે છે એ સૂચક છે. ઋષિ કહે છે કે, મંત્ર સાંભળતા જ રથમાં જોડાઈ જતા ઘોડાઓ દ્વારા ઈન્દ્ર પ્રાર્થના પર ધ્યાન આપે. અહીં રથ એટલે મન અને ઘોડાઓ એટલે ઈન્દ્રિયો અને ઈન્દ્ર એટલે મનમાં રહેલ પરમ તત્વ એવી સંકલ્પના કરીએ તો પ્રાર્થના કરવાનું મહત્વ સુપેરે પ્રગટ થાય છે! પ્રાર્થના દ્વારા ઋષિ પરમ તત્વ સાથે અનુસંધાન કરવા માંગે છે. એ માટે ઋષિ મન અને ઈન્દ્રિયોને મંત્ર દ્વારા એકાગ્ર કરે છે. ઋષિએ મંત્રો વિષે કોઈ સૂચન નથી કર્યું. પરંતુ પ્રચલિત માન્યતા પ્રમાણે ગાયત્રી, મહામૃત્યુંજય વગેરે જેવા વેદના શ્લોકોને મંત્ર તરીકે ઋષિઓ પ્રયોજતા હશે એમ માની શકાય.
શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com
2 comments for “ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧૫”