





– બીરેન કોઠારી
કપિલવસ્તુ નગરના મહારાજા શુદ્ધોધન વિશે આપણે સૌ જાણીએ છીએ. પોતાના પુત્ર સિદ્ધાર્થની નજરે હંમેશાં સુખ અને સૌંદર્ય જ પડે એમ તેઓ ઈચ્છતા હતા. આથી બને ત્યાં સુધી તેઓ સિદ્ધાર્થને મહેલની બહાર નીકળવા દેતા નહોતા. પણ એક વાર નગરચર્યાએ નીકળેલા સિદ્ધાર્થે એક પછી એક કોઈ વૃદ્ધ તેમ જ કોઈ રોગીને જોયા. તેની નજરે એક મૃતદેહ પણ પડ્યો. તેને ખ્યાલ આવ્યો કે આ ત્રણ બાબતોમાંથી કોઈ બાકાત રહી શકે એમ નથી. પોતે પણ નહીં. એ પછી તેમણે વૈભવ અને સાંસારિક જીવનનો ત્યાગ કર્યો, જે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાયો. મહાભિનિષ્ક્રમણ પછીના તબક્કામાં રાજકુમાર સિદ્ધાર્થ બુદ્ધ તરીકે ઓળખાયા. આવી વાતો વાંચ્યા પછી આપણને થાય કે આવું બધું તો ઈતિહાસમાં, પુરાણોમાં કે વાર્તાઓમાં જ થતું હોય. શું ખરેખર આમ જ હોય છે?
જરા વિચિત્ર અને પહેલી નજરે અવાસ્તવિક લાગે એવી સરખામણી છે, પણ વર્તમાન યુગના મધ્યમવર્ગીય તેમ જ ધનિક માતાપિતાઓ ઓછેવત્તે અંશે શુદ્ધોધનની ભૂમિકા નિભાવતા જોવા મળી રહ્યા છે. પોતે જે તકલીફ વેઠી એ પોતાના સંતાનને વેઠવાની ન આવે એમ ધારીને તેઓ પોતાના સંતાનને માત્ર ને માત્ર પોતે કમાયેલા નવાસવા ધન વડે રક્ષવાનો પ્રયત્ન કરે છે. પોતાના બાળકને ગરીબી જોવાની ન આવે એટલા માટે તેઓ મોંઘીદાટ ફી ચૂકવીને તેને આધુનિક ઈમારત ધરાવતી શાળામાં મૂકે છે. તેને કોઈ જાતનું ‘દુ:ખ’ વેઠવું ન પડે એટલે તેઓ શાળા સંચાલકોની તમામ પ્રકારની દાદાગીરીને તાબે થાય છે. બાળકને અનુભવજગતમાં છૂટું મૂકવાને બદલે તેઓ તેને પોતાના તૈયાર અનુભવો કે દૃષ્ટિબિંદુઓ આપે છે. હવે વિભક્ત પરિવાર તેમ જ એક સંતાનની પ્રથા ચલણી બની રહી છે. આ સંજોગોમાં દરેક માબાપ મહારાજા શુદ્ધોધનની જેમ પોતાના રાજકુમાર કે રાજકુમારીની નજરે દુન્યવી દુ:ખો ન પડે એમ ઈચ્છે છે. બધાં માવતરની એવી કક્ષા હોતી નથી કે તેઓ પોતાના સંતાનને પૂર્વગ્રહરહિત સમજ આપે, બલ્કે અપવાદ સિવાય મોટા ભાગના કિસ્સાઓમાં માબાપ પોતાનાં ગૃહીતો જ સંતાનને આપે છે. પરિણામે બાળક ‘એ લોકો’ અને ‘આપણા લોકો’ના વિભાજન સાથે જ ઉછરતું જાય છે. આ વિભાજન કોમ આધારિત હોય એ જૂની વાત થઈ. હવે તે આર્થિક સ્થિતિ તેમ જ બીજાં અનેક નવાંનવાં પરિબળો અનુસાર થતું જાય છે.
નમૂનારૂપ એક કિસ્સો જોઈએ. અમદાવાદના ‘સાયન્સ સિટી’ વિસ્તારની આશરે 63 સોસાયટીઓએ હમણાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પગલા સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે. કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકો માટેની આવાસ યોજના ‘ઈ.ડબલ્યુ.એસ. (ઈકોનોમિકલી વીકર સેક્શન) હાઉસિંગ સ્કીમ’ની ઘોષણા કરવામાં આવી. આ ઘોષણા વિશે જાણીને આ વિસ્તારના રહીશોને લાગ્યું કે ‘પૉશ’ ગણાતા આ વિસ્તારમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો પણ રહેવા આવશે તો આ વિસ્તારની ‘પ્રતિષ્ઠા’ને હાનિ પહોંચશે. આથી તેમણે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. વિરોધના ભાગરૂપે તેમણે રેલીનું પણ આયોજન કર્યું છે.
આનો અંજામ જે આવે એ ખરો. સમાચારની દૃષ્ટિએ જોઈએ તો આ ઘટના બહુ નાની છે, પણ તેની પાછળ રહેલી બૃહદ સામાજિક પૃષ્ઠભૂમિ આપણી અસલી માનસિકતાની પરિચાયક છે. કોમ અને આર્થિક સ્થિતિ ઉપરાંત હવેના ડીજીટલ યુગમાં વિભાજન માટેનાં અનેક નવાં ક્ષેત્રો ખૂલી રહ્યાં છે. બહાર તો ઠીક, પણ પોતાના ઘરમાં જ તે જોવા મળશે. સમાનતાનો સિદ્ધાંત ખરેખર તો પુસ્તકિયો જ કહી શકાય એવો છે. ભારતીય સમાજમાં તે વિશેષરૂપે જોવા મળે છે, એનો અર્થ એમ નથી કે અન્ય સમાજોમાં તે વ્યાપેલો નથી. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, માનવ નામના સામાજિક પ્રાણીને કાં કોઈકની ઉપર રહેવું હોય છે, કાં કોઈકની નીચે. સત્તા, નાણાં, પદ, પ્રતિષ્ઠા, વૈભવ જેવાં પરિબળો આપણી આવી માનસિકતાના ચાલકબળ બની રહે છે. કોઈ વિધર્મી, ગરીબ કે જ્ઞાતિપ્રથાની સીડીમાં સૌથી નીચેના પગથિયે રહેલાઓ માટે અનુકંપાના માર્યા કશુંક કરી છૂટવા માગનારના મનમાં પણ આ વિભાજન સ્પષ્ટ હોય છે. આપણા દેશના બંધારણમાં ભલે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યાં હોય, આપણા મનમાંથી અસમાનતાનો ખ્યાલ ક્યારે જશે એ કહેવું મુશ્કેલ છે. જ્ઞાતિગત મતબૅન્ક હજી આપણી ચૂંટણીઓમાં હુકમનું પત્તું ગણાય છે. રાજકારણીઓને તેના દુરુપયોગ બાબતે ભાંડવાનો અર્થ નથી, કેમ કે, તેઓ તેનો ઉપયોગ ત્યારે જ કરી શકે જ્યારે નાગરિકોના પોતાના મનમાં આ બાબત હોય. ચૂંટણી નજીક આવે એટલે દરેક પક્ષના રાજકારણીઓ જાણે કે દલિત કે અદિવાસી પરિવારોને ત્યાં જઈને તેમની સાથે બેસીને ભોજન લેતા હોય એવી તસવીરો પડાવવા માટે રીતસર હરિફાઈમાં ઉતરે છે. આ હરકત જ દર્શાવે છે કે તેમના હૈયે આ વર્ગનું હિત કેટલું વસેલું છે.
અમદાવાદનો કિસ્સો આ જ માનસિકતાનું પ્રતિબિંબ છે. જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષે કોઈ પણ જાતના દબાણને વશ થવાની ચોખ્ખી ના ભણી દીધી છે, અને નબળા વર્ગ માટેના આવાસ જમીનની સુલભતા હશે ત્યાં જ બનશે એમ જણાવી દીધું છે. આનું પરિણામ શું આવશે એ તો સમય જ કહેશે, પણ આગામી વરસોમાં આવાં વધુ ને વધુ વિભાજનો માટે આપણે તૈયાર રહેવું પડશે એમ લાગી રહ્યું છે. આ બાબતે ગમે એટલી હકારાત્મકતા ધરાવીએ, વાસ્તવિકતાને નજરઅંદાજ કરવી મુશ્કેલ છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮-૨-૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
હકીકતમાં, સમગ્ર હિન્દુ જીવન, સંસ્કૃતિ ને રાષ્ટ્રીય પ્રવાહ સાથે
જોડીએ, હિન્દુત્વ નું અધઃપતન કરનારા આપણે જ,,,,,,,,,,,
આવા વિષયો ને બૌદ્ધિકતા થી જ માનવીય- હિન્દુ સંસ્કૃતિ સાથે
તાલમેલ કરવામાં આવે, જરૂરી…….