ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ : ભાગ ર : : આઝાદી માટેનો સંઘર્ષ : પ્રકરણ ૨૪: ૧૮૫૭ – ડલહૌઝીની ખાલસા નીતિ (૪)

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

૧૮૪૮માં ડલહૌઝી ગવર્નર જનરલ બન્યો. એનું આખું નામ તો ‘જેમ્સ ઍંડ્રુ બ્રાઉન રામ્સે, માર્ક્વિસ અને ટેન્થ અર્લ ઑફ ડલહૌઝી’ હતું પણ ઇતિહાસ એને ડલહૌઝીના નામે જ ઓળખે છે. બ્રિટનના સામ્રાજ્યવાદી, જમણેરી અને રૂઢિચુસ્ત રાજકારણીઓમાં ૩૫ વર્ષનો આ યુવાન પ્રિય હતો. એ પોતે પણ કટ્ટર સામ્રાજ્યવાદી હતો. ભારતના ઇતિહાસમાં અંગ્રેજ સત્તાએ ‘ડૉક્ટ્રીન ઑફ લેપ્સ’ લાગુ કર્યો તે ડલહૌઝીને નામે ચડે છે. ડૉક્ટ્રીન ઑફ લેપ્સ હેઠળ અંગ્રેજોના આશ્રિત રાજાઓને સંતાન ન હોય તો દત્તક લઈને કોઈને ગાદી સોંપવાનો અધિકાર રદ કરવામાં આવ્યો,

આપણે આગળ જોઈ ગયા છીએ કે વૅલેસ્લીના સમયથી અંગ્રેજોની નીતિ રાજ્યોને ખાલસા કરવાની જ હતી. પરંતુ એ નીતિનો અમલ સગવડિયા ધર્મ જેમ થતો; કોઈકને દત્તક લેવાની છૂટ હોય, તો કોઈકનું રાજ્ય ગળી જતા. ડલહૌઝીએ એ કાયદાને સળંગસૂત્ર બનાવ્યો. પહેલાં એવું હતું કે રાજા દત્તક લેતાં પહેલાં સર્વોપરિ સત્તાને, એટલે કે ઈસ્ટ ઇંડિયા કંપનીએ નીમેલા ગવર્નર જનરલની મંજૂરી મેળવે. એ નક્કી કરે કે દત્તક લેવાની છૂટ આપવી કે કેમ. આમ સિંધિયા, હોલકર વગેરે મોટાં રાજ્યો દત્તક લઈ શક્યાં. ડલહૌઝીએ એમાં ફેરફાર એટલો કર્યો કે મંજૂરી માગવા કે આપવાનો સવાલ જ નહીં; રાજા બિનવારસ મરી જાય તો રાજ્ય સીધું જ સર્વોપરિ સત્તાના હાથમાં ચાલ્યું જાય, દત્તકના હાથમાં જવાનો પ્રશ્ન જ ન રહે.

હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રમાણે ૧૨ પ્રકારના પુત્ર છે. આ પરંપરા ધીમે ધીમે ઘસાઈ ગઈ અને અંતે બે પ્રકાર રહ્યા – ઔરસ પુત્ર અને દત્તક પુત્ર. આમાં જાતનું પણ મહત્ત્વ હતું એટલે રાજાઓ માત્ર રાજપૂતોમાંથી જ દત્તક લઈ શકે. દત્તક લેતી વખતે કોઈ રાજ્યસત્તાની પરવાનગી લેવાનું શાસ્ત્રમાં વિધાન નથી. પરંતુ કંપની રાજે દત્તક લેવા માટે એમની પરવાનગી લેવાનો નિયમ બનાવ્યો હતો, જે ધર્મની વિરુદ્ધ હતો. ડલહૌઝીએ તો દત્તક લઈ જ ન શકાય એવો નિયમ બનાવી દીધો. આ નિયમ તો હિન્દુ ધર્મના પરંપરાગત વિધાન પર સીધો હુમલો હતો. આની સામે માત્ર રાજાઓ કે જાગીરદારોમાં નહીં, સામાન્ય હિન્દુ સમાજમાં પણ ભારે વિરોધ હતો. હિન્દુ સમાજમાં પુત્રનું બહુ મહત્ત્વ તો આજ સુધી રહ્યું છે. એવી માન્યતા છે કે પુત્ર માતાપિતાને ‘પું’ નામના નર્કમાંથી મુક્ત કરાવે છે અને પિતાના મૃત્યુ પછી એ પિતાનું સ્થાન લે છે. વળી પુત્ર દ્વારા પિતાનો પુનર્ભવ થતો હોવાનું પણ મનાય છે..ડલહૌઝીની ખાલસા નીતિ માત્ર રાજકીય નહીં, ધાર્મિક હુમલા જેવી પણ હતી.

ડલહૌઝીના પ્રશંસક લેખકોનું કહેવું છે કે રાજા દત્તક લે તો એ માત્ર પોતાની સંપત્તિ જ વારસામાં આપી શકે, રાજ્ય ચલાવવાનો અધિકાર આપવાની જોગવાઈ તો ધર્મમાં પણ નથી. પરંતુ એના વિરોધીઓનું કહેવું છે કે દત્તક પુત્ર દત્તક લેનાર પિતાનું સ્થાન લેતો હોવાથી એને બધી જવાબદારીઓ અને અધિકારો મળે છે.

પરંતુ ડલહૌઝીની દલીલ એ હતી કે આ ‘નકલી રાજાઓ’નો વહીવટ સારો નથી. રાજાઓ ગુલતાનમાં મસ્ત રહે છે, પ્રજા પ્રત્યે જરાય જવાબદાર નથી હોતા. રજવાડાંઓની પ્રજા દુઃખી રહે છે. એમને સુશાસન આપવાની કંપની સરકારની ફરજ છે. તેમાં પણ રાજાનું મૃત્યુ થાય તે પછી મનફાવે તેને પોતાનું રાજ્ય સોંપી દે તે પ્રજાના ભલા માટે નથી. પ્રજા અને કંપની સરકાર વચ્ચે સીધા સંબંધમાં આ રાજાઓ આડે આવે છે અને એમને હટાવવા જ જોઈએ.લંડનની સરકાર અને ઈસ્ટ ઇંડિયા કંપનીના ડાયરેક્ટરોએ એની આ દલીલ માન્ય રાખી. આખા ભારત પર અંગ્રેજોનું રાજ સ્થાપાય તેમાં એમને ભારતની જનતાનું ભલું દેખાતું હતું!

૧૮૪૮માં ભારત આવ્યા પછી તરત ડલહૌઝીએ પોતાની યોજના પર કામ શરૂ કરી દીધું. સૌ પહેલાં તો એણે પંજાબ પર ધ્યાન આપ્યું. પંજાબ અને અફઘાનો વચ્ચે યુદ્ધ ચાલ્યા કરતું હતું. ડલહૌઝી આવ્યો તે પહેલાં, અંગ્રેજો અને શીખો વચ્ચે લડાઈ થઈ તે પછી પંજાબ પર અંગ્રેજોનો લગભગ કબ્જો હતો જ. પંજાબને ત્રણ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું હતું. ત્રણ લૉરેંસ ભાઈઓ હેનરી, જ્યૉર્જ અને જ્હૉન ત્રણેય ભાગના ગવર્નર હતા. એક જ પરિવારનું વર્ચસ્વ પંજાબમાં હતું, ડલહૌઝીએ પહેલાં તો એ તોડ્યું. એથી એની યોજના પંજાબમાં લાગુ કરવાનું સહેલું થયું. બીજી બાજુ, શીખ જાગીર–દારો અંદરોઅંદર લડતા રહેતા હતા. ડલહૌઝી માટે આ સારું બહાનું હતું. ૧૯૪૯માં એણે સગીર વયના રાજા દલીપ સિંહને ગાદીએથી હટાવ્યો અને ૫૦,૦૦૦ રૂપિયાનું સાલિયાણું આપ્યું અને લંડન મોકલી દીધો. શીખ સૈનિકોમાંથી મોટા ભાગનાને અંગ્રેજી ફોજમાં સામેલ કરી લીધા અને એમનો અહંભાવ પોસાય તે માટે શીખોને ‘લડાયક જાત’ ગણાવ્યા. કંપનીએ પંજાબ પાસેથી ૫૩ લાખ રૂપિયા લેવાના હતા, તેના બદલામાં કોહીનુર હીરો જપ્ત કરી લેવાયો.

આમ પંજાબ અંગ્રેજોના તાબામાં ગયું. ૧૮૫૭ના બળવાને શીખો ‘પુરબિયાઓનો બળવો’ (પૂર્વના સિપાઈઓનો એટલે કે હિન્દુસ્તાનીઓનો બળવો) માનતા હતા અને બળવાને દબાવવામાં અને ખાસ કરીને દિલ્હી પરનો વિદ્રોહીઓનો ઘેરો તોડવામાં શીખોએ ભારે મદદ કરી.

એ જ રીતે સાતારાનો વારો આવ્યો. અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે ત્રીજું યુદ્ધ થયા પછી મરાઠા સત્તા સંપૂર્ણ વેરવીખેર થઈ ગઈ. યુદ્ધ પછી ૧૮૧૮માં અંગ્રેજોએ શાહુ બીજાના પુત્ર પ્રતાપ સિંહને ગાદી આપી પણ એ નામનો જ રાજા હતો. પરંતુ ૧૮૩૯માં એને પદભ્રષ્ટ કરીને એના ભાઈ અપ્પાજીને ગાદીએ બેસાડ્યો. પરંતુ અપ્પાજી નિઃસંતાન હતો અને એ દત્તક લેવા માગતો હતો પણ કંપનીએ ૧૮૪૮ સુધી એની અરજીનો કંઈ જવાબ ન આપ્યો અને ડલહૌઝીએ એનું રાજ્ય ખાલસા કરી લીધું.

બર્માનું પેગુ પણ અંગ્રેજોના હાથમાં પડ્યું, બર્માની લડાઈ વચ્ચેથી ડલહૌઝીએ સિક્કિમ પણ પોતાના કબજામાં લઈ લીધું.. સંબલપુરમાં પણ ડૉક્ટ્રીન ઑફ લેપ્સ લાગુ થયો.

પરંતુ ઝાંસીનો કેસ ખાસ ઉલ્લેખ માગે છે. લેખક વિલિયમ લી- વૉર્નર સંદર્ભમાં દર્શાવેલા પુસ્તકમાં ઝાંસીને ખાલસા કરી લેવાના નિર્ણયનો બચાવ કરે છે, જે કંઈક આ પ્રમાણે છેઃ“મરાઠાઓએ ઉત્તર ભારતમાં કરેલી લૂંટફાટનો આ નાનો ટુકડો હતો, જે પેશવાએ ૧૮૧૭માં કંપનીને સોંપી દીધો હતો. એના નવા શાસકોને એ જ વર્ષે ‘સુબેદાર’નું બિરુદ આપવામાં આવ્યું અને ૧૮૩૨માં એ બિરુદ ફેરવીને ‘રાજા’ બનાવી દેવાયું. રાજાનું શાસન નબળું હતું અને એ નિઃસંતાન હતો. ૧૮૩૯માં એનું મૃત્યુ થયું ત્યારે બ્રિટિશ સરકારે દત્તકને ન માન્યો. એ વખતે ચાર દાવેદાર હતા તેમાંથી એકને પસંદ કરીને એને હકુમત સોંપી. એણે પણ બહુ ખરાબ વહીવટ કર્યો અને એ નિઃસંતાન મૃત્યુ પામ્યો. ફરી એ જ દાવેદારોમાંથી એકને પસંદ કર્યો. પરંતુ એ દરમિયાન ઝાંસી અને એની પાસેના જલાઉનમાં હાલત બહુ જ ખરાબ હતી એટલે સરકારે પોતે જ સત્તા સંભાળી અને ગાડી પાટે ચડાવી. તે પછી સર્વોપરિ સત્તાએ પસંદ કરેલા રાજાને ૧૮૪૨માં ફરી રાજ્યનું સુકાન સોંપી દેવાયું અને એણે સારો વહીવટ આપ્યો. ૧૮૫૩માં એ પણ નિઃસંતાન મૃત્યુ પામ્યો. એ વખતે ડલહૌઝીએ લખ્યું કે ઝાંસી અને જલાઉનની પ્રજા તરફ સરકારની ફરજ બને છે એટલે સીધો જ વહીવટ સંભાળી લેવો. આના બદલામાં રાણીને સારુંએવું પેન્શન પણ બાંધી આપવામાં આવ્યું.

લી-વૉર્નર કહે છે કે આ જ નીતિ લાગુ કરીને ડલહૌઝીએ બીજાં કેટલાંક નાનાં રાજ્યો “સ્થાનિકની પ્રજાના ભલા માટે” ખાલસા કરી લીધાં.

ડલહૌઝીની નીતિના ટીકાકારો પણ ઘણા હતા. એ ૧૮૫૬માં પાછો ગયો તે પછી છાપાંઓ પણ એની રાજ્યો હડપ કરવાની નીતિની ટીકા. કરતાં રહ્યાં. જો કે ઈસ્ટ ઇંડિયા કંપનીના ડાયરેક્ટરોએ એનો કદી વિરોધ ન કર્યો. એ જ રીતે સરકારનું વલણ પણ નરમ રહ્યું. પરંતુ એના જવા પછી એક વર્ષથી પણ ઓછા સમયમાં આખા હિન્દુસ્તાનમાં ઠેરઠેર બળવો ફાટી નીકળ્યો. ડલહૌઝીની નીતિ જ ૧૮૫૭ના મહાન સ્વતંત્રતા સંગ્રામ માટે જવાબદાર હતી એવું માનનારાની સંખ્યા તો એ વખતે પણ ઓછી નહોતી.

ખેડૂતો અને આદિવાસીઓ તેમ જ સામાન્ય લોકોમાં તો એમની અવદશાને કારણે વિરોધ હતો જ; તેમાં ગાય અને ડુક્કરની ચરબીવાળાં કારતૂસોને કારણે સિપાઈઓનો રોષ ભળ્યો અને નાનામોટા રાજાઓ પણ હવે અંગ્રેજોની વિરુદ્ધ કમર કસવા લાગ્યા.

૦૦૦

મનુસ્મૃતિ ૧૨ જાતના પુત્ર ગણાવે છે જેમાંથી માત્ર પ્રથમ ૬ પ્રકારના પુત્રોને સંપત્તિનો અધિકાર છેઃ (૧) ઔરસ (પોતાની પત્નીથી થયેલો); (૨) ક્ષેત્રજ (નિયોગ દ્વારા); (૩)દત્તક (બીજા દંપતીનો સ્વીકારેલો પુત્ર); (૪) કૃત્રિમ (બીજાની સંમતિથી પોતાનો માનેલો); (૫) ગૂઢોત્પન્ન (કોઈ જાણતું ન હોય તેમ પેદા થયેલો); (૬) અપવિદ્ધ (માતાપિતાએ તરછોડેલો). આવા ૬ પ્રકારના પુત્રને સંપત્તિનો અધિકાર છે. (મનુસ્મૃતિ અધ્યાય ૯, શ્લોક ૧૫૮). (૭) કાનીન (અવિવાહિત પુત્રીનો પુત્ર); (૮) સહોઢ (લગ્ન વખતે પત્ની સાથે લાવી હોય તે); (૯) ક્રીત (ખરીદેલો); (૧૦) પૌનર્ભવ (પતિએ છોડેલી સ્ત્રીએ કે વિધવાએ અન્ય દ્વારા પેદા કર્યો હોય તે); (૧૧) સ્વયંદત્ત (માગ્યો ન હોય પણ બીજાએ જાતે જ સોંપી દીધેલો); (૧૨) શૌદ્ર (શૂદ્ર સ્ત્રીથી થયેલો). આવા ૬ પ્રકારના પુત્રને સંપત્તિનો અધિકાર નથી. (મનુસ્મ્રુતિ અધ્યાય ૯, શ્લોક ૧૫૯).

સાધના પબ્લિકેશન્સ, સંપાદકઃ સુરેશ જાયસવાલ. આવૃત્તિ ૨૦૦૮ પૃષ્ઠ ૩૨૩. ISBN 81-89789-18-X.

આપણે દલિપ ટ્રૉફીથી પરિચિત છીએ.

0000

1. The Life of Marquis of Dalhousie.Sir William Lee-Warner, 1904

2. https://www.britannica.com/topic/doctrine-of-lapse

3. https://en.wikipedia.org/wiki/Pratap_Singh,_Raja_of_Satara

4. https://en.wikipedia.org/wiki/Baji_Rao_II

()()()()()

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *