વ્યંગિસ્તાન :: આરામ : હમ ઝમાને સે દૂર જા બૈઠે

Facebooktwitterredditpinterestlinkedinmail

કિરણ જોશી

આરામનો ઇતિહાસ કાચબા અને સસલાની વાર્તા જેટલો જૂનો છે.ને એક ખ્યાલ તરીકે આરામની આવરદા એ વાર્તાની જેમ અજરામર છે.એ વાર્તામાંથી આપણે સાવ ખોટો બોધ ગ્રહણ કરતા આવ્યા છીએ:’વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચવું નહીં.’-પ્રકારનો બોધ ગ્રહણ કરી આપણે અજાણ્યે સસલાએ રેસ દરમિયાન કરેલા આરામ પર જવાબદારીનું ઠીકરું ફોડીએ છીએ. આ વાર્તામાંથી નીપજતો સાચો બોધ આ છે:’મંથર ગતિએ કામ કરનાર આરામથી કામ કરતો હોઇ તેને આરામ કરવાની જરૂર જ નથી પડતી. સામે ઝડપભેર કામ કરનાર પોતાના કામમાં વધુ પડતી ઉર્જા રેડતો હોઇ તેના માટે આરામ કરવો જરૂરી બની જાય છે. આવું કરવામાં એકાદ કિસ્સામાં કામ મોડું પૂરૂં થાય તો એમાં વાતનું વતેસર ન બનાવવું જોઇએ,ને આવી વાર્તા તો હરગિજ ન બનાવવી જોઈએ.

આરામ કરવાની વાત નીકળે એટલે લોકો પૂછ્યા-કાછ્યા વિના પંડિત નહેરુના ‘આરામ હરામ હૈ’-વાળા સૂત્રને ટાન્કવા બેસી જાય છે. નિરાધાભૂત સુત્રોના જણાવ્યા મુજબ પોતે ઉત્તરપ્રદેશના વતની હોઇ નહેરુએ કદીક મસ્તીની ક્ષણોમાં ગલોફામાં બનારસી પાન દાબીને પિચકારી મારતાં અસલ ભોજપુરીમાં કહ્યું હશે,’આરામ હમરા હૈ.’

એક દાસકવિ કહી ગયા છે,’શાંતિ પમાડે તેને સંત કહીએ.’ શ્રીરામ તો સંતોના ય આરાધ્ય દેવ.શ્રીરામ આરામ આપે છે. મૃતક માટે પ્રાર્થના કરતી વેળા આપણે કહીએ છીએ કે ‘ભગવાન સદ્ગતના આત્માને ચિર શાંતિ આપે.’ હકીકતમાં આપણી પ્રાર્થના હોવી જોઈએ કે ભગવાન મૃતકના આત્માને ભરપૂર આરામ આપે. કેમ કે ભટકવાની નિયતિ ધરાવતા કેટલાક આત્માઓને મૃત્યુ પછી પણ આરામ નથી મળતો હોતો. મૃતકને સ્મશાન લઈ જતી વખતે રામનામનો જાપ તે હેતુથી જ કરવામાં આવે છે. જો શાંતિ માટેની મથામણ હોત તો આપણે કોઈ સંતના નામનો જાપ કરતા હોત.

આરામના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય: એક, ફરજિયાતપણે કરવો પડતો આરામ ને બે, સ્વેચ્છાએ કરવામાં આવતો આરામ. કમળો,ટાઇફોઇડ જેવી બિમારી કે હાથ-પગનાં હાડકાં તૂટવાની સ્થિતિમાં ડોક્ટર ભોગ બનેલાને ફરજિયાત આરામ કરવાની સલાહ આપે છે. આ પ્રકારનો આરામ કરનારો તેની ખબર જોવા આવનાર દરેક સમક્ષ એક જ ફરિયાદ કર્યા કરે છે. ‘ઘરે બેસીને આરામ કરવાનો સખત કંટાળો આવે છે.થાય છે ક્યારે સાજો થાઉં ને ક્યારે ઓફિસે જાઉં!’ તેની આ દાસ્તાન સામ્ભળીને તેની ખબર જોવા આવેલો બોસ મનમાં વિચારે છે,’આ કેવો નાટકબાજ છે! ઓફિસમાં એને કામ કરવાનો કંટાળો આવે છે ને ઘરમાં એને આરામ કરવાનો કંટાળો આવે છે.’ કેટલાક લોકો સાચે જ એવા હોય છે જે રાત્રિ પસાર કરવા પૂરતા જ ઘરે આવતા હોય છે.દિવસભર આ લોકો નોકરી કરતા હોય છે ને નોકરી પહેલાના તથા નોકરી પછીના કલાકો દરમિયાન થોડા કામના ને મોટાભાગના ના-કામના વહીવટોમાં આમતેમ ફર્યા કરતા હોય છે. ફરજિયાત આરામના કાળમાં તેઓ જીવનમાં પહેલી વાર મન ભરીને ઘરની ચાર દીવાલોને,છતને તથા છત પર લટકતા કેપેસિટર ઊડી ગયેલા પંખાને જોવા પામે છે. દરરોજ રાત્રિભોજન પર પત્ની દ્વારા પોતાની પર સાસુ તથા સંતાનો દ્વારા ગુજારવામાં આવતા જુલ્મોસિતમનો આહેવાલ સામ્ભળતા આવા લોકો ફરજિયાત ગૃહબંદીની સ્થિતિમાં એ જાણવા પામે છે કે પત્નીના અહેવાલોમાં સિમેન્ટનું પ્રમાણ કેટલું હતું ને રેતીનું પ્રમાણ કેટલું હતું!

સ્વેચ્છાએ આરામ કરનારાઓ અંગેની કરૂણતા એ છે કે તેઓ જ્યારે કામ કરાતા હોય છે ત્યારે તેમની કોઈ નોંધ લેતું નથી હોતું;પણ જ્યારે તેઓ ઘડીક પોરો ખાવા બેસે છે ત્યારે આખો જમાનો તેમને તેમ કરતાં જુએ છે ને પાછો વક્રદ્રષ્ટિથી જુએ છે,’આ ઉંમરે વળી થાક શાનો ને આરામ શાનો! તમારી ઉંમરે અમે રાત-દિવસ જોયા વિના ગધેડાની માફક સતત કામ કરતા હતા.’ સામ્ભળનારને થાય કે આ કાકા મોટીમોટી હાન્કે ત્યાં સુધી તો બરાબર છે હવે;પણ એમાં નિર્દોષ એવા ગધેડાને શા માટે વચ્ચે લાવતા હશે!

‘પોતે કદીય આરામ નથી કરતા.’-પ્રકારનો જે લોકો દાવો કરે છે તેઓ પ્રસિધ્ધિપ્રેમી હોય છે. સતત કાર્યશીલ રહીને તેઓ પોતાનો જયજયકાર તો નોન્ધાવી લે છે પરંતુ જરાય આરામ ન મળવાને કારણે તેમના શરીરની બુરી વલે થાય છે. પાછા તેઓ પોતાની જાતને ‘એઝ બીઝી એઝ અ બી’(મધમાખી જેટલા કાર્યશીલ) ગણાવતા હોય છે. આવો દાવો કરતી વખતે તેઓ એ હકીકત ભૂલી જાય છે કે સતત વ્યસ્ત રહેતી કામદાર મધમાખીનું આયુષ્ય પાંચથી સાત અઠવાડિયા જેટલું હોય છે જ્યારે પોતાને મધમાખી અવતાર ગણતી વ્યક્તિ આયખાના પાંચથી સાત દાયકા વટાવી ચૂકી હોય છે. અરે, ‘ઊઠો,જાગો અને ધ્યેરપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’-નું સૂત્ર ટાન્કનાર અને એ સૂત્રને જીવનમાં ઉતારનાર સ્વામી વિવેકાનંદ પણ ક્યાં ચિર આયુષ્ય ભોગવી શક્યા હતા! જો સ્વામીજીએ ‘આરામથી ઊઠો, આરામથી જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી આરામથી મંડ્યા રહો.’-પ્રકારની વાત કરી હોત તો ને પોતાના જીવનમાં ઉતારી હોત તો તેમની ફિલસુફીનો લાભ બીજા ત્રણેક દાયકા સુધી આપણા સમાજને મળી શક્યો હોત.

આરામ કયા સ્થાને અને કેવી રીતે કરવો તે તમે કામ કરીને કઇ હદે થાકી ગયા છો તેના પર આધાર રાખે છે. સોફા પર આડા પડીને,ખુરશી પર બેસીને કે તકિયાને અઢેલીને ફર્શ પર આરામ કરવાના આગ્રહી લોકો શારીરિક શ્રમ ઓછો ને માનસિક વ્યાયામ વધારે કરે છે એવું કહી શકાય. બાકી, પુષ્કળ શારીરિક શ્રમને અંતે આરામ કરવા માગતી ‘ના માંગુ સોના ચાન્દી,ના માંગુ બંગલા-બાડી’ની જેમ આરામના વિકલ્પે અન્ય કોઇ બાબતની અપેક્ષા રાખતો નથી. મુમ્બઇના ભેજયુક્ત વાતાવરણમાં આખો દિવસ ઓફિસમાં કામ કરવાને અંતે કર્મચારીનો હોર્સપાવર ઉતરીને તળિયે આવી જાય છે. મુમ્બઇની લોકલ ટ્રેનની એ જગવિખ્યાત ભીડમાં ટ્રેનનું હેન્ડલ પકડીને ઊભેઊભે પોણો કલાક-કલાક આરામ કરી લે છે. મોટાભાગે એ ટ્રેનોમાં એટલી સખત ભીડભાડ હોય છે કે કર્મચારીને સમજી નથી શકતો કે તે પોતાની જાતને આરામ આપી રહ્યો છે કે તેને ભીડાઇને ઊભેલી વ્યક્તિની જાતને!


શ્રી કિરણ જોશીનો  kirranjoshi@gmail.com વીજાણુ સરનામે સંપર્ક થઈ શકે છે.

જૂના જમાનામાં માણસોને ઘણી નિરાન્ત રહેતી.એ લોકો એટલો બધો આરામ કરતા કે આરામ કરીને તેઓ થાકી જતા.જ્યારે આજનો માણસ કામકાજમાં એટલો બધો અટવાયેલો રહે છે કે તેને આરામ કરવાનો વિચાર સુધ્ધાં નથી આવતો. હા, આખો વખત કામ કરીકરીને તે એડિસનની જેમ વીજળીનો બલ્બ કે રાઇટ બંધુઓની જેમ વિમાનની શોધ કરવા જેવું પરાક્રમ કરી બતાવતો હોય તો ઠીક છે. આટલું બધું કામ કર્યા પછી પણ તે કામ એવું ઢંગધડા વિના કર્યું હોય છે કે સવારે પાંચ વાગ્યે જાગીને તેમાં સમારકામ કરવાનું થાય છે.

ભલા માણસ, કામ તો આખી દુનિયા કરે છે. તું ય કરે છે. કોઇ ના કરતું હોય તેવું કામ કરીને તારો આગવો ચીલો પાડ. કોઇ ના કરતું હોય તેવું કામ તું જાણે છે? એ છે આરામ કરવાનું કામ.

4 comments for “વ્યંગિસ્તાન :: આરામ : હમ ઝમાને સે દૂર જા બૈઠે

 1. Dilip Shukla
  March 13, 2019 at 9:57 am

  I had to sacrifice my leisure time and read your article. Full of humour.enjoyed.

 2. પીયૂષ પંડ્યા
  March 13, 2019 at 10:38 am

  સ્વાગત છે, શ્રીમાન કિરણ જોશીનું. આળસ અને કામચોરી પણ તાજગીસભર હોય એની જાણ આ લેખ વાંચવાથી થાય છે.

 3. Bhagwan thavrani
  March 13, 2019 at 9:45 pm

  સરસ શૈલી ! રસાળ વ્યંગ્ય !
  આવા લેખ આરામથી વાંચવાની મજા પડે…

 4. March 14, 2019 at 2:41 pm

  ભલે આ વ્યંગ લેખ હોય પણ મારા જેવા આળસું ને આરામનો મહિમા એટલો વ્હાલો લાગ્યો જાણે દોડવા માટે ઢાળ મળ્યો હોય!.. મજા આવી 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *