સંસ્કૃતિની શોધમાં : ૫ : સાત પહાડોની વચ્ચે વસેલ કાસ્ટ્રા બૉનેનજિયા

Facebooktwitterredditpinterestlinkedinmail

સંસ્કૃતિની શોધમાં - Title photo

પૂર્વી મોદી મલકાણ

સાત પહાડોની વચ્ચે વસેલ આ નાના શા શહેરની કથા નિરાળી છે. આ શહેરની ઉંમર લગભગ ૨ હજાર વર્ષની છે. એક સમયે આ શહેર “કાસ્ટ્રા બૉનેનજિયા”ને નામે રોમન સામ્રાજ્યનું મુખ્ય થાણું હતું. સમયાંતરે આ કાસ્ટ્રા બૉનેનજિયા નામ બોલવા માટે બહુ મુશ્કેલ પડતું હતું તેથી આ નામમાંથી “બૉન” શબ્દનો જન્મ થયો. ૧૩મી સદીથી ૧૮મી સદી સુધીમાં આ શહેરમાં અનેક મોટી ઇમારતો બની જેમાં બૉન યુનિવર્સિટી અને પૌપલ્સડૉર્ફ પેલેસ એ બે ખાસ છે. ૧૯૬૧ની એક રાત્રિ જર્મનીનાં એ જૂના જર્મનવાસીઓનાં હૃદયમાં હંમેશાને માટે એક ડાઘ મૂકી ગઈ. એ રાત્રિએ રશિયનોને કારણે જર્મનીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ બની ગયાં હતાં. આ સમયે બર્લિન એ પૂર્વ જર્મનીનું અને બૉન એ પશ્ચિમ જર્મનીનું પાટનગર બન્યા હતાં. બંને દેશ વચ્ચે ૧૨ ફૂટ ઊંચી અને ૧૦૯ કી.મી લાંબી ક્રોંક્રીટની દીવાલ રચાઇ ગઈ. ૭ નવેમ્બર ૧૯૮૯માં પૂર્વ જર્મનીની સરકારે રાજીનામું આપી દીધું. આ ઘટનાનાં બે દિવસ પછી બંને ભાગનાં લોકોએ વચ્ચેની દીવાલ તોડી નાખી આખા દેશને એક જર્મનીનાં રૂપમાં પ્રતિઘોષિત કર્યો. સંયુક્ત જર્મનીનાં એક વર્ષ પછી બર્લિનને જર્મનીનો પાટનગરનો દરજ્જો મળ્યો અને બૉન કેવળ એક સામાન્ય શહેર બની ગયું. બીજી રીતે જોઈએ તો બૉનની આ સામાન્યતામાં પણ અનેક વિશેષતા હતી જેને કારણે ૧૯૯૬ માં બૉનને સંયુક્ત રાષ્ટ્ર સંઘ માટે પસંદ કરવામાં આવ્યું. આજે અહીં સં. રા. સંઘની અનેક ઓફિસો આવેલી છે. લગભગ ૩ લાખ લોકોની વસ્તી ધરાવતા આ શહેર ઉપર ફાધર રાઈનનો મોટો પ્રભાવ હોઈ તેમને રાઈનલૈંડર્સ એટલે કે રાઈનના વાસી તરીકે ઓળખવામાં આવે છે.

બૉનમાં અમારી હોટેલ હિલ્ટન હતી, જે મારે માટે ખાસ બની રહી. કારણ કે એક તો એ રાઈનને તીરે આવેલ હતી અને બીજું એ કે હોટેલમાંથી બહાર નીકળો કે તરત જ ડાઉનટાઉન શરૂ થઈ જતું હતું. તેથી ટુરિસ્ટ તરીકે નીકળીને પણ આ શહેરની અંદર ભળવા માટે સરળ હતું. સ્ટેશનથી હોટેલ સુધીનાં રસ્તા પર અમે વિવિધ રૂપમાં ડ્રેસઅપ થયેલ અનેક લોકો જોયાં જેને કારણે મને અમારો હેલોવિનનો ઉત્સવ યાદ આવી ગયો. હોટેલ પર જઈ અમે આ અંગે ચેક કર્યું ત્યારે અમને જવાબ મળ્યો કે અહીં અત્યારે કાર્નિવલનો સમય ચાલે છે. ચાહો તો તમે એમાં ભાગ લઈ શકો છો એમ કહી રિસેપ્શનિસ્ટે મારા હાથમાં કાર્નિવલ રૂટનો અને તેનાં સમયનો નકશો થમાવ્યો.

બૉનની આ હોટેલમાં અમને મળેલો રૂમ બહુ સુંદર હતો. કારણ કે રૂમની બે અલગ અલગ દિશામાંથી રાઈનનાં બે અલગ અલગ વ્યૂ અમને દેખાતાં હતાં. આ બંને વ્યૂ મને એક અલગ શહેર તરફ લઈ જતાં હતાં; અને ગેલેરી….ગેલેરીની સવાર અમને એક અદ્ભુત રસમાં ડૂબાડી દેતી હતી.

ટૂંકમાં કહું તો રાઈને મને સહેલી તરીકે પૂર્ણ સાથ આપ્યો હતો, તે મને છોડીને ગઈ ન હતી. રાઈન અને તેની આજુબાજુનાં સૌંદર્યને જોઈ હું વિચારવાં લાગી કે ૩ દિવસ તો પૂરતા છે મારી પાસે માટે આ ત્રણેય દિવસમાં નીર અને મૌનની ગતિમાં વહેતાં આ શહેરને પૂરેપુરું પી લેવું જોઈએ.

અમે પહોંચ્યાં એ દિવસે મલકાણને રજા હતી તેથી થોડો આરામ કર્યા બાદ અમે ત્રણેય સાથે સાથે બૉનની ગલીઓમાં છુપાયેલ ઇતિહાસને શોધવા સિટી ટૂર ઉપર નીકળી ગયાં. અમારો પહેલો પડાવ હતો બૉનનાં પનોતાં પુત્રનાં ઘર કમ મ્યુઝિયમમાં.

સંગીતકાર બિથોવેન:-

બૉનનાં આ લાડલા દીકરાનું ઘર શોધવા અમે અમારી શરૂઆત રાઈન પાસેથી કરી. તે દિવસે સૂર્ય વાદળો સાથે મળીને સંતાકૂકડી રમી રહ્યો હોઈ વાતાવરણ વાદળછાયું હતું. પણ રાઈન પાસેથી દેખાતો ટાઉનનો વ્યૂ આહ્લાદક હતો.

અહીં અમુક ફોટા પાડી અમે શહેરની ગલીઓમાં વળી ગયાં, પણ આ ગલીઓમાંથી દેખાતી રાઈનનું સૌંદર્ય એટલું અનુપમ હતું કે તે મને વારંવાર તેની તરફ ખેંચી લેતું હતું.

વારંવાર રાઈનને મારા કેમેરામાં કંડારવા હું દોડી જતી તેથી એક જગ્યાએથી મી.મલકાણ હાથ ખેંચીને ટાઉન તરફ લઈ ગયાં. આ ગલીઓ જોઈ મને લાગ્યું કે કેવળ રાઈન જ નહીં બલ્કે અહીંની ગલીઓ પણ સોહામણી છે. આ ગલીઓનું પોતાનું સૌંદર્ય સિટીલાઈફ ઉપર ઝળકતું હતું.

આ ગલીઓની સડકો સ્ટોન ટાઇલ્સથી સુશોભિત હતી, આ સડકો જોઈ ફરી લાડેનબર્ગની એ પાછળ છોડી દીધેલી ગલીઓ યાદ આવી ગઈ. પણ લાડેનબર્ગની એ ગલીઓ અને આ શહેરની ગલી વચ્ચે ભેદ હતો. લાડેનબર્ગની એ ગલીઓમાં જૂના ઘરો અને રેસ્ટોરંટ્સ હતાં, જ્યારે બૉનની આ ગલીઓમાં ઇતિહાસ, કલા, પેંટિંગ, સંગીત, નૃત્ય, કવિતા, ધર્મ, એન્ટિક્સ, ફૂડ, મ્યુઝિયમ, ટાઉનહાઉસ, વિલા, હાઇડીંગ હાઉસ એમ બધાં જ નો સમન્વય કરાયો હતો. એમ તો કેવળ કલા, કવિતા, ઇતિહાસ અને એન્ટિક્સ જ જો અમારે જોવા હતાં તો લગભગ ૩૦ જેટલા મ્યૂઝિઅમો અમારી આસપાસ જ હતાં, પણ આ ગલીઓમાં ખોવાયાં પછી અમારી આંખોમાં અને મનમાં હતું એ ઘર; જ્યાં એક સદીના મહાન સંગીતકાર “લુડવિગ ફાન બિથોવેન” અમને મળવાનાં હતાં.

ટુરિસ્ટોથી ભરેલી બૉનની ગલીઓમાં ફરતાં અમને અહીં પથ્થરથી બનેલાં અનેક ચર્ચ દેખાયાં, જે મોટાભાગે ખાલી હતાં. કદાચ સાંજનાં સમયે વધુ લોકો આવતાં હશે તેમ મને લાગ્યું. કારણ કે ચર્ચનો ખૂલવાનો સમય બપોરે અઢી વાગ્યાંનો હતો. બિથોવેનનું હાઉસ શોધતાં શોધતાં અમે બે-ત્રણ ચર્ચની પણ મુલાકાત લઈ લીધી. આ મુલાકાત લીધેલ ચર્ચોમાંથી અમુક ચર્ચ મને બહુ ગમ્યાં જેમાંથી એક ૧૬૦૫માં અને બીજું ૧૯૦૪માં બંધાયેલ હતું. ૧૬૦૫માં જ્યારે આ ચર્ચ બંધાયેલ હતું ત્યારે આજુબાજુ આ શહેર ન હતું. આ ચર્ચથી અમુક દૂરી પર અમુક વસ્તીઓ વસેલી હતી. સવારસાંજ પ્રાર્થના શરૂ થાય તે પહેલાં ફાધર ચર્ચ બેલ વગાડતાં ત્યારે તે વસ્તીઓ પોતપોતાનાં પરિવાર સાથે આવી જતાં, વસ્તીમાં કોઈ મુશ્કેલી આવી જતી ત્યારે આ ચર્ચબેલ વગાડવામાં આવતો જેથી કરીને જે તે પરિવારને મદદ મળી શકે. સમય અનુસાર આ ચર્ચની આજુબાજુ વસ્તી વધવા લાગી અને ધીરે ધીરે ચર્ચ શહેરનો એક ભાગ બની ગયું. ૧૯મી સદીમાં આ સિવાય પણ અનેક ચર્ચ બંધાયેલ હતાં પણ ૧૯૦૪માં બંધાયેલ ચર્ચમાં ટીફ્ની ગ્લાસનો સૌ પ્રથમવાર ઉપયોગ કરાયો હતો. રંગબેરંગી ટીફની ગ્લાસને કારણે ચર્ચની અંદર જતાં જ વિક્ટોરિયન યુગનો અહેસાસ થતો હતો. ચર્ચની અંદર ભગવાન ઇસુની, મધર મેરીની, જેરુસલામની, યુરોપીયન રાજા-રાણીની અને તેના દરબારના ઇતિહાસની અનેક વાતો આલેખાયેલી હતી. બૉન શહેરમાં આ બંને ચર્ચ એવાં હતાં જે બંને વિશ્વયુધ્ધમાં ખંડિત થતાં રહી ગયેલાં હતાં. ૧૬૦૫માં બનેલ આ ચર્ચમાં હું અંદર ગઈ, ત્યારે અજબ એવી શાંતિ પથરાયેલી હતી. રૂમમાં અનેક બેંન્ચિઝ હતી પણ એ સમયે પ્રભુ પાસે યાચક કેવળ ૩ હતાં. હું, મી.મલકાણ અને મહેરીન. પ્રાર્થના રૂમના ત્રણ કોર્નરમાં મીણબત્તીઓ પ્રકાશિત થઈ રહી હતી, આ મીણબત્તીઓની બાજુની અમુક મીણબત્તીઓ એક નાની લાકડાની મંજૂષા રાખેલી. કોઈ શ્રધ્ધાળું આવે તો તે ૫૦ પેન્સ મંજૂષામાં નાખી દે અને પોતાની મીણબત્તી પ્રજ્વલિત કરી ત્યાં રહેલી રેતીમાં મૂકી દે. અહીં એક બોર્ડ હતું જેમાં લખ્યું હતું કે “મરતાં પૂર્વે તમારી ઈચ્છાઓ લખીને અહીં જીસસ પાસે મૂકી દો એ આપને સમજશે.” મારે માટે આ નવું હતું, પણ મેં પણ એ બોર્ડ પર મારી ઈચ્છાઓ લખીને મૂકી દીધી પછી અમે બહાર નીકળી ફરી બૉનની ગલીઓનાં પ્રવાસી થઈ ગયાં. આ ચર્ચથી થોડે દૂર લગભગ ગોળાકાર આકારમાં ટાઉનનું હૃદય (ચોક) હતું, જ્યાં બિથોવેનનું પૂતળું અને ચોરસ સ્તંભ હતાં. આ ઉપરાંત બિથોવેન થિયેટર અને હોલ હતાં. જ્યાંની હવામાં એક સમયે બિથોવેન એક સમયે પોતાની સિંફોની છોડતાં હતાં. પરંતુ અમે ગયાં ત્યારે આ બંને બંધ હતાં. જ્યારે બિથોવેન મ્યુઝિક ફેસ્ટિવલ આવે ત્યારે જ આ હોલ અને થિયેટર ખૂલે છે. આ હોલની આજુબાજુ અનેક શોપિંગ સ્ટોર્સ, રેસ્ટોરંટ્સ, બેકરી, આઇસ્ક્રીમ બાર, બિયરબાર અને આર્ટ ગેલેરીઓ હતાં. ગોળાકારમાં જતાં આ ચોકની એક સાઈડનો રસ્તો બૉનની આર્ટ ગેલેરીઓ અને મેડિકલ કોલેજ તરફ ખૂલતો હતો.

આ ઓલ્ડ ટાઉન સ્કેવરની એક ગલીમાં ફરતાં ફરતાં અમે બિથોવેન હાઉસ પહોંચી ગયાં.


ફોટોગ્રાફી:- પૂર્વી મોદી મલકાણ.


©૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ, યુ.એસ.એ  | purvimalkan@yahoo.com

5 comments for “સંસ્કૃતિની શોધમાં : ૫ : સાત પહાડોની વચ્ચે વસેલ કાસ્ટ્રા બૉનેનજિયા

 1. Meena
  March 13, 2019 at 8:58 pm

  Farva ni to maja che j pan Phota o jova Ni to enathi ye vadhu maja pade che.

 2. amita
  March 14, 2019 at 8:51 pm

  Purviben, reading a good story is a tremendously visual experience. You as a writer has done a phenomenal job triggering the magic of your readers imagination. Hope you had chance to meet with Beethoven composer. And hope your wishes comes true as you wrote down at the church…

 3. Niranjan Mehta
  March 18, 2019 at 12:44 pm

  પૂર્વીબેન, હંમેશ મુજબ વિસ્તૃત લેખ માહિતીસભર. ફોટાએ તેમાં શોભામાં અભિવૃદ્ધિ કરી. આગળના લેખની રાહ. અમીતાબેને લખ્યું છે કે તમે બીથોવનને મળ્યા હશો લાગે છે તેમને જાણકારી નથી કે તેઓ ૧૮૨૭મા મેઉત્યું પામ્યા હતાં.

 4. Bharti
  March 31, 2019 at 4:23 am

  Bonn, Art ni city, we.gu.mane aa tour by varnan to game j Che , pan photo o chat chand Muke che. Purviben Germany jova no maja made che ho. Tamara lekh upar thi aaje paheli vaar Bithovan ne you tube ma sambhalya.

 5. March 24, 2020 at 4:13 am

  પાકિસ્તાન જતાં જતાં બોનની સફર પણ તમે કરાવી દીધી. મજા આવી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *